આ લેખમાં લેખિકા મનાલી નજીકના જગતસુખ ગામના પ્રાચીન સંધ્યા ગાયત્રી અને ગૌરીશંકર મંદિરની મુલાકાતનું સ્મરણ કરે છે. લાકડા અને પથ્થરના અદભુત સ્થાપત્ય, પાંડવોના ઇતિહાસ અને ૧૯૯૯ના ફોટોગ્રાફીના સંસ્મરણો સાથે તેઓ ઋષિતુલ્ય હિમાલયની ભવ્યતા અને પવિત્રતાને ભાવપૂર્વક વંદન કરે છે.
મનાલીના હિમાચલ પથ પરિવહનના બસ સ્ટેન્ડથી સવારે સાત-આઠ વાગે અમે મનાલીથી સાત-આઠ કિલોમીટર દૂર રહેલા જગતસુખ ગામ જવા માટે નીકળ્યા ત્યારે બસ બિયાસ નદીના સફેદ પથ્થરો વાળા એકદમ રફ રસ્તેથી પસાર થઇ જ્યાં કેટલાક ગેરેજ હતા, માલવાહક ખટારાઓની અવર જવર હતી અને એક-બે Luxury બસ પણ ઊભી હતી.
મનાલીથી કુલ્લુ-નગર રોડ પર ચાલતી અમારી બસ સાત-આઠ કિલોમીટરનું પહાડિ અંતર કાપી મનાલીની દક્ષિણે પરંતુ કુલ્લુ વેલીના ઉતરી છેડે રહેલા જગતસુખ પહોંચી ત્યારે વૃક્ષાચ્છાદિત ટેકરીઓથી ઘેરાયેલા ચિત્રમયી હિમાચલી ગામમાં અમારી જગતસુખ મંદિર સુધીની વૉક હિમાચલી ગ્રામ્યજીવનની સુગંધ લઈને એવી પથરાતી હતી કે લાકડાના એક ઘરના ફળીયે લીલા રંગનો ‘થીપુ’ તરીકે ઓળખાતો સ્કાર્ફ માથે બાંધેલા એક વૃદ્ધા ઠંડીથી સુરક્ષિત રહેવા ઘાટા લીલારંગનો ચેક્સ વાળો ‘પટ્ટુ’ પહેરીને તે વજનદાર ધાબળી જેવો પટ્ટુ કામકાજમાં આડો ન આવે તે માટે કમરે ‘બુમની’ તરીકે ઓળખાતો ઉનનો જાતે ગૂથેલો બેલ્ટ પહેરીને ઘરનું આગણું વાળતા હતા તેવો ફોટો જીલતાં જાણે હિમાચલી ગ્રામ્યજીવન જીલ્યા જેવો ભાવ થયો.
‘નાસ્ત’ નામનું પ્રાચીન નામ ધરાવતા અને કુલ્લુ રાજ્યની પ્રથમ રાજધાની એવા જગતસુખમાં મોટોભાઈ સુભાષ અમને પાંચ પ્રવાસીઓને શાંત-નીરવ હિમાચલી ગામડાનો સ્પર્શ કરાવવા તો લાવ્યો જ હતો પરંતુ એવા પ્રકૃતિમય સ્પર્શ સાથે દેવદાર, ચીડ અને હિમાલયન ભુર્જવૃક્ષોથી સમૃધ્ધ જગતસુખના એવા સંધ્યા ગાયત્રી મંદિર સુધી લાવ્યો હતો જે પેગોડા શૈલીના wooden templeનું roofing સલેટીયા પથ્થરનું હતું અને મંદિર પરિસરમાં જ્યાં બ્રહ્માના પત્ની ગણાતા સંધ્યા ગાયત્રીનું મંદિર હતું તે જ પરિસરમાં શિવ-પાર્વતીને સમર્પિત ગૌરીશંકર મંદિર પણ હતું.

કુલ્લુ-મનાલી રૂટ પરથી ટ્રાવેલ કરીને જગતસુખ પહોંચ્યા પછી જગતસુખ બસસ્ટેન્ડથી માત્ર અઢીસો મીટરના અંતરે સ્થિત આ મંદિરનો over view અત્યારે તો નવા મકાનો-હોટલો વચ્ચે ઘેરાયેલો વ્યૂ છે પરંતુ ૧૯૯૯ના મે મહિનામાં આજથી, ઓલમોસ્ટ, સત્યાવીસ વર્ષો પહેલા તો થોડા થોડા અંતરે સ્થિત ત્રણ ત્રિશૂળથી શોભતું પેગોડા શૈલીનું તેનું પથ્થર-લાકડાનું સ્થાપત્ય વૃક્ષાચ્છાદિત પર્વતોથી ઘેરાયેલું હતું.

જગતસુખ મંદિર પરિસરમાં પગ મુક્યા પછી આઠમી-નવમી સદીમાં બંધાયેલા સંધ્યા ગાયત્રી મંદિરના લાકડાના જીણા કોતરકામ ધરાવતા મુઘલ pillars પર ધ્યાન ગયું જેની સાથે મંદિરની બાહ્ય દિવાલ સાથે જોડાયેલો લાકડાનો વરંડો કે કહો wooden porch કે મંડપ જોડાયેલો હતો અને દર્શને આવેલા સ્થાનિક લોકો અહીં પ્રદક્ષિણા ફરતાં હતા.
દૂર સુધી ફેલાયેલા સફરજનના બગીચા, ચીડના વૃક્ષોનું જંગલ અને ગ્લેસિયરમાંથી વહેતા ઝરણા ધરાવતા જગતસુખના આ સંધ્યા ગાયત્રી મંદિરની સ્થાનિક ટીંબર અને પથ્થરના મિશ્રણની કથકુની [Kathkuni] શૈલીની સંરચના ઉપરાંત યુરોપના Alpine એટલે ઊંચા પ્રદેશોમાંથી આવેલી શેલે (chalet) પ્રકારની ઢાળ વાળા સલેટીયા પથ્થરની Gabled roofની સંરચના ધરાવતાં આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા તેના પ્રવેશદ્વારની બંને બાજુની ઉભી પટ્ટી પર ધ્યાન ગયું તો ત્યાં લાકડામાં કોતરેલા પરંપરાગત પત્રબંધ પ્રતીકોથી સભર ત્રિશાખા તરીકે ઓળખાતું three layered foliated એટલે પાંદડા વાળું કોતરકામ હતું જે આ wooden pagoda શૈલીના પરંપરાગત મંદિરને ઔર આકર્ષક બનાવતું હતું અને દેવદારના આડા મુકેલા logsની એક હરોળ ને બીજી સ્ટોનની હરોળના આ મંદિરને કલાકો સુધી જોયા જ કરવાનું મન કરાવતું હતું.

આઠમી સદીના હિમાલયન સ્ટોન ટેમ્પલમાં જોવા મળતાં ખાસ્સા નાના ગર્ભગૃહમાં અમે પ્રવેશ્યા ત્યારે અમે બ્રહ્મરૂપી ગાયત્રી, વિષ્ણુરૂપી ગાયત્રી અને શિવરૂપી ગાયત્રીની ત્રણ પ્રતિમાઓ જોઈ જે કાળા પથ્થરમાંથી ઘડેલી મૂર્તિઓ હતી અને રેશમી ચુંદડિઓ, ચાંદીના છત્ર અને તાજ્જા ફૂલોથી શણગારેલી મૂર્તિઓ હતી.
જગતસુખ મંદિર પરિસરમાં સ્થિત સંધ્યા ગાયત્રી મંદિરનો ઈતિહાસ પૌરાણિક માનવામાં આવે છે અને તે એવું કહે છે કે પાંડવોના કુલ પુરોહિત, ધૌમ્ય ઋષિ પાંડવો જયારે વનવાસમાં ગયા ત્યારે તેમની સાથે રહ્યા હતા અને તેઓ પાંડવોના પૂજારી અને માર્ગદર્શક પણ હતાં અને ધૌમ્ય ઋષિએ જ દ્વાપર યુગમાં પાંડવો દ્વારા આ મંદિરની સ્થાપના કરાવી હતી અને એ સ્થાપના પછી અહીં સ્થાપિત કરાવેલા આ અતિ પ્રાચીન સંધ્યા ગાયત્રી મંદિરનું અનેક વખત નિર્માણ થતું રહ્યું અને એવા નિર્માણમાં મંદિરની stone-base બાહ્ય દિવાલો, તે stone-block દિવાલોના ગવાક્ષોમાં રહેલી ગણેશ ઉપરાંત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાઓનું પણ સ્થાન બદલાયું.

૧૯૯૯ના મે મહિનામાં જ્યારે મેં આ સંધ્યા ગાયત્રી મંદિરના લાકડાના સ્તંભો ધરાવતા ખુલ્લા-હવાદાર મંડપ નીચે રહેલી stone base બાહ્ય દિવાલો પરના નાના-નાના stone sculpture કે stone reliefની ફોટોગ્રાફી કરી ત્યારે એ stone reliefને જોતા એવું થાય કે બહુ પ્રાચીન મધ્યયુગીન [medieval] stone reliefના છૂટાછવાયા ખંડોને બાહ્ય દિવાલો પર બખૂબી જડિ દીધાં છે.આવા high bass reliefની બાજુમાં ફુલ-વેલની કોતરણી ધરાવતા ખંડિત સ્મારકો કે doorjambs પણ પડ્યા હતાં જેને પણ કેમેરાની જોળીમાં ભરીને આગળ જતાં મને મંદિરના wooden porchમાં બેઠેલા જગતસુખના સ્થાનિક દર્શનાર્થી મળ્યા જે એકદમ નિરાંતે પોર્ચમાં બેઠા હતાં.

કુલ્લુ વેલીની લીલા રંગની unisex woolen cap પહેરીને બેઠેલા આ હિમાચલી દાદાનો portrait લેવાની ઈચ્છાથી જેવો મેં તેમની પર લેન્સ ધર્યો કે તરત જ તેમણે મારા લેન્સ તરફ જોયું અને મેં તેમનો portrait લીધો.હતું એમ કે ૧૯૯૯માં મારી પાસે five point sixના maximum aperture વાળો canon Eos 500N કેમેરા હતો એટલે મેં પાડેલા આ portraitમાં portrait આસપાસનું જે હતું તેનું ખપ પુરતૂ blurring થયું અને હું એક casual portrait અંકે કરી શકિ.બીજું કે એ મારો એવો Amature સમયગાળો પણ હતો કે કેમેરા ખરીદતી વખતે Apertureનું આટલું બધુ મૂલ્ય હોય તે સમજ નોહતી પરંતુ તેમ છતાં Canon EOS 500Nના સથવારે અનેક પ્રવાસો કર્યા અને કેમેરાએ મને ડીજીટલ યુગ સુધી સાથે આપ્યો અને પછી મેં ૨૦૦૫માં Nikon-D 80 નામનો ડીજીટલ કેમેરા ખરીદ્યો.
ખેર, સંધ્યા ગાયત્રી મંદિરના wooden porch બહાર ઉભી રહિ લીધેલા આ portrait પછી સવારની તડકિમાં મંદિરની અવર જવરના છાયા-પડછાયા જીલતી મેં વેદમાતા ગાયત્રીના પવિત્ર પરિસરમાં રહેલા ગૌરીશંકર મંદિર તરફ ચરણ ઉપાડ્યા અને ગાયત્રી મંદિરની બરાબર પાછળ રહેલા તે Minature શિવ મંદિર સમક્ષ ઊભા રહિ જગતસુખમાં વહેતી બિયાસ નદીના ડાબા કિનારે રહેલા શિવ-પાર્વતીને સમર્પિત આ મંદિરના Amalka એટલે કળશ ધરાવતા શિખરનો ઊભો ફોટો પાડ્યો અને એ ફોટો પાડતી વખતે જગતસુખ ગામનો એક લાલ ટી-શર્ટ પહેરેલો છોકરો અને તેનો એક ભાઈબંધ અક્કર-ચક્કરમાંથી શિખર આગળ આવીને ઉભા રહી ગયા અને મારા ફોટાને જીવંત બનાવ્યો.

પછી તો એ છોકરો મને વિવિધ pose આપતો રહ્યો અને મેં ગૌરીશંકર મંદિર આસપાસ રહેલા કેટલાક છૂટાછવાયા stone reliefsના ફોટા તેને model તરીકે રાખીને જ પાડ્યા અને તેને પણ થોડીવારમાં જ સમજાય ગયું કે હું model છું એટલે પોતાની નાનકડી આંગળીમાં પહેરેલી વીંટીને વધુ expose કરવા ઈચ્છતાં તેણે ખુદે મારા કશા કિધા-કારવ્યા વગર conscious નહીં પણ candid pose આપવા માંડ્યા જાણે તેના ફોટા કોઈ પાડતું જ નથી ને તે અમસ્તો જ style મારે છે અને આ unplanned photo session તો જામી કારણ કે સ્થાપત્યોની ફોટોગ્રાફી કરું ત્યારે હંમેશા હું વિષયની શોધમાં હોવ અને અંતરિયાળ સ્મારકો-ખંડેરો અને પ્રાચીન-પુરાતન સ્થાપત્યો આસપાસ જીવતાં-જાગતા વિષય મળવા મુશ્કેલ અને અહીં સદભાગ્યે આ છોકરો આવી મળ્યો એટલે હું ખુશ હતી.

આવી ખુશી વચ્ચે વાદળાઓથી ઘેરાયેલા વાતાવરણમાં જગતસુખ મંદિર પરિસરમાં જ સ્થિત આ ગૌરીશંકર મંદિર Archaeological survey of India હેઠળનું સુરક્ષિત સ્મારક હતું તેનું sign board જોયું અને ઉત્તર ભારતીય નાગર શૈલીનું આ મંદિર દાંતેદાર આમલકા ધરાવતા stone carvingથી સભર શિખરનું માલિક પણ હતું તે તો સગી આંખે દેખાય રહ્યું હતું.

લલાટ બિંબ એટલે ભારતીય વાસ્તુશિલ્પ અને મંદિરના પ્રવેશદ્વાર કે દરવાજાના lintel એટલે ઓતરંગ પર બરાબર વચ્ચે ગણેશ પ્રતિમા ધરાવતાં આ ગૌરીશંકર મંદિરના ઓતરંગ પર પણ ગણેશ પ્રતિમા હતી જેને જોઈને મને મેં જોયેલા મંદિરોના ગર્ભગૃહના પ્રવેશદ્વારના ઓતરંગ [Lintel] પર જોયેલી ગજલક્ષ્મીની પ્રતિમાઓ પણ યાદ આવી અને એવા સ્મરણ સાથે હું ગર્ભગૃહમાં પ્રવેશી ત્યારે આઠમી સદીમાં બંધાયેલા મનાતા પશ્ચિમાભિમુખ શિવમંદિરના ગર્ભગૃહમાં બરાબર વચ્ચે શિવલિંગ હતું અને તે શિવલિંગની બરાબર પાછળ ગૌરી-શંકરની પથ્થરની પ્રતિમા હતી.

નાગર શૈલીનું શિખર ધરાવતા અને લાંબા-ધારદાર પથ્થરના સ્તંભો પર ટકેલો entrance porch કે મંડપ ધરાવતા આ મંદિરના શિખરમાં શિવના અઠયાવીસમાં અને અંતિમ અવતાર ગણાતા લકુલિશની પદ્માસન પ્રતિમા અને તેની બરાબર ઉપર મહેશ્વરની અર્ધપ્રતિમા હતી જે શિખરના પ્રવેશદ્વાર તરફના ભાગને વધુ આકર્ષક બનાવતી હતી.

મંદિરના સ્તંભોના baseમાં અને તેના capital એટલે ભીંતસ્તંભમાં ‘ઘટપલ્લવ’ એટલે ફુલો અને પાંદડાઓથી over flow થતાં flower vaseનું શુભ-મંગળ પ્રતિક ધરાવતા આ મંદિરે મેં ગર્ભગૃહની બહાર નંદિ અને ગર્ભગૃહની બાહ્ય દિવાલોના ભદ્રા તરીકે ઓળખાતા ગોખલામાં દક્ષિણ દિશામાં વિષ્ણુ, પૂર્વ દિશામાં સૂર્ય અને ઉત્તરે બ્રહ્માના શિલ્પને જોયું ત્યારે નવ સ્તરના જીણા stone carvingથી સમૃધ્ધ શિખર ધરાવતા અને બે ફુટ ઊંચા ચકોર આકારના ચબુતરા કે પીઠિકા પર રહેલા આ મંદિરે બારમી સદીમાં અહીં આવેલા નાથ સંપ્રદાયના નાથોની પણ અસર હતી અને શિવ જ પરમ બ્રહ્મ છે તેવા શૈવ મતની સુવાસ સાથે આદિશક્તિ મા દુર્ગા, કાલી કે પાર્વતી જ પરમ ઈશ્વર છે એવી શાક્તમતની સુવાસ પણ એમાં સમાયેલી હતી.

સનાતન હિન્દુ ધર્મના આવા સંપ્રદાયો, પરંપરાઓ, પૌરાણિક દેવી-દેવતાઓની પથ્થરની પ્રતિમાઓથી સમૃધ્ધ મંદિરો અને તેના ઈતિહાસને જીલતી હું આ બધા સંપ્રદાયો, sufism, Janism, Buddhism અને અન્ય અનેક વાદના વાચક-લેખક અને અભ્યાસુ, મોટાભાઈ સુભાષની આંગળીએ હિમાલયના પ્રાચીન મંદિરોને તેના વિવિધ anglesથી explore કરતી હતી અને જગતસુખ તો ૧૬,૫૬૮ ફૂટ ઊંચા Mount જગતસુખ નામના પીરપંજાલ પર્વતમાળાના શિખરનું માલિક હતું એટલે લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલા જગતસુખ મંદિર પરિસરમાં એક-બે કલાક પસાર કરી બહાર નીકળતા જ દેવ ટીબ્બા અને માઉન્ટ જગતસુખના High altitude expedition માટેના key base camp ગણાતા.

આ ગામમાં ઊંચા પડછંદ ટ્રેકર્સને તો જોયા જ પરંતુ જગતસુખ ગામમાં હિમાલયન ગ્લેસિયર અને બરફ ઓગળવાથી વહેતી દુહાગન નદી અને બિયાસ નદીના સંગમના દર્શન કરીને જગતસુખ જેવા પ્રાચીન ગામને આવજો કહ્યું ત્યારે ઋષિતુલ્ય હિમાલય આપણા ભારતની કેટલી પવિત્ર પરંપરા, પૌરાણિક મંદિરો, નદીઓ અને પર્વતોનો સમૃધ્ધ ખજાનો લઈને સમગ્ર વિશ્વ પર રાજ કરે છે તેવો વિચાર આવતો હતો અને એવું થતું હતું કે આ જ રીતે દર વર્ષે એક વખત હિમાલય યાત્રા કરવી ને હિમાલયને કહેવું કે તું જ અમારો ઋષિતુલ્ય પિતા છો.તને વંદન...
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.