વર્ષ ૧૯૯૯માં મનાલીના હિડિંબા મંદિરે યોજાયેલા ડુંગરી મેળાની આ સ્મરણયાત્રા છે. દેવદારના જંગલો, કુલ્લુની સ્ત્રીઓનો પરંપરાગત પહેરવેશ, બલીપ્રથાના પ્રાચીન રિવાજો અને અણધાર્યા છૂંદણાના રોમાંચ વચ્ચે, આ લેખ પ્રકૃતિ અને હિમાચલી સંસ્કૃતિના ધબકારને અત્યંત આત્મીયતાથી અને કલાત્મક રીતે જીવંત કરે છે.
દેવી હિડિંબાના ખોળે ડુંગરીનો રંગીન મેળો
હિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન ગણાતા મનાલીમાં સવાર પડી. સોલાંગ વેલીના સાહસો, રોહતાંગ પાસની તેર હજાર ફુટ કરતા પણ વિશેષ ઊંચાઈ અને હિડિંબા દેવીના મંદિરના માલિક મનાલીમાં અમે એક રાત પસાર કરીને પછી લાહૌલવેલીની સર્કિટ શરુ કરી હતી અને હવે વળતી યાત્રામાં ફરી અમે મનાલી આવ્યા અને મનાલી અને તેની આસપાસના સ્થળોને explore કરવાના શરુ કર્યા.
છ-સાત હજાર ફુટની ઊંચાઈએ સ્થિત મનાલી ૧૯૯૯ના મિડ-મેમાં તો સાહસિકો, પર્વતારોહકો, ટ્રેકર્સ અને અમારી જેવા પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓથી ધબકતું હતું અને એવા ઉત્સાહિ માહોલમાં અમે સૌ ઓલ્ડ મનાલી કાફેથી ચાલીને પહોંચી શકાય તેવા હિડિંબા દેવી મંદિરે જવા નીકળ્યા ત્યારે પીર પંજાલ અને ધૌલાધાર પર્વતમાળા પર બરફ છવાયેલો હતો અને વાદળના ગાદલા સૂર્યના સ્પર્શથી વીખરાવાની તજવીજ શરુ કરશે એવું લાગતું હતું.

લાહૌલમાં જ એકાદ-બે ટ્રેક કરીને ઘણુ ચાલીને આવેલા એટલે પગમાં રહેલી ઉર્જા ભારે motionમાં હતી અને એ વય જ એવી હતી કે મસલ્સની સ્ટીફનેશ કોને કહેવાય એ જ ખબર નોહતી.આવી સ્થિતિમાં વળી મનાલીનું exploration જ જીવનમાં પહેલીવાર થઈ રહ્યું હતું એટલે મોંઘા શ્યુઝ પહેરેલા અને એકદમ high quality camera kit, cap, જીન્સ-ટીશર્ટ, windcheater અને ગોગલ્સ પહેરેલા પરદેશીઓ, ઊંચા ગજાના કાફેટેરીયા અને એક જમાનામાં બ્રિટીશરોને પ્રિય હિલ સ્ટેશનની એક એક દુકાન, જર્મન બેકરી અને પ્રવાસીઓને રસપૂર્વક નિહાળતી હું મારા સહપ્રવાસીઓ સાથે ચાલતી-ચાલતી હિડિંબા દેવીના મંદિર પહેલા આવતા દેવદારના ઘટાદાર ઊંચા પડછંદ વૃક્ષો સુધી પહોંચી ત્યારે ભીમ અને હિડિંબાની પ્રેમકથાને સાચવીને બેઠેલો ધુંગરી વન વિહારનો જંગલ-જંગલ વિસ્તાર અમને સ્થાનિકોમાં શ્રધ્ધાપૂર્વક પૂજાતા દેવી હિડિંબાના મંદિર સુધી લઈ જવા માટે green canopy આપી રહ્યો હતો.
વિશાળ અને સદાહરિત એવા દેવદારના વૃક્ષોના આવા છત્ર નીચેથી પસાર થતાં હતા ત્યાં દૂરથી જ અમને હિમાચલી વાદ્યોનો કર્ણપ્રિય અવાજ સંભાળાયો અને મહાકાય શીલાઓ અને વૃક્ષોના છાયા-પડછાયા વચ્ચેથી ચાલતાં-ચાલતાં મંદિરના છેલ્લા પગથીયેથી ઊંચા પ્લેટફોર્મ પર રહેલા મંદિર તરફ ઉપર નજર કરી તો સોળમી સદીથી અડીખમ ઉભેલું પેગોડા શૈલીનું wooden temple દેખાયું.
મુખ્ય પ્રવેશદ્વાર, દિવાલો, બારસાખ અને મંદિરના સ્તંભો પર પણ ખૂબ ઝીણી નકાશી અને મા મહિષાસુરમર્દિની, નવગ્રહ, ગજાનન ગણેશ, ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી, ગરુડ ભગવાન અને શિવ-પાર્વતીની પ્રતિમાઓના wooden carvingથી શોભતા આ મંદિરના પગથિયા ચડિ ગર્ભગૃહમાં બિરાજમાન દેવી હિડિંબાના દર્શન કરી પ્લેટફોર્મ પર સ્થિત મંદિરની આસપાસ નજર ફેરવતા જોયું તો આખ્ખો માહોલ રંગીન હતો કારણ કે અમને કોઈ જાતના આયોજન વગર દર વર્ષે મિડ-મેમાં હિડિંબા મંદિરના પરિસરમાં યોજાતા ડુંગરી મેળાની લોટરી લાગી હતી.
કુલ્લુવી શાલ-ટોપી વેંચતી સ્ત્રીઓ દેવદાર આસપાસ રહેલી શીલાઓ પર પોતાનો માલ પાથરીને બેઠી હતી અને વાંદરાના ખેલ દેખાડનાર વાંદરાને ફ્રોક પહેરાવીને એ જ શીલાના આધારે બેઠો હતો.કુલ્લુ ઘાટીના મનાલી આસપાસના અંતરીયાળ ગામોથી આવતી દેવી-દેવતાઓની શણગારાયેલી પાલખી સાથે આવતાં લોકોની અવર જવર વચ્ચે રંગબેરંગી ફુગ્ગાઓ સાથે પાવાઓ લઈને ઉભેલા છોકરાની બાજુની શીલા પર ભગવી, લીંબુ પીળી અને ગુલાબી પાઘડીઓના છોગે મૂછમાં મરક-મરક થતાં કેસર વેંચવા વાળા મને ગળામાં કેમેરો ઝૂલાવતી જોઈ રહ્યા હતા અને હું સવારની વધુ પડતી તડકિમાં તે સૌને કેવી રીતે compose કરવા તેની મથામણ કરી રહિ હતી.
આવી ગમતી મથામણ વચ્ચે મને ઢોલ-નગારા, દમાઉ, તુરહી, રણશિંગા, ઢોલકી, ભંગોર અને મશકબીન જેવા પર્વીય લોકવાદ્યોની સંગત સંભળાતી હતી અને ડુંગરી જાતરા તરીકે પણ ઓળખાતા આ મેળાના સંગીતમયી માહોલમાં દેવદારના વૃક્ષ પાસે રહેલા ખડકના background આગળ બેઠેલી એક બંજારા જેવી જુવાન સ્ત્રી પર મારું ધ્યાન પડ્યું જે artificial flower vase અને છીપલાના તોરણ વેંચવા બેઠેલી.
લાંબા પાથરણા પર ચાંદિના ઘરેણાથી અલંકૃત અને ઉભડક બેઠેલી તે નમણી સ્ત્રી એવા ગમતા પ્રકાશ વચ્ચે સુશોભનની વસ્તુઓ લઈને બેઠી હતી કે આસપાસની અવર-જવર અને વધુ પડતા પ્રકાશને કાપવા મેં તેનું vertical composition અંકે કર્યું ત્યારે દોરી પર displayમાં મુકેલી પ્લાસ્ટિકની ઓફ વ્હાઈટ dining table મેટે તો મને પાછળની lightને રોકવામાં મદદ કરી જ પરંતુ smile આપતી સ્ત્રીએ પણ જાણે મને સહર્ષ ફોટો ખેંચવાની ગમતી અનુમતિ આપી.
‘છોટે દશહરે’ તરીકે પણ ઓળખાતા ડુંગરીના મેળાની unexpected લોટરીમાં મનાલીના અંતરીયાળ ગામોમાંથી પોતપોતાના દેવી-દેવતાઓને દેવ મિલન અર્થે દેવી હિડિંબા સમક્ષ સિરકત કરાવવા આવતી પાલખીઓ, તેના સ્વાગતમાં થતી આરતીનો ઘંટ-ઘંટારવ અને ધૂપ-દિપના અત્યંત વ્હાલા માહોલ વચ્ચે દેવદારના છાયે કોઈ બાવા-સાધુ પાસે પોતાનું જ્યોતિષ જોવડાવતા હિમાચલીઓ તો મેં જોયા જ પરંતુ મંદિર પરિસરમાં મેં દેવદારના એવા બે થડ પણ જોયા જ્યાં પશુઓના શીંગડા થડમાં ખોડેલા હતા અને તે શીંગડા પર ચુંદડીઓ ચડાવેલી હતી.
વર્ષ ૨૦૧૪માં હાઈકોર્ટના આદેશ પછી સદંતર બંધ થયેલી દેવી-દેવતાઓને ખુશ કરવા માટે પશુઓના ભોગ ચડાવાની પરંપરા અમે ૧૯૯૯માં હિડિંબા દેવીના મંદિરે ગયા ત્યારે હજી શરુ હતી અને મંદિરની દિવાલો અને મંદિર પરિસરના દેવદારના વૃક્ષો પર તો પ્રસંગો-પર્વો પર મા હિડિંબાને ચડાવેલા ભોગોમાં sacrifice થયેલા Himalayan Ibex, ભેંડ-બકરી, ભેંસ અને હરણના શીંગડા મેં જોયા જ પરંતુ મંદિરની જમણી બાજુની floor પર તાજ્જા લોહિના ડાઘા પણ જોયા ત્યારે કંપારી છુટી ગઈ હતી.
આવી ધ્રુજારીને અંદર ઢબુરી, કેટલીક ક્રૂર પરંપરાના વિચારોને પણ બાજુમાં મુકિ દઈ હું દેવદારના દળદાર થડ પર ખીલ્લીથી ખોડેલા પતરાના સફેદ બોર્ડ સુધી ગઈ જેના પર ‘જય ઘટોત્કચજી’ લખેલું હતું. પાસે પાસે રહેલા દેવદારના બે વૃક્ષોના થડ ત્રિશુળ, ચુંદડિઓ અને પશુબલીના old skeletal hornsથી તો ભરેલા હતાં જ પરંતુ સ્થાનિક હિમાચલી સ્ત્રીઓ તે વૃક્ષોની ઓટલી પર મુકાયેલા દેવોની પૂજા કરતી હતી અને અગરબત્તી કરી જલેબી જેવા વ્યંજનો પણ ધરતી હતી.
હિમાચલી તડકામાં over exposed આવેલા આવા કેટલાક સંયોજનોમાં રહેલી હિમાચલી પરંપરા, પ્રકૃતિ અને પર્વના રંગીન મિજાજને અંકે કરવામાં મારું ધ્યાન બે કુલ્લુ સ્ત્રીઓ પર પડ્યું જે બંને દેવદારના વૃક્ષના થડ પર રહેલા અવશેષિત શિંગડાઓના થાનકે પૂજા કરીને ચૂંદડીઓ ચડાવવા આવી હતી.
માથાને ઠંડી અને તડકાથી સુરક્ષિત સાચવવા બાંધેલો ‘ધાતૂ’ અથવા ‘થીપુ’ તરીકે ઓળખાતો ઓરસ-ચોરસ સ્કાર્ફ બાંધેલી કુલ્લુઘાટીની તે બંને સ્ત્રીઓને લાલ-લીલી ચુંદડિઓ બાંધેલા થડ આગળ ઉભી રાખીને મેં એક ફોટો પાડ્યો ત્યારે લાલ મીણા જડેલી બબ્બે ચુક ઉપરાંત ચાંદિ અને મોતીના આભુષણો પહેરેલી તે બંનેનો ઊભો ફોટો લઈ તેઓના રોજબરોજના વસ્ત્રો પર ચેક્સ વાળી ચાદર કે શાલ જેવા ઉનના ‘પટ્ટુ’ તરીકે પ્રચલિત વસ્ત્રને પણ જાણે હિમાચલી સ્ત્રીના પહેરવેશનું વર્ણન કરવા ન ફોટો પાડ્યો હોય તેમ ફોટો પાડ્યો.
ડુંગરી મેળામાં આવતા લોકોની ધમાલ વચ્ચે કોઈ બે સ્ત્રીઓને આમ રોકિ રાખીને photography કરવાનો પહેલો અનુભવ લેતી મેં જયારે ખૂબ નજીકથી કમર સુધીનું જ સંયોજન લીધું ત્યારે જોયું કે શાલ જેવો ‘પટ્ટુ’ સરી ન પડે તે માટે તેઓએ સ્થાનિક હિમાચલી બોલીમાં ‘બૂમની’ તરીકે ઓળખાતું બ્રોચ ભરાવ્યું હતું અને જેવી જેની સ્થિતિ એટલી આ પીન મોંઘી કે ચાંદીની હોય તેવું એ બંને બહેનો પાસેથી જાણ્યું પણ.
આપણને સ્હેજે એવું થાય કે આવી વજનવાળી ચાદર જેવી શાલ આવા એક એક બ્રોચના બાંધવાથી ટકિ જતી હશે પરંતુ મેં બરાબર નજર ફેરવતી તો રોજબરોજના પહેરવેશ પર નખાતી રંગબેરંગી શાલને શરીર પરથી સરકવા ન દેવા બ્રોચ ઉપરાંત તેઓ ‘ગાછી’ નામનો ઉનનો બેલ્ટ કમર પર બાંધે છે જેથી કામકાજમાં ઉનની જાડી શાલ જેવો ‘પટ્ટુ’ આડો ન આવે, તેના વજનને લીધે બ્રોચ તોડિને નીકળી પણ ન જાય, શરીર પર ટકેલો રહે અને ખૂબ ઠંડીના માહોલમાં ગરમાવો પણ આપે.
ઓહો! દેવદારના દળદાર થડ પર સ્થિત ઘટોત્કચજીનું થાનક મને પશુબલીના પ્રાચીન skeletal horn ઉપરાંત કુલ્લુ વેલીની આ બે સ્ત્રીઓ પર વિગતે કામ કરવાનો મોકો આપશે એ નોહતી ખબર, પરંતુ અચાનક હાથ લાગેલા ખજાના માફક આ મન પાંચમના ડુંગરી મેળામાં હવે મારુ ધ્યાન દેવદારના મૂળિયાં આગળ જાડા મૂળિયાનો ઉપયોગ કરી મગરમચ્છના શરીર પર જાણે માટીની ઓટલી ન બનાવી હોય તેવી એક પીઠીકા પર પડ્યું જેમાં શિવલિંગનો આકાર કરી, તેના ઓરસ-ચોરસ ચાર ખૂણે લાલ રંગની ચાર ધજા ફરકાવીને મેળા પુરતું એક temporary નાનકડું થાનક ઊભું કર્યું હતું.
૧૯૯૯ સુધીમાં સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના નાના-મોટા મેળા અને ખાસ તો કોળીયાકના ભાદરવી અમાસના મેળામાં કોઈ પાંચ-દસનો સિક્કો મુકે તે માટે જમીનમાં ત્રિશૂળ ખોડિને ઉભી કરેલી નાની દેરીઓ મેં જોઈ હતી અને the thing is કે મને હંમેશા આવા લાલ-કેસરી કે ગેરુવા રંગ લગાડેલા પથ્થરો વાળી દેરીઓ,ત્રિશુલો અને તે દેરીઓમાં રહેલા કોડિની આંખ ચોટાડિને સ્થાપેલા સ્થાનિક દેવી-દેવતાઓ ખૂબ ગમતા અને તેની આગળ પાથરેલા પાથરણા પર ઘઉં-ચોખાની ઢગલીઓ અને પાંચ્યા-દસ્યા પડ્યા હોય એવા દ્રશ્યો Magnet માફક મને આકર્ષતા પણ અને ડુંગરીના હિમાચલી મેળે પણ શંકર ભગવાનના સ્કેચ પાથરીને બેઠેલા દાઢીવાળા-છત્રીધારી બાવા-સાધુ, તેની મેળામાં રોજના પાંચ-પચ્ચીસ કમાવાની ઈચ્છા, તેનું સ્ટીલની બરણીમાં પડતા રૂપિયાના સિક્કાથી ખનકતું સુખ મને બહુ ગમ્યું અને આથી જ હિડિંબા દેવીના મંદિરે આવા સંયોજનોને વીણતી-કારવતી હું હાથમાં કેમેરો લઈને આગળ ચાલી ત્યાં મારુ ધ્યાન મારા સહપ્રવાસી દિપક ચૌહાણ પર પડ્યું જે એક ત્રાજવા ત્રોફાવા વાળા પાસે પહોંચી જઈ જમણા હાથ પર ક્યાં tatto પડાવવું તેની મસલત કરી રહ્યો હતો.
એ વખતે તો વાંદરાને નિસરણી દેખાડ્યા જેવો ખેલ થયો કારણ કે દિપકને જોઈને મને પણ ઉજમ ચડ્યો કે લગેહાથ હું પણ જમણા હાથે એક છુંદણું છુંદાવી જ નાખું અને એવા ઉત્સાહે મેં એક બીજા tatto makerને શોધી લીધો જે ચાઈનીઝ જેવા લાગતા બે જટીયા જેવા લાંબા વાળ વાળા જુવાન છોકરાવના હાથ પર tatto બનાવી રહ્યો હતો.
દક્ષિણ ગુજરાતના કેટલાક મેળામાં અને ખાસ તો કચ્છના ધ્રંગના મેળે પણ લોખંડની પેટી લઈને બેઠેલા ગામડા ગામના ત્રાજવા ત્રોફાવાવાળાને મેં ‘ઠરરર..’ અવાજે મુગ્ધાવસ્થામાંથી પસાર થતી દિકરીઓના tatto બનાવતા જોયેલા એટલે મારા સહપ્રવાસીઓમાંથી કોઈને જાણ કર્યા વગર, HIV positive થઈ જવાના ભય વગર tatto બનાવવા વાળાના કાગળીયામાંથી મેં એક એથનિક પ્રતીક શોધીને finally છુંદણું છુંદાવ્યું અને જયારે એના મશીને મારા જમણા હાથના પોચા ભાગ પર લોહિના ટસ્યા ફોડ્યા ત્યારે જુની એટેચી બેગ પર ઈલેક્ટ્રિક મશીન અને tatto લીલુ થઈ જાય એવો કોઈ રંગ કે Oil લઈને બેઠેલા tatto maker સામે બેઠેલી મારુ મોઢું જોવા જેવું હતું અને આસપાસ એવું કોઈ નહોતું કે જેનો હાથ પકડિને હું શરીરની અંદર સોંસરવા ઉતરતા એ tatto પ્રેમ અને એ પ્રેમની પીડાને ઓછી કરું.
Tatto તો બની ગયું અને એ હરખને છુપાવતી હું મારી બાજુમાં રહેલા કેમેરાને હાથમાં લઈને સીધી ઉપડી મારી સહપ્રવાસી ટીમને શોધવા જે દેવદારના વૃક્ષો આસપાસ રહેલી એકાદ-બે શીલાઓ પર બેઠી બેઠી મેળાના રંગીન માહોલને અવલોકતી હતી. હિમાચલી સંસ્કૃતિના ઘૂઘવતા સાગર જેવો ડુંગરી કે ધુંગરીનો મેળો અમને સૌને મનપાંચમના એ મેળે લઈ જતો હતો જ્યાં ફુગ્ગાનું ફૂટવું, દોરાનું તૂટવું અને અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવેલા સૌ પોત પોતાની મોજમાં મલપતા હતાં અને રમેશ પારેખના શબ્દોમાં એકબીજાને કહેતા હતા કે,
‘આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.’
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.