ભારતીય બંધારણની કલમ ૧૦૫ અને ૧૯૪ હેઠળ ગૃહોને મળેલા વિશેષાધિકારોની ચર્ચા કરતા આ લેખમાં, રામોજી રાવ અને આંધ્રપ્રદેશ વિધાન પરિષદ વચ્ચેના ઐતિહાસિક સંઘર્ષ દ્વારા ગૃહની સર્વોપરિતા, અવમાનના સામે શિક્ષાત્મક જોગવાઈઓ અને ન્યાયતંત્ર સાથેના સત્તા સંઘર્ષનું સચોટ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ભારતના બંધારણની કલમ ૧૦૫થી સંસદને અને કલમ ૧૯૪થી રાજ્ય વિધાન મંડળોને સત્તા,વિશેષાધિકારો અને તેમાંથી મુક્તિની જોગવાઈ છે. દરેક ગૃહ તેના સભ્યોના રક્ષણ માટે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાના રક્ષણ માટે વિશેષ અધિકાર ભોગવતું હોય છે.
જે કૃત્યો કોઈ ચોક્કસ વિશેષાધિકારનો ભંગ નથી પરંતુ તેની સત્તા અને પ્રતિષ્ઠા સામે ગુના છે એવા કૃત્યોને "વિશેષાધિકાર ભંગ" તરીકે ઓળખવામાં આવે છે. તેને યોગ્ય રીતે અવમાનના કિસ્સા તરીકે જુદા કરવામાં આવે છે. વિશેષાધિકાર ભંગ અથવા અવમાન માટેનો ગુનો ગંભીર ન હોય કે જેના માટે ગુનેગારને સજા કરવી જરૂરી જણાય તેવા કેસમાં સંબંધિત વ્યક્તિને ગૃહના બાર આગળ બોલાવીને ગૃહના આદેશાનુસાર અધ્યક્ષ ઠપકો આપે છે.જે હળવી શિક્ષા છે.
આ હળવી શિક્ષાનું મૂળ પકડી એ તો બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ તરફ જવું પડે. હાઉસ ઓફ કોમન્સમાં પદ્ધતિ એવી હતી કે વ્યક્તિ સભ્ય ન હોય અને અવમાનના કિસ્સામાં કસૂરવાર ઠરે ત્યારે સાર્જંન્ટ એટ આર્મ્સ તેને ગૃહના બાર સમક્ષ લાવતા અને અધ્યક્ષ દ્વારા ગૃહના નામે આપેલી સત્તાની રૂએ તેને ઠપકો આપતા અને ત્યારબાદ તે વ્યક્તિને છોડી મૂકવામાં આવતો. જો ગુનેગાર હાજર ન હોય તો ત્યાર પછીના દિવસે અન્ય દિવસે તેને પકડીને ગૃહ સમક્ષ હાજર કરવાનો આદેશ કરવામાં આવતો. જો કોઈ સભ્ય અવમાનના કિસ્સામાં કસૂરવાર ઠરતો તો તેને ગૃહમાં પોતાની જગ્યાએ ઊભો રાખીને ઠપકો આપવામાં આવતો.
ઠપકાની સાથે સંકળાયેલો આંધ્રપ્રદેશ વિધાન પરિષદના એક કિસ્સાની અહીં ચર્ચા કરીએ. આ કિસ્સામાં મામલો છેક રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યો હતો.
વર્ષ ૧૯૮૩માં આંધ્રપ્રદેશ વિધાન પરિષદે ઇનાડુ ટીવી (E-tv )ના ચેરમેન રામોજી રાવની ચીટ ફંડ કંપનીઓ સંદર્ભે તપાસ કરવાનું નક્કી કર્યું હતું. તે માટે સભ્યોની એક સમિતિનું ગઠન થયું. આ બાબતથી નારાજ એવા રામોજી રાવ એ પોતાના વર્તમાન પત્રમાં "વડીલોનો કકળાટ" (ઉપલા ગૃહને એટલે કે વિધાનપરિષદો અને રાજ્યસભાને "એલ્ડર્સ હાઉસ" વડીલોનું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે) તે રીતની હેડલાઈન છાપી. આ બાબતથી નારાજ એવા પરિષદના સભ્યો રામોજી રાવ સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ ગૃહમાં લાવ્યા. આવી બાબતો માટે વિધાન ગૃહો- સંસદમાં વિશેષાધિકાર સમિતિ હોય છે. આ કિસ્સામાં પણ વિશેષાધિકાર ભંગની તપાસ પરિષદની વિશેષાધિકાર સમિતિને સોંપવામાં આવી. આ બાબતની તપાસ વિશેષાધિકાર સમિતિએ એક વર્ષ સુધી કરી. તપાસના અંતે રામોજી રાવ એ પોતાના વર્તમાનપત્રમાં છાપેલી હેડલાઈનને તોફાની-શરારતપૂર્ણ ગણીને તેમને ઠપકો આપવા માટે માર્ચ, ૧૯૮૪માં વિશેષાધિકાર સમિતિ સમક્ષ બોલાવવાનો હુકમ થયો. આ હુકમ સામે રામોજી રાવ એ પત્ર લખી પરિષદે તેમની સામે પસાર કરેલા પ્રસ્તાવમાં યોગ્ય કાર્યપદ્ધતિનો અભાવ તથા રાજનીતિ પ્રેરીત કાર્યવાહી થઇ છે તેમ કરી સવાલો ઉઠાવ્યા. રામોજી રાવની આ વર્તણૂક સામે વધુ કડકાઇ કરતાં સમિતિએ પોલીસ કમિશ્નરને રામોજી રાવને સમિતિ સમક્ષ લાવી આણવા માટે હુકમ કર્યો. આ હુકમ સામે રામોજી રાવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને ત્યાંથી ધરપકડ થવામાંથી વચગાળાની રાહત મેળવી લીધી. કોર્ટ દ્વારા પોતાના ક્ષેત્રાધિકારમાં દખલ થયાની લાગણી અનુભવતા પરિષદે આ બાબતને પોતાની અવગણના માનીને ફરીથી પોલીસ કમિશનરને કોર્ટના હુકમને બાજુ પર રાખીને રામોજી રાવની ધરપકડ કરવાનો હુકમ કર્યો. કોર્ટે પુન: વચ્ચે પડતા ધરપકડ ન થાય તે માટે સૂચનાઓ જારી કરી. હવે આ બાબતે સત્તાધારી પક્ષ(તેલુગુ દેશમ પાર્ટી) અને વિપક્ષ(કોંગ્રેસ) વચ્ચે સંઘર્ષ વધ્યો. મુખ્યમંત્રી એન. ટી. રામા રાવ એ વિધાનપરિષદની આ કાર્યવાહીથી નારાજ થઈને તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ઝૈલ સિંહને આ વિવાદ ઉકેલવા પત્ર લખ્યો. મુખ્યમંત્રીશ્રીની આ કાર્યવાહી સામે વિધાન પરિષદ એ મુખ્યમંત્રીના પત્રને ધ્યાને ન લેવા માટે રાષ્ટ્રપતિને પ્રસ્તાવ પસાર કરીને મોકલ્યો. આ બાબત વધતી ગઈ. અંતે આ વિવાદના અંત માટે થઈને મુખ્યમંત્રીશ્રીએ વિધાન પરિષદનું સત્રાવસાન ઘોષિત કરાવી દીધું પછી આ બાબત ક્રમશઃ હાંસિયામાં ધકેલાઈ ગઈ.
વિધાનસભાગૃહ એ રાજ્યની ઉચ્ચ બંધારણીય સંસ્થા છે. સભાગૃહની કાર્યવાહીની બદનક્ષી થતી હોય તેવા પુસ્તકો કે લખાણો છાપવા કે પ્રસિદ્ધ કરવા તે સભાગૃહના હક્કો અને વિશેષાધિકારોનું ધરાર ઉલ્લંઘન છે. સભાગૃહના ચારિત્ર્ય કે કાર્યવાહીઓની બદનક્ષી થતી હોય તેવા ગૌરવહીન લખાણો કે શબ્દો આમ પ્રજામાં તેના પ્રત્યે આદર ઘટાડે છે. ગૃહનો સભ્ય પ્રજાના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને પ્રજાનો અવાજ ગૃહમાં રજૂ કરે છે. ગૃહ સમક્ષ ઉપસ્થિત થતી કોઈ જાહેર હિતની કે વિવાદાસ્પદ બાબત ગૃહની વિશેષાધિકાર સમિતિને તપાસ અને અહેવાલ અર્થે સોંપવી તે ગૃહનો અબાધિત હક છે. આપણા રાજયની વાત કરીએ તો ગુજરાત રાજ્ય રચાયું ત્યારથી ૨૦૧૨ સુધીમાં વિધાનસભાની વિશેષાધિકાર સમિતિ એ કુલ - ૪૭ અહેવાલો સભાગૃહ સમક્ષ રજૂ કર્યા છે. તેમાં પણ ગુજરાતની ત્રીજી વિધાનસભા(૧૯૬૭ થી ૧૯૭૧) દરમિયાન સૌથી વધુ એવા કુલ -૧૨ અહેવાલો વિધાનસભા ગૃહ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. વિશેષાધિકાર બાબતે કોર્ટો પણ હસ્તક્ષેપ કરતી નથી. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સના હક્કોના ખરડાની કલમ-૯ની રૂએ વાણી સ્વતંત્ર અને પાર્લામેન્ટની ચર્ચાઓ- કાર્યવાહી સામે કોઈપણ અદાલત કે પાર્લામેન્ટ બહાર ક્યાય પણ વાંધા ઉઠાવવા જોઈએ નહીં કે તેને પડકારવા જોઈએ નહીં. સામાન્ય રીતે ન્યાયની કોર્ટમાં નિર્ણયાધીન હોય તેવી બાબતો પર સભાગૃહમાં ચર્ચા કરવામાં આવતી નથી. આ નિયમ સભાગૃહ એ પોતે પોતાના પર લાદેલું એક નિયંત્રણ છે. કોઈ પણ વિષય પર ચર્ચા કરવા માટે સભાગૃહ સર્વોપરી છે અને સભાગૃહ એવી કોઈ પણ નિર્ણયાધીન બાબતો પર ચર્ચા કરે તો પણ સભાગૃહ તથા તેના સભ્યોને બંધારણની કલમ ૧૯૪ હેઠળ રક્ષણ મળે છે. બધા વિશેષાધિકારો સભાગૃહના સંચાલનની દ્રષ્ટિએ અસરકારક અમલના સાધનમાત્ર છે એટલે બદનક્ષી કરતા કે ટીકા કરતા શબ્દો ભલે નિકટ રીતે ન હોય પણ આડકતરી રીતે પણ સભાગૃહની કાર્યવાહી કે સભ્યની સભાગૃહ પ્રત્યેની કોઇ સેવા સાથે સંકળાયેલ હોય તે ગૃહના વિશેષાધિકારના ભંગ સમાન ગણાય છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે