Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

27 વર્ષ પહેલાં લેખિકાએ છ સહપ્રવાસીઓ સાથે લાહૌલ વેલીના કેલોન્ગથી તાયુલ બૌદ્ધ મઠ સુધી કરેલા અદ્ભુત ટ્રેકિંગની આ કથા છે. ૧૨,૭૯૫ ફૂટની ઊંચાઈએ આવેલા આ ઐતિહાસિક મઠમાં ગુરુ પદ્મસંભવની મૂર્તિ, પવિત્ર હસ્તપ્રતો અને જુનિપરના પ્રાચીન જંગલો વચ્ચે અનુભવેલી પરમ શાંતિનું આબેહૂબ વર્ણન છે.

      ૧૯૯૯ના મે મહિનાના બીજા સપ્તાહમાં લાહૌલ વેલીના બુધ્ધિસ્ટ ગામ ગણાતા કેલોન્ગમાં સવાર પડી. આગલા દિવસે મોટાભાઈ સુભાષ અને અન્ય ચાર સહપ્રવાસીઓ સાથે મનાલીથી રોહતાંગ, ગ્રામ્ફું, સિસ્સુ, ટાંડિ થઈને કેલોન્ગ સુધીની કુલ્લુ વેલીથી લાહૌલ વેલી સુધીની રોડ ટ્રીપ કરીને કેલોન્ગ પહોંચી હતી અને કુલ્લુ વેલીના લીલાછમ લેન્ડસ્કેપ પસાર કરીને ધીમે ધીમે ખડકાળ પર્વતોનો barren ભુપ્રદેશ જોયો હતો અને એવી બદલાતી terrain સાથે બિયાસ નદી પછી ગ્રામ્ફુ પાસે ચંદ્રતાલથી આવતી ચંદ્રા નદી અને ટાંડિ આવતા સુધીમાં સુરજ તાલથી આવતી ભાગાના ચંદ્રભાગા સંગમે બેસીને કેલોન્ગ પહોંચ્યા હતા.




       લાહૌલ અને સ્પિતી જીલ્લાના મુખ્યાલય ગણાતા ૧૦,૧૦૦ ફૂટ ઊંચા ગામમાં છસ્સો-સાતસોની વસ્તી હતી અને હતું અમારી જેવા હિમાલય પ્રેમીઓ ઉતરી શકે તેવું, કદાચ એક જ ઠેકાણું જેનું નામ હતું ચંદ્રભાગા, કેલોંગ જે હિમાચલપ્રદેશ પ્રવાસન વિભાગ [HPTDC] દ્વારા ચલાવવામાં આવતી હોટલ હતી. 



     આજથી સત્યાવીસ વર્ષ પહેલા મનાલી-લેહ હાઈ-વે પર આવેલા નાનકડા ગામ કેલોન્ગનું આ એક માત્ર રહેવાનું ઠેકાણું હશે જેમાં નળમાં આવતાં ગરમ પાણીની તામઝામ નહોતી પરંતુ મનાલીથી છેક લેહ સુધી પહોંચતા રખડું backpackers કે અમારી જેવા હિમાલયન નદીના કાંઠે નિરાંતે બેસવા આવેલા પ્રકૃતિપ્રેમીઓ માટે standard deluxe rooms અને dormitory beds હતાં જે ખાસ્સા economical હતાં. 




      કેલોન્ગમાં આવી ઓછી સગવડતા વાળી સરકારી હોટલમાં ઉતરેલા અમને છ સહપ્રવાસીઓને આ સગવડતા ઓછી નહોતી લાગતી કારણ કે હિમાલયના દુર્ગમ પ્રદેશના ગામોમાં luxurious stayનો કોઈ વિકલ્પ તો નહોતો જ plus અમે પણ અઢી દાયકા પહેલા એવા આરામદાયક-ખર્ચાળ પ્રવાસોથી ટેવાયેલા નહોતા.




        ભાગા નદીને સામે કાંઠે રહેલી કારદાંગ જેવી નવસો વર્ષ પ્રાચીન બૌધ્ધ મોનેસ્ટરી, સત્તરમી સદીમાં બંધાયેલી શાશુર [shashur] મોનેસ્ટરી, ગુરુ પદ્મસંભવની બાર ફૂટ ઊંચી પ્રતિમાથી પવિત્ર તાયુલ [Tayul] મોનેસ્ટરી અને ચંદ્રભાગાના સંગમ સ્થળે હિન્દુ અને બૌધ્ધ ધર્મના સંગમ સમી ગુરુ ઘંટાલ મોનેસ્ટરીના આ ગામમાં હું, સુભાષ અને અમારા પરિવારના મિત્રો જેવા ચાર ભાઈઓ, ભરત-ભાવેશ, દિપક અને કાર્તિકેય રાવળ સાથે કેલોન્ગની ઉત્તરે મનાલી-લેહ હાઈ-વે તરફ રહેલી અમારી હિમાચલપ્રદેશ ટુરીઝમ ડીપાર્ટમેન્ટ કોર્પોરેશનની, હોટલ ચંદ્રભાગાથી યુર્નાથ [yurnath ] ગામ પસાર કરીને કુલ સાત કિલોમીટર દૂર રહેલા તાયુલ [Tayul] બૌધ્ધ મઠના Half-day excursion માટે નીકળી.




       કેલોન્ગની અમારી આ પ્રથમ સવારે ગામમાં પથરાયેલી પીર પંજાલ જેવી Lesser [લઘુ] હિમાલયન પર્વતમાળાની સૌથી મોટી રેન્જ અને ઝંસ્કર અને ઈન્ડસ વેલીને  જુદિ પાડતી Trans Himalayan range એવી ઝંસ્કર રેન્જના બરફાચ્છાદિત પર્વતો પર ઘુમ્મસ લહેરાતું હતું.




      Foregroundમાં ખડકાળ પર્વતો અને તેની બરાબર પાછળ ઊચકાતાં ધુમ્મસ પાછળ ઠંડોબોળ ડેરો જમાવીને બેઠેલા શ્વેત-ધવલ પર્વતોની નિરાંતને મારી હિમાલય પ્રેમી જોળીમાં ભરી ત્યારે મને હિમાલયના high altitude વાતાવરણનો તો પ્રથમ સ્પર્શ હતો જ પરંતુ યુર્નાથ જેવા ૯,૮૦૦ ફૂટની ઊંચાઈ પર રહેલા ગામનો પણ પ્રથમ અનુભવ હતો જ્યાં મેં ઘરના આંગણે બેઠેલી બે સ્ત્રીઓને સવારના પ્રકાશમાં monocrome એટલે એકરંગી રંગે સંયોજી અને સફેદ બૌદ્ધ prayer ફ્લેગના ફરફરાટ વચ્ચે માટીના ઘરના roof પર ઉભા ઉભા મને ધારી ધારીને આશ્ચર્ય સાથે જોતાં દાદીને anti-lightના અજવાળે અને વૃક્ષાચ્છાદિત પર્વતોના લીલાછમ કેનવાસ પર જીલ્યા.




    બહુ મહત્વના બૌધ્ધ મઠો અને બૌધ્ધ થાનકોથી ઘેરાયેલા કેલોન્ગના તાયુલ બૌધ્ધ મઠ પહોંચવા માટે અમારે પ્રથમ પાંચ કિલોમીટર માટે વાહન ભાડે કરીને સ્તિંગ્રી નામના ગામે પહોંચવાનું થતું હતું અને પછી બે કિલોમીટરની uphill hike કે ટ્રેક કરવાનો હતો.તિબેટના ખામ પ્રદેશના સતરમી સદીના બૌદ્ધ માસ્ટર, Dogpa Lama  Serzang Richen દ્વારા સત્તરમી સદીમાં બંધાયેલી તા-યુલ એટલે તિબેટન ભાષામાં જેનો ‘chosen place’ એવો અર્થ થાય છે તેવી તાયુલ નામના Red hat કે Drugpa પંથના બૌધ્ધ મઠ પહોંચવા અમે કરેલા વાહનમાં અમે કેલોન્ગથી પાંચ કિલોમીટર દૂર રહેલા સ્તિંગ્રી ગામે પહોંચ્યા ત્યારે આ પ્રથમ પડાવે મારા સહપ્રવાસી છબીકાર, દિપક ચૌહાણે બરફાચ્છાદિત પર્વતોને backgroundમાં રાખીને ગામની એક પાળ પર પોરો ખાતા મારા સહપ્રવાસી ભરત, સુભાષ અને કાર્તિકેયભાઈનો ફોટો લીધો અને છ જણાનો નાનકડો સંઘ તાયુલ બૌદ્ધ મઠ તરફ આગળ ચાલ્યો.




    ટોડ કે સ્ટોડ વેલી તરીકે પણ ઓળખાતી ભાગાવેલીનું આ ગામ પશ્ચિમ હિમાલયના ઊંચાઈ વાળા Alpine ભુપ્રદેશના બરફાચ્છાદિત પર્વતોથી ઘેરાયેલું હતું અને મે મહિનાના બીજા સપ્તાહે ચાર-પાંચ ડિગ્રીની ઠંડીમાં સ્થિર હતું. પાંચ કિલોમીટર માટે હાયર કરેલા વાહનમાંથી ઉતરીને સ્તિંગ્રી ગામથી તાયુલ મઠ સુધીની Uphill hike શરુ કરતી વખતે એક નવા બંધાતા ઘરને જોઇને હું ઉભી રહી ગઈ.સ્થાનિક પથ્થરો અને લાકડાથી બનતું આ indigenous બાંધણીનું ઘર એક ટેકરી પર બની રહ્યું હતું અને જાણે બરફાચ્છાદિત પર્વતોની સમાંતરે બની રહ્યું હતું. 




     એક તો ભાગા વેલી એટલે લાહૌલ જીલ્લામાં પથરાયેલી બોતેર કિલોમીટર લાંબી કોતર કે જે તેના મંગલ ગ્રહ જેવા High-altitude દ્ર્શ્યફલકો માટે જાણીતી હોવા ઉપરાંત બરાલાચા લા પાસ પાસે તે જેટલી ખડકાળ, ખરબચડી તેટલી જ દાર્ચા પછીનો કેલોન્ગ સુધીનો ઢાળ ઉતરતાં સુધીમાં terraced cultivation અને વૃક્ષો-વનોથી લીલીછમ.આવી લીલીછમ વેલીમાં ચાલતાં ચાલતાં હવે અમે ફરી તાયુલ બૌદ્ધ મઠ તરફ પ્રયાણ કર્યું.




     લાહૌલ-સ્પિતિની ભાગાવેલીના ઊંચા પર્વતો વચ્ચે ચારસો વર્ષોથી ઉભેલો તાયુલ બૌધ્ધ મઠ ૧૨,૭૯૫.૨૮ ફૂટની ઊંચાઈ પર હતો અને અમે બટેટા અને લીલા વટોણાના લીલાછમ ખેતરો પસાર કરતાં કરતાં સીધુ ચઢાણ ચઢી રહ્યા હતા એવામાં ફરી એક અદ્ભુત સ્વર્ગીય દ્રશ્યફલકે એવા દેખા દિધા કે અમે સૌ ‘ઓહો!’ના ઉદગારે જ્યાં હતા ત્યાં જ થંભી ગયા.સત્તરમી સદીમાં Drilburi [દ્રીલ્બુરી] નામના પવિત્ર શિખર પર ચાલતાં-ચાલતાં Juniper વૃક્ષોના જંગલ વચ્ચે જોયેલી નાની એવી ખુલ્લી ભૂમિ પર બૌધ્ધ મઠ બાંધવા સંકલ્પ કરનાર તિબેટના બૌધ્ધ ભિક્ષુક લામા Serzang Rinchene જોયેલો ભુપ્રદેશ જાણે અમે પણ જોયો.




    તિબેટન બુધ્ધિઝમના ઉર્જાવાન hub ગણાતાં કેલોન્ગના તાયુલ બૌધ્ધ મઠ સુધી બે કિલોમીટરની uphill hike પછીથી સપાટ થઈ જતી આ ભૂમિ HImalayan pencil cedar ગણાતા જુનિપર જેવા શંકુધારી coniferous વૃક્ષોના juniper forestથી સમૃધ્ધ હતી.




      Foregroundમાં જમીન, એ પછી ઘાસના મેદાનો, એ પછી બરફાચ્છાદિત પર્વતો અને જુનિપર જેવા સીધા-ઉભા લચ્છાદાર દેવદારના વૃક્ષોના જંગલના ઢાળને મારી જોળીમાં જીલીને હું તો અવાચક ઊભી જ રહિ ગઈ કારણ કે કેટલાક ૧૫૦૦ વર્ષ પ્રાચીન જુનિપર વૃક્ષોનું માલિક આ જંગલ High-altitude eco-systemને જાળવીને ગૌરવપૂર્વક ઉભુ હતું અને ક્યાંક જુનિપરના સોય જેવા પાંદડાઓ વચ્ચે બૌધ્ધ મણિ સ્ટોનનો ઢગલો અમને ‘ૐ મણિ પદ્મેહુમ’ના નાદ સુધી દોરી જતો હતો. 




     આવા નાદ અને સાદને સાંભળતા અમે છ સહપ્રવાસીઓ જંગલ તરફ જતી ટ્રેઈલનું વૃક્ષો વચ્ચેનું શરૂઆતનું સીધુ ચઢાણ પૂર્ણ કરી સપાટ થઈ જતી ટ્રેઈલ પર પહોંચ્યા ત્યારે તાયુલ બૌધ્ધ મઠ તરફ જતી કેડિના વળાંકે ગારા અને પથ્થરથી નિર્મિત પ્રાચીન ‘String chortens’ એટલે બૌદ્ધ સ્તૂપો જોયા.




       બંને તરફ રહેલા જુનિપર વૃક્ષો વચ્ચે ચારસો વર્ષોથી મૌન સાધના કરનાર કુલ ત્રણ ચોર્ટન્સ એટલે બૌધ્ધ સ્તૂપો જૂના જોગી માફક બેઠા હતા. સ્તિંગ્રી ગામ પછીની એકાદ કલાકની uphill hike પછી સપાટ ભૂમિ પર સવારના તાજ્જા સૂર્યપ્રકાશમાં સ્નાન કરતાં આ સ્તૂપો ધ્યાન મુદ્રામાં બેઠેલા તથાગત બુધ્ધ જેવા લાગતાં હતા અને તેમના પર ફરફરતી શ્વેત, રેશમી અને રંગીન ધજાઓ બૌધ્ધ મંત્રોના અનુરણનમાં ગુંજારવ કરી રહિ હતી.




    પવિત્ર દ્રીલ્બુરી પર્વતની અગ્રભૂમાં સ્થિત આ ત્રણ સ્તૂપની અંદર બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો હશે કે અવશેષો તે તો નહોતી ખબર પરંતુ મેં આ string chortensની પરિક્રમા કરીને તાયુલ બૌધ્ધ મઠ તરફ ચાલવાનું શરૂ કર્યુ ત્યારે લેહ-લદાખ, સ્પિતી વેલી અને અરુણાચલમાં રહેલા બધા જ બૌધ્ધ મઠો જોવાનું સ્વપ્ન પણ જોયું કારણ કે સ્તૂપના આ પ્રથમ દર્શને હું આ પ્રાચીન બૌધ્ધ સ્મારકો ગણાતા સ્તૂપોના first site loveમાં પડી ગઈ અને છેલ્લા છવ્વીસ વર્ષોમાં બે વખત ભુતાન, એક વખત સ્પિતી વેલી, અરુણાચલનો તવાંગ જેવો પ્રાચીન બૌદ્ધ  અને ચાર વખત લેહ-લડાખની વિવિધ વેલીઝમત, મઠો અને અનેક સ્તૂપોને મારી રખડું જોળીમાં ભર્યા.




    તાયુલ બૌદ્ધ મઠના આ સ્તૂપો જોયા પછી હવે અમે પર્વતોથી પવિત્ર તાયુલ બૌધ્ધ મઠ તરફ વળ્યા અને મઠના પરિસરમાં પ્રવેશી ગર્ભગૃહમાં જઈને બાર ફૂટ ઊંચી અને ત્રિશુળધારી એવી ગુરુ પદ્મસંભવની મૂર્તિ સમક્ષ પલોઠી વાળીને બેઠા. સ્તિંગ્રી ગામથી ફરજિયાત પગપાળા જ આવવું પડે તેવો ભાગાવેલીનો આ uphill trek કર્યા પછી અને તાયુલ મઠની બરાબર સામે રહેલા દ્રીલ્બુરી પર્વતના દર્શન પછી મ્યુરલ્સ એટલે ભીંતચિત્રોથી સમૃધ્ધ દિવાલો વાળા ગર્ભગૃહમાં આંખ બંધ કરીને બેસવાની મજા આવતી હતી અને એ આનંદમાં સુભાષ જેવા ઝેન-બૌધ્ધ ધર્મના અભ્યાસુ મોટાભાઈ સાથે પવિત્ર ધર્મગ્રંથોના ‘Kangyur’ તરીકે જાણીતા પુસ્તકાલયમાં રહેલી હસ્તપ્રતોની મુલાકાત પણ દિલમાં દિવા કરતી મન-હ્રદયને અજવાળતી હતી.




    આવા અજવાળે અમે તાયુલ બૌધ્ધ મઠના ગ્રંથાલય પછી એક અનન્ય ‘Mani wheel’ના પણ દર્શન કર્યા જે શુભ-મંગળ દિવસો પર કોઈના સ્પર્શ વગર જાતે પોતે જ rotate થાય છે અને સમગ્ર બ્રહ્માંડમાં ‘ૐ મણિ પદ્મે હુમ’ના મંત્રનું અનુરણન કરે છે.



    આવા પવિત્ર resonance વચ્ચેથી ઉભા થઈ અમે Mani wheel પાસે રહેલી પ્રાચીન હસ્તપ્રતો જોઈ અને મઠની બહાર નીકળ્યા.તાયુલ મઠની ઊંચાઈએથી અમારી સામે પથરાયેલી પીર પંજાલ અને Great Himalayan પર્વતમાળાને ફરી નિરાંતે અવલોકી અને અમે તાયુલ મઠથી અડધા એક કલાકનો down hill trek કરી સ્તિંગ્રી ગામ પહોંચ્યા ત્યારે મેં ભાગા વેલીમાં પથરાયેલી ઝંસ્કર પર્વતમાળા અને Inner Himalayasની મુખ્ય હિમાલયન પર્વતમાળાના બરફાચ્છાદિત વ્યૂને પણ zoom કરીને જોળીમાં ભર્યો અને સ્તિંગ્રીથી કેલોંગ સુધીનું પાંચ કિલોમીટરનું અંતર ભાડે કરેલા વાહનમાં પસાર કરી કેલોંગના અમારા નિવાસે પહોંચ્યાં.પહોંચીને ફ્રેશ થઈ લંચ લીધું અને હિમાલયની ઠંડી બપોરે રજાઈ ઓઢી એકાદ કલાકની ઊંઘ ખેંચી અમે સૌએ ચા-કોફી પીધા અને બપોર પછી....

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.