નાસીર હુસૈન ભારતીય સિનેમાના એવા દિગ્ગજ હતા જેમણે લેખન, નિર્માણ અને દિગ્દર્શન દ્વારા પાંચ દાયકા સુધી મનોરંજન પૂરું પાડ્યું. આર.ડી. બર્મન અને મજરૂહ સુલતાનપુરી સાથે મળીને તેમણે આપેલાં સદાબહાર ગીતો અને ફિલ્મો આજે પણ નવી પેઢીના યુવાનોના હૃદયમાં જીવંત છે.
તમે’ દિલ દે કે દેખો’ (૧૯૫૯) , ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (૧૯૬૧) , ‘ફિર વહી દિલ લાયા હું ‘ (૧૯૬૩), ‘ તીસરી મંઝીલ’ (૧૯૬૬), ‘ બહારો કે સપને’ (૧૯૬૭ ), ‘પ્યાર કા મૌસમ’ (૧૯૬૯), ‘ યાદો કી બારાત’ (૧૯૭૩) અને ‘હમ કિસીસે કમ નહી’ (૧૯૭૭) વગેરે ફિલ્મો જોઇ હશે .તેના ગીતો આજે પણ તમે સાંભળતા હશો. આ તમામ ફિલ્મો સાથે એક ‘કોમન’ નામ જોડાયેલુ છે તે છે લેખક, નિર્માતા અને દિગ્દર્શક નાસીર હુસૈન. ૧૬ નવેમ્બર ૧૯૨૬ના રોજ ભોપાલમાં જન્મનાર નાસીર હુસૈન મૌલાના અબુલ કલામ આઝાદના કુટુંબમાંથી આવતા હતા.તેમના ફિલ્મી ‘કેરીયર’ની શરૂઆત એક લેખક તરીકે થઇ. મુંબઈમાં ફિલ્મીસ્તાન સ્ટુડિયોના(એ જમાનો સ્ટુડીયોની સિસ્ટમનો હતો.) માલિક શશધર મુખરજીને આ યુવાનનું લખાણ ગમ્યું. આમ નાસિર હુસૈનનો ફિલ્મ જગતમાં પ્રવેશ થયો. ૧૯૫૩માં ફિલ્મ "અનારકલી" તેમની વાર્તા પરથી બની. યાદ રાખજો ૧૯૫૦માં તે સમયની યુવા પેઢી માટે લખતા નાસીરની કારકિર્દી ૫૦ વર્ષ પછી પણ લેખક તરીકે જ પૂરી થઈ હતી. ૧૯૯૫માં ભત્રીજા આમીર ખાનની તથા દિગ્દર્શક દીકરા મન્સૂર ખાને બનાવેલી "અકેલે હમ અકેલે તુમ" નાસીરની લેખક તરીકેની છેલ્લી ફિલ્મ હતી.
ફિલ્મીસ્તાનમાં નાસીરે ‘મુનિમજી’ (૧૯૫૫), ‘પેઇંગ ગેસ્ટ’ (૧૯૫૭) જેવી ફિલ્મો લખ્યા પછી ૧૯૫૭માં સ્વતંત્ર રીતે દિગ્દર્શક તરીકે ‘તુમસા નહીં દેખા દિગ્દર્શીત’ કરી એ પછી ‘દિલ દે કે દેખો’ (૧૯૫૯) ત્યારબાદ નાસીરે પોતાના પ્રોડક્શન હાઉસ નાસીર હુસૈન ફિલ્મ્સના બેનર તળે ‘ જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (૧૯૬૧) બનાવી ત્યારબાદ તો નાસીર હુસૈન ‘હીટ મશીન’ સાબિત થયા.’ ફિર વહી દિલ લાયા હું ‘ (૧૯૬૩), ‘તીસરી મંઝીલ’ (દિગ્દર્શક વિજય આનંદ-૧૯૬૬), ‘બહારો કે સપને’ (૧૯૬૭ -સુપરસ્ટાર રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ), ‘પ્યાર કા મૌસમ’ (૧૯૬૯) ‘યાદો કી બારાત’ (૧૯૭૩) અને ‘હમ કિસીસે કમ નહી’ (૧૯૭૭) આ પછી નાસીરનો સફળતાનો ગ્રાફ નીચે ઉતરતો ગયો છતાં યુવાનોને ધ્યાનમાં રાખીને તેઓ ફિલ્મ બનાવતા રહ્યા. ‘મંઝીલ મંઝીલ’ (૧૯૮૪), ‘જબરજસ્ત’ (૧૯૮૫)ની નિષ્ફળતા અને ઉંમર વધતાં થકવી નાખે એવું ફિલ્મ દિગ્દર્શનનું કામ દિકરા મન્સૂરને સોંપી તેઓ તેમના મૂળ વ્યવસાય એટલે કે લેખન તરફ વળી ગયા તેમણે ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮), ‘જો જીતા વહી સિંકદર’ (૧૯૯૨) ‘ અકેલે હમ અકેલે તુમ’ (૧૯૯૫)ના સંવાદો લખ્યા. લેખન, સંગીત, સ્ટાઇલ તમામથી નાસીર હુસૈન ૧૯૫૦થી ૧૯૯૦ના દાયકા સુધી યુવાનોનું મનોરંજન કરતા રહ્યા.
હવે વાત તેમની ફિલ્મોના સંગીતની. નાસિર હુસૈને પ્રોડક્શન હાઉસમાં બનતી ફિલ્મોમાં નાસીર, સંગીતકાર આર.ડી બર્મન અને ગીતકાર મજરૂહ સુલતાનપુરી ભેગા થાય ત્યારે સુપરડુપર હિટ ગીતો બહાર આવ્યા. આ ગીતો કઇ રીતે રચાતા તે આખી પ્રક્રીયા રસપ્રદ છે. નાસિર હુસૈને ફિલ્મની આખી વાર્તા અને તેમાં ગીતો ક્યાં હશે તે ‘સિચ્યુએશન’ પંચમને વર્ણવી દેતા પછી પંચમ તે મુજબ ધૂનો(ટ્યૂન) બનાવતા. મજરૂહ સા’બ તેની પર યાદગાર ગીતો લખતા. તીસરી મંઝીલ (૧૯૬૬)(આ ત્રણે સાથે કામ કર્યું તેવી આ પ્રથમ ફિલ્મ)ના ગીતોએ ધૂમ મચાવી દીધી હતી.” ઓ હસીના ઝુલ્ફોવાલી...” , “આજા આજા મેં હું પ્યાર તેરા..., “ , “ દિવાના મુજસા નહી...,” , “ ઓ મેરે સોના રે...,” ,” તુમને મુજે દેખા... “ વગેરે ગીતોએ ધૂમ મચાવી દીધી.૧૯૬૭માં આવેલી ‘બહારો કે સપને’ ફિલ્મના ગીતો જુઓ- “આજા પિયા તો હે પ્યાર દુ..,”, “ ચુનરી સંભાલ ગોરી.,” ,” ક્યાં જાનુ સજન...” કે પછી ‘પ્યાર કા મોસમ’ (૧૯૬૯)ના ગીતો સાંભળો ત્યારે આ તીકડી વધુ ખીલી હોય એમ લાગે જેમ કે “તુમ બીન જાઉં કહા..” (તેના ચાર વર્ઝન ફિલ્મમાં છે.) “ નીસુલતાના રે ..” તો ‘કારવાં’ (૧૯૭૧)માં “ પીયા તું અબ તો આજા.. “ , “ કિતના પ્યારા વાદા...” કે “ ચઢતી જવાની...” જેનું રિમિક્સ પાછળથી થયું તેવા યાદગાર ગીતો આ ત્રણેય એ આપ્યા. યાદો કી બારાત(૧૯૭૩)માં આ તિકડી સફળતાની બુલંદી ઉપર હતી. આ ફિલ્મમાં “ યાદો કી બારાત...” , “ લેકર હમ દિવાના દિલ...,” , “ ચુરા લિયા હે તુમને દિલકો..,” , “ મેરી સોની મેરી તમન્ના... ” વગેરે ગીતોએ ધૂમ મચાવી. કર્ણપ્રિય સંગીતના કારણે પણ આ ફિલ્મ ખૂબ કમાતી. ‘હમ કિસીસે કમ નહી’ (૧૯૭૭) નું આખુ આલ્બમ પણ હિટ નીવડ્યું. જેમાં “ બચના એ હસીનો....” , “ મિલ ગયા હમકો સાથી મિલ ગયા...” , “ ક્યા હુઆ તેરા વાદા.. “ જેવા ગીતો આ તિકડીનો જ જાદુ છે. જમાને કો દિખાના હૈ(૧૯૮૧)એ આ તિકડીની સફળતાનો ક્લાઇમેક્સ હતો. જેમાં “ પૂછો ના યાર ક્યા હુઆ...” , “ દિલ લેના ખેલ હૈ દીલદાર કા...” , અને “ હોગા તુમસે પ્યારા કોન...” આજે પણ આ તમામ ગીતો રેડીયો પર અવારનવાર સાંભળવા મળે છે.જે સદબહાર રહેવાના છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે