Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

૧૯૯૯ના દિવાળી વેકેશનમાં લેખિકાએ પરિવાર સાથે કરેલી શ્રી રમણાશ્રમની આ યાત્રા માત્ર પ્રવાસ નથી, પણ આધ્યાત્મિક સાધના છે. દક્ષિણની સંસ્કૃતિ, શિખરો, મંત્રોચ્ચાર અને રમણ મહર્ષિના ચૈતન્યમય વાતાવરણ વચ્ચે ‘સ્વ’ની શોધની આ સંવેદનશીલ અને દ્રશ્યાત્મક અભિવ્યક્તિ વાચકને શાંતિનો અનુભવ કરાવે છે.



હું, મારી બા નીલાબા અને મોટો ભાઈ સુભાષ અમદાવાદથી ઉપડેલી નવજીવન એક્સપ્રેસમાં ઉધના, જલગાવ, અકોલા, વર્ધા, અને ગુડૂ૨ થઈને ચેન્નઈ પહોંચ્યાં ત્યારે વર્ષ 1999ના નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં પડેલું દિવાળીનું વેકેશન શરૂ થઈ ગયું હતું અને અમારી નિશાળની નોકરીમાં કુલ એકવીસ દિવસ પડતી દિવાળીની રજાઓમાં અમે પ્રથમ શ્રી રમણાશ્રમ પછી પોંડીચેરી, મહાબલિપુરમ્ અને The Madras Crocodile Bank Trust and Centre for Herpetologyની કુલ દસ-બાર દિવસની, સુભાષે ગોઠવેલી, circuitના પ્રથમ ગંતવ્ય એવા શ્રી રમણાશ્રમ જવા માટે ચેન્નઈના રેલ્વે સ્ટેશન ઉતર્યા.




‘દક્ષિણનો દરવાજો’ ગણાતાં તામિલનાડુ રાજ્યની રાજધાની એવા ચેન્નઈના  રેલ્વે સ્ટેશન પર ઉતર્યા ત્યારે અમે કુલ એકત્રીસ-બત્રીસ કલાકની ટ્રેન મુસાફરી તો કરી જ હતી અને એ પછી પણ ચેન્નઈથી એસ.ટી બસની મુસાફરી કરી ૧૯૭ કિલોમીટર દૂર રહેલા તિરુવન્નામલાઈ જવાનું હતું કારણ કે અમારું ગંતવ્ય તો જીવનમુક્ત એવા શ્રી રમણ મહર્ષિનો રમણાશ્રમ હતો. 


અંગ્રેજી સાહિત્યમાં અભ્યાસ શરૂ કર્યાને પહેલા વર્ષે જ ઓશો રજનીશ, જીદુ કૃષ્ણમૂર્તિ અને શ્રી રમણ મહર્ષિના સાહિત્યનો પ્રવેશ મનહ્રદયમાં જગ્યા કરી ચુક્યો હતો અને એ પછીના પંદર વર્ષોમાં તો સંધ્યાકાળનો નિત્યક્રમ આવા પ્રકારના વાંચનનો જ રહેતો હતો અને એવા spell વચ્ચે મોટાભાઈ સુભાષે ગોઠવેલો આ પ્રવાસ જાણે સોનામાં સુગંધ માફક મહેકતો હતો.


ચેન્નઈના બસ અડ્ડેથી બસમાં બેઠા પછીના ત્રણ ચાર કલાક એટલે Eastern ghatની પૂર્વે સ્થિત તિરુવન્નામલાઈના return monsoonની ભેજવાળી હવાના કલાકો જે અમે દક્ષિણના lush green textureને જોતાં જોતાં પસાર કર્યા અને પહોંચ્યા તિરુવન્નામલાઈના બસ સ્ટેન્ડ પર.




દ્દ્રાવિડ સંસ્કૃતિના ગઢ સમા તમિલનાડુની સંસ્કૃતિની ઝલક જેવા દક્ષિણ ભારતીય વસ્ત્રો, વેણી અને ચંદનના ચાંદલા કરેલા પુરુષોના ચમકતા કાળા ચહેરા વચ્ચેથી પસાર થઈને અમે રમણાશ્રમ જવાની રીક્ષા કરી કારણ કે સુભાષે રમણાશ્રમની અંદરના accommodationમાં અગાઉથી જ અમારી room book  કરાવેલી જેથી 24x7 અમે રમણાશ્રમના વાતાવરણમાં જ રમણ કરીએ.


 શ્રીરમણાશ્રમના મુખ્ય પ્રવેશદ્વારે જેવી રીક્ષા ઉભી રહી કે ઘટાદાર વૃક્ષો વાળા આશ્રમના આંગણામાં મારું ધ્યાન ૪૦૦ વર્ષ પ્રાચીન ઈલુપ્પઈ [ Iluppai ] એટલે આપણા મહુડાના વૃક્ષ પર તો પડ્યું જ પરંતુ  ગાંઠા-ગાંઠા વાળા એ વિશાળ વૃક્ષ પર રૂપસુંદરી જેવો પાતળો સાપ જતો હતો તેના પર પણ પડી અને અમને થયું કે ખરેખર જ અમે શિવ સ્વરૂપ એવા શ્રી રમણ મહર્ષિના ધામમાં જ પ્રવેશ્યા છીએ.




રીક્ષામાંથી સામાન ઉતારી રમણાશ્રમનું અડધું આંગણું પસાર કરી આશ્રમના કાર્યાલયમાં અમે અમારા નિવાસની ચાવી લેવા ગયા ત્યારે જોયું કે મહુડાના જુના ઘટાદાર વૃક્ષની આગળ ડાબા હાથે દ્રાવિડ સ્થાપત્ય શૈલીના શિખરો ધરાવતાં બે મંદિરોમાંથી એક મંદિર શ્રી રમણ મહર્ષિના માતા અળગમ્માળની સમાધિનું માતૃભૂતેશ્વર મંદિર હતું અને બીજા મંદિરમાં બહારથી જ નજર કરતાં રમણ ભગવાનની મૂર્તિના દર્શન થતાં હતાં.




1922થી રમણ મહર્ષિના મહાનિર્વાણ સુધી એટલે કે 1950 સુધી શ્રી રમણ મહર્ષિનું ઘર પણ રહી ચુકેલા આ સ્વચ્છ આશ્રમ પરિસરમાં જ સોલારથી મળતા ગરમ પાણીની સગવડતા વાળી અને હવા-ઉજાસ વાળી રૂમ અમને મળી હતી જે રૂમમાં ઉપર-નીચે રહેલી નાની-નાની છ બારીઓ, ત્રણ પથારીઓ અને attached wash roomની basic વ્યવસ્થા હતી અને રૂમના આછા આકાશી બારણા પાછળ જરૂરી સુચનાની ઝેરોક્ષ ચીપકાવેલી હતી.


સવારના સાડા અગિયાર થવા જઈ રહ્યા હતાં એટલે પ્રથમ તો રૂમમાં સામાન મુકીને અમે ફ્રેશ થયા અને તાળું દઈને તરત જ આશ્રમના ડાઇનિંગ હોલમાં જમવા ગયા જ્યાં અમને દક્ષિણ ભારતીય વ્યંજનોથી સભર લંચ મળવાનું હતું.Dining hallમાં પ્રવેશતાં જ જોયું કે બેઠા ઘાટના આ dining hallમાં સૌ સામસામી હરોળમાં નીચે જમવા બેસી ગયા હતાં જેમાં અમે પણ જોડાઈ ગયા અને સૌ સાથે સાંભાર-ભાત અને રસમનું લંચ લીધું.




મુસાફરી કરીને થાક્યા હોવાથી ભોજન પછીની મીઠ્ઠી નીંદર લઈ, બપોરે ચાર વાગે આશ્રમમાં જ મળતી ચા-કોફી પી સૌ પહેલા તો શ્રી રમણ મહર્ષિના સમાધિ મંદિરમાં ગયા અને રમણની મૂર્તિ સામે જ પલોઠી વાળીને બેઠા. પાંચ વાગ્યા ત્યાં પ્રથમ શ્રી રમણ ભગવાનના મા, અળગમ્માળના સમાધિ મંદિરમાંથી વૈદિક મંત્રોચ્ચારનો દક્ષિણ ભારતીય ધ્વનિ અમારા કાને પડ્યો અને પછી અમે બેઠા હતા તે મંદિરમાં આરતી-પૂજા, ધૂપ-દિપ અને વૈદિક મંત્રોચ્ચાર શરૂ થયા જેણે અમારા meditative moodને ઔર ઘેરો કર્યો અને અમે સોમથી શનિ અહીં થતી તમિલ પારાયણ તો સાંભળી જ પરંતુ સફેદ ધોતી પહેરેલા અને કપાળે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશને symbolize કરતાં કિશોરવયના ત્રિપુંડધારી બ્રાહ્મણોના તમિલ લયધ્વનિને પણ સાંભળ્યો. 




પોતાના પરિવ્રાજક કાળમાં જ્યાં સ્વામી શિવાનંદ સરસ્વતી રમણ ભગવાનને મળવા આવ્યા કે પરમહંસ યોગાનંદ પણ જ્યાં આવીને રમણને મળ્યા તે રમણ આશ્રમમાં વીસમી સદીના પુર્વાધે Paul Brunton અને W Somerset Maugham જેવા લેખકો પણ આવીને રહ્યા અને Arthur Osborne જેવા અંગ્રેજી લેખક તો કુલ વીસ વર્ષ રમણાશ્રમમાં જ રહ્યા તેવા એકદમ ઉર્જાવાન આશ્રમમાં બીજા દિવસે સવારે ફરી અમે રમણ ભગવાન અને મા અળગમ્માળના સમાધિ મંદિરમાં આસન જમાવ્યું અને દક્ષિણ ભારતીય ચા-નાસ્તા પછી સવારે આઠના ટકોરે ખુલ્લી જતાં આશ્રમના પુસ્તકાલય અને પુસ્તક ભંડાર પહોંચી collected works on Raman Maharshi, David ગોડમેને સંપાદિત કરેલી ‘Be as you are’, રમણના ઉપદેશનો મૂળ મંત્ર લઈને ગુંજતી ‘who am I?’ અને Arthur osborne લિખિત Raman Maharshi and the path of self-knowledge જેવા અનેક પુસ્તકો જોયા, ખરીદ્યા અને thatched roofing વાળા નિવાસો, નાળિયેરીઓના વૃક્ષો, પ્રાંગણમાં મુક્ત મને ટહુકા કરતાં મોરલા, વડવાઈ પર ઝુલતા કે આશ્રમવાસીઓના બારણે ડોકિયા કરતાં વાનરોની અવર જવર વચ્ચે આશ્રમની ગૌશાળા, દવાખાનુ, લક્ષ્મી ગાય અને શ્રી રમણ ભગવાનના અન્ય ભક્તોની સમાધિ સ્થળે બેઠા અને સવારે સાડા અગિયારે હરિહરનો સાદ પડ્યો તે પહેલા સિત્તેર વર્ષથી રોજ સવારે પોણા દસે રમણાશ્રમના પ્રાંગણમાં મહુડાના વૃક્ષ નીચે નારાયણ સેવા નિમિત્તે સાધુઓને ભોજન અપાય છે ત્યાં જઈને ઉભા રહ્યાં અને dining hallમાં ભોજનનો ઘંટ વાગ્યો કે તરત જ સામ સામેની પંગતમાં આશ્રમનું સાત્વિક અને south Indian ભોજન કરવા બેસી ગયા.




એક જ દિવસમાં અમને આશ્રમનું schedule ફાવી ગયું હતું અને રોજ એકાદ કલાકની બપોરની નિંદર પછી વાંચવા-લખવાનો ક્રમ ચાલતો અને સુભાષ તો ક્યારેક આશ્રમના ગ્રંથાલયમાં જતો રહેતો અને ચાર વાગ્યાની ચા-કોફી પછી અમે ત્રણેય સાથે ક્યાંક જતાં જેમાં રમણાશ્રમ આવ્યા પછીની બીજી સાંજે અમે રમણાશ્રમની બહારના રસ્તે ચાલતાં ચાલતાં મુરુગન એટલે કાર્તિકેય મંદિરે અટક્યા ત્યારે મને એવું થયું કે આ રસ્તે સવારે આવીશ તો દક્ષિણ ભારતીય સંસ્કૃતિને સમેટતી ફોટોગ્રાફિ થશે એટલે બીજા દિવસની સવારે બા-સુભાષને જણાવીને મેં  કેમેરા ગળામાં નાખ્યો અને આશ્રમ બહારના રસ્તે એકલી ચાલવા લાગી.




એક તો કારતકના હૂંફાળા દિવસોની તિરુવન્નામલાઈ જેવા દક્ષિણ ભારતીય ગામની સવાર એટલે કાંઈ ન ઘટે એવા સંયોજનો મળતાં હતાં અને તેમાં થોડું ચાલી ત્યાં જમણે હાથે આવતા એક ઘટાદાર વૃક્ષ નીચેની ઓટલી પર typical south Indian શૈલીના ગણેશ અને નાગદેવતાઓના કલાત્મક શિલ્પો જોયા અને ત્યાં જ મૃત્યુ પછીની કોઈ વિધી ચાલી રહિ હતી એવું લાગ્યું.


હું તો ત્યાં જ રસ્તાના સામા કાંઠે ઉભી રહી અને દૂરથી ફોટોગ્રાફિ શરુ કરી.વૃક્ષનું ખરબચડું થડ, સ્ટીલનો હાંડો અને ચશ્માં વાળા એક દાદીને ઝાંખા કરીને મેં વિધી પર જ કેમેરા focus કર્યો ત્યારે વૃક્ષનાં off white ઓટલા આગળ સફેદ ધોતી-ખમીશ પહેરેલા અને ત્રિપુંડ તાણેલા બે પુરુષો પાણી ભરેલું માટલું તોડતાં હતાં, માટલામાંથી જળની ધારા થતી હતી અને આ આખી વિધિને કિશોર વયનો એક છોકરો રસપૂર્વક જોતો હતો.




દક્ષિણ ભારતની સંસ્કૃતિથી મઘમઘતા આ સંયોજનને હજી જીલું ત્યાં થોડિવાર પછી કપાળ પરના ત્રિપુંડ વચ્ચે કંકુવર્ણો ચાંદલો કરેલા એક ભાઈએ એક શંખ પર નાડાછડી બાંધી અને કોઈ વિધિ આરંભી. આ સંયોજનને દુરથી જ zoom કર્યું તો ડાબે હાથે rough textureથી mat finishની અસર વાળું ખરબચડું થડ અને જમણે સફેદ શંખ, સફેદ ખમીશ અને લાલ કોર વાળો સફેદ મુગટો વીંટેલા અને  સ્ટીલની કાંડા ઘડિયાળ પહેરેલા દક્ષિણ ભારતીય પુરુષ out standing રીતે ઉભેલા જણાતા હતાં એટલે આસપાસના clutterને out of focus કરીને મેં એ સંયોજનને કેમેરાની અખંડ જોળીમાં ભર્યું અને એ પછી લોટરી મળી હોય તેમ ખુશ થતી થતી આશ્રમે પહોંચી અને સાડા અગિયારે તો બા-સુભાષ સાથે ફળતું ફળતું ભોજન આરોગવા આશ્રમના dining hall પર પહોંચી ગઈ.




નિત્યક્રમ બની ચુકેલા એકાદ કલાકના આરામ પછી હું, બા અને સુભાષ, ચાર વાગ્યા આસપાસ, ત્રીસ વર્ષ સુધી રમણ જ્યાં શયન કરતાં હતાં તે રૂમના couchની સમક્ષ ફરી પલોઠી વાળીને બેઠા.Couch પર રહેલી રમણની તસવીરને ખુલ્લી અને બંધ આંખે અંદર ઉતારી અને શ્રી રમણ મહર્ષિનાં મહાનિવાર્ણ પછી ઓગણપચાસ વર્ષથી એ જ ઘડિયાળ, એ જ interior, એ જ stone floor અને એ જ પલંગથી સચવાયેલા ઓરડાની ઉર્જાને અંદર ઉતારી ત્યારે એ ઉર્જાનું તો શું કહેવું અને શું કહેવું રમણાશ્રમના પવિત્ર વાતાવરણનું જ્યાં વૈદિક મંત્રોચ્ચાર, પિત્તળના દિવાઓમાં પ્રગટતી જ્યોતિ, આરતી-પૂજા અને ફૂલોના શણગાર વચ્ચે ઘંટોનો રણકાર સતત આપણને ‘હું કોણ છું’ના રમણ પ્રશ્ન પર જાગતા રાખે અને આશ્રમના મોર પણ સમાધિ મંદિરની ઉપર નિશ્ચિત સમયે પહોંચી જઈ વૈદિક મંત્રોચ્ચારમાં પોતાનું chanting પણ ઉમેરી કોઈ મનુષ્યથી વિશેષ રમણ ભક્તિ કરે.


શ્રી રમણ મહર્ષિના મહાનિર્વાણ પછી પણ મળતાં રમણના સાનિધ્યની આવી હૂંફમાં આશ્રમમાં રહ્યા ત્યાં સુધીના નિત્યક્રમની એક સવારે સાત વાગે પોતાના પાઠ-પૂજા અર્થે બાને રૂમ પર જ રાખીને હું અને સુભાષ રમણાશ્રમથી .....

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.