૧૯૯૯ની એ હૂંફાળી સવારે લેખકે પરિવાર સાથે તિરુવન્નામલાઈના રમણાશ્રમ અને અરુણાચલેશ્વર મંદિરની આધ્યાત્મિક યાત્રા કરી. દ્રવિડિયન સ્થાપત્ય, રમણ મહર્ષિનું તપ અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિના જીવંત દ્રશ્યોને લેખકે કેમેરા અને હૃદયમાં કંડારી એક સંવેદનશીલ સંસ્મરણ રજૂ કર્યું છે.
૧૯૯૯ના નવેમ્બર મહિનામાં હું, મારી બા, નીલાબા અને મોટો ભાઈ સુભાષ તામિલનાડુ રાજ્યના તિરુવન્નામલાઈમાં સ્થિત શ્રી રમણાશ્રમમાં રહ્યાં ત્યાં સુધીની સવાર-સાંજ રમણાશ્રમના પરિસરને અમે આકંઠ અંદર ઉતારતાં રહ્યાં.સવાર-સાંજ આશ્રમના સમાધિ મંદિરમાં પલોઠી વાળી બેસવા ઉપરાંત આશ્રમના ગ્રંથાલયમાં જવાનો ક્રમ પણ અકબંધ જાળવી, એક સવારે તો હું અને સુભાષ અરુણાચલ પર્વત પર રહેલા સ્કંદાશ્રમ અને વિરૂપાક્ષ ગુફા સુધી પણ જઈ આવ્યા અને દરેક વખતે, દરેક સ્થળે રમણની હાજરીને અનુભવી.

રોજ રોજ કેટલીક charge કરી દે એવી ઘટનાઓ-પ્રસંગોને સ્મરણ જોળીમાં સમાવતા એક સવારે આઠ વાગે શ્રી રમણાશ્રમના dining hallમાં મળતો ચા–કોફી, નાસ્તો કરી અમે તિરુવન્નામલાઈ ગામમાં સ્થિત અરુણાચલેશ્વર મંદિર જવા નીકળ્યા.

મારી બા, નીલાબા નખશિખ શિવભક્ત એટલે ૧૯૯૯ના કારતકની એ હૂંફાળી સવારે અરુણાચલેશ્વર મંદિરના આંગણે પહોંચ્યા ત્યારે એ પ્રવેશ અમારા ત્રણેય માટે ફરી એક એવો Spiritual Charging point સાબિત થયો કે અમારી અંદર અને અંદર આનંદ છલકાવા લાગ્યો.

અન્નામલાઈ કે અરુણાચલ પર્વતની તળેટીમાં રહેલું અરુણાચલેશ્વર મંદિર સવારના ધૂપ-દીપ, આરતી અને મંત્રોચ્ચારના મંત્રમુગ્ધ કરતાં ધ્વનિમાં મઘમઘતું હતું અને તેના દ્રવિડિયન સ્થાપત્ય શૈલીના ચાર ઊંચા ગોપુરમમાંથી અગિયાર માળનું રાજગોપુરમ અમને આવકારતું હતું.

આવા શાહી આવકાર પછી મંદિરની અંદર પ્રવેશતા જ શિવ-પાર્વતીને સમર્પિત અને અગ્નિ તત્વની ઉર્જા લઇને ઝળહળતા આ તમિલ શૈવપંથી પરંપરાના વિશાળ મંદિરના મુરુગન સ્વામી મંદિર તરફ અમે પગ ઉપાડ્યાં ત્યારે મંદિરના પ્રાંગણમાં સ્થિત કુંડ કે સ્નાન સરોવર પર મારું ધ્યાન પડ્યું.બહાર એક હરોળમાં ઉભેલા સ્તંભોનું પ્રતિબિંબ સરોવરના સ્થિર જળમાં સ્થિર અને સ્પષ્ટ દેખાતું હતું અને સૌથી ઉપર સ્તંભો, પછી સરોવર અને તેના પછીના લેયરમાં faregroundમાં એક દક્ષિણ ભારતીય દાદી એક થેલો લઇને ઉભડક બેઠાં હતાં.

Photographyના angleથી એ મારું ત્રીજું એકડા ઘૂટતું એમેચ્યોર વર્ષ હતું અને એટલે જ આ સંયોજન જીલતી વખતે મેં સંયોજન સાથે વધુ પડતા પ્રકાશથી over exposed ફોટો પણ જીલ્યો.

અમે ચૌલા અને પલ્લવ વંશ દ્વારા નવમી સદીમાં સંરચિત અરુણાચલેશ્વર મંદિરના નાના-નાના મંદિરો પસાર કરીને રથ પ્રકારનું ગર્ભગૃહ ધરાવતા મંદિરના પ્રવેશદ્વારે જઈને અગ્નિ લિંગ તરીકે પૂજાતા શિવલિંગના દર્શન કર્યા અને દક્ષિણ ભારતીય મંદિરોના વિશિષ્ટ શણગાર સમા ફૂલોના દળદાર હાર અને લટકતા પિત્તળના દિવાઓને મન ભરીને જોયા.

આ અરુણાચલેશ્વર મંદિરમાં અગ્નિ અને યોનિ તરીકે પૂજાતા શિવ-પાર્વતી, કપાળ પર હળદરિયા ત્રિપુંડ દોરેલા અને ફૂલ-હારથી સમૃધ્ધ કુલ પાંચ stone carved નંદિ, કેટલીક સૂર્ય અને ગણેશ પ્રતિમાઓને રસપૂર્વક નિહાળતા અમે મંદિરની દક્ષિણ દિશાએ પહોંચ્યા જ્યાં એક હજાર સ્તંભો ધરાવતો ખંડ હતો.મંદિરના towering ગોપુરમ પાછળ સૂર્યપ્રકાશમાં ઝળહળતો અરુણાચલ પર્વત અને તેની આગળ દેવી-દેવતાઓના શિલ્પોથી મંડિત one thousand pillared pavillion મંડપ જાણે વિશ્વ ધરોહર થઈને ભારતીય વિજયનગર વંશના ગૌરવશાળી શાસકના ગૌરવ ગીતો ગાતો સદીઓથી ઉભો હતો.

આશ્ચર્યચકિત નજરે આ સ્તંભોને નિહાળું ત્યાં કપાળે સફેદ ત્રિપુંડ દોરેલા મહાકાય ગજરાજને લઈને આવતા એક મહાવતને સ્તંભો વચ્ચેથી આવતાં જોયા અને એ સંયોજનના વિષય-પ્રકાશને હજી સમજું ત્યાં એક બીજા માતંગને પૂજતી એક સ્ત્રીનું સંયોજન મારી આસપાસ જ ઉભેલું હતું જેમાં વેણી નાખેલી તમિલ સ્ત્રીએ હાથીને જેવા બે હાથ જોડ્યાં કે તરત જ હાથીએ તેને પોતાની સૂંઢ ઊંચી કરીને આશીર્વાદ આપ્યા.

સ્તંભો વચ્ચે ઉભેલા અને ગળામાં રહેલા પીતળના ઘંટથી સતત અનુરણનની આરતી ઉતારતાં આ મહાકાય હાથીના બહુ બધા ઉતાવળા સંયોજનોને અંકે કરીને હું, બા અને સુભાષ સાથે પંચમહાભૂતમાંથી એક એવા ઊર્જાવાન અગ્નિ તત્વને રજું કરતાં આ અરુણાચલેશ્વર મંદિરના પાતાળ લિંગમ મંદિરે પહોંચ્યા જે એક ભૂમિગત શિવ મંદિર હતું અને શ્રી રમણ મહર્ષિ તિરુચ્ચુળી નામના ગામમાં રહેલા તેના ઘરને છોડીને તિરુવન્નામલાઈ આવ્યા ત્યારે આ પાતાળ લિંગ સમક્ષ બેસીને દિવસો સુધી તપ કર્યું હતું તે સ્થળ પણ હતું.

આમ સોળ-સત્તર વર્ષની વયે વતનનું ઘર છોડીને અહીં આવેલા રમણના સાધના સ્થળનાં દર્શન કરીને આગળ જતાં એક નાનકડું મંદિર એવું પણ આવ્યું કે જેના ગર્ભગૃહમાં દિવો પ્રજ્વલિત હતો અને પથ્થરની ત્રણ પ્રતિમાઓ પર ગળી ભૂરું, લાલ અને સફેદ વસ્ત્ર વીટાળેલું હતું. તાજ્જા સફેદ ફૂલોની વેણીથી શોભતી આ ત્રણ શ્યામ પ્રતિમાઓનો ફોટો પાડીને અમે backgroundમાં અરુણાચલ પર્વત દેખાતો હોય, તેની આગળ દ્રવિડિયન સ્થાપત્ય શૈલીના ચાર ગોપુરમ હોય અને ચાર દિશામાં સ્થિત ચાર ગોપુરમ આસપાસ અનેક મંદિરો, મૂર્તિઓ, સરોવર, સ્તંભો, નંદિના મોટા મોટા શિલ્પો હોય તેવા દસ હેક્ટરમાં પથરાયેલા વિશાળ મંદિર પરિસરમાં બેઠા અને ૧૧૦૦ વર્ષ પ્રાચીન મંદિર, તેનું નિર્માણ કરનાર ચૌલા અને વિજયનગર સામ્રાજય અને તેના શાસકોનો વિચાર કરી મનોમન નતમસ્તક થયા.
એ પછી બા અને સુભાષને ત્યાં જ બેસાડી હું ફરી ઊભી થઈ અને અન્નામલાઈ પર્વતની તળેટીમાં સ્થિત અગિયાર સદી વટાવી ચુકેલા આ પ્રાચીન અરુણાચલેશ્વર મંદિરની વેણુગોપાલ શ્રીકૃષ્ણ પ્રતિમા, દુર્ગા, ગજલક્ષ્મી, દક્ષિણામૂર્તિ, નટરાજ, સ્વર્ણભૈરવ અને સૂર્ય પ્રતિમાઓની Iconography એટલે મૂર્તિવિધાનને મેં બરાબર જોયું અને સ્તંભો અને મંદીરોના ઓટલે બેઠેલા દક્ષિણ ભારતીય લોકોની ફોટોગ્રાફિ કરી ફરી બા-સુભાષ પાસે જઈને નિરાંતે બેઠી.

મંદિરની દક્ષિણ-પશ્ચિમ બાજુએ રહેલા વિજયનગર શૈલીના marriage hall તરફથી વેણી નાખેલી તમિલ સ્ત્રીઓ અને ધોતી પહેરેલા ત્રિપુંડધારી પુરુષો આવી રહ્યા હતા અને તેઓના આવવા સાથે દક્ષિણ ભારતીય સંસ્કૃતિની સુવાસ પણ જાણે અમારી તરફ આવી રહિ હતી. જે સંસ્કૃતિમાં મંદિરો દૈનિક જીવનનું એક અભિન્ન અંગ છે અને વિધિ-વિધાનો, આરતી-પૂજા, ઘંટ-ઘંટરાવ, મંત્ર-મંત્રોચ્ચાર, ફૂલો, ચંદન-ચાંદલા, ત્રિપુંડ, રંગોળીઓ અને સ્તુતિ-શ્લોકો દૈનિક જીવનમાં વણી લેવામાં આવ્યા છે તેવી ધર્મપરાયણ સંસ્કૃતિને અમે નજીકથી અવલોકી.
અરુણાચલેશ્વર મંદિરની આવી નિરાંતવી મુલાકાતને મન-હૃદયમાં સ્થાન આપી અમારી ત્રિપુંડ જેવી ત્રિપુટી એટલે હું, બા અને સુભાષ સાડા અગિયાર પહેલા રમણાશ્રમ પહોંચી ગયા અને હાથ-પગ, મોઢું ધોઈ સાંભાર-ભાત, રસમ અને એકાદ દક્ષિણ ભારતીય મીઠાઈનું લંચ લઈ વૃક્ષો વચ્ચે રહેલા અમારા આશ્રમના નિવાસમાં અલ્પનિદ્રા લીધી.

એકાદ કલાકના આરામ પછી બે-ત્રણ વાગ્યા સુધી તો અમે રૂમમાં જ રહ્યા પરંતુ એ પછી રમણાશ્રમની છેલ્લી સાંજને સંકેલવા પ્રથમ માતૃભુતેશ્વર મંદિરમાં જઈ મા અળગમ્માના સમાધિ મંદિરમાં બેઠા અને પછી શ્રી રમણ મહર્ષિના સમાધિ મંદિરમાં જઈને ફરી પલોઠી વાળી.
શ્રી રમણ ભગવાન જે old meditation hallમાં પ્રવચનો આપતાં હતાં તે hallમાં વળાતી આવી મૌન પલાઠીઓ વખતે અળગમ્માના સમાધિ મંદિરમાંથી આવતા વૈદિક મંત્રોચ્ચાર, આશ્રમના વૃક્ષો વચ્ચેથી દેખાતું અરુણાચલ પર્વતનું શિખર, ‘ૐ નમો ભગવતે રમણાય’ના ઉચ્ચારણો, તમિલ પારાયણનો સમૂહ લય, તાંબા-પિત્તળના કળશ, રમણની મૂર્તિ, ફૂલો, સ્તંભો અને રમણાશ્રમના સ્વચ્છ પ્રાંગણમાં નિરાંતે બેસી લેવાની એ છેલ્લી સાંજ પતરાવળામાં રોજ લેવાતા સાંધ્ય ભોજન સુધી પહોંચી અને અમે રૂમ પર ગયા અને સુતા પહેલા સૌએ પોત પોતાનો સામાન pack કર્યો કારણ કે બીજી સવારે અમારે તિરુવન્નામલાઈથી ૧૧૨ કિલોમીટરની મુસાફરી કરી તમિલ રાજ્ય પરિવહનની બસ દ્વારા પોંડીચેરી જવું હતું.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.