1945માં નિમાયેલ તેજબહાદુર સપ્રુ સમિતિ સમક્ષ પણ ફ્રેન્ક એન્થનીએ પોતાના સમાજના હકો માટે આક્રમક રજૂઆતો કરી. વધુમાં અંગ્રેજ સરકાર દ્વારા તેમની અવગણના યથાવત રાખતા તેમને 1945ની સિમલા કોન્ફરન્સમાં આમંત્રણ અપાયું ન હતું.
2020ના વર્ષમાં ભારતીય સંસદે 104મો બંધારણીય સુધારો પસાર કર્યો. આ સુધારો લાવવાનો હેતુ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ માટેની લોકસભા તથા રાજ્યોની વિધાનસભામાં અનામત બેઠકોમાં વધારો કરવાનો હતો, પરંતુ આ સુધારાની એક જોગવાઈથી લોકસભાની બે તથા જે તે રાજ્યની વિધાનસભામાં એંગ્લો ઈન્ડિયન સમૂહની એક- એમ અનામત બેઠકની જોગવાઈ નાબૂદ કરવામાં આવી. બંધારણમાં આ અનામતની જોગવાઈ માટે આ સમાજમાંથી આવતા તેમના નેતા ફ્રેન્ક એન્થનીએ લાંબી લડાઈ લડી હતી. બ્રિટિશરો સામે વખતોવખત આક્રમક રજૂઆત કરી હતી.
આપણા બંધારણના અનુચ્છેદ- 366 (2)માં એંગ્લો ઈન્ડિયન કોને કહેવાય તેની વ્યાખ્યા આપવામાં આવી છે. જે વ્યક્તિનો પિતા અથવા પિતૃપક્ષે જેનો કોઈ પણ અન્ય પુરુષ પૂર્વજ યુરોપિયન વંશનો હોય અથવા હતો પણ જેનો વસવાટ ભારતના રાજ્ય ક્ષેત્રમાં હોય; તેના માતા-પિતા સામાન્ય રીતે જે રાજ્યોની અંદર રહેતા હોય અથવા કામચલાઉ હેતુઓ માટે વસ્યા ન હોય તેવા રાજ્ય ક્ષેત્રની અંદર જન્મેલી હોય તેવી વ્યક્તિ.
આમ જેના મૂળ–કુળ યુરોપિયન છે એવા એંગ્લો ઈન્ડિયન સમાજે કાયમ બ્રિટિશરો અને ભારતીયો વચ્ચે પીસાવવાનું આવ્યું હતું. બંનેમાંથી કોઈ તેમને ‘ભારતીય’ તરીકે ગણવાની દરકાર રાખતું ન હતું. તેમની પોતાના હકો માટેની લડત ચાલુ જ હતી. એ દરમિયાન ઓગસ્ટ 1942માં આ સમાજના પ્રતિનિધિ સર હેનરી ગીડની જગ્યાએ ફ્રેન્ક એન્થનીને મધ્યસ્થ ધારાસભામાં નોમિનેટ કરવામાં આવ્યા. તેમના સમાજ માટે આ નિમણૂક ઘણી જ મહત્વની સાબિત થવાની હતી. એ દરમિયાન બ્રિટિશ સરકાર દ્વારા નિમાયેલ ‘ક્રિપ્સ મિશન’ દ્વારા સમાજની સદંતર અવગણના થઈ. તેમની રજૂઆતો અને હિતો તરફ લક્ષ આપવામાં ન આવ્યું. જેના પરિણામે ભારત દેશની આઝાદીની લડતમાં એંગ્લો ઈન્ડિયનોએ પોતાના દેશબાંધવો એવા ભારતીયોને ટેકો જાહેર કર્યો. આ નિર્ણયથી સ્વાભાવિક જ રીતે બ્રિટિશ તંત્ર તેમની પર ખફા થયું.
જ્યારે 1946માં ‘કેબિનેટ મિશન’ ભારતમાં આવ્યું ત્યારે ફ્રેન્ક એન્થની દ્વારા બંધારણમાં એક બેઠક એંગ્લો ઈન્ડિયન માટે અનામત રાખવા વિનંતી કરવામાં આવી પણ તેને ધ્યાને લેવામાં ન આવી. 1945માં બ્રિટનમાં જ્યારે ક્લેમેન્ટ એટલીના વડપણ હેઠળની મજૂર પક્ષની સરકાર સત્તા પર આવી ત્યારે ફ્રેન્ક એન્થની દ્વારા એંગ્લો ઈન્ડિયનના હકો-અનામત માટે આક્રમક લોબિંગ કરવામાં આવેલું, પણ આઝાદ ભારતમાં એંગ્લો ઈન્ડિયન ટકી શકશે નહીં તેવો અભિપ્રાય ધરાવતા બ્રિટિશ સત્તાધીશોએ ફ્રેન્ક એન્થનીની કોઈ વાત કાને ન ધરી. બ્રિટિશ સરકારના પોતાના સમાજ પ્રત્યેના નકારાત્મક વલણથી ‘ઘાયલ’ થયેલા ફ્રેન્ક એન્થનીએ મધ્યસ્થ ધારાસભામાં સરકારના નાણાં બિલ (ફાઈનાન્સ બિલ)ની સામે વોટિંગ કરવા જેવું આકરું પગલું પણ ભર્યું હતું. તેમના સમાજમાંથી તેમને નિમણૂક આપવાની સરકારની ઉદારતાનો છેદ ઉડાડતા તેમણે કહ્યું કે- “હું સમાજના બળે ધારાસભામાં નિમણૂક પામ્યો છું, બ્રિટિશ સરકારની દયાથી નહીં.”
1945માં નિમાયેલ તેજબહાદુર સપ્રુ સમિતિ સમક્ષ પણ ફ્રેન્ક એન્થનીએ પોતાના સમાજના હકો માટે આક્રમક રજૂઆતો કરી. વધુમાં અંગ્રેજ સરકાર દ્વારા તેમની અવગણના યથાવત રાખતા તેમને 1945ની સિમલા કોન્ફરન્સમાં આમંત્રણ અપાયું ન હતું. 1941ની વસ્તી ગણતરી મુજબ તેમના સમાજની વસ્તી 1,40,422 હતી, જે મુજબ તેમને યોગ્ય સંખ્યામાં પ્રતિનિધિત્વ મળે તેમ ન હતું. એ દરમિયાન તેઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ જેવા ભારતીય નેતાઓને મળીને સમાજના પ્રતિનિધિત્વની માંગણી કરતા રહ્યા. અંતે તેમની લડત ફળી. બંધારણસભામાં તેમના ત્રણ સભ્ય ચૂંટાયા અને કામચલાઉ વિધાનસભાઓમાં તેમના 12 સભ્યોની જોગવાઈ થઈ. સૌથી મહત્વનું એ કે ભારતીય બંધારણના અનુચ્છેદ 331, 333, 336, 337 અને 170માં તેમના પ્રતિનિધિત્વ, શિક્ષણ, રોજગારીની તકો અને તેમની સંસ્થાઓ વગેરે જેવી બાબતોની જોગવાઈ થઈ. ફ્રેન્ક એન્થની એક લડાયક નેતા હતા જેમણે સમાજના હિતને સર્વોપરી માની બ્રિટિશ તંત્ર સામે લડત આપી તથા ભારતીય નેતાઓ સાથે મુત્સદ્દીગીરીથી કામ લઈ સમાજના હિતો જળવાય તે સુનિશ્ચિત કરાવ્યું.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે