લેખિકાએ ૧૯૯૯ની મહાબલિપુરમ યાત્રા દ્વારા પલ્લવ શાસનકાળની ભવ્ય રોક-કટ આર્ટ, મહિષાસુરમર્દિની ગુફા અને પ્રાચીન લાઈટ હાઉસનું સચોટ વર્ણન કર્યું છે. પરિવાર સાથે પૌરાણિક કથાઓ અને સ્થાપત્યશૈલીને માણતા, તેમણે ઇતિહાસને કેમેરાની લેન્સ અને સ્મૃતિઓના કેનવાસ પર સુંદર રીતે જીવંત કર્યો છે.
ભાવનગરથી અમદાવાદ થઈને ટ્રેઈનમાં ચેન્નઈ પહોંચ્યા પછીની અમારી તિરુવન્નામલાઈ સ્થિત શ્રી રમણાશ્રમ, પોંડીચેરી સ્થિત શ્રી અરવિંદ આશ્રમ અને ઓરોવિલમાં માતૃમંદિરની ગમતી spiritual circuit કર્યા પછી હું, બા અને મોટો ભાઈ, સુભાષ છેલ્લા બે દિવસથી બંગાળના ઉપસાગરના કાંઠે-કિનારે રહેલા મૂર્તિકારોનાં ગામ ગણાતા મહાબલિપુરમમાં હતાં.
મહાબલિપુરમ પહોંચ્યાની પહેલી જ સાંજે બંગાળના ઉપસાગરના કોરોમંડળ સમુદ્ર તટે સ્થિત તટ મંદિર જોયા પછી બીજી સવારે અમે સૌ પ્રથમ પંચરથ સ્મારકો અને પછી વિશ્વનું સૌથી મોટુ, ગંગા અવતરણ અને અર્જુનના તપ તરીકે ઓળખાતું, Rock-cut relief explore કર્યું અને પછી પહોંચ્યા જૂના લાઈટ હાઉસ તરીકે જાણીતા ઓલાક્કનેશ્વર મંદિરે.

બંગાળના ઉપસાગરનું અને મહાબલીપુરમ જેવા શિલ્પકારોના ગામનું વિહંગાવલોકન કરાવતું આઠમી સદીનું આ દ્રવિડિયન સ્થાપત્ય શૈલીનું મંદિર એક ઊંચી ટેકરી પર હતું અને ત્રિનેત્ર ધારી શિવની Flame eye ગણાતી ત્રીજી આંખ પરથી ઓલાક્કનેશ્વર મંદિર તરીકે ઓળખાતું હતું.
મહિષાસુરમર્દિનીના ગુફા મંદિર ઉપરના ટેકરી જેવા ખડક પર સ્થિત આ મંદિર સુધીના પગથિયા ચઢતા તો હાંફ ચડિ ગયો પરંતુ ઉપર જતાં જ મંદિર નહિ પરંતુ બારસો વર્ષ જૂના ભારતના સૌથી પ્રાચીન ગણાતાં light houseની ઊંચાઈ પરથી કોરોમંડલ સમુદ્ર તટ, તેના કિનારાના વૃક્ષો, ખડકો અને શીલાઓથી સમૃધ્ધ મહાબબલિપુરમનો bold and beautiful landscape જોઈને અમે પલ્લવ શાસન કાળ વખતે એક સિપાઈ, મંદિર જેવા લાગતાં, જે light house પર wood fire લઈને maritime pilotsને એટલે દરિયા કાંઠાના નાવિકોને guide કરતો હતો તે જૂના light houseને જોઈને નીચા ઉતર્યા અને light houseની નીચે રહેલા મહિષાસુરમર્દિની ગુફા મંદિરે ગયા.

વૃક્ષો અને જમીનમાં જડાયેલી વિશાળ કદની શીલાઓથી ઘન-સઘન અને ચિત્રમયી મહિષાસુરમર્દિની ગુફા મંદિરનું પરિસર ૧૯૯૯ના કારતકના હૂંફાળા તડકે પ્રવાસીઓની અવર-જવરથી જીવંત હતું અને પ્રાચીન ભારતની feel પણ આપી રહ્યું હતું.
સૌ પ્રથમ તો રળીયામણા લાગતાં UNESCO world heritage siteના આ ગુફા મંદિર અને જૂના light houseના પરિસરમાં બેસીને મેં સ્વચ્છ આકાશના આકાશી રંગના ઉજળા કેનવાસ પર ઓલાક્કનેશ્વર શિવ મંદિર તરીકે પણ જાણીતા ભારતના પ્રાચીનતમ Light houseનો ફોટો પાડ્યો અને ખડકો-શીલાઓ અને તાડ-નાળીયેરીઓથી સભર પરિસરમાંથી દૂર દેખાતી એક શીલાનો ભાવવાહિ ફોટો પાડિ વિશાળ ખડકમાંથી કંડારેલ પૂર્વાભિમુખ, મહિષાસુરમર્દિની, ગુફા મંદિરના મંડપને કેમેરાની cartridge પર મઢ્યો.

LIght house પરથી નીરખેલો કોરોમંડલ સમુદ્ર તટ અને મહાબલિપુરમની ઉજળી લીલાશ પછી બરાબર તેની નીચે રહેલ આ મહિષાસુરમર્દિની ગુફા મંદિર તેના સ્તંભો વાળા મંડપને કારણે, પથ્થરના માંડવે મહેમાન થયા હોઈએ તેવો ભાસ કરાવતું હતું.
પલ્લવ વંશના શાસનકાળ દરમિયાન, સાતમી સદીમાં, સંરચિત આ ગુફા મંદિરના સિંહમુખનો base ધરાવતા સ્તંભો વાળા મંડપમાં પહોંચતા જ ત્રણ દીવાલો પર કંડારેલા દળદાર high bas relief જોવા મળ્યા જે હિન્દુ પૌરાણિક કથાઓ નિરૂપતી પેનલ્સ હતી.

કુલ ત્રણ ખંડ ધરાવતાં આ ગુફામંદિરના ચાર અલંકૃત સ્તંભો અને દીવાલ સાથેની બે સ્તંભિકાઓમાંથી જેના પર સૂર્યપ્રકાશ પથરાયેલો હતો તેવા, પલ્લવ સ્થાપત્ય શૈલીના પરંપરાગત stone carving વાળા, સ્તંભને Foregroundમાં રાખીને મેં અનંતશયન વિષ્ણુના બેનમૂન બાસ-રિલીફને તેની શયનમુદ્રાને ન્યાય થાય તેવો ફોટો પાડ્યો.
કહે છે કે સૃષ્ટિના સર્જન સમયે મધુ અને કૈટભ નામના બે અસુરોએ બ્રહ્મા પાસેથી વેદો ચોરી લીધા અને આદિમ કાળના આદ્ય સમુદ્રમાં ઊંડે ઊંડે ધરબી દિધા ત્યારે ભગવાન વિષ્ણુ એક જ એવા દેવ હતા જે આ વેદોને બચાવી શકે આથી મધુ-કૈટભે ભગવાન વિષ્ણુ પર પ્રહાર કર્યો. આ જોઈને અત્યંત ક્રોધે ભરાયેલા શેષનાગે મધુ-કૈટભ નામના તે બે રાક્ષસો તરફ ફેણ ધરી ત્યારે અતિ ક્રોધિત શેષનાગને શાંત પાડિને શ્રી હરિએ હયગ્રીવનો અવતાર લઈને તે બે રાક્ષસોને મારી બ્રહ્માને વેદ પરત કર્યા તે ભાગવત પુરાણ કથાને નિરૂપતી અનંતશયન વિષ્ણુની બાસ રિલીફ પેનલમાં ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન કરતાં દર્શાવ્યા હતા.

માત્ર બે ભુજાઓથી મંડિત આ વિષ્ણુ શિલ્પનો જમણો હાથ શેષનાગને થપથપાવીને શાંત પાડતો દેખાડ્યો હતો અને ડાબા હાથમાં કમળ હતું. વિષ્ણુની અનંતશયન મુદ્રાની લંબચોરસ પેનલમાં વિષ્ણુના ચરણ પાસે પ્રહાર કરવાની તૈયારીમાં રહેલા મધુ-કૈટભનું નિરૂપણ હતું અને ભગવાન વિષ્ણુની શયન મુદ્રાની બરાબર નીચે ચક્ર અને ખડગ નામના બે આયુધોનું માનવ સ્વરૂપ હતું જેને પૌરાણિક-શાસ્ત્રીય અને શિલ્પ-સ્થાપત્યની પરિભાષામાં બે આયુધ પુરુષોના બાસ-રિલીફ કહિ શકાય.
શેષનાગ પર શયન કરતાં આ Life Size Rock-cut રિલીફમાં આયુધ પુરુષ તરીકે ઓળખાતા બે ગણો શંખ અને ગદાનું પ્રતિનિધિત્વ કરતાં હતાં અને ભૂદેવીનું બાસ-રિલીફ ભગવાન વિષ્ણુને વંદન કરતું દર્શાવ્યું હતું.
મહિષાસુરમર્દિનીના આ ગુફા મંદિરની દીવાલો પરની પેનલ્સની ફોટોગ્રાફિ કરતી વખતે બે ભાષા જાણતા ટુરીસ્ટ ગાઈડ તો અન્ય પ્રવાસીઓને Rock-cut રિલીફની આ પેનલ્સ સમજાવતાં જ હતાં પરંતુ મારી સાથે તો પુરાણ કથાઓની જાણકાર મારી બા હતી એટલે ક્યાંય અટકું તો બાને પૂછું કે હેં બા, આ હયગ્રીવ વિષ્ણુનો ક્યો અવતાર હતો અને પછી બા મને કોઈ કથા હોય તો કહે.

આવી પૌરાણિક કથાઓના નિરૂપણ વાળા Rock-cut Bas-reliefમાં હવે અમે મહિષાસુરમર્દિનીના cave templeની ઉતર તરફની દીવાલ પર ઉગ્રરૂપ ધારણ કરેલા અને સિંહ પર આરૂઢ અષ્ટભૂજા દુર્ગાના High Bas-reliefને જોઈ રહ્યા હતાં. બપોરના બાર વાગ્યા આસપાસનો બહારનો તડકો પૂર્વાભિમુખ ગુફા મંદિરના મુખમંડપ પછીની દીવાલ પર ઠીક ઠીક પ્રકાશ પાથરી રહ્યો હતો અને એવી indirect lightમાં મેં જમણા ચાર હાથમાં ખડગ, ધનુષ, બાણ અને ઘંટ ધારણ કરેલા મા દુર્ગાને તેમના ડાબા હાથમાં પાસ, શંખ, ખંજર અને ચક્ર સાથે જીલ્યા ત્યારે મા દુર્ગા પર રહેલું છત્ર ધારણ કરીને ઉભેલો અનુચર તો આડા-સમસ્તરીય સંયોજનમાં લીધો જ પરંતુ જોઈને લોહિ ગરમ થઈ જાય તેવી સ્ત્રી યોધ્ધાઓ સિંહની સવારી કરીને મહિષાસુર નામના દૈત્યને મારવા તૈયાર થયેલા મા દુર્ગાની આસપાસ હતી તેને પણ જીલી અને મા દુર્ગાના ગણોને પણ જીલ્યા.

ગુફા મંદિરની ઉત્તરી દિવાલ પરની આ પેનલને wide-angel લેન્સથી સંયોજતા ખૂબ નજીક જાવ તો કેમરા વિષયને ફોકસ નોહતો કરતો અને થોડેક દૂર જાવ તો પ્રવાસીઓની અવર-જવર તો નડે જ પરંતુ એકાદ સિંહમુખ સ્તંભ પણ compose કરવો જ પડે અને તે સ્તંભ પેનલના એકાદ શિલ્પને ઢાંકિ દે.
Anyways, ગદાધારી અને બે મજબૂત શીંગડા ધરાવતા મહિષાસુરનું મા દુર્ગા દમન કરે છે; સંહાર કરે છે તેવી માર્કન્ડેય પુરાણમાં આવતી દેવી મહાત્મયની કથાનું પથ્થર પર કંડારેલું આબેહૂબ નિરૂપણ જોઈને હું પલ્લવ રાજવંશની Rock-cut art પર વારી ગઈ અને એ સાથે જ મેં સૂર્યનારાયણની હાજરીમાં વરાહ ગુફા મંદિર અને તેની દીવાલો પર કંડારેલા અન્ય શિલ્પો કર્યા અને મંડપ તરીકે પણ ઓળખાતા આ cave temples, તેની શિલ્પ સભર દીવાલો અને અલંકૃત સ્તંભોને મારી સ્મરણ જોળીમાં ભર્યા.

Pink graniteની UNESCO વિશ્વ ધરોહરની યાદીમાં રહેલી આ સંરચનાઓમાં વરાહ ગુફામંદિરના વરાહ-આદિવરાહ, ગજલક્ષ્મી અને દળદાર High Bas Relief જે દીવાલો પર કંડારેલા હતાં તે શિલ્પો અને ગુફા મંદિરની સ્થાપત્ય શૈલીમાં જાણકારોએ Greco-Roman એટલે પ્રાચીન ગ્રીક અને રોમન સ્થાપત્ય શૈલીની અસરો જોઈ-પારખીને આપણા ભારતના આ ગુફા મંદિરોને વિશ્વના શ્રેષ્ઠમાંના એક એવા cave temples ગણ્યા છે તેનું ગૌરવ લેતી હું ભારતના રાષ્ટ્ર ધ્વજને ભરું તેવી અગણિત સલામો ભરતી બા અને સુભાષ સાથે બપોરના ભોજન અર્થે મહાબલિપુરમના બસ સ્ટેન્ડ પાસે આવેલા મમલા ભવન વેજ રેસ્ટોરેન્ટમાં જઈ ટામેટા-મરી નાખેલી જીંજર રસમ સાથે નાળીયેરની ચટણી, સાંભાર-ભાત, પપ્પડમ, એકાદ સબજી અને સ્વીટ ડિશમાં રોસ્ટેડ કાજુ નાખેલી મગની દાળમાંથી બનાવેલી ક્રિમી પાયસમ જમીને ગેસ્ટ હાઉસ પર જઈ એકાદ કલાકની ઊંઘ ખેંચી બપોર પછી મહાબલિપુરમની કુલ ચાલીસ Ancient Monumental sitesમાંથી સાંજે પાંચ સુધી ખુલ્લા રહેતા Sculpture museum પહોંચી જૂના colonial buildingમાં રહેલા આ historical heritage museumમાં અમે પલ્લવ, ચૌલા અને વિજયનગર વંશના શિલ્પો જોયા અને ઘટાદાર વૃક્ષો વાળા અવાવરું અને વનવગડા જેવા લાગતાં પરિસરની પથ્થરની ઓટલીઓ અને પિઠીકાઓ પર મુકેલા કેટલાક ખંડિત શિલ્પો સાથે મેં બા અને સુભાષના ફોટા પાડ્યા. એ વખતે કારતકની સાંજના કિરણો, પલ્લવ વંશના કોઈ શિલ્પ સાથે compose કરેલા, બાના portraitને anti-lightની ગમતી glareમાં ચમકતાં હતાં અને 1999માં બાસઠ વર્ષની થયેલી બા તેની confident અદામાં મરક-મરક થતી ફોટો પડાવતી હતી.

બા અને સુભાષની આવી travel spiritના ટેકાથી મહાબલિપુરમના પ્રાચીન સ્થાપત્યો-સ્મારકોને કેમેરાની અખંડ જોળીમાં ભરી અમે ત્રણેય સહપ્રવાસીઓ બચેલા દિવસના સાંધ્ય પ્રકાશને મન-હૃદયમાં સાચવવા શીલાઓ ખડકો સાથે અફળાતા બંગાળના ઉપસાગરમાં પગ પખાળવા કોરોમંડળ સમુદ્રતટે ગયા અને કેમેરાને થકવી નાખતાં થેલામાં મુકિ ઘૂઘવતા કિનારે નિરાંતે બેઠા કારણ કે મહાબલિપુરમમાં આ અમારી છેલ્લી સાંજ હતી.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.