Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

આ લેખમાં ૧૯૩૭ની યુનાઇટેડ પ્રોવિઝન્સ (ઉત્તર પ્રદેશ)ની ચૂંટણી અને ત્યારબાદ સર્જાયેલી રાજકીય મડાગાંઠનું ઐતિહાસિક વિશ્લેષણ રજૂ કરાયું છે. લેખકના મતે, મંત્રીમંડળમાં મુસ્લિમ લીગને બે સ્થાન આપવાના મુદ્દે કોંગ્રેસ સાથે થયેલા મતભેદોએ 'ટુ નેશન થિયરી' અને અંતે પાકિસ્તાનના સર્જનનો પાયો નાખ્યો હતો.

‘ધુરંધર’ ફિલ્મના બીજા ભાગમાં- બડે સાહેબ કહે છે –“હિન્દુસ્તાન કી સિયાસત કા રાસ્તા  ઉત્તર પ્રદેશ હો કે  જાતા હૈ..” . ઉત્તર પ્રદેશ એ જ દેશના સૌથી વધુ વડાપ્રધાન દેશને આપ્યા છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે પાકિસ્તાનના સર્જન- ‘ ટુ નેશન થિયરી’ ની ચિંગારી પણ ઉત્તર પ્રદેશથી જ સળગી  હતી. ઘણા ઇતિહાસકારો દેશના ભાગલા માટે ૧૯૩૭ની ઉત્તર પ્રદેશ પ્રાંતની( તે સમયે યુનાઇટેડ પ્રોવિઝન્સ)ની ચૂંટણીમાં  કોંગ્રેસ એ  દાખવેલ જીદને જવાબદાર ગણતા રહ્યા  છે. 



     ૧૯૩૭ના વર્ષ સુધી ઓલ ઇન્ડીયા મુસ્લીમ લીગ હજુ પાકિસ્તાન કે મુસ્લિમો માટે અલગ દેશની માંગણી સુધી પહોંચી ન હતી. તેઓ પોતાને  ભારતમાં મુસ્લિમોના સંરક્ષક- હિત રક્ષક માનતા હતા. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા  એક્ટ -૧૯૩૫ હેઠળ દેશમાં વિવિધ પ્રાંતોમાં ચૂંટણી યોજાઈ. જે પ્રાંતોમાં  મુસ્લિમ બહુમતીમાં હતા,  જ્યાં મતોના ધ્રુવીકરણ માટે અવકાશ  ન હતો  ત્યાં મુસ્લિમ લીગને કારમી હાર વેઠવી પડી પરંતુ જે વિસ્તારોમાં મુસ્લિમ લઘુમતીમાં હતા ત્યાં મતોના  ધ્રુવીકરણ થકી, ધર્મની રાજનીતિને સહારે મુસ્લિમ લીગ થોડો બહેતર દેખાવ કરી ગઇ  કરી ગઈ જેમકે ઉત્તર પ્રદેશની   ૬૬ માંથી ૨૭ બેઠકો લીગ જીતી ગઈ. 



         ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની સંખ્યા ૧૪% હતી. જમીનદારોએ કોંગ્રેસના જમીનદારી નાબૂદીના વચનના ભય  હેઠળ છત્તારીના  નવાબની આગેવાની હેઠળ ‘નેશનલલિસ્ટ એગ્રીકલ્ચર પાર્ટી’ બનાવી હતી.જેનો સમગ્ર ચૂંટણીમાં લીગ અને કોંગ્રેસ એ  ‘સરકારી પાર્ટી’  કહી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પક્ષને ૨૨૮ બેઠકોમાંથી ૧૩૦ બેઠકો મળી પરંતું  જે પણ મુસ્લિમો માટેની અલગ રાખેલી બેઠકો હતી એ તમામ બેઠકો કોંગ્રેસ હારી ગઇ. મુસ્લિમો માટેની અલગ ૬૬ બેઠકોમાંથી કોંગ્રેસ એ  માત્ર ૯ બેઠકો પર પોતાના  ઉમેદવારો પર રાખેલા જે તમામ હારી ગયા.બાકીની બેઠકો કોંગ્રેસે લીગ માટે જતી કરી. તેમાં વળી ઉત્તર પ્રદેશના કોંગ્રેસના મોટા નેતા-મુસ્લીમ ચહેરો ગણાતા  રફી અહમદ કીડવાઇ બે બેઠકો પરથી ચૂંટ્ણી  હારી ગયા. 



     કોંગ્રેસ પ્રાંતમાં સરકાર રચે તે પહેલા ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટમાં ગવર્નરની ’વિવેકાધીન સત્તા’ના પ્રશ્ન પર મામલો ગૂંચવાયો.અંતે કોંગ્રેસ અને બ્રિટીશ હકુમત વચ્ચે સમાધાન ન થતા  આ કાયદામાં જે ‘કામચલાઉ સરકાર’ના ગઠનની જોગવાઇ હતી તેનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ- ગવર્નરે  છત્તારીના  નવાબને કાર્યકારી મુખ્યમંત્રી તથા તેમના પક્ષના અન્ય સભ્યોને કાર્યકારી મંત્રીઓ તરીકે નિયુક્ત  કર્યા. આ ‘કામચલાઉ સરકાર’ છ મહિના પણ ચાલે તે પહેલા જ કોંગ્રેસ અને બ્રિટિશ હકુમત એ ફરીથી વાતચીત શરૂ કરી અને સમજૂતી થતાં ગોવિંદ વલ્લભ પંત કોંગ્રેસ દળના નેતા તરીકે પસંદગી પામ્યા અને તેઓ આ પ્રાંતના મુખ્યમંત્રી બન્યા. 



 કોંગ્રેસ પક્ષમાંથી કોઈ મુસ્લિમ ઉમેદવાર જીતેલ ન હોવાથી મંત્રીમંડળમાં મુસ્લિમોના પ્રતિનિધિત્વનો  સવાલ  ખડો થયો.  મંત્રીમંડળમાં મુસ્લિમ નેતાઓને સમાવાને  લઈ મુસ્લિમ લીગ  અને કોંગ્રેસ વચ્ચે મઠાગાંઠ સર્જાઇ.કોંગ્રેસ તરફથી મૌલાના અબુલ કલામ આઝાદ લીગ સાથે વાત કરી રહ્યા હતા. મુસ્લિમ લીગ કોંગ્રેસના મંત્રીમંડળમાં પોતાના વગદાર નેતાઓ ચૌધરી ખલીકઝમાન  અને નવાબ ઇસ્માઇલ ખાન માટે એમ બે સ્થાન માંગતું હતું. જ્યારે કોંગ્રેસ બેમાંથી માત્ર એકને જ કેબિનેટમાં સ્થાન આપશે તે તે વાત ઉપર અડી રહ્યું. જવાહરલાલ નહેરુ અને તેમના ઘોર  સમર્થક રફી અહમદ કીડવાઇ મુસ્લિમ લીગને મંત્રીમંડળમાં બે મંત્રીપદ આપવાના વિરોધમાં રહ્યા હતા. જવાહરલાલ નેહરૂ એ ૨૧-૦૭-૧૯૩૭ના રોજ અલ્હાબાદથી  રાજેન્દ્ર પ્રસાદને લખેલા પત્રમાં ૧૯૩૭ની  સંયુક્ત પ્રાંતો (યુનાઇટેડ પ્રોવિઝન્સ)ની ચૂંટણીમાં લીગ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે થયેલા સંકલનની વાત કરી છે તો લીગનું જૂથ કોંગ્રેસની નીતિઓને સમર્થન આપતા  કોંગ્રેસમાં ભળી જાય તેવી શરતે તેમણે બે મંત્રીપદ લીગને આપવાની વાત કરી હતી. વધુમાં આ બાબતને સિદ્ધાંતોથી વિરુદ્ધ ગણાવી કોંગ્રેસના મોટા નેતાઓએ લીગ સાથે સમાધાનકારી વલણ  ન દાખવતા લીગએ ‘હિંદુ’ કોંગ્રેસે તેમને યોગ્ય પ્રતિનિધિત્વ ન આપ્યાની બૂમરાણ મચાવવાનું શરૂ કર્યું.આગળ જતાં આ બાબત પરથી લીગ એ  મુસ્લિમોને પોતાનો  અલગ દેશ હોય તે વિચાર મજબૂત કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ મહમદ અલી ઝીણાએ લીગની આગેવાની કરી દેશના ભાગલા થઇ જાય તેમ એક પછી એક  નિર્ણયો લીધા. અંતે ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પાકિસ્તાનનું સર્જન થયું. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ લીગને બે મંત્રી પદો આપવામાં આવ્યા હોત તો મુસ્લીમ લીગ  પાકિસ્તાનની માંગણી સુધી પહોંચી હોત કે કેમ ? તે વિચારવા જેવું  છે.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે