આર. વેંકટરમનનું પુસ્તક 'માય પ્રેસિડેન્સીયલ યર્સ' રાજકીય અસ્થિરતા અને ગઠબંધન સરકારો દરમિયાન રાષ્ટ્રપતિની નિર્ણાયક ભૂમિકા સમજાવે છે. જેમાં કેન્દ્ર-રાજ્ય સંબંધો, અનુચ્છેદ-356નો ઉપયોગ, બહુમતીના પ્રકારો અને વડાપ્રધાનની નિમણૂક અંગેના બંધારણીય કિસ્સાઓ અને પરંપરાઓનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન મળે છે.
જ્યારે લોકસભામાં કોઈ એક પક્ષની બહુમતી નથી હોતી ત્યારે રાષ્ટ્રપતિના પદનું મહત્વ ઓર વધી જતું હોય છે. બંધારણની જોગવાઇઓ મુજબ ભારતના રાષ્ટ્રપતિએ મંત્રીમંડળની સલાહ પ્રમાણે જ વર્તવાનું રહે છે પણ સામે છેડે તેમણે બંધારણની રક્ષા પણ કરવાની રહે છે. ૧૯૮૭ થી ૧૯૯૨ના સમયગાળામાં દેશમાં ચાર વડાપ્રધાન થયા.તે સમય રાજકીય અસ્થિરતાનો હતો. ગઠબંધન થયા અને તૂટ્યા. બહાર અને અંદરથી સમર્થનો અપાયા અને પાછા ખેંચાયા. આવા તંગ રાજકીય માહોલમાં રાષ્ટ્રપતિએ કેવી માનસિક સ્થિતિ અને સંદર્ભો થકી કાયદેસરના નિર્ણયો લીધા તે વાંચવું હોય તો તમારે તે સમયના રાષ્ટ્રપતિ રહેલા આર. વેંકટરમનનું ‘માય પ્રેસિડેન્સીયલ યર્સ ( અંગ્રેજી) અને ‘ જબ મૈ રાષ્ટ્રપતિ થા‘ (હિંદી) પુસ્તક વાંચવું જોઈએ.
દેશ આઝાદ થયો ત્યારથી જ રાજ્ય- કેન્દ્રના સંબંધોની બાબતમાં કાયમ તંગદીલી જ જોવા મળતી રહી છે ખાસ કરીને બંને જગ્યાએ જ્યારે અલગ- અલગ રાજકીય પાર્ટીઓ સત્તામાં હોય. રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણય કાયમ વિવાદાસ્પદ રહ્યો છે. ઘણીવાર એવો તર્ક લેવાય છે કે માત્ર રાજ્યપાલ રિપોર્ટને આધારે જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય પરંતુ અહીં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ લખે છે કે કેન્દ્ર સરકારને લાગે તો તે કોઈ પણ રાજ્યમાં પોતાની રીતે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે ભલે રાજ્યપાલે આ બાબતે રિપોર્ટ આપ્યો હોય કે ન આપ્યો હોય. આ રીતે તેમણે ૧૯૯૧માં વડાપ્રધાન ચંદ્રશેખર દ્વારા સલાહ અપાયા મુજબ તમિલનાડુની ડી.એમ. કે. સરકારને બરખાસ્ત કરી હતી તો બંધારણના અનુચ્છેદ -૧૫૬(૩) મુજબ રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થાય અથવા તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હોય ત્યારે પણ જ્યાં સુધી તેમના ઉત્તરાધિકારી પદ ન સંભાળે ત્યાં સુધી રાજ્યપાલે ફરજ બજાવાની રહે છે. રાજ્યપાલ વિના રાજ્ય એક પણ દિવસ ખાલી ન રહે તેવું પણ તમને આ પુસ્તકમાં વાંચવા મળે છે.
કેન્દ્રીય મંત્રીમંડળ વિશેની અમુક જોગવાઈઓ ખાસ તમારું ધ્યાન ખેંચે છે જેમકે પ્રધાનમંત્રી મંત્રીઓના રાજીનામાં નામંજુર કરી શકતા નથી. તેઓ ખાલી મંત્રીઓને રાજીનામું પાછું ખેંચવા જણાવી શકે છે. મંત્રીશ્રી જો રાજીનામું પાછું ન ખેંચે તો તે પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી એ રાજીનામું મંજુર કરવું જ પડે છે. કોઈ મંત્રીને મંત્રીમંડળમાંથી ‘હટાવવા ‘માટે વડાપ્રધાન રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં પોતાના મંત્રીમંડળના સભ્ય એવા આવાસ મંત્રી મોહન ધારિયાને મંત્રીમંડળમાંથી ‘હટાવવા’ રાષ્ટ્રપતિને સલાહ આપી હતી પરંતુ તે પહેલા જ મંત્રીશ્રીએ રાજીનામું આપ્યું હતું તે અલગ વાત છે.
આ ઉપરાંત ‘ગૃહનો બહુમત’ અને ‘ગૃહમાં બહુમત’ એનો તફાવત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ આ પુસ્તકમાં સમજાવ્યો છે જેમ કે બંધારણીય સુધારા, રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ, જજોને હટાવવા વગેરે બાબતોના પ્રસ્તાવમાં ગૃહની કુલ સંખ્યામાંથી બહુમત મેળવવાનો હોય છે જ્યારે મંત્રીમંડળમાં વિશ્વાસ અને અવિશ્વાસના પ્રસ્તાવમાં સંસદમાં મતદાન સમયે હાજર રહેલ સભ્યોની બહુમતી નિર્ણાયક હોય છે તેવી સ્પષ્ટતા તમને વાંચવા મળે છે.
આ ઉપરાંત જ્યારે ચૂંટણી બાદ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું. આ બ્રિટીશ પરંપરા તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેકેટરમન એ ૧૯૮૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો સંદર્ભે અપનાવી હતી અને પહેલી મોટી પાર્ટી કોંગ્રેસે સરકાર રચવાનો ઇન્કાર કરતા બીજી મોટી પાર્ટીના નેતા વી.પી.સિંહને સરકાર રચવા આમંત્રણ આપ્યુ હતુ. બાદમાં તેમની સરકારના પતન બાદ ફરી કોંગ્રેસ, ભા.જ.પ. અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી એમ એક પછી એક દરેક પાર્ટીને આમંત્રણ આપ્યા બાદ અને તેમના ઇન્કાર બાદ જ રાષ્ટ્રપતિએ જનતા પાર્ટીના અલગ જૂથના નેતા ચંદ્રશેખરને વડાપ્રધાનની શપથ લેવડાવી હતી.
આ ઉપરાંત માત્ર મંત્રીમંડળની સલાહ ઉપર જ રાષ્ટ્રપતિ કોઈપણ નિર્ણય લેતા હોય છે ત્યારે આ પ્રક્રિયા જાણતા - સમજવા છતાં ભૂતપૂર્વ વડાપ્રધાનો જ્યારે રાષ્ટ્રપતિએ લીધેલા કોઇ નિર્ણયની નિંદા કરે છે ત્યારે દુઃખ થાય છે તેવી વ્યથા પણ આર. વેંકટરમન પુસ્તકમાં પ્રગટ કરે છે.આવા અનેક બંધારણીય- રાજકીય સંકટના દાખલાઓ-કિસ્સાઓ અને તેમાંથી નીકળવાના કાયદેસરના ઉપાયો-બંધારણની જોગવાઇઓ –બ્રિટીશ પરંપરાઓ મુજબ લેવાયેલા પગલાંઓ- નિર્ણયો તમને આ પુસ્તકમાંથી વાંચવા મળી જાય છે. બંધારણીય- રાજકીય કટોકટી સમયે દિશાવિહીન થઈ જતા તંત્ર- સ્ટેટ માટે આ પુસ્તક દીવાદાંડી સમાન છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે