Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

૧૯૯૯માં મનાલીથી રોહતાંગ પાસ થઈને કેલોન્ગ સુધીની ૧૨૦ કિમીની આ રોડ ટ્રીપ બરફની દિવાલો, થીજી ગયેલા હિમલંબ અને પ્રાચીન સિલ્ક રૂટના ઈતિહાસથી સભર છે. ગ્રામ્ફુ, સિસ્સુ ધોધ અને ટાંડિ ખાતે ચંદ્રા-ભાગા નદીના સંગમ સાથે આ સફર કુદરતનો જીવંત સંગીત જલસો બની રહે છે.

 ‘you are not in the mountains, the mountains are in you’ એવા બરફાચ્છાદિત પર્વતોના માહોલમાં મનાલીથી રોહતાંગ પહોંચ્યા પછીની કેલોન્ગ સુધીની સફર શરુ થઈ ત્યારે રોહતાંગ પાસથી કેલોન્ગ તરફ જતાં રસ્તાની બંને બાજુ બરફની દિવાલો હતી અને પર્વતો પરથી પડતું જળ નીચે પડતાં પહેલા જ Freeze થઈને Icicles એટલે ધારદાર હિમલંબ બની લાંબી અણીદાર બરફની લાકડી [Pendent spear] કે લોલક માફક લટકતું હતું.



૧૩, ૦૫૧ ફૂટ પર ઈશ્વરે હિમાલય માટે exclusively રચેલી આ શ્વેત-ધવલ સૃષ્ટીને નિહાળતા મારા વન્યજીવન જીવે બરફની એક શીલા પર બેઠેલું ચકલી જેવું એક નાનકડું પંખીડું જોયું અને તે ઉડી જાય તે પહેલા તેને મારી જોળીમાં ગોઠવી મોટા ભાઈ સુભાષ [ભટ્ટ] અને અન્ય ચાર સહપ્રવાસીઓ સાથે રોહતાંગથી કેલોન્ગ તરફ ઉપડ્યા ત્યારે એ વાત નીકળી કે એક જમાનામાં પૂર્વીય પીર પંજાલ પર્વતમાળાના સાનિધ્યે રહેલો પ્રાચીન સિલ્ક રુટનો ભાગ ગણાતો આ રોહતાંગ પાસ એક challenging અને unpridictable એવો અગત્યનો trade route હતો જે ભારતીય ઉપખંડને મધ્ય એશિયા સાથે જોડતો હતો અને હાડ ગાળી નાખે તેવી ઠંડીનો આ critical passage પસાર કરવામાં અનેક મુસાફરો જીવ ગુમાવતાં હતાં અને આથી જ પર્સિયન કે ફારસીમાં આ રોહતાંગ પાસને રુહ-તાંગ એટલે piles of corpses કે piles of dead bodies તરીકે પણ ઓળખવામાં આવે છે.



આવી વાતો કરતાં કરતાં રોહતાંગથી કેલોન્ગની રોડ ટ્રીપના અમારા માર્ગે રોહતાંગ પાસથી ચૌદ-પંદર કિલોમીટર પસાર કરતાં જ આવતું ગ્રામ્ફુ નામનું ગામ અમારું પહેલું સ્ટોપ હતું અને મનાલી-લેહ હાઈ-વે એટલે નેશનલ હાઈ-વે નંબર ત્રણ પરનું key junction પણ હતું કારણ કે સ્પિતી વેલીના પ્રવેશદ્વાર ગણાતા ગ્રામ્ફુથી કોઈપણ પ્રવાસીએ નક્કી કરવાનું હોય છે કે તેણે નેશનલ હાઈ-વે નંબર ૫૦૫ તરફ પૂર્વ દિશામાં વળાંક લઈ ખડકાળ [rugged] સ્પિતી વેલી રુટ પર આગળની યાત્રા કરવી છે કે કેલોન્ગ તરફ જઈને લેહ તરફ જવું છે.



     ‘એવા વળાંક પર હવે ઉભો છે કાફલો, 

     અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.’ 

   


   જેવી સ્થિતિમાં કિસન સોસાની ગઝલના આ શેર માફક અમે સ્પિતિના High altitude cold desert તરફ વળવાની બદલે કેલોન્ગ તરફના માર્ગે વળ્યા જ્યાં અમને આગળ જતાં ચંદ્રભાગા નદીના દર્શન થવાના હતાં અને ભલે અમે સ્પિતી વેલીના એકદમ barren ભૂપ્રદેશ તરફ ન વળ્યા પરંતુ તેમ છતાં પણ હવે જ જાણે અમારી ખરી કસોટી શરુ થઈ કારણ કે રોહતાંગથી ગ્રામ્ફુનો રોડ પણ rough હોવા ઉપરાંત સીધા (steep) down hill ઉતરાણ વાળો પણ હતો અને અટલ ટનલ બની તે પહેલાનો ૧૯૯૯નો આ સીઝનલ માર્ગ અટલ ટનલ માફક All weather road નહોતો પરંતુ classic, scenic અને સુંદર તો હતો જ.



એવા ખડકાળ માર્ગે મેં દૂર દેખાતા એક વળાંકનો ફોટો પાડ્યો ત્યારે જે ભૌમિતિક આકૃતિ રચાણી તે હિમાલયના ખડકાળ ભૂપ્રદેશનું ચિત્ર લઈને પેશ થઈ. ચાલુ ટેક્ષીમાં ટેક્ષીની નાનકડિ બારીમાંથી ખેંચેલો આ ફોટો હલી તો ગયો જ હતો પરંતુ હિમાલયના કદાવર ખડકોનો આછો ચિતાર લઈને ઊભો હતો અને કહેતો પણ હતો કે In Himalayas every turn is a new masterpiece of nature.



રોહતાંગ પાસની ૧૩,o૫૧ ફૂટની ઊંચાઈએથી ગ્રામ્ફુની ૧૦,૫૦૦ ફુટની ઊંચાઈએ નીચે ઉતરતાં એવા એવા ખડકો આવતાં હતા કે કોઈ ચિત્રકાર જો અહીં પ્રવાસતો હોય તો બે ખડકાળ પર્વતોના એકદમ rough slope વચ્ચે દેખાતા અને ઈશ્વરે ખુદ આવીને બરફ છાંટેલા એક પર્વતનો sketch કરવા બેસી જાય અને આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા પર્વતોની ત્રિપુટીને વંદન પણ કરે.



મનાલી-લેહ હાઈ-વે [NH-૩] જ્યાંથી, એક બાજુ લાહૌલ જેવી સ્પિતી કરતાં લીલીછમ વેલી તરફ અને બીજી બાજુ સ્પિતી વેલી તરફ, વિભાજીત થાય છે તેવા crucial road પર આવેલા ગ્રામ્ફુ પહોંચ્યા ત્યારે ચંદ્રતાલ લેઈક અને હમ્તા પાસ તરફ ટ્રેક કરવા જતાં ટ્રેકર્સને અમે જોયાં અને એકદમ સુક્કા ભઠ્ઠ છતાં બરફાળ દ્રશ્ય ફલકમાં વહેતી glacial river એટલે હિમનદીમાંથી ઓગળતી ઠંડીબોળ નદીને કાંઠે બેઠા પણ.



ચંદ્રતાલથી આવતી ચંદ્રા નદીના જળને પોતાની સમાંતરે વહેતી રાખતા ગ્રામ્ફુને છોડીને હવે અમે સિસ્સુ તરફ સફર શરુ કરી ત્યારે એ ઓગણીસ-વીસ કિલોમીટરનું અંતર બરફાચ્છાદિત પર્વતો સાથે ભૂસ્ખલનની ભીતી વાળા પર્વતોની સ્થળાકૃતિ પણ પેશ કરી રહ્યું હતું.




આવી બદલાતી Topography કે terrainનો તો વારે વારે ફોટો ખેચાવનું મન થાય પરંતુ દર વખતે સારું દ્રશ્ય જોઇને ફોટોગ્રાફી માટે રોકાણ કરતાં રહિએ તો અડધી રાત્રે પણ કેલોન્ગ ન પહોંચીયે એટલે ટેક્ષીની બારીમાંથી જ ગ્રામ્ફુથી સિસ્સુના માર્ગની સુંદરતાને કેમેરાની જોળીમાં જીલી લેવા માટે ઉપર બરફ અને નીચે ખડકાળ પર્વતનું એક vertical composition જીલી landscape જીલ્યાનો સંતોષ લીધો. 



૧૯૯૯ના મે મહિનામાં તો ફોટોગ્રાફિનો ત્રગડો ઘુટતી મને landscape photographyની સમજ નોહતી એટલે પ્રકૃતિની ભવ્યતા જીલવા માટે અને High depth of field માટે આઠથી સોળ વચ્ચેનું narrow aperture ગોઠવીને Foreground અને backgroundને એકદમ sharp રીતે જીલીને ફોટોગ્રાફી કરવાની બદલે બૃહદ હિમાલયના landscapeની લોટરી જેવા ભૂપ્રદેશમાં મેં focus કરી કરીને પર્વતો જીલ્યા કર્યા અને એવું કરતાં કરતાં અમે ગ્રામ્ફુથી સિસ્સુ પહોંચ્યા ત્યારે રોહતાંગથી ગ્રામ્ફુ વચ્ચે પથરાયેલી અદભૂત valley line જોઈ અને કુલ્લુ વેલીની ઉત્તરે રોહતાંગ પાસ પછીની terrain કે ભૂપ્રદેશની નદીઓ, પર્વતો, ખડકો અને સર્પાકાર માર્ગોને મનભરીને માણીને સિસ્સુમાં ગરમ-ગરમ રોટલી, પાલખ-પનીર અને હિમાચલી પુલાવ જમીને અમે છ સહપ્રવાસીઓએ હિમાચલપ્રદેશની લાહૌલ વેલીમાં ચંદ્રા નદીની બીજી બાજુ ખૂબ ઊંચા પર્વત પરથી નીચે પડતાં સિસ્સુ જળપ્રપાતને રોડ પરથી જોયો અને તેને જોઇને ઘડી ભર થંભી ગયા. 



તિબેટન બુદ્ધિઝમના રક્ષક દેવતા Palden Lhamo પરથી Palden Lhamo ધાર એવું તિબેટન નામ ધરાવતાં સિસ્સુ જળપ્રપાતથી પચ્ચીસ કિલોમીટર દૂર રહેલા ટાંડિ તરફ પ્રયાણ કરતાં હવે તિબેટન બુદ્ધિઝમના સફેદ prayer flags દેખાતાં હતાં અને સુસવાટા મારતા chilled પવનમાં ફરફરતાં એક બૌદ્ધ ધ્વજનો મેં એક ઊભો ફોટો અંકે કર્યો ત્યારે લેહ-લડાખમાં જોવા મળે છે તેવા poplar trees પણ ક્યાંક જોયા અને સતત બારીની બહાર ચાપતી નજર રાખીને બદલાતાં દ્રશ્યોને જોતી મને ઘરના છાપરા પર બેઠેલી એક લાહૌલી દીકરીના પણ દર્શન થયા.



 વાહનની ગતિમાં મેં ઉતાવળે કોઈ મીટર ગોઠવ્યા વગર ખડકના backgroundને ઝાંખું કરી તેનો ફોટો પાડ્યો ત્યારે વાહનની ગતિને લીધે ફોટો shake થઈ ગયો પરંતુ ઝીણી આંખ કરીને સુસવાટા મારતા ઠંડા પવનને જીલતી તે દીકરીના ચીબા-ચપટા નાક-નકશાએ મને કહ્યું કે તેના features mongoloid છે. 

આમ પણ લાહૌલ વેલીમાં સ્થિત સિસ્સુ અને ટાંડિ નામના ગામોમાં જોવા મળતી ભોટિયા નામની tribal પ્રજા તિબેટન બૌદ્ધ અસરો વાળી છે અને તિબેટ અને મધ્ય એશિયા સાથેના સાંસ્કુતિક, ઐતિહાસિક અને ભૌગોલિક જોડાણને લીધે આંખ-નાક, અને સમગ્ર ચહેરાનો વિશિષ્ટ આકાર ધરાવતી આ પ્રજા ઇન્ડો-તિબેટન વારસો ધરાવે છે એવી મને જાણ હતી.

મેં સિસ્સુથી ટાંડિ વચ્ચેની સફરમાં મરુન રોબ પહેરેલી એ છોકરીની shake થઈ ગયેલી ક્લિકમાં માનવનૃવંશશાસ્ત્રનું એક ગમતું પાનું ખોલીને તરત જ બંધ કર્યું અને સિસ્સુથી ટાંડિ વચ્ચેના પચ્ચીસ કીલીમીટરમાં અમારી સફરની સમાંતરે વહેતી ચંદ્રા નદીને અનિમેષ નજરે જોયા કરી. 



 અમે જોયું કે લાહૌલ વેલીને જોડતાં કુંઝુમપાસ અને ચન્દ્રતાલ નજીકની હિમનદીમાંથી નીકળીને આવતી ચંદ્રા નદી ટાંડિ ગામમાં ૧૬,૦૪૦ ફૂટની ઉંચાઈ પર રહેલા સુરજતાલથી આવતી ભાગા નદીને મળવા ઉતાવળી થઈ રહી હતી અને અમે પણ ટાંડિમાં આ બન્ને નદીના સંગમથી સર્જાતી ચન્દ્રભાગા કે ચિનાબને કિનારે બેસવા ઉતાવળા થતાં હતા. એવી ઉત્સુકતામાં ટાંડિ આવ્યું ત્યારે લાહૌલ-સ્પિતીના પ્રવેશદ્વાર ગણાતા આ ચિત્રમયી ગામના લેન્ડસ્કેપને જોતાં જ સુભાષ સહિત અમે પાંચ પ્રવાસીઓ ચંદ્રા અને ભાગા નદીના સંગમે બેસી ગયા અને અમારા સહપ્રવાસી, કાર્તિકેય રાવળે ચંદ્રભાગા એવી ચિનાબનું આચમન લીધું.

 સ્વચ્છ આકાશ અને પર્વતો વચ્ચે વહેતી આ ચંદ્રભાગા, તેનો ઘૂઘવાટ, તેની આસપાસની ભરભર ભૂકો જેવી ખરતી જમીને અમારી મનાલીથી શરુ થયેલી ટાંડિ સુધીની સફરને ટાઢક આપી અને અમે લાહૌલ વેલીના ટાંડિ જેવા ચિત્રમયી પૌરાણિક ગામ કે જે ઋષિ વસિષ્ઠના અગ્નિ સંસ્કારની ભૂમિ ગણાય છે તેને છોડીને ટાંડિથી સાત કિલોમીટર દૂર રહેલા કેલોન્ગ તરફ ઉપડ્યા.



કેલોન્ગ તરફની યાત્રા શરુ કરતી વખતે મારી પક્ષી પ્રેમી નજરે એક શીલા પર બેઠેલા white capped Redstart નામના પક્ષીને જોયું અને વહેતી નદીને ઝાંખી કરી આ પંખીનો એક ફોટો પાડ્યો ત્યારે માથા પર સફેદ મુગટ લઈને નદી કિનારે બેઠેલું તે પંખી પૂછડી હલાવતું હલાવતું મધુર કંઠે ગાતું હતું જે ગીત ચંદ્રભાગાના ઘૂઘવાટમાં ભળી બે નદી ઉપરાંતનો એક ત્રીજો સંગીતમયી ત્રિવેણી સંગમ રચી અમને કહેતું હતું કે Nature is the concert hall of the Almighty God.



આમ સવારે મનાલીના મૉલ રોડથી નીકળીને કેલોન્ગ સુધીની એકસો વીસ કિલોમીટરની સફરમાં અમે પ્રકૃતિનો આવો સંગીતમયી જલસો સાંભળતાં સાંભળતાં કુલ્લુ વેલી, કુલ્લુ વેલીમાં વહેતી બિયાસ નદી, રોહતાંગ જેવો હાઈ એલ્ટીટ્યુડ માઉન્ટેઈન ખાસ, પીર પંજાલ જેવી lesser Himalayan rangeને જોતાં જોતાં લાહૌલ વેલીના ગ્રામ્ફુથી ચન્દ્રા નદીની સમાંતરે સફર કરી અને લાહૌલ વેલીને સ્પિતિ વેલી સાથે જોડતાં આ જંકશન point પર ચંદ્રા નદીના કિનારે બેઠા પણ. 

આજથી, ઓલમોસ્ટ, સત્યાવીસ વર્ષ પહેલા ૧૯૯૯માં આદરેલી આ હિમાલયન રોડ ટ્રીપમા ગ્રામ્ફુથી સિસ્સુ અને સિસ્સુનો પ્રચંડ જળપ્રપાત જોયા પછી ટાંડિમાં ચંદ્રા અને ભાગા નદીના સંગમથી બનેલી ચિનાબ નદીનું પણ દર્શન કરીને કેલોન્ગ પહોંચવું જાણે બરફાચ્છાદિત પર્વતો, નદીઓ અને સર્પાકાર માર્ગો પરની એવી સફર હતી જેમાં હિમાચલપ્રદેશની કુલ્લુ અને લાહૌલ વેલીનો સ્પર્શ હતો અને આ બંને વેલીમાં વહેતી નદીઓનો ઘુઘવાટ પણ હતો.



આમ નદીઓનો ઘુઘવાટ, પર્વતો અને ખડકોના આકારો અને માર્ગોના ચિત્રમયી વળાંકોની સાથે રહીને અમે સંધ્યા કાળ પહેલા કેલોન્ગ પહોંચ્યા અને આખા-દિવસની મુસાફરી પછી નિરાંતે ભોજન કરી સુઈ ગયા કારણ કે બીજે દિવસે અમારે ......

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.