કટોકટીના આક્રોશ વચ્ચે ૧૯૭૭માં રાયબરેલીમાં ઇતિહાસ રચાયો. આંતરિક જૂથબંધી અને જનતાના વિરોધને કારણે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની કારમી હાર થઈ. રાજ નારાયણના વિજય સાથે દેશમાં પ્રથમવાર બિન-કોંગ્રેસી સરકારની સ્થાપના થઈ, જે ભારતીય લોકશાહીની ગરિમા અને પરિવર્તનનો મજબૂત પુરાવો બની રહી.
કટોકટીની જરૂર હોય તેટલી જ તેને દેશમાં લાગુ કરવી તે સિવાય એક મિનિટ પણ તેને લંબાવવી નહીં એવું માનતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૮ જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ લોકસભાનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો. હવે લોકસભાની ચૂંટણી યોજવા માટે થઈને મેદાન મોકળુ થયું હતું. જનતા પાર્ટીની છત્રી હેઠળ વિરોધ પક્ષની જુદી જુદી વિચારધારા ધરાવનારા પક્ષો અને નેતાઓ સાંકડ-મુક્ડ થઇને એકઠા થયા હતા. તે દરમિયાન ૬ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ કોંગ્રેસ પાર્ટીના દલિત ચહેરા ગણાતા બાબુ જગજીવનરામ તથા ઉત્તર પ્રદેશના કદાવર નેતા હેમવંતી નંદન બહુગુણાએ કોંગ્રેસ પક્ષમાંથી વિદાય લઈ લીધી. આ ઘટનાક્રમથી કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ ઉત્તર ભારતમાં ઘણી જ નબળી પડી ગઈ. ૧૯૭૭માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકમાં કેવો માહોલ હતો ? ઇન્દિરા ગાંધી માટે ત્યાં કેવું વાતાવરણ સર્જાયું હતું ? એક વડાપ્રધાન પોતાની લોકસભાની બેઠક ગુમાવી શકે? આ બધા સવાલોના જવાબ તમને હવે પછી મળશે
કટોકટીથી સામાન્ય જનતામાં સત્તાધારી પક્ષ માટે આક્રોશ હતો. તે સમયે કોંગ્રેસ પક્ષની સભાઓમાં એકઠી કરવી એક કપરું કામ થઈ પડ્યું હતું. ઘણી જગ્યાએ સ્થાનિક નેતા- રાજ્યના કોંગ્રેસના પ્રમુખને સભામાં ૩૦-૪૦ લોકો જ સાંપડતા તો ઇન્દિરા ગાંધી સામે આ બેઠક ઉપર ચૂંટણી લડનાર ચૌધરી ચરણ સિંહના પક્ષ ભારતીય લોકદળના રાજ નારાયણની સભામાં જનમેદની ઉમટતી. આ ‘ટ્રેન્ડ’થી કોંગ્રેસ પક્ષ પર ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા હતા. તેવામાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું સંજય ગાંધી અને રાજ્યના મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારી વચ્ચે થયેલ એક ઘટનાએ. આ ઘટનાને કારણે સામાન્યજનને એવું પ્રતિત થયું કે ઉત્તર પ્રદેશ રાજ્યનું કેંદ્ર સરકાર હસ્તે અપમાન થયું છે. આ સંદર્ભે કોંગ્રેસ પક્ષને એવા ઘણા અહેવાલો મળ્યા કે જો રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીને બદલવામાં આવે તો રાજ્યમાં કોંગ્રેસ પક્ષને લોક્સભાની સામાન્ય ચૂંટણીમાં સમ ખાવા પૂરતી થોડી ઘણી બેઠકો મળી શકે.
આ બધા વચ્ચે ઇન્દિરા ગાંધીને રાજ્યના પક્ષના સંગઠન તરફથી થયેલ વિનંતીને ધ્યાનમાં રાખી તેમણે પોતાની લોકસભાની બેઠકમાં આવતા વિધાનસભાના પાંચ અલગ- અલગ મત વિસ્તારોમાં સભાઓ કરી. પક્ષના હિતમાં પોતાનાથી બને તેટલા પ્રયત્નો વડાપ્રધાને કર્યા પણ સ્થાનિક સ્તરે પરિસ્થિતિ કાબૂ બહાર હતી. મતદાન મથકોમાં પક્ષ તરફથી તૈનાત કરવાના પોલિંગ એજન્ટસની યાદીના ઠેકાણા ન હતા. કોંગ્રેસ પક્ષ તરફથી સ્થાનિક તંત્ર તેમની તરફ પૂર્વગ્રહ રાખતું હોવાનું તથા વિરોધ પક્ષના ઉમેદવાર રાજ નારાયણના પ્રભાવ હેઠળ તંત્ર વધુ ચાલતું હોવાના આક્ષેપો- પ્રતિઆક્ષેપો થતા માહોલ કલુષિત થયો.
તે સમયે ક્રિકેટની ભાષામાં કહીએ તો ટેસ્ટ મેચની જેમ લાંબા સમય સુધી મતગણતરી ચાલતી.જેના ગરમ માહોલને જૂની પેઢી આજે પણ યાદ કરે છે હવે આજે ઇ.વી. એમ.ના સમયમાં ટી- ટવેન્ટીની જેમ ઝડપભેર મત ગણતરી થાય છે. ૨૦ માર્ચ, ૧૯૭૭ના રોજ હવે મતગણતરીનો સમય આવી ગયો. બધાની નજર આ બેઠક તરફ હતી. આ બેઠક પર થતી હાર- જીતથી દેશના રાજકારણમાં એક તીવ્ર વળાંક આવનાર હતો. સ્થાનિક માહોલ પામી જતા મત ગણતરી કેન્દ્ર પરથી કોંગ્રેસના એજન્ટો દેખાતા ન હતા. આ બધા વચ્ચે મોડી રાત્રે ખબર આવી કે ઇન્દિરા ગાંધી તેમના વિરોધી ઉમેદવાર રાજ નારાયણથી પાછળ ચાલી રહ્યા છે. આ સમાચારથી ખળભળાટ મચી ગયો. ઇન્દિરાજીના ચૂંટણી પ્રતિનિધિ માખણલાલ ફોતેદારે પુનઃ મતગણતરી માટે રીર્ટનિંગ ઓફિસર સાથે બે કલાક સુધી દલીલો- પ્રતિ દલીલો કરી.
હવે રાતના ૨: ૩૫નો સમય થયો. ૫૦૦૦ની આસપાસની સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા. ત્યાં જ રીર્ટનિંગ ઓફિસરએ ભારતીય લોકદળના ઉમેદવાર રાજનારાયણને વિજેતા ઘોષિત કર્યા.તેમને કુલ ૫૧.૯% મત મળ્યા હતા જ્યારે ઇન્દીરા ગાંધીને ૩૫.૭% મતથી સંતોષ માનવો પડ્યો હતો. રાજ્ય, દેશ, વિશ્વમાં હાહાકાર મચી ગયો સત્તાધારી પક્ષ- ઇન્દિરા ગાંધીનો આટલો વિરોધ હોવા છતાં ઘણી જગ્યાએ તેમની હારને લીધે લોકોએ વિલાપ કર્યો. અંતે જનતાના આદેશને માથે ચઢાવતા ૨૪ માર્ચ, ૧૯૭૭ના રોજ કેબિનેટની બેઠક બોલાવીને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાનું રાજીનામું આપ્યું.આઝાદી બાદ પ્રથમ વાર દેશમાં બિન –કોંગ્રેસી સરકારની રચના થવાની હતી. ભારતીય રાજનીતિની આ એક મહત્વપૂર્ણ ઘટના હતી.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે