Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

ત્રિલોકીનાથના દર્શન બાદ વળતી કેડીએ હિન્સા ગામના ગડ્ડી પુરુષો, લાકડાના રેસ્ટોરન્ટના વૃદ્ધ અને રહસ્યમય સાધુઓને કેમેરામાં કંડારતી સંવેદનશીલ યાત્રા; જે સંધ્યા ટાણે અણધારી ટ્રેક્ટર સવારી સાથે ઉદેપુર પહોંચી હિમાલયના અનંત સૌંદર્ય અને લોકજીવનના અદભુત આત્મસંતોષ સાથે સંપન્ન થાય છે.

ત્રિલોકીનાથ મંદિરથી ઉદેપુરનો વળતો ટ્રેક:
Hitch hikingના અનુભવ સાથે  

    
      સવારે લાહૌલ વેલીના અને લાહૌલ-સ્પીતિ જીલ્લાના ઉદેપુરથી કુકુમશેરી સુધીની નાની એવી બસ યાત્રા પછી કુકુમશેરીથી ત્રિલોકીનાથના પ્રાચીન મંદિર સુધીનો ટ્રેક કરી, એક હજાર વર્ષ પ્રાચીન મંદિરને ખૂબ નિરાંતે જોયા પછી અમે છ સહપ્રવાસીઓ ઊંચી ટેકરી પર રહેલા ત્રિલોકીનાથ ગામમાં રહેલા મંદિરથી નીચે વહેતી ચંદ્રભાગા સુધી પહોંચ્યા ત્યારે પીર પંજાલ અને ઝંસ્કરની બરફાચ્છાદિત પર્વતમાળાથી ઘેરાયેલું દ્રશ્ય થોડું ઘાટું થઈ ગયું હતું અને પથરાળ પટ પર વહેતી ચંદ્રભાગા આસપાસના જુનિપર જેવા શંકુદ્રમ વૃક્ષો ટટ્ટાર ઉભા ઉભા અમારી જેવા રખડુ પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યા હતા.




    સ્વાગતની એ ક્ષણોને વધાવીને બપોરે ચાર આસપાસ હવે અમારે  ત્રિલોકીનાથ ગામથી ઉદેપુર કે ઉદેપુર ટાઉન પહોંચવું હતું પરંતુ તે માટે હિમાચલ પથ પરિવહનની કોઈ બસ બપોરે ચાર પછી મળવી મુશ્કેલ હતી આથી વળતી યાત્રામાં પણ અમે ત્રિલોકીનાથથી હિન્સા અને હિન્સા ગામથી કુકુમશેરી સુધી ચાલી નાખવાનો વિચાર કરી ચાલવાનું શરુ કર્યું ત્યાં દૂર સ્થાનિક પથ્થરોમાંથી બાંધેલું એક લાહૌલી ઘર જોયું જેના ઊંચા આંગણે સફેદ-કાળી બકરીઓ હતી અને ઇંધણના લાકડાની ભારી વાળા વાડા સુધી પહોંચવાની અને તે વાડાથી ઉપર જવાની લાકડાની એક પગ માંડમાંડ રહે તેવી બે નિસરણીઓ હતી. 



      હજી તો આવા એક-બે ઘરોને કેમેરાની જોળીમાં ભરીને મારા મોટા ભાઈ, સુભાષ સહિતના અમે છ પ્રવાસીઓ ત્રિલોકીનાથ ગામના એક કિલોમીટરથી પણ ઓછા અંતરના ટ્રેક રૂટનો ઉપયોગ કરી હિન્સા નાળાને ઓળંગી અને આગળ ચાલ્યા ત્યાં મારા સ્વપ્નનું એક સંયોજન મને દેખાયું અને તેને જીલવા મેં વીસ-પચ્ચીસ મીટરનું અંતર તો માંડમાંડ કાપ્યું કારણ કે ઉતાવળ જ બહુ હતી કે ક્યારે તે સંયોજનની સમક્ષ થાવ.




      વાત જાણે એમ હતી કે અમારાથી વીસ-પચ્ચીસ મીટરની દૂરી પર એક ટી સ્ટોલ કમ નાનું એવું લાકડાના જુના ખુરશી-ટેબલ વાળું રેસ્ટોરન્ટ હતું અને તેની અંદરની લાકડાની બાંકડિએ એક હિમાચલી વૃધ્ધ દાદુ બે આંગળીઓ વચ્ચે બીડી પકડી અજાણ્યા એવા અમને પાંચ પ્રવાસીઓને અને ગળામાં કેમેરા ઝુલાવતી છઠ્ઠી મને ઝીણી આંખ કરીને જોઈ રહ્યા હતા.



    કપાળ પર જીવનના અગણિત પહાડી સંઘર્ષોની એક એક કરીને ગણી શકાય તેવી રેખાઓ અને કરુણામય ભીની આંખોની આભાના આકર્ષણે હું તેમની સમક્ષ જઈને ઊભી રહિ અને ગામડા ગામના એકદમ બેઝીક રેસ્ટોરન્ટના પીળા બલ્બના પ્રકાશે મેં તેમને જીલ્યા ત્યારે એ સંયોજનમાં રેસ્ટોરન્ટનું લીલું ટેબલ, તેની ઉપર મુકેલો તેમનો મેલોઘેલો થેલો અને સ્ટીલનો પ્યાલો તો મારા vertical સંયોજનમાં સમાવિષ્ટ હતાં જ પરંતુ એવા પદાર્થોથી બનતી frameમાં બેઠેલા આ લાહૌલી વૃધ્ધનું એકદમ rough being મારે મન લોટરી હતી.




    એકદમ ઘાટી ભૌમિતિક ભાતથી રંગીન, fine woolથી બનેલી અને કુલ્લુ પટ્ટીથી શણગારેલી stiff પહાડિ ટોપીમાં છુપાયા ન છુપે તેવા તેમના grey hair તેમની દાઢિ-મૂછની અંદર તો તેના વર્ષોની હાડમારી લઈને મને મીઠુ સ્મિત આપી જ રહ્યા હતા પરંતુ એક impressive અદાથી બે આંગળી વચ્ચે પકડેલી બીડી સહિતનું તેમનું હોવું મને કોઈ Holywoodian hero જેવું sense થઈ રહ્યું હતું.



    વ્યક્તિના mood, તેનું વ્યક્તિત્વ અને તેની લાક્ષણિકતાને કલાત્મક રીતે capture કરવાની કલા શીખવતી portrait photography તો હું શીખી નોહતી એટલે wide apertureમાં આસપાસનું બધુ ઝાંખુ કરીને portrait લેવાની બદલે મેં તો લાકડાની છતે લટકતા બલ્બથી માંડીને બધુ લીધું કારણ કે મને આ હિમાચલી પુરુષ આસપાસનું ambiance હૃદયને એવું અડ્યું હતું કે તે માહોલ વગરનું વ્યક્તિચિત્ર મને નિરર્થક લાગતું હતું. 




    ત્રિલોકીનાથ મંદિર સુધીના ટ્રેક પછી જાણે વળતી યાત્રામાં મને હિમાચલની ગડ્ડી પ્રજાના પુરુષ સ્વરૂપે ખુદ અવલોકિતેશ્વર મળ્યાનો આનંદ ગુંજે ભરી આગળ ચાલવા મંડવાની બદલે અમે સૌ રેસ્ટોરન્ટની અંદર જઈને બેઠા અને ચાનો ઓર્ડર આપ્યો કારણ કે સવારે ઉદેપુરથી નીકળ્યા પછી ચા-કોફી કાંઈ પીધું નોહતું. અમારી ચા બને તે પહેલા મારી ટેવ મુજબ અંદર જઈને જોયું તો ગાર-માટીના ચુલાની બાજુમાં ટી-પોટ પડ્યું હતું અને bare minimum વસ્તુઓ વાળા રસોડામાં મને ખૂબ ગમતી થાંભલીઓ સાથે ખાખી-સફેદ દિવાલ મને કચ્છના કોઈ અંતરીયાળ ગામડાના રસોડામાં મુકિ બે તદ્દન અલગ સંસ્કૃતિને એક કરતી હતી.



    મનોમન ચાલતી આવી cultural comparision સાથે ચા પીધી અને ચરણને પટ્ટનવેલીના હિન્સા જેવા High altitude ગામમાં ફરતા કર્યા ત્યારે પતરાના છાપરા વાળી પથ્થરની એક ઓરડીની બહાર તૂટેલી આકાશી બાંકડિ પર એક નહિ, બે નહિ પરંતુ ત્રણ ત્રણ હિમાચલી પુરુષો એકબીજાની વાતોમાં ઓતપ્રોત બેઠા હતા અને મેં ત્રણેયને સ્હેજ પણ ખબર ન પડે એમ એક candid click અંકે કરી.



    Traditional headgear ગણાતી કુલ્લુવી કેપ જેવી કેપ અને તેમાં હાથે વણેલી લાહૌલી કે કુલ્લુ પટ્ટીની બોર્ડર તે સૌના કપાળ ઉપરના ભાગને શોભાવતી હતી અને મને મળેલું પથ્થરનું background મારા સંયોજનને વધુ એથનિક બનાવી રહ્યું હતું એવું મને લાગતું હતું.




    Ethnicityના આવા મોકા વારંવાર નથી આવતાં તેમ છતાં ખબર નહિ કેમ મેં આ ત્રિપુટીનો એક જ ફોટો પાડ્યો, પરંતુ હુંફાળા સ્થાનિક ઉનમાંથી બનાવેલી અને લાહૌલી પુરુષોની cultural identityના પ્રતીક સમી આ પહાડી ટોપી વાળા પુરુષો તેના સહજ અંદાજમાં હાથમાં બીડી સાથે મળ્યાનો હરખ મને semi-nomadic ગડ્ડી પ્રજા સુધી લઈ ગયો જે અર્ધ-ભ્રમણશીલ પ્રજા લાહૌલના ત્રિલોકીનાથ મંદિર નજીકના હિન્સા ગામમાં રહે પણ છે અને તેમના ઘેટા-બકરા લઈને ચંબા વેલીથી આવે પણ છે.



    Transhuman pattrenના અભ્યાસુઓ મુજબ ગડ્ડી જેવી હિમાચલી પશુપાલક પ્રજા નિયમિત રીતે તેના ઘેટા-બકરા સાથે ચંબા-ભરમૌરથી લાહૌલના હિન્સા જેવા ગામો સુધી ચંદ્રભાગા જેવી નદીને cross કરીને આવે છે અને પીર પંજાલ જેવી પર્વતમાળાના ખોળે તેઓ તેના માલને ચરતા મુકિ દે છે. બીજુ કે હિન્સા ગામ નીચેનો પટ્ટનવેલીના ઉદેપુર ગામનો પ્રદેશ આ ગડ્ડી પ્રજાની ગમતી ચરાણની ભૂમિ તો છે જ પરંતુ તે ઉપરાંત તેઓનો transit point પણ છે જ્યાંથી તેઓ અન્ય પ્રદેશોમાં અવરજવર કરે છે.આવા જ કારણોસર ઉદેપુર અને હિન્સા આસપાસ ગડ્ડી પ્રજા તેના માલ સાથે તો જોવા મળે જ પરંતુ મને તો માલ વગર પણ તેઓના day to dayના સહજ અંદાજમાં અને સાંજની હળવી પળોમાં જાણે સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના ચોરે બેઠેલા રબારી-ભરવાડો મળી જાય તેમ મળ્યા તેનો આનંદ હતો અને તે એટલે હતો કે દરેક પ્રદેશની પ્રજા, તેની જીવનશૈલી અને તેના પર્વો-પહેરવેશો  મને હંમેશા આકર્ષે અને તેનો અભ્યાસ કરવાની ઈચ્છા સુધી અનહદ આકર્ષે.




    આવા આકર્ષણોને મારી સ્મરણ જોળીમાં ભરીને હું મારા અન્ય પાંચ સહપ્રવાસી ભાઈઓ સાથે હિન્સા ગામથી આગળ ચાલી ત્યાં અમે સૌએ ગાર-માટીના ઘરના ફળીયે સફેદ ચંદરવો માથે બાંધ્યો હોય તેવી ફળીયા જેવી ખુલ્લી ઓસરીનો ભાગ જોયો જેમાં દિવાલની ખીંટીએ એક-બે કોટ અને હિમાચલી ટોપી ટીંગાડેલા હતા અને સાધુ-બાવાના ભગવા રંગ અને જટા-જુટ વચ્ચે બોલીવુડના હિરો અનિલ કપૂર જેવો એક Handsome હિમાચલી અમને સૌને તે દસ-પંદર બાવા-સાધુના સંઘ તરફ આવતા જોઈ રહ્યો હતો.




    લાલ શેત્રંજી ઉપર રાધે-શ્યામ લખેલી ભરત ભરેલી થેલી, બીડી-સીગરેટના પેકેટ અને બાકસ આસપાસ બેઠેલા બાવા-સાધુઓએ ગળામાં માળા-કંઠિ અને તાવીજ પહેરેલા હતા અને મને ફોટો પાડતા જોઈને એકબીજાની ચલમ-ચુંગી સળગાવી દેતા સૌ અમને છ પ્રવાસીઓને અને ખાસ તો ગળામાં કેમેરા ભરાવેલી મને જોઈ રહ્યા હતા. 




      મોકો મળે તો બાવા-સાધુના ફોટા પાડવાનું કોઈ હિસાબે ન છોડનારી મારું  આ સાધુ-બાવાનું પહેલું-બીજું encounter જ હતું એટલે સંયોજનની ભૂલો તો હશે જ પરંતુ ચુંગી-ચલમ સહિતની એ ભગવી જાહોજલાલીના ફોટા તો લીધા જ અને એમાં બટન બંધ કર્યા વગરની ભરેલી-કાળી બંડી અને કાળી લુંગીમાં રહેલા એક સાધુ પર જેવો લેન્સ ધર્યો કે તરત જ તેણે ત્રાટક કરતા હોય તેવા ધારદાર, penetrating હાવભાવથી મારી સામે એટલે કે મારા લેન્સ સામે જોયું ત્યારે બંને હાથમાં કડા પહેરેલા તે સાધુની નજરથી હું ધ્રુજી ગઈ હઈશ એટલે ફોટો તો પાડ્યો જ પરંતુ ફોટો પણ ધ્રુજી ગયો, I mean shake થઈ ગયો.




      બાકી આસપાસના સૌને unclutter કરી પાડેલું આ vertical composition પથ્થરની દિવાલનું background લઈને  કાંઈક તો કમાલ કરત પરંતુ ‘રાધે રાધે’ તસવીર કલા, ક્યારેક આપણને બીજી ક્ષણ કે બીજો મોકો નથી આપતી અને આથી જ અનુભવી જાણકારો કહે છેને કે ‘The essence of photography is capturing a moment in time.’



    પસાર થતાં સમયની એક ક્ષણને નિશ્ચલ કરતી આ તસવીર કલા જેના માધ્યમથી હું આ પ્રવાસ વૃતાંત વર્ણવી રહિ છું તેની એક એક તસવીર ભલે ભૂતકાળની કોઈ ક્ષણમાં સ્થિર થઈને સમયને freez કરીને બેઠી હોય પરંતુ વર્તમાનમાં અનેક versionsમાં કહિ શકાતી તેની વાર્તા તે તસવીરના અનંત વર્ણનો લઈને વ્યકિતના ભાવજગતને પ્રગટ કરે છે અને ભાવક એટલા ભાવ કે જેટલા ભાવક એટલી લાગણી અને સંવેદનાઓ લઈને તસવીરને મૂલવે છે, વર્ણવે છે અને ફરી ફરીને કહે છે કે photography is the pause button on life’s greatest moments.




    આવી ગમતી અને great ક્ષણોને capture કરતાં કરતાં અમે સૌ તે સાધુ મંડળીના પડાવથી નીકળ્યા ત્યાં એક ઢાળ આવ્યો જે ઉતરવાનો શરુ કરીએ તે પહેલા જ અમને અમારી પાછળ આવતાં એક ટ્રેકટરનો અવાજ સંભળાણો એટલે ડૂબતો માણસ તરણું પકડે એમ થાકેલા અમે સૌએ મરણિયા અવાજે પૂછ્યું કે અમારે ઉદેપુર જવું છે, અમને લઈ જશો. થાકીને ઠુસ થઈ ગયેલાને પડી ગયેલા અમારા ચહેરા જોઈને ટ્રેકટર વાળાએ તરત જ હા ભણી અને અમે High altitude હિમાલયમાં ટ્રેકટરની સવારી કરી અંતરીયાળ ઉબડ-ખાબડ રસ્તે ઉદેપુર પહોંચ્યા અને પહોંચ્યા અમારા નિવાસે.



       સવારે ઉદેપુરથી ત્રિલોકિનાથ ગામ અને મંદિરનો ટ્રેક અને વળતી વખતે અચાનક મળી ગયેલા ટ્રેકટરના Hitch hikingથી સંધ્યાકાળ પહેલા ઉદેપુર પહોંચેલા અમે આખા દિવસને બરાબર squeez કર્યો હતો અને એવા આત્મસંતોષે અમે જ્યારે dinner લઈને સૂતા ત્યારે ઈશ્વરનો આભાર માન્યો કે ચરણ સાથ આપે ત્યાં સુધી આમ જ હિમાલય દર્શન કરતાં રહેવાનું સૌભાગ્ય બક્ષજો....

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.