અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં નોકરીના એક વિવાદે હિન્દી સિનેમાને બે મહાન રત્નો આપ્યા. નોકરી ન મળતાં રાહી માસૂમ રઝાએ મુંબઈ જઈ 'મહાભારત'ના યાદગાર સંવાદો લખ્યા, જ્યારે લેક્ચરર બનેલા શહરયારે 'ઉમરાવજાન'ના અમર ગીતો રચી સાહિત્ય અને સિનેમામાં પોતાની કલમનું અમરત્વ સિદ્ધ કર્યું.
1877માં મોહમ્મદન એંગ્લો ઓરિએન્ટલ (MAO) તરીકે શરૂ થયેલ શૈક્ષણિક સંસ્થા ૧૯૨૦માં અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી (AMU) બની. ૧૯૪૦ બાદ પાકિસ્તાનની માંગથી લઇને દેશના ભાગલા થયા તેવા કોમી વાતાવરણમાંથી બહાર નીકળી સંસ્થાના વાઇસ ચાન્સેલર ડોક્ટર ઝાકીર હુસૈનના વડપણ હેઠળ આઝાદી બાદ આ સંસ્થાએ’સેક્યુલર’ અને લોકશાહી વાતાવરણ પ્રાપ્ત કર્યુ. ડો. ઝાકીર હુસૈન આ યુનિવર્સિટીમાંથી નીકળીને ભવિષ્યમાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ તથા રાષ્ટ્રપતિ પદે પહોંચવાના હતા.
૧૯૬૫ના વર્ષની આસપાસ આ યુનિવર્સિટીમાં ઉર્દુ વિષયના લેક્ચરર માટેની ભરતીની જાહેરાત થઈ. ભરતી પ્રક્રિયા બાદ ત્યાંના જ એક હોનહાર વિદ્યાર્થી કુંવર અખલાક મહંમદની પસંદગી આ પદ માટે થઈ ગઈ તો બીજી તરફ આ જગ્યા માટે તક ચૂકી ગયેલા તે જ કોલેજના અન્ય એક વિદ્યાર્થીને ભારે અન્યાયની લાગણી અનુભવાઇ. તે વિદ્યાર્થીએ અસંતોષ સાથે પોતાની માતૃસંસ્થાને કોર્ટમાં પડકાર ફેંક્યો પરંતુ, આખરે કોર્ટએ યુનિવર્સિટીના પક્ષમાં જ પોતાનો ચુકાદો આપ્યો. આ બધી લડાઈથી પેલા તક ચૂકી ગયેલા યુવાન વિદ્યાર્થીનું મન ‘એકેડમીક’ (શૈક્ષણિક) ક્ષેત્રમાંથી ઉબાઈ ગયું.તે સમયે જે દેશના લાખો યુવાઓ કરતા તેમ તેણે પણ ‘સ્વપ્ન નગરી’ બોમ્બે શહેરની વાટ પકડી. આ શહેર એ જ તે યુવાનને ‘નામ’ અને ‘દામ’ આપ્યા.એક અલગ ઓળખ આપી. આ યુવાન એટલે રાહી માસૂમ રઝા.તો જે યુવાન ઉર્દુનો લેક્ચરર થયો તે કુંવર અખલાક મહંમદ એટલે કે ‘શહરયાર’.
કહેવાય છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે.એ ન્યાય હેઠળ બોમ્બેમાં ૧૯૬૭માં આવેલા રાહી માસૂમ રઝાએ હિન્દી ફિલ્મજગત તથા હિંદી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું. તેમના સંઘર્ષના દિવસોમાં તેમને હિંદીના સાહિત્યકારો ધર્મવીર ભારતી અને કમલેશ્વરએ મદદ કરી હતી. તેમણે ફિલ્મો માટે સંવાદ(ડાયલોગ્સ) લખવાનું શરુ કર્યું. તેમણે મીલી(૧૯૭૫), મેં તુલસી તેરે આંગન કી(૧૯૭૮), ગોલમાલ(૧૯૭૯), કર્ઝ (૧૯૮૦), નિકાહ(૧૯૮૨) અને લમ્હે(૧૯૯૧) વગેરે જેવી સફળ ફિલ્મોમાં યાદગાર સંવાદો લખ્યાં. ફિલ્મની સ્ક્રીપ્ટ પર પણ તેમણે પોતાનો હાથ અજમાવ્યો.૧૯૮૨માં રજૂ થયેલી ‘ડિસ્કો ડાન્સર’ એ મિથુનના કેરીયરની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક ગણાય છે. ‘મેં તુલસી તેરે આંગન કી’,’તવાયફ’ અને ‘લમ્હે’ ફિલ્મમાં તેમણે લખેલા સંવાદ માટે તેમને શ્રેષ્ઠ સંવાદ લેખનના ફિલ્મફેર એવોર્ડઝ મળ્યા હતા. આ ફિલ્મ ઉપરાંત સાહિત્યમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું. આધાગાંવ, ટોપી શુક્લા, નીમ કા પેડ, કટરા બી આરઝુ જેવા ઉપન્યાસો તથા તેમણે હિન્દી- ઉર્દુ કવિતાઓ પણ લખી હતી. મહાભારત સીરીયલના પ્રખ્યાત સંવાદો માટે તેમનું નામ અને કામ ઘરે ઘરે પહોંચ્યું.
કુંવર અખલાક મહંમદ જેમને ‘શહરયાર’ તરીકે સૌ ઓળખે છે તેમણે સાહિત્યમાં પોતાની ગઝલો- નઝમોથી અનન્ય પ્રદાન આપ્યું હતું.તેમણે ઇસ્મે આઝમ(૧૯૬૫), સાતવાં દર(૧૯૬૯), હિજર કે મૌસમ(૧૯૭૮) વગેરે જેવા કાવ્યસંગ્રહો આપ્યા. તેઓ આજીવન ‘એકેડમીક’ રહ્યા હતા. ઉર્દુ વિભાગ- અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જ પ્રવૃત રહ્યા. ‘શહરયાર’ હિન્દી ફિલ્મોમાં માત્ર પોતાના અંદાજને જ અનુકુળ આવે એવા ગીતો લખતા રહેલા.જ્યારે તેમણે હિન્દી ફિલ્મો માટે ગીતો લખવાના થયા ત્યારે તેમણે મોટેભાગે મુઝફ્ફર અલીની ફિલ્મો ગમન(૧૯૭૮), ઉમરાવજાન (૧૯૮૧), ફાસલે (૧૯૮૫) અને અંજુમન(૧૯૮૬)માં જ ગીતો લખ્યા. ‘બહેરી’ નામની ઉત્તરપ્રદેશની જગ્યામાં તેમના પોલીસ પિતા જ્યારે ફરજ માટે બહાર જતાં ત્યારે ‘શહરયાર’ તેમના ઘરની સામે તવાયફોની વસ્તીમાં મુલાકાતે જઈ ચડતા. ‘દારોગા’ પોલીસ પુત્ર હોવાથી તેમને ત્યાં રોકનાર કોઈ ન હતું. તે વિસ્તારના બધા નિરીક્ષણોના આધારે ‘ઉમરાવજાન’ના ” ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ...” ,” દિલ ચીઝ ક્યા હૈ...” ,જુસ્તજુ જિસકી થી ...” અને “ જીંદગી જબ ભી તેરી ..” વગેરે જેવા અમરગીતો તેઓ લખી શક્યા તો ૧૯૭૮ની ફિલ્મ ‘ગમન’ નું ગીત “સીને મેં જલન,આંખો મે તૂફાન ..” એ આજે પણ સંગીત રસિયાઓમાં વખણાતું -સંભળાતું રહ્યું છે.
નોકરીના વિવાદને લીધે રાહી માસૂ રઝા આગળ વધી ગયા. હિન્દી ફિલ્મ તથા સાહિત્ય જગતમાં તેમણે પોતાની કલમથી અમરત્વ પ્રાપ્ત કરી લીધું. જ્યારે નોકરી મેળવીને ‘શહરયાર’ ‘એકેડમીક’ જીવ વધુ રહ્યા. ઉર્દુ સાહિત્યમાં તેમણે સારું એવું ખેડાણ કર્યું અને થોડો સમય હિન્દી સિનેમામાં ‘હવા ફેર’ પણ કરી આવ્યા.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે