Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આદિવાસી નેતા શિબુ સોરેન ‘ગુરુજી’ તરીકે જાણીતા હતા. તેમણે શોષિતોના હક અને અલગ ઝારખંડ રાજ્ય માટે મોટો સંઘર્ષ કર્યો. અનેક કાયદાકીય વિવાદો છતાં, આદિવાસીઓમાં તેમની છબી હંમેશા ઉદ્ધારકની રહી અને તેમણે રાજ્યના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ જાળવી રાખ્યું.

૪ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ માંદગીને કારણે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આદિવાસી નેતા શિબુ સોરેનનું અવસાન થયું.રાષ્ટ્રપતિ,વડાપ્રધાન અને લોકસભાના વિરોધપક્ષના નેતા સહિત તમામે તેઓનું અવસાન નવી દિલ્હીની જે હોસ્પિટલમાં થયું ત્યાં જઇ તેમને શ્રધ્ધાંજલિ આપી. કહેવાય છે કે બિલાડીને નવ જિંદગી હોય છે. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ઝારખંડ મુક્તિ મોરચા( જે. એમ.એમ.)ના  સ્થાપક માટે પણ કંઈક આવું જ કહી શકાય. તેમની ઉપર હત્યા અને અપહરણના કંઈ કેટલા કેસીસ ચાલતા હતા જેમકે ૧૯૭૫નો ચિરુડિહ હત્યાકાંડ, તેમના ભૂતપૂર્વ સચિવ શશીનાથ ઝાના અપહરણ અને હત્યાનો કેસ, પૈસા લઈને નરસિંહરાવ સરકારના સમર્થનમાં લોકસભામાં વોટ આપવો. ૨૦૦૩માં જ્યારે તેઓ કેન્દ્રીય મંત્રી હતા ત્યારે તેમના વિરુધ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ પણ ઇશ્યુ થયુ હતું આ બધા પછી પણ મોટાભાગના કેસીસમાંથી તેઓ ‘બાઇજ્જત’ બરી થયેલા હતા. 
     


તેમના રાજકીય કદની જરૂરત ભાજપ અને કોંગ્રેસ એમ બંને રાષ્ટ્રીય પાર્ટીઓને રહી હતી અને આ બાબતનો શિબુ સોરેન એ  ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. તેઓ ૧૯૮૦માં સૌપ્રથમવાર સંસદ બન્યા હતા ત્યારબાદ ૧૯૮૯, ૧૯૯૧,  ૧૯૯૬, ૨૦૦૪ અને ૨૦૦૯માં લોકસભામાં સાંસદ રહી ચૂક્યા હતા.વચ્ચેનો જે સમય તેઓ જ્યારે લોકસભાના સાંસદ ન હતા ત્યારે તેમણે જુલાઈ ૧૯૯૮થી જુન ૨૦૦૨ સુધી રાજ્યસભાના રસ્તે થઇ  ‘સંસદગીરી’ જાળવી રાખી હતી. મુખ્યમંત્રી તરીકે તેમને  લાંબો કાર્યકાળ કદી મળ્યો નહોતો. તેઓ માર્ચ,૨૦૦૫માં દસ દિવસ,૨૦૦૮-૦૯માં પાંચ મહિના અને ૨૦૦૯-૧૦માં પાંચ મહિના નવા રચાયેલા ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા હતા. જેમાં ૨૦૦૯માં પોતાની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાની ૮૦ માંથી માત્ર ૧૮ જ  બેઠકો હોવા છતાં ભાજપ સાથે અન્ય સ્થાનિક નાની રાજકીય પાર્ટીઓને સાથે  લઈ વિધાનસભામાં તેમણે પોતાની બહુમતીનો આંકડો ૪૪ સુધી પહોંચાડીને થોડો સમય માટે મુખ્યમંત્રીની ખુરશી જાળવી  રાખી હતી.આ તેમની રાજકીય તાકાત હતી.  
     


શીબુ સોરેન ‘સંથાલ’ આદિવાસી જાતિમાંથી આવતા હતા. તેમના પિતાની પૈસા ધીરનારાઓએ હત્યા કરતા ઘરની તમામ જવાબદારી નાનકડા શીબુ  ઉપર આવી ગઈ. જેથી તેમણે લાકડા વેચી અને પૈસા કમાવવાનુ  શરૂ કર્યું.  એ દરમિયાન ત્યાંની  જનતાની તકલીફોને વાચા આપીને શોષિતોની  સામે પડતા તેમણે ત્યાંના  લોકોના ‘ગુરુજી’ તરીકેની નામના મેળવી.ધનબાદના ટૂંડીમાં તેમણે આદિવાસી માટે આશ્રમ પણ બનાવ્યો હતો. તેમણે  અને તેમના સમર્થકોએ દુમકા તથા તેની આજુબાજુના પટ્ટાઓમાં પૈસા દેનાર ધીરનારાઓ પર એવો તે કહેર વર્તાવ્યો કે તે તમામ લોકો ત્યાંથી ભાગી છુટયા. આ ઘટનાથી સ્થાનિકોમાં તેઓ વધુ પ્રચલિત થઈ ગયા હતા. અનેક  ગુનાઓ સંડોવવા  છતાં સ્થાનિકોમાં તેમની ઈમેજ સદાય ‘ઉદ્ધારક’ની જ રહી હતી. આ સેવાથી થયેલ નામનાની રોકડી કરવા તેઓ રાજનીતિમાં પ્રવેશ્યા અને ગરીબી, બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવવા લાગ્યા. ‘કોએલ -કારો વિદ્યુત પરિયોજના’નો વિરોધ સ્થાનિકોમાં હતો જેનો ટેકો લઈ ઘણાં નેતાઓએ પોતાની રાજનીતિ ચમકાવી  હતી જેમાં શિબુ સોરેન પણ સામેલ હતા. પોતાની  પાર્ટી જે.એમએમ.એ આદિવાસીઓના શોષણને અટકાવવા તથા તેમના  સામાજિક- આર્થિક ઉત્થાન માટે બનાવી હતી પાછળથી  આમાં અલગ ઝારખંડ રાજ્યની માંગનો વિષય  પણ ઉમેરાયો હતો.દેશ આઝાદ થયો ત્યારથી જ અલગ ઝારખંડની માંગણી હતી.  આ માટે ઝારખંડ પાર્ટી(જે.પી)  પણ રચાઇ  હતી પરંતુ તેમાં નેતાઓના અંદરોઅંદર  મતભેદો રહેતા આ લડત સફળ ન થઈ હતી.આગળ જતાં આ પાર્ટીના ઘણા નેતાઓ કોંગ્રેસમાં ભળી ગયા પછી જે શૂન્યાવકાશ સર્જાયો  તેનો લાભ હતો શિબુ સોરેને ઉઠાવ્યો.  તમામ લડતોને અંતે ૨૦૦૦ના વર્ષમાં  બિહારમાંથી ઝારખંડ અલગ પડતા તેમની પાર્ટીનો એક ઉદ્દેશ્ય પૂર્ણ થયો હતો.પાછળના વર્ષોમાં તેમણે પુત્ર હેમંત સોરેનને રાજકીય વારસો આપ્યો હતો. આજે હેમંત સોરેન પાર્ટીના સર્વેસર્વા અને ઘણા વર્ષોથી કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ સહિતના અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રીપદે છે.  

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે