વર્ષ ૨૦૦૦ના મે મહિનામાં ચંબા વેલી અને ડેલહાઉઝીના પ્રવાસે નીકળેલા લેખકે કેમેરાના લેન્સથી પહાડી બાળકો, દાદીમા અને સ્ત્રીઓના કુદરતી પોટ્રેટ્સ (વ્યક્તિચિત્રો) ઝડપીને ફોટોગ્રાફીના નિયમો શીખ્યા. પ્રકૃતિના અદભુત સૌંદર્ય, મસ્તીભરી ક્ષણો અને HRTC બસની મુસાફરીના સ્મરણોને લેખકે હૃદયસ્થ કર્યા છે.
હિમાચલપ્રદેશની ચંબા વેલીના Mini Switzerland ગણાતા ખજીયાર પાસેના એક નાના ગામડામાં કે કહો નાના ખજીયારમાં વીતાવેલી આગલી સાંજ વરસાદ પછીનું એક એવું પ્રકાશ પર્વ હતું કે એ મેઘધનુષી સાંજ પછીની બીજી સવારે અમારી તેરની ટીમમાંથી હું, પૂજા [ગાંધી] અને હેતલ [વીસાણી] કેમેરા ગળામાં નાખીને આ હિમાચલી ગામને, ગામના લોકોને જોવા ઉપડ્યા.

૨૦૦૦ની સાલના મે મહિનાના પહેલા બીજા-સપ્તાહની સવાર હોવા છતાં ઠંડીનો ચમકારો તો હતો જ અને એવા ચમકારે અમે પહાડી લોકોની વસ્તી ધરાવતાં આ ખેડૂતોના ગામને એક્ષ્પ્લોર કરવા નીકળ્યાં ત્યારે મેં એક ધોળાવેલા ઘરની ઓસરીએ બે બાળકોને લીલા રંગની થાંભલીની ઓથે સાબુના ફીણના bubble બનાવીને ઉડાડતા જોયા.કોઈ ગુરુ પોતાના શિષ્યને કોઈ ધ્યાન વિધિ સમજાવતા હોય અને શિષ્ય એક ચિત્તે અને સહર્ષ તે અવલોકી રહ્યો હોય તેવા આ દ્રશ્યને જીલવા, હું, બાળકોનું ધ્યાન ભંગ ન થાય એટલી નજીક ગઈ.
ડાબી બાજુએ ડેલહાઉઝીના લીલા રંગના ઢાળ વાળા છાપરા જેવી જ લીલા રંગની થાંભલી અને જમણી બાજુએ ઘઉંના સુક્કા ઘાસ આસપાસ બેઠેલા બંને છોકરાઓ સાબુના ફીણના ખેલમાં એટલા ઓતપ્રોત હતાં કે મેં એક horizontal સંયોજન જીલ્યું ત્યાં સુધી તો બંનેની સમાધિ છૂટી નોહતી અને એ પછી ધોળાવેલા પૂર્વાભિમુખ સફેદ ઘરની ખુલ્લી ઓસરીએ બેઠેલા તે બેમાંથી મોટા છોકરાએ અમને કેમેરા સહિત જોયા કે તરત જ ઘરની અંદર તરફ દોટ મુકી પરંતુ નાનો અને નમણો તો લીલી થાંભલી પાછળ છૂપાઈ-છુપાઈને અમને જોતો હતો એટલે થાંભલીની ઓથે છૂપાયેલ તેનું એક બીજું vertical composition જીલ્યું ત્યારે ફાટેલું પતિયાલું અને મેલી-ઘેલી કુર્તીમાં રહેલી તે એક બંગડીઓ પહેરેલી હિમાચલી દીકરી હતી અને દીકરો નહોતો તે તો દેખાયું જ પરંતુ તેણે લીલા રંગની થાંભલી પાછળ છૂપાઈને પ્રથમ જાતને સુરક્ષિત કરીને એવો confident pose આપ્યો કે મને એવું થયું કે જાણે થાંભલી પાછળ છૂપાઈને તે દીકરીએ મારું કામ ઔર આસાન કર્યું કારણ કે તેના થાંભલી પાછળ છૂપાઈને મારી તરફ નજર માંડવાથી મને થાંભલીની ઓથ વાળું એક rustic composition મળ્યું કે જે સંયોજનનું મેં ક્યારેક સ્વપ્ન જોયું હતું.

આવા સ્વપ્નિલ સંયોજનની ઓચિંતી લોટરી પછી પણ એ દીકરીના હું વધુ ફોટા પાડી શકું એટલે પૂજાએ, હંમેશા મુખવાસ-દ્રાક્ષવટી, હાજમા-હાજમને એવું ઘણું મળી આવે એવી, પોતાની shoulder bag ફંફોસી અને તેમાંથી Cadburyની આખી ચોકલેટ બારમાંથી એક કટકો પેલી દીકરીને ધર્યો ત્યારે ધૌલાધાર રેન્જને ખોળે ઉછરતી તે મીઠડી હિમાલય પુત્રીએ પૂજા સાથે બરાબર નજર મેળવીને મરક મરક થતાં ચોકલેટ ખાધી અને પછી મેં તેના લાઈનબંધ ફોટા પાડીને સવાર ઉજવી.
આવી રીતે Uneven ભૂમિ પરના હિમાચલી આંગણા ખૂંદતા અમે આ ગામની એક એવી ઊંચાઈ પર પહોંચ્યા જ્યાં એક દાદી માલઢોર વચ્ચે કામ કરી રહ્યા હતાં અને જાણે પંજાબી અને હિમાચલી physiognomy લઈને દેવદારના lush green background વચ્ચે ઉભા હતાં. દૂરથી જ, લીલી ચૂંદડી માથે બાંધેલા, એ દાદીનો side portrait જીલ્યો ત્યારે તેમની સ્વપ્નિલ આંખો અને ગાલ પર પડેલી કરચલીઓ સાથેનો ચહેરો ભૂતકાળમાં પસાર થયેલા વર્ષોના વિચારો સાથે ભવિષ્યના સ્વપ્નમાં ડૂબેલો હોય તેવું લાગતું હતું.

Bone structure અને Jaw line સાથે જીલેલા આ side portraitને જીલીને દસ-પંદર ડગલા આગળ જતાં અમારી સોએક મીટર દૂર માથે પીળી ઓઢણી બાંધેલી એક જુવાન સ્ત્રી નજરે ચડી. મેં ઝૂમ લેન્સથી તેના side portraitને focus કર્યો ત્યારે તે ચંબા વેલીની ધારે રહેલા પોતાના ખેતરમાં ‘વાય’ આકારનો ખૂંટો પકડી, સસ્મિત, નીચેનો વેલી વ્યૂ જોઈ રહી હતી.

કાળા ભમ્મર વાળ સહિતનો તેનો મરક મરક થતો ચહેરો એવું કહેતો હતો કે તેને ખબર છે કે અમે તેના ફોટા પાડી રહ્યા છીએ.Side portraitમાં વિષય શું વિચારે છે અને કઈ તરફ ક્યાં ભાવથી જોવે છે તેને capture કરવાનો આનંદ લેતી લેતી મેં તેના ચહેરા ઉપર પડતો સવારનો પૂર્વાભિમુખ પ્રકાશ કોઈ જાતના lighting modifier ગણાતા soft boxની બદલે સવારના કુદરતી પ્રકાશમાં જીલ્યો અને ક્યારેક પસાર થઈ ગયેલા ભૂતકાળને તો ક્યારેક આવી રહેલા આગતની આશાને કે ભવિષ્યના સપનાઓને strongly અભિવ્યક્ત કરતાં side portraitને મેં, side portrait શીખવાની session હોય તેમ, મારી રખડું જોળીમાં ભર્યો અને અમે આગળ ચાલ્યાં.
સવાર સવારમાં ધૌલાધાર પર્વતમાળાને ખોળે રહેલા પોતાના આંગણા કે ખેતરમાં કામ કરતી દાદીઓ અને સ્ત્રીઓ સાથે સાથે તેઓની આસપાસના બાળકોના વ્યક્તિચિત્રો પર હાથ અજમાવતો મારો શીખાવ જીવ વાંસની એક ઊંધી ટોપલી પાછળ ઉભા રહી અમને જોતાં એક છાલિયા કટ Hair style વાળા છોકરાને જોઈ ગયો.મારા ઝૂમ લેન્સથી તેને પણ મારી ફોટો ટોપલીમાં હળવે હાથે જીલીને મુક્યો ત્યારે તે એકદમ કલાત્મક રીતે ગૂંથેલી વાંસની ટોપલી આગળ હતી અને છોકરો તેની પાછળ જાત છૂપાવતો ઉભો હતો એટલે ભાવનગર ગયા પછી જયારે રોલ ધોવડાવ્યો અને હાથમાં જ્યારે print આવી ત્યારે realise થયું કે છોકરાની બદલે જાણે ટોપલી મોટી આવી અને વધુ highlight થઈ છે અને તેના પરથી portrait ફોટોગ્રાફીનો એક ઔર નિયમ આપમેળે સમજાયો કે What is closest to the camera will always appear the largest.

ઓહો ! નાના ખજીયારની ૬,૫૦૦ ફુટની ઊંચાઈ પરના ગામડે અમે આમ એક એક ઘર આંગણે ગયા ત્યારે સૌથી વ્હાલું સંયોજન તો માથે આછો લીલો સ્કાર્ફ બાંધેલા દાદીનું મળ્યું જે તેના ધોળાવેલા સફેદ ઘરના લીલા કમાડ આગળ તેની પૌત્રીને કાંખમાં તેડીને ઉભા હતાં.

પૂર્વાભિમુખ ઘરની ઓસરીએ સવારનો તડકો લેતાં આ બંનેના ચાર-પાંચ ફોટાઓ પાડતી વખતે તેની વચ્ચેની In-between ક્ષણોને જીલી ત્યારે દાદીની આંખોથી વરસતાં પ્રેમને દીકરી પર સ્થિર થતાં જોયો અને આંખથી વરસતાં દાદીના એ પ્રેમના પ્રકાશમાં દીકરીને એકદમ ખુશ જોઈ ત્યારે Scott Lorenzo નામના, Candid portrait માટે જાણીતા, દુબઈ બેઈઝ્ડ ફોટોગ્રાફરે કહેલી વાત realise થઈ કે The picture that you took with your camera is the imagination you want to create with reality.

આમ વાસ્તવિકતા સાથે મારી કલ્પનાને ગૂંથીને ક્ષણોને જીલવા સાથે ક્ષણોનું સર્જન કરતાં મારા કેમેરાને બહુ પ્રેમથી થપથપાવીને મેં તરત જ, મારી રખડપટ્ટીને સાથ આપતી, પૂજા અને હેતલના પણ portrait લીધા અને પછી અમારા નિવાસે પહોંચી ફરી સકળ સંઘ સાથે થઈ ગઈ અને બપોરના ભોજન પછી થોડો આરામ કરીને સૌ સાથે ખજીયારથી ડેલહાઉઝી જવા નીકળી.

દૂર દેખાતી ધૌલાધાર પર્વતમાળા વચ્ચેથી પસાર થતી લોકલ હિમાચલી બસમાં બેઠેલા મારી સહીત અમારા તેરમાંથી જેને જેને બારીનું સુખ મળ્યું હતું તે સૌએ આ મધ્યમ ઊંચાઈ ધરાવતા રૂપાળા પ્રદેશને બારીમાંથી જોયા કર્યો અને હિમાલયના આ રૂપને મન-હૃદયની નોંધપોથીમાં ઉતારી સંધ્યા સમય પહેલા ફરી ડેલહાઉઝી પહોંચ્યા.
આ સમૂહ પ્રવાસમાં ડેલહાઉઝીએ વાંદરા સહિતની જે મસ્તીભરી ક્ષણો આપેલી તેમાં અમારામાંની કોઈ ખૂબ લાંબા કેશ ધરાવતી દીકરી માથે ન્હાવા ગઈ હોય, શેમ્પુને બરાબર ફિણ્યો હોય અને અચાનક નળમાં પાણી આવતું બંધ થઈ જાય એવી હસી-હસીને ઢગલો કરતી રમતિયાળ ક્ષણો પણ હતી જેને પણ ગાંઠે બાંધીને અમે ડેલહાઉઝી પહોંચ્યાની બીજી સવારે સાડા ત્રણ-ચાર આસપાસ ધર્મશાલા જવા નીકળ્યા.

મે મહિનાની ચંબા વેલીની ઠંડી વચ્ચે રાત્રિના વિચિત્ર સમયે તેર જણા સામાન લઈને ડેલહાઉઝી બસ સ્ટેન્ડ પહોંચ્યા ત્યારે કાચી ઊંઘને ઉડાડવા કેટલાકે ચા-કોફીના સ્ટોલની શોધ કરી પરંતુ ખૂબ વહેલી સવારે એ શક્ય નોહતું.
અમારે ડેલહાઉઝીથી ધર્મશાલાનું અને ઉબડખાબડ પહાડી વિસ્તારનું ૧૪૫ કિલોમીટરનું અંતર HRTCની બસમાં કાપવાનું હતું એટલે મેં અને પૂજાએ કંડકટર પાછળની બારી વાળી બે બેઠકો જબ્બે કરી અને બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગના મનગમતા રૂટ પર ચડી ત્યારે બાનીખેત, નુરપુર અને ગગલ જેવા મનોહર ગામો આવતા રહ્યા અને ચાર-પાંચ કલાકની હિમાલયન મુસાફરીમાં બસ જ્યારે એક ધાબે ઊભી રહિ ત્યારે અમે ચા-કોફી અને નાસ્તાનો ટેકો કરી ડાબે-જમણે ખડકાળ પર્વતો કે વેલી વ્યૂને નિરખતા સાવ કાચા અને ભરભર ભુક્કા જેવા ભૂસ્ખલન વાળા પહાડો અને ચંબા અને કાંગરા વેલી વચ્ચેના સર્પાકાર માર્ગો પરથી પસાર થયા.

વળાંકો વાળા તે ચિત્રમયી રસ્તા પર બાનીખેત તો ડેલહાઉઝીથી માત્ર સાત કિલોમીટર જ દૂર હતું પરંતુ એ પછી ચમેરા લેઈકનું સૌંદર્ય પર્વતો વચ્ચે સચવાઈને સૌને આવકારતું દેખાણું અને નુરપુર જેવા ઐતિહાસિક ગામથી શરૂ થતી કાંગરા વેલી અમને કહેવા લાગી કે હવે ધર્મશાલા દૂર નથી.
HRTCની બસની બારીએથી અમે હવે ચાના લીલાછમ બગીચા અને બરફાચ્છાદિત પર્વતોમાં પથરાયેલી ધૌલાધાર રેન્જને જોઈ અને થોડીવારમાં અમે ધર્મશાલાના બસ સ્ટેન્ડમાં પ્રવેશ્યા જે કોતવાલી બજાર પાસે થોડું ઉપર હતું.

વર્ષ ૨૦૦૦ના એ જુના બસ સ્ટેન્ડથી સામાન લઈને નીચે ગામ તરફ ઉતરતા ડેલહાઉઝીના મૂળ character જેવા slopy green roof, કોલોનિયલ યુગના દેવળો, શાલ-સ્વેટરમાં લીધેલી scenic walk, સેન્ટ જ્હોન ચર્ચની પથ્થરની પ્રાચીન સંરચના, કેન્ટોન્મેન્ટ એરીયા, Cafe Dalhousie આસપાસની ટેકરીઓ અને સુભાષ ચોકથી મોતી ટીબાની વૉક પછી આવતા સેંટ ફ્રાન્સિસ ચર્ચની વિક્ટોરીયન યુગની સંરચનાનું સ્મરણ થયું જે સઘળું રોલ કેમેરાની cartridgeમાં રોલ ધોવાય અને હાથમાં પ્રિન્ટ આવે તેની રાહમાં હતું પરંતુ હાર્ડ કે સોફ્ટ કોપીમાં સાચવી શકાય એવા સ્મરણો કરતાં જેને શ્વેત-ધવલ સૌંદર્યનું વરદાન મળ્યું છે તેવો હિમાલય, તેના સાનિધ્યે ઉગતી-આથમતી સવાર-સાંજ, પહાડીઓ પર છવાયેલા વૃક્ષોનું પહાડી જંગલ અને એ સઘળા પ્રાકૃતિક સૌંદર્ય માટેની આપણી મૌન કૃતાર્થતા તો સદૈવ અમારી સૌની સાથે રહિને કહેતી હતી કે આ ઈશ્વરીય વરદાન પામેલા વિસ્તારમાં હોવું એ જ આર્શીવાદ છે કારણ કે In the Himalayas, each mountain peak holds a tale, and every path carries a memory.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.