Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

આ લેખમાં રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ બંધારણીય પદોને પોતાના વ્યક્તિત્વથી ગરિમા બક્ષનાર ડૉ. ઝાકીર હુસૈનના જીવનના ત્રણ પ્રેરક પ્રસંગો રજૂ થયા છે, જેમાં તેમની અભ્યાસવૃત્તિ, રાજદ્વારી કૌશલ્ય, પ્રકૃતિપ્રેમ અને પોતાની સંસ્થા પ્રત્યેની અતૂટ સંવેદના સુંદર રીતે ઉજાગર થાય છે.

ભારતમાં ઘણા ઉચ્ચ બંધારણીય પદો એવા છે કે ઘણીવાર તેને ગરીમામયી  વ્યક્તિત્વો મળી રહે છે. આ પદ ધારણ કરનાર વ્યક્તિઓ તે પદોને વધુ ઊંચાઇએ  લઈ જાય છે. રાજ્યના સર્વોચ્ચ વડા- રાજ્યપાલ, દેશના ઉપરાષ્ટ્રપતિ, ચેરમેન- રાજ્યસભા તથા રાષ્ટ્રપતિના પદો આના ઉત્તમ ઉદાહરણ છે. આ સંદર્ભે ડૉ. ઝાકીર હુસૈનનું નામ લેવું પડે. ઉપર જણાવેલ ત્રણેય પદોને તેમણે પોતાના વ્યક્તિત્વથી ગરીમા બક્ષી હતી અને પોતાની બંધારણીય ફરજ અદા કરી હતી.



અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે યુનિવર્સિટીને મહત્તમ ઊંચાઈએ લઈ ગયેલા ડૉ. ઝાકીર હુસૈન ૧૯૫૭માં યુરોપમાં હતા. તે સમયે  કેન્દ્રીય કેબિનેટ એ તેમને બિહાર રાજ્યના  રાજ્યપાલ તરીકે પસંદ કર્યા. ૬ જુલાઈ, ૧૯૫૭ના રોજ તેમણે બિહારના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રાજ્યના સર્વોચ્ચ પદ ઉપર હોવાથી રાજ્યપાલે ઘણા સમારંભમાં હાજરી આપવાની થાય છે. ૨૭ એપ્રિલ, ૧૯૫૮ના રોજ યોગવિદ્યા સંવર્ધક મંડળના ઉદઘાટન પ્રસંગ નિમિત્તે તેમને આમંત્રણ મળ્યું. ડૉ. હુસૈન પોતે યોગવિદ્યામાં ખાસ રસ ધરાવતા ન હોવાથી પહેલા તેમણે આયોજકોને  કોઈ અન્ય મહાનુભાવની પસંદગી કરવા માટે જણાવ્યું. પણ આયોજકોએ જ્યારે ફરીવાર તેમનો જ આગ્રહ રાખ્યો ત્યારે ડૉ. હુસૈન એ તે આમંત્રણ સ્વીકાર્યું. એ ખાસ નોંધાવનું કે, તેઓ મોટેભાગે પોતાની સ્પીચ જાતે લખતા, સુધારતા અને મઠારતા. આ સમારોહ  માટે તેમણે યોગના વિવિધ અવનવા પાસાઓનો અભ્યાસ કર્યો અને આ ક્ષેત્રથી ખાસ પરીચિત ન હોવા છતાં તેમણે ઉદઘાટન પ્રસંગ નિમિત્તે સુંદર વક્તવ્ય આપ્યું. 



     સમય આગળ વધ્યો. વર્ષ ૧૯૬૨માં ડૉ. ઝાકીર હુસૈન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર પસંદગી પામ્યા. ૧૩ મે, ૧૯૬૨ના રોજ તેમણે આ પદની જવાબદારી સંભાળી. ઉપરાષ્ટ્રપતિ પદ પર રહેલી વ્યક્તિએ  ‘ડિપ્લોમેટ’- રાજદ્વારીની  જવાબદારી પણ  નિભાવવાની હોય છે. વિવિધ દેશોના રાષ્ટ્રપ્રમુખો, વડાપ્રધાનો,  હોદ્દેદારો સાથે વિવિધ મુદ્દે  વાત કરી બંને દેશોના સંબંધો વિકસાવવાના હોય છે. ડૉ. ઝાકીર હુસૈન શિક્ષણ ક્ષેત્રમાંથી આવતા હતા. વૃક્ષો, ફૂલો, ખડકો,જીવાશ્મીઓ, રત્નો, ચિત્રો,  કેલિગ્રાફી, સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ સહિતના ઘણા વિષયોમાં તેમને જ્ઞાન  હતું. એકવાર બર્માના વડાપ્રધાનને ઉપરાષ્ટ્રપતિ ડૉ. હુસૈને જણાવ્યું કે તેમના દેશમાં થતા ‘એમહર્સ્ટિયા’ નામના વૃક્ષો જ્યારે ફૂલોથી લચી પડે છે ત્યારે સુંદર લાગે છે. ત્યારે આ બાબતથી એટલા જાણકાર ન હોવાથી બર્મિઝ  વડાપ્રધાને મંદ સ્વરમાં- હા કહ્યું. આ પ્રસંગ બાદ બર્મિઝ  વડાપ્રધાનને  આ વૃક્ષોની માહિતી તેમના અધિકારીઓ દ્વારા આપવામાં આવી. ત્યાર પછી  ઉપર જણાવ્યો તે પ્રસંગને ધ્યાને લઇ  ‘એમહર્સ્ટિયા’  વૃક્ષના કેટલાક છોડ બર્મામાંથી ભારત ઉપરાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસૈનને પહોંચાડવા માટે હુકમ થયો. પોતાના આગવા જ્ઞાન અને કૌશલ્યથી ઉચ્ચ પદ રહેલી વ્યક્તિ કેવો પ્રભાવ પાડી શકે છે તે તમે જોયું ને! 



     પાંચ વર્ષ બાદ ડૉ. ઝાકીર હુસૈન ભારતના સર્વોચ્ચ પદ- રાષ્ટ્રપતિ પદ ઉપર પસંદગી પામ્યા. ૧૩ મે, ૧૯૬૭ના રોજ તેમણે રાષ્ટ્રપતિ પદનો  કાર્યભાર સંભાળ્યો. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ પદે હતા ત્યારે ભારત સરકારની પુસ્તક પ્રકાશન સંસ્થા- ‘નેશનલ બુક ટ્રસ્ટ’ (એન.બી.ટી.)એ તેમને એક પુસ્તક મેળાના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું. શિક્ષણ ક્ષેત્ર- કોલેજ- યુનિવર્સિટીમાં કાર્યરત  રહી ચૂકેલા વ્યક્તિ માટે આવા કાર્યક્રમો  સુવર્ણ અવસર જ ગણી શકાય.ઉદઘાટન બાદ  આ પુસ્તક મેળામાં તેઓ ફરવા નીકળ્યા અને તેમણે અચાનક ‘મક્તબા જામિયા’ નો સ્ટોલ પુસ્તક મેળામાં કઈ તરફ છે તેમ પૂછ્યું. આયોજકોએ તેમને તે સ્ટોલ તરફ લઈ ગયા ત્યારે સ્ટોલ પર  પ્રદર્શિત કરેલા પુસ્તકો જોઈ અને તેઓ ભાવુક થાય. આ ખુશી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં જ્યારે છાપકામ વિભાગ શરૂ થયેલો ત્યારે શરૂઆતના સમયમાં થયેલ સંઘર્ષની તેમને યાદ આવી ગઈ અને તેમના આંખમાં આંસુ આવી  ગયા.તેઓ આ સંસ્થાના સહ સંસ્થાપક અને ૧૯૨૬-૧૯૪૮ એમ લાંબા સમયગાળાના વાઇસ ચાન્સેલર રહ્યા હતા.રાષ્ટ્રપતિ પદે  હોવા છતાં તેમણે પોતાની સંસ્થાના વિકાસમાં થયેલ  કાર્યો- પ્રયાસોને તેઓ ભૂલ્યા ન હતા. 



 આ તમામ ઘટનાઓ- બનાવોથી તમને ડૉ. ઝાકીર હુસૈન જેવા ઘણા ઓછા વ્યક્તિઓ જોવા મળશે જે આ ગરિમામયી પદોને અનુરૂપ જીવન જીવી ગયા અને પોતાની ફરજ બજાવી ગયા.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે