સામાન્ય રીતે વાર્તા પરથી ગીતો બને છે, પરંતુ રાજ ખોસલાની 'એક મુસાફિર એક હસીના' અને તેમના શિષ્ય મહેશ ભટ્ટની 'આશિકી' માત્ર ગીતો-ધૂનો પરથી રચાઈ હતી. સંગીતના પ્રચંડ જોરે બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર અમર બનાવી દીધી.
ભારતીય ફિલ્મો અને પશ્ચિમની ફિલ્મોમાં એક દેખીતો તફાવત જોઇએ તો તે છે –ગીતો(સોંગ્સ).ગીતો વિનાની ભારતીય ફિલ્મોની કલ્પના જ ન થઇ શકે. ઘણીવાર ગીત-સંગીત ફિલ્મને બચાવી લે છે પરંતુ માત્ર ગીતો પરથી ફિલ્મ બને? ગીતોને ગૂંથી તેની ઉપર વાર્તા- પટકથા(સ્ક્રીનપ્લે) લખી શકાય?
તનુજા, કાજોલ, રાની મુખર્જી, અયાન મુખર્જી આ બધાના વડીલ એટલે શશધર મુખરજી. ભારતીય સિનેમામાં તેમનું સ્થાન અનેરૂ છે. વિજ્ઞાનના સ્નાતક એવા શશધર મુખર્જી હિમાંશુ રાયની ફિલ્મ કંપની ‘બોમ્બે ટોકીઝ’માં ૧૯૩૪માં જોડાયેલા. હિમાંશુ રાયના અવસાન બાદ એ કંપનીમાંથી અલગ થઇને તેમણે ‘ફિલ્મિસ્તાન’ સ્ટુડિયોની સ્થાપના કરી. આ સ્ટુડીઓ સફળતાપૂર્વક ચાલ્યો પણ તેમાં ભાગીદારો સાથે વિવાદ થયા બાદ ૧૯૫૮માં શશધર મુખર્જીએ ‘ફિલ્માલય’ નામથી નવો સ્ટુડિયો શરૂ કર્યો. એ જમાનો જુદા જુદા ફિલ્મી સ્ટુડીઓનો હતો જ્યાં હીરો-હિરોઇન –લેખક સહિત તમામ લોકો નોકરીયાત હતા અને દર મહિને તેમને પગાર અપાતો.
આ સ્ટુડીઓ હેઠળ શશધર મુખર્જીએ પોતાના દીકરા જોય મુખર્જી અને સાધનાને લઈને ૧૯૬૦માં ‘લવ ઇન સિમલા’ નામની ફિલ્મનું નિર્માણ કર્યું.જેને સારી એવી સફળતા મળી હતી. હવે નિર્માતા શશધર મુખર્જી એક નવા સાહસની તલાશમાં હતા.
આ દરમિયાન સંગીતકાર ઓમકાર પ્રસાદ નય્યર જેને હિન્દી ફિલ્મજગતના લોકો ‘ઓ.પી.નય્યર’ ના નામે ઓળખે છે તેમણે નિર્માતા- નિર્દેશક શશધર મુખરજીને પોતે કંમ્પોઝ કરેલી કેટલીક ધૂનો(ટયૂન્સ) સંભળાવી. અનુભવી શશધર મુખરજીએ આ પૈકીની કેટલીક ધૂનો પસંદ કરી અને તેને અલગ રખાવી દીધી. હજુ આ ધૂનો પોતે કોઇ ફિલ્મમાં તેઓ વાપરશે તેવું કઇ નક્કી ન હતું. તેમાં પણ ખાલી ધૂનોથી કંઈ થાય ? હવે નિર્માતા એ આ ગીતોની આસપાસ પ્રેમકહાની ગૂંથવાનું અને ફિલ્મ બનાવવા માટે પ્રસિદ્ધ નિર્દેશક રાજ ખોસાલાને પસંદ કર્યા. રાજ કે જેઓ આ અગાઉ દેવ આનંદ સાથે ‘સી.આઇ.ડી’ અને કાલા પાની’ જેવી હીટ ફિલ્મો નિર્દેશિત કરી ચૂક્યા હતા. રાજએ ગીતોની આસપાસ વાર્તા લખી અને ફિલ્મ બની ‘એક મુસાફિર એક હસીના’ .જેમાં હતા જોય મુખર્જી અને સાધના. આ ફિલ્મ ‘ફિલ્માલય’ અને રાજ ખોસલા માટે ‘મીલ કા પથ્થર’ સાબિત થઇ. એના યાદગાર ગીતો આજે પણ લોકોને ડોલાવી દે છે. જેમાં ગીતો હતા-‘બહુત શુક્રીયા ..બડી મહેરબાની....”, મુજે દેખ કર આપકા મુસ્કુરાના..” , ” મે પ્યાર કા રાહી હૂ..” વગેરે.
૧૯૯૦નો દાયકો. હવે સમય આગળ વધે છે. ‘લોંગ પ્લે’ માંથી કેસેટનો જમાનો આવ્યો. ગુલશન કુમાર નામના એક કેસેટ કંપનીના માલિકે એક ખાનગી મ્યુઝિક આલ્બમ તૈયાર કરવાનું નક્કી કર્યું. નવા સાહસ માટે તેમણે નવા નવા સંગીતકાર નદીમ સૈફી અને શ્રવણ રાઠોડ-‘નદીમ-શ્રવણ’ કે જેમનો હિન્દી ફિલ્મઉદ્યોગમાં સંઘર્ષ હજુ જારી હતો તેમને તક આપી તો સાથે ગીતકાર ‘અન્જાન’ ના પુત્ર ‘સમીર’ને કે જેઓ હજી ફિલ્મઉદ્યોગમાં પાપા- પગલી પાડતા હતા તેમની પાસે ગીતો લખાવ્યા. સામે મોટા બ્રેકની તલાશમાં રહેલા ગાયકો -કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલની ટીમ સાથે ‘ચાહત’ નામનું આલ્બમ બન્યું. ગીતો કર્ણપ્રિય બન્યા. એ દરમિયાન નિર્દેશક મહેશ ભટ્ટને આ ગીતો સંભળાવવામાં આવ્યા. આના પરથી ફિલ્મ બનાવી શકાય કે કેમ તેની ચર્ચામાં મહેશ ભટ્ટના ભાઈ રોબિન ભટ્ટ કે જેમની પાસે તે સમયે એટલું કામ ન હતું તેમણે કામ મળે તેની આશાએ –“ફિલ્મ બની શકે..” એમ વાત કરી. આ પહેલા તેમણે ફિલ્મ લખી ન હતી પણ હવે તેઓ ભાઇ મહેશ ભટ્ટ માટે તેમને સંભળાવેલા ગીતો પરથી ફિલ્મ લખવાના કામે લાગ્યા. રોબિન ભટ્ટે એ ગીતો પરથી એક પ્રેમકહાની લખી. મર્યાદિત બજેટને ધ્યાને લેતા ‘ન્યુ કમર’(નવાસવા એકટર્સ)ને લઈને ફિલ્મ બનાવવાનું નક્કી થયું. જેથી નવાસવા અભિનેતા રાહુલ રોય અને નવી જ અભિનેત્રી અનુ અગ્રવાલને લઈને ‘આશિકી’ ફિલ્મ બની.આ ફિલ્મ સાથે જોડાયેલા મોટાભાગના લોકોને આ ફિલ્મએ હિંદી ફિલ્મઉદ્યોગમાં સ્થાયી કરી દીધા.તેના તમામ ગીતો આજે પણ એટલાં જ સાંભળવામાં આવે છે.
અહીં ઉલ્લેખ કરેલ બંને ફિલ્મોના સંગીતમાં આપણા ત્યાં એક કહેવત છે તેમ ‘જણનારીમાં જોર ’એટલું હતું કે તેણે ફિલ્મના બાકીના નબળા પાસાંઓને ઢાંકી દીધા અને ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર હીટ થઈ ગઈ. અહીં નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટ આ બન્ને ફિલ્મો સાથે સંકળાયેલા છે. મહેશ ભટ્ટ ‘એક મુસાફિર એક હસીના’ના નિર્દેશક રાજ ખોસલાના એક સમયના સહાયક (આસિસ્ટન્ટ) રહેલા અને રાજ ખોસલાને તેઓ પોતાના ગુરુ માનતા. ગુરુ-ચેલાએ પોતાના જીવનમાં માત્ર ગીત-સંગીત પરથી આખી ફિલ્મ બનાવી હતી. તે પણ હિટ ફિલ્મ બનાવવાનું સાહસ સફળતાપૂર્વક કરી બતાવ્યું.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે