Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

વર્ષ 1952માં આત્મવિશ્વાસથી છલોછલ મોરારજી દેસાઈ ચિખલી-વલસાડ બેઠક પર યુવા ડો. અમૂલ દેસાઈ સામે માત્ર 19 મતે હારી ગયા હતા. નાટકીય રિ-કાઉન્ટિંગ અને ફાટેલા બેલેટ પેપર્સના વિવાદ વચ્ચે આ પરાજયે સાબિત કર્યું કે રાજનીતિમાં જનતાનો ચુકાદો જ સર્વોપરી છે.



વર્ષ ૧૯૫૨માં ભારતની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. તેની સાથે જ બોમ્બે વિધાનસભાની કુલ-૩૧૫ બેઠકો માટેની ચૂંટણી પણ સાથે યોજાઇ રહી હતી. કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે બોમ્બે રાજ્યના ‘ભાવી મુખ્યમંત્રી’  લેખાતા મોરારજી દેસાઈ કચ્છ ખાતે પધાર્યા. તે સમયે કોઈએ તેમને પૂછ્યું કે “ ચૂંટણીના પરિણામમાં તમારી તો જીત જ હોય ને!”  ત્યારે ઘમંડના સ્વરમાં તેમણે  કહ્યું કે ” મારી જીતનો પ્રશ્ન નથી,  મારા હરીફ ડિપોઝિટ બચાવે છે કે નહીં તે જ પ્રશ્ન છે. 




     ૧૭ જાન્યુઆરી,  ૧૯૫૨ના રોજ ચીખલી વલસાડ મતવિસ્તારની બિન અનામત બેઠક પર ત્રીજી વારની મતગણતરી પૂર્ણ થઈ અને મોરારજી દેસાઈ સમાજવાદી પક્ષના ડૉ. અમૂલ દેસાઈ સામે માત્ર ૧૯ મતોથી હારી ગયા. (સંદર્ભ: ‘સમયને સથવારે ગુજરાત’,  લેખક- કુંદનલાલ ધોળકિયા અને વિનોદ દવે )
  



 આ બંને ચિત્રો સાથે મેળવીને તમે જોશો તો રાજનીતિ શું છે તે સમજાઈ જશે,  પરંતુ ચીખલી- વલસાડ મતવિસ્તારમાં છેક ત્રીજી વાર મતગણતરી કરવાની નોબત કેમ આવી? મોરારજીભાઈનું નસીબ કેટલું જોર પર હતું તે જોઈએ. 



 બોમ્બે રાજ્યના વલસાડ- ચીખલી મતવિસ્તારની બિન અનામત બેઠક પરથી કુલ-૩ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંના  એક કે જેમના કારણે આ બેઠક વી.વી.આઈ.પી. બની ગઈ તે હતા મોરારજી રણછોડજી દેસાઈ. વધુ વયને કારણે બોમ્બેના મુખ્યમંત્રી રહી ચૂકેલા બાળા સાહેબ ખેર એ  ૧૯૫૨ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઇનકાર કર્યો. તેમના બાદના  તેમના મંત્રીમંડળના બીજા મહત્વના પ્રધાન એટલે ગુજરાતના મોરારજી દેસાઈ કે જેઓ હવે મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન જ થવાના હતા પણ ભાગ્યના ખેલ કંઈક ઓર હતા. તેમનો મુકાબલો હતો સમાજવાદી એવા ડૉ. અમૂલ દેસાઈ સામે. આ બેઠક પર જનાર્દન બી. દેસાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ભાગ્ય અજમાવી રહ્યા હતા. ત્રણેય દેસાઈઓમાંથી કોનું ભાગ્ય ઝળકશે  છે તે મતગણતરી જ કહી શકે તેમ હતી. 



     એ દિવસ પણ આવી ગયો. ૧૩ જાન્યુઆરી, ૧૯૫૨ના રોજ મતગણતરી શરૂ થઈ જે ૧૪ જાન્યુઆરીના  મધરાત સુધી ચાલુ રહી. અંતે સમાજવાદી એવા ડો.અમૂલ દેસાઈએ તેમના  નજીકના પ્રતિસ્પર્ધી મોરારજી દેસાઈ કરતા ૧૭૩ મત વધુ મેળવ્યા જેથી તેઓને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા પણ તેમની વિજેતા બનવાની ખુશીમાં તુરંત જ ‘બ્રેક’ વાગી  કે જ્યારે મોરારજી દેસાઈના ચૂંટણી એજન્ટ એ ફેર મતગણતરી(રી-કાઉન્ટીંગ)  માટે દરખાસ્ત કરી. સ્વાભાવિક છે કે ડો.અમૂલ દેસાઈએ તેનો વિરોધ કર્યો પરંતુ રિટર્નિંગ ઓફિસર એ  ફેર મતગણતરીના હુકમ કર્યો. તારીખ નક્કી થઈ- ૧૫મી જાન્યુઆરી, ૧૯૫૨ અને સવારના ૧૦ કલાક. હવે ઘટનાર ઘટનાઓ ઘણી જ નાટકીય રહેવાની હતી. 



 હવે જ્યારે ૧૫મી જાન્યુઆરી, ૧૯૫૨ના રોજ ફેર મતગણતરી શરૂ થઈ કે રિટર્નિંગ ઓફિસરને એક માહિતી આપવામાં આવી. જે ઘણી ચિંતાજનક હતી. મત ગણતરી કેન્દ્રના એક ભાગમાંથી મહત્વના સરકારી કાગળોના ટુકડાઓ પ્રાપ્ત થયા. જેની ગંભીર નોંધ લઇ રિટર્નિંગ ઓફિસરએ પોલીસને તેની તપાસ સોંપી. એ દરમિયાન પહેલા રાઉન્ડમાં મત ગણતરીમાં થયેલી કેટલીક ભૂલો ધ્યાને આવી. આ તબક્કે પોલીસે કાગળના ટુકડાઓ બેલેટ  પેપરના હોવાનું શોધી કાઢ્યું. સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બન્યો. ત્યાં જ પ્રથમ તબક્કામાં વિજેતા ઉમેદવાર ડૉ.  અમૂલ દેસાઈએ આ ફેર મતગણતરી મુલતવી રાખવાની વિનંતી કરતા બાકીના  તમામ પક્ષોએ તેમાં પોતાની સંમતિ આપી. ફેર મતગણતરી મુલતવી રાખવામાં આવી. હવે ફેર મતગણતરી માટે ૧૭ જાન્યુઆરી,૧૯૫૨ની નવી તારીખ કરવામાં આવી. તમામ લોકોના શ્વાસ થંભી ગયા. પરિણામ બદલાશે?  મોરારજીભાઈનું શું થશે?  તમામ અટકળો  શરૂ થઈ ગઈ. 



 બીજી વખતની ફેર મત ણતરીમાં ધ્યાને આવ્યું કે ‘વાંકલ’  મતકેન્દ્રમાં થયેલ મતદાનમાં ડૉ. અમૂલ દેસાઈને ખરેખરમાં ૧૬૮ મતો મળ્યા હતા પરંતુ તેની જગ્યાએ તેમના ખાતામાં ૨૬૮ મતો નોંધવામાં આવ્યા હતા. આ રીતે પ્રથમ- બીજી મતગણતરીની અન્ય ક્ષતિઓ પણ સુધારવામાં આવી. અંતે ડૉ. અમૂલ દેસાઈ માત્ર ૧૯ મત જેવી નજીવી સરસાઈથી મોરાજી દેસાઈ સામે વિજય બન્યા. તે દિવસે તેમના વિજય કરતા મોરારજીભાઈના પરાજયની ચર્ચા વધુ રહી. 



 જે બેલેટ  પેપર્સના ટુકડા મતગણતરી કેન્દ્ર ખાતેથી મળ્યા હતા તેની તપાસમાં ખુલ્યું કે આ બેલેટ  પેપર્સ ‘ફલધરા’ અને   ‘ટાંકલ’  મત કેન્દ્રોના ૧૪ બેલેટ પેપર જે તે સમયે ઇશ્યૂ કરવામાં આવેલા તે છે,  પરંતુ તેમાંથી માત્ર ૧૩ના જ ટુકડા જે તે સમયે પ્રાપ્ત થયા હતા અને એક બેલેટ પેપરના કોઈ સગડ મળ્યા નહીં. ત્યારે કયા તબક્કે આ બેલેટ પેપર્સ ફાડવામાં આવ્યા તેની અનેક  થિયરીઓ વહેતી  થઈ હતી. આ સંબંધે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી પરંતુ આ તપાસમાં કોઈ સજ્જડ પુરાવા ન મળતા આગળ જતાં તપાસ પડતી  મુકાઇ. બીજી તરફ પરાજિત ઉમેદવાર મોરારજી દેસાઈ અમદાવાદની બેઠક પરથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા અને બોમ્બે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે તેમના કડક વહીવટનો દૌર શરૂ થયો.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે