ધોળાવીરાથી રાપર જતી બસમાં લેખિકા અને બિંદુએ કચ્છના ખારાપાટની ગરમી, ઉજ્જડતા અને એક બીમાર બાળક સાથેની અશક્ત માતાનો સંઘર્ષ જોયો. ભચાઉમાં ધર્મશાળાએ આશરો ન આપતાં, મોડી રાત્રે ભુજ પહોંચી યાત્રા પૂરી કરી.
કચ્છના મોટા રણમાં તદન એકલા અટૂલા શ્વાસ લેતા ખદિરબેટના છેલ્લા ગામ ગણાતાં ધોળાવીરામાં બે દિવસ અને એક રાત્રિના રોકાણ પછી બપોરે બાર વાગે ધોળાવીરાથી રાપર જવા માટેની ગુજરાત રાજ્ય પરિવહનની બસ આવી અને હું અને મારી સહયાત્રી બિંદુ રાપર તરફ ઉપડ્યા.
અમારે ફરી ખદિરના ખારાપાટના બાર ગામનો પટ્ટો પસાર કરવાનો હતો અને એ પણ ભર બપોરે.સદભાગ્યે અમને બસની ડાબી બાજુની હરોળની બારી આગળની બેઠક મળી હતી અને બારીમાંથી ખારાપાટની હવા સરહદ પારનો પવન લઈને અમારા રખડી રખડીને તાંબાવર્ણા થયેલા ચહેરાને વધુ કાળો કરવા આતુર હતી.
પવનના એ ખારા સ્પર્શે અમે ખદિરબેટની પશ્ચિમે રહેલા ધોળાવીરાથી રોડની બંને બાજુ વિસ્તરેલા કચ્છના સફેદ રણના રસ્તે ચડ્યા જે સીધો પટ્ટો અમને Mainland સાથે જોડવાનો હતો, બાકી આ ખદિર તો બાકીના આખા કચ્છથી એકલું અને આઘું હતું અને એટલે જ જે અહિં આવે તેને તેનો ખંડેરી સાદ સંભળાતો અને ખાખ-રાખની કથાઓ ઉકેલતા સંખ્યાબંધ પાળિયા, પુરાવશેષોના ટીંબા અને પાર વિનાના ખંડેરો ખદિરનો ખોળો ખૂંદનારની રાહ જોતાં.

અમે એ રાહને સંતોષી, વળતી મુસાફરીમાં વર્ષનો મોટા ભાગનો સમય કોરા રહેતાં કચ્છના મોટા રણના કોરાકટ તળાવને ભર બપોરે જોઈ રહ્યા હતાં.ખારાપાટને છતું કરતું આ કોરું તળાવ અબરખ જેમ ચમકતું હતું.ઈન્ડો-પાક સરહદથી માત્ર 50 કિલોમીટર દુરનો આ ભૂપ્રદેશ ખદિરબેટનો 118 ચોરસ માઈલનો વિસ્તાર લઈને તો બેઠો જ હતો, પરંતુ બાકીના સમગ્ર કચ્છ વિસ્તારથી અલિપ્ત અને આઘો આ રણદ્વીપ Arid landscape વચ્ચેની એવી અનન્ય drive હતી જેમાં ક્યાંક બ્રિટીશરોએ વાવેલા મેસ્ક્વિટ [Mesquite] વૃક્ષો હતાં તો ક્યાંક દુર દુર સુધી પથરાયેલી સફેદ ચાદર પર સુરખાબની શ્વેત ધવલ ઉડાન પણ હતી.
બારી બહાર છવાયેલી આવી ઉજળી-વેરાન જાહોજલાલી વચ્ચે અમારી એસ ટી બસ, વચ્ચે આવતાં ગામોએ ઊભી રહેતી હતી અને એવું ઉભા રહેવામાં હાથીદાંતના મોટા ચૂડલા પહેરેલા એક આહીર દાદી બસમાં ચડ્યા અને ચડ્યા ભેગા જ બસની સીટ ઉપર એક પગ ચડાવી ગોઠણ પર બંને હાથનો ટેકો કરી માથું ઢાળીને સુઈ ગયા.
એ પછી બસ જનાણ નામના ગામે ઊભી રહિ અને ત્રીસ-પાત્રીસ વર્ષની એક અશક્ત સ્ત્રી કાંખમાં છોકરું લઈને જનાણથી બસમાં ચડી.
બસ આખી ભરચક હોવાથી કાંખમાં તેડેલા બાળકને ખભે નાખીને ભીડમાં ઉભેલી આ સ્ત્રીની પીઠ પર નજર કરતાં મેં જોયું કે તે સ્ત્રીએ બંને ખભાથી ખોલાવાળું અને પીઠ પર જોળા ખાતું જુનું મહોતા જેવું પોલકું પહેર્યું હતું.ગાગર જેવા મોટા પેટવાળા, સુકલકડી હાથ-પગ વાળા અને ફેફરાય ગયેલી આંખો વાળા જે માંદા બાળકને તેણે તેડ્યું હતું તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એ પણ દેખાતું હતું કારણ કે બાળકનું મો અમારી તરફ હતું.
બાંભણકા, ગઢડા, ગણેશપર જેવા ગામોએ ઊભી રહેતી અને ઉપડતી બસ રેતી વગરના આ રણના ખારાપાટની ક્ષારમિશ્રિત માટીની અતિ બારીક રજ ઉડાડતી હતી અને ભલે નવેમ્બર હતો પરંતુ બપોરે સાડા બાર-એક વાગે દુર ક્ષિતિજ સુધી સમરેખ દેખાતા રણના વિસ્તૃત ખારાપાટની ઉજ્જડતા વચ્ચે ગરમી પણ અકળાવતી હતી.

આવી ગરમીમાં કફથી ભરચક કુમળા દેહની શ્વાસ-ઉચ્છવાસની આવન-જાવન જોઈ ન શકાય એવી અઘરી અને અસહ્ય હતી. આવી વિહ્વળતા વચ્ચે હાંફતા બાળકે રડવાનું શરુ કર્યું અને બસમાં બેઠેલી સ્ત્રીઓએ બાળકની મા માટે જગ્યા કરીને કહ્યું કે બાઈ એને પેટ ભરાવને.
માના શરીરની હુંફમાં સ્વર્ગ શોધતું બાળક મરુભૂમિના તરસ્યા મુસાફર માફક ભૂખ્યું-તરસ્યું જ રહ્યું કારણ કે ખુદ પોતે કુપોષિત મા બાળકને શું પોષણ આપે ! ખારાપાટની ઊભી પટ્ટીના એક એક ગામે ઊભી રહેતી લોકલ બસ ક્યારે રાપર પહોંચશે એવી અકળામણ વચ્ચે એ અશક્ત મા માંદા બાળકનો વાંસો થપથપાવતી ઊભી થઈ તેમ છતાં કોઈ રીતે બાળક છાનું ન રહ્યું એટલે મેં બાળકને મારી પાસે લીધું ને થયું એવું કે બાળકનું વિશ્વ બદલાયું પરંતુ સ્ત્રીના જ શરીર સ્પર્શે તેને હુંફ આપી.
મારા ડાબા ખભે તેને સુવડાવી મારો જમણો હાથ તેના સંગેમરમર જેવા લીસ્સા વાંસા પર ફેરવતી ગઈ અને ડાબો હાથ તેના કુણા માખણ વાળ પર ફેરવતાં-ફેરવતાં મારી અને બાળક વચ્ચે એક લય બંધાયો અને તે શાંત થયું.
રૂની પુણી જેવા મુઠ્ઠી વાળેલા તેના નાનકડા બે હાથ મને વીંટળાઈને પડ્યા હતાં અને સ્પર્શતા જ ખીલી ઉઠે તેવી કુણી અને લીસ્સી ચામડીવાળું તેનું ઈશ્વરીય મુખારવિંદ મારા ડાબા ખભા પર જડાયેલું હતું.
હું અનુભવતી હતી કે મારા બે હાથ વચ્ચે કોઈ અનેરું વિશ્વ જાણે શાંતિથી શ્વાસ લઈ રહ્યું હતું. એ લય વારે વારે ઉભી રહેતી બસ અને બસમાં ચડતાં-ઉતરતાં મુસાફરોની અવર જવરથી તૂટતો રહ્યો અને શ્વાસની તૂટેલી કડિ શોધતું બાળક હિમાલયના ઉત્તુંગ શિખરો ચઢવા મથતાં પ્રવાસીની માફક મો ખોલી હાંફતું રહ્યું.
શ્વાસ-ઉચ્છવાસની આવી અકલ્પ્ય ગતિ અને અવિરત ઊંચી-નીચી ઊંચી-નીચી થતી ધમણના થાકથી એ નાના જીવે ફરી, ખારાપાટની ઊભી પટ્ટીના થોડા ગામો પસાર કર્યા અને એ પછી બસ રાપર આવીને ઊભી રહિ.
મેં હળવા હાથે પેલી સ્ત્રીને તેનું ફૂલ જેવું બાળક પાછુ આપ્યું ત્યારે તેની સાથે વાત કરતાં ખબર પડી કે આગલે દિવસે પણ આ મા-દીકરાએ કોઈ સાથ-સથવારા વગર જનાણથી રાપર સુધીની 78 કિલોમીટરની અઘરી મુસાફરી કરી હતી અને રાપરના ડોક્ટરની દવાથી ફેર ન પડતા ફરી જનાણથી રાપરની ખારાપાટની મુસાફરી કરી, રાપરથી ભચાઉ થઈને ભુજના મોટા દવાખાને જવાનું નક્કી કર્યું.
મને વળગીને ધબકતાં એક વિશ્વને મારાથી અળગું કરી તેની માને આપ્યા પછી હું અને બિંદુ તે એકલી માને ભુજની direct બસ શોધતાં જોઈ રહ્યા હતાં અને રાપરના બસ સ્ટેન્ડની ભીડમાં રઝળપાટ કરતી આ મા તેના સંતાનને લઈને ક્યાં ગઈ એ ખબર ન રહિ પરંતુ એવો અહેસાસ જરૂર થયો કે પુરાતન યુગના દટાયેલા અવશેષો અને વેરાન ભૂમિમાંથી નીકળી આવેલા નગરને જોવા ગયા હતાં ત્યાં કોઈ ધબકતાં જીવના ટેરવાના સ્પર્શે કચ્છની ઉત્તરે ખદિરના સુક્કાભઠ્ઠ વિસ્તારના લોકોનો જીવતો-જાગતો રઝળપાટ જોયો.

આ રઝળપાટને કેમેરાની જોળીમાં ભરવાની હિંમત તો ન થઈ પરંતુ સ્મરણોની સંવેદનશીલ Cartridge પર સતત ફરતી રહેતી આ સ્મૃતિ હજી મને ઢંઢોળીને પૂછે છે કે આવી દટાયેલી નહિ પણ દબાયેલી ચીસોનું documentaition ન કર્યું ?
ત્યારે અને આજે પચ્ચીસ વર્ષ પછી પણ અનુત્તર મેં અને બિંદુએ આ ઘટના પછી રાપરના બસ સ્ટેન્ડ પર રાપરથી ભુજની direct બસ ન મળતાં ભચાઉની બસમાં બેસી ફરી રાપરથી ભચાઉની 60 કિલોમીટરની મુસાફરી આરંભી અને ફરી બસની બારીએથી વાગડના રેતાળ પ્રદેશને બસમાં આવતી તેની હવા અને બારીની બહારના દ્રશ્યફલકમાં દેખા દેતાં તેના પથ્થરો સહિત જોયો અને વારે વારે દરેક ગામડે ઊભી રહેતી લોકલ બસમાં અમે છેક પોણા આઠે ભચાઉ પહોંચ્યા.
બપોરના બાર વાગ્યાથી સતત લોકલ એસ.ટી બસમાં હડદોલા ખાતા અમારે હવે ભચાઉથી ભુજની ત્રણેક કલાકની મુસાફરી કરવી નોહતી અને રાત્રે દસ-અગિયાર વાગે ભુજ પણ પહોંચવું નોહતું. આથી ભચાઉ કોઈ હોટલ, રેસ્ટ હાઉસ-ગેસ્ટ હાઉસમાં રહેવાની બદલે અમે એક ધર્મ-સંપ્રદાયની ધર્મશાળા સુધીની રીક્ષા કરી અને રીક્ષા વાળાને ઉભો રાખી અમે ધર્મશાળાના બારણા ખટખટાવ્યા.તરત જ બારણું ખોલીને બહાર આવેલા ભાઈને અમે કહ્યું કે અમે બે બહેનો છીએ અને રાત્રે મોડા ભુજ નથી જવું એટલે આપની ધર્મશાળામાં એક રાત્રિ રોકાણ કરવા દેશો ?
આ પ્રશ્નનો Out right જવાબ ના હતો.રૂમ Provide કરનાર ઓથોરીટીએ તે ધર્મના નિયમ મુજબ અમને ના પાડી અને અમે ઉભી રાખેલી રીક્ષામાં બેસી ફરી ભચાઉના બસ સ્ટેન્ડ પહોંચ્યા અને ભચાઉ-ભુજની લાલ પાટીયા વાળી express બસમાં બેસી રાત્રે છેક સાડા દસ-અગિયારે ભુજ પહોંચ્યા.
એ સમયે ભુજમાં ઠીક ઠીક સન્નાટો હતો પરંતુ વિશ્વ પ્રવાસીઓને વિશ્વના ખૂણેખૂણેથી આવકારતું કચ્છની કામણગારી ભૂમિનું આ મુખ્ય મથક હોવાથી આછી ચહલપહલ તો હતી જ અને ક્યાંક પાઉભાજી પણ બનતી હતી આથી પ્રથમ તો અમે બંનેએ પેટ પૂજા કરી અને Acidic ભોજનનું શમન કરવા વળી Ice-creamની એક એક ડબલી પણ આરોગી.
એ પછી સીધા વીઆરપી ગેસ્ટ હાઉસ પહોંચી મજૂર જેવી મીઠ્ઠી નિંદરના ખોળે સુતા ત્યારે ભુજ-ભચાઉ, ભચાઉ-રાપર, રાપર-ધોળાવીરા અને ધોળાવીરાના આ explorationમાં ભુજની extreme ઉત્તરે રહેલા ખદિરનો ખોળો ખુંદિને પાછા ફરતાં વળતી મુસાફરીમાં એ જ routeમાં પાછા ધોળાવીરાથી રાપર, રાપરથી ભચાઉ, અને ભચાઉથી ભુજનો બસ પ્રવાસ પૂર્ણ કર્યો અને એ સાથે આખી Itinerary અમે રામ ભરોસે પૂર્ણ કરી કારણ કે 2000ની સાલમાં તો મોબાઈલ અને મોબાઇલ દ્વારા થતું online booking તો નોહતું જ પરંતુ કોઈ offline booking પણ નોહતું કરાવ્યું.
એટલું જ નહિ એ વર્ષોમાં સળંગ Taxi ભાડે કરીને આખી circuitનો સોદો કરવાની કોઈ સમજ તો નોહતી જ પરંતુ Road tripના આનંદનો જરીક જેટલો પણ અનુભવ નોહતો આથી કચ્છની કાળા પાટીયાની લોકલ બસ કે કચ્છ Express જિંદાબાદ કરીને ધોળાવીરાના અનહદ ઉત્તરને અમે અમારું કર્યું.
બીજુ કે ત્રીસ-પાત્રીસની ઉંમરે થાક-બાક માર્યા ફરે એવું રખડું જોમ હાથ-પગની નસેનસમાં આંટા મારતું હતું જેણે અમને ચોમાસામાં બેટમાં ફેરવાય જતાં ખદિર બેટના અફાટ રણના દર્શન કરાવ્યા. ધોળાવીરાના ‘કોટડા ટીંબા’ના લુપ્તપ્રાય મહાનગર સુધી લઇ જઈ સિંધુખીણની સંસ્કૃતિ અને સભ્યતાના પાંચ હજાર વર્ષ પૂર્વેના અવશેષોને સગી આંખે જોવાનું સુખ આપ્યું અને કચ્છી માંડુની મહેમાનગતિનો અને Mainlandથી ખાસ્સા દૂર ખદિરના ખારાપાટની કેટલીક પ્રજાની પીડાને પામવાનો મોકો આપ્યો અને એકલી ફરતી પ્રવાસી સ્ત્રીઓને ક્યારેક વિનંતી કરવા છતાં મદદ નથી મળતી એવી સંવેદનહિન ઘટનાના સ્વાનુભવે જે convey કર્યું તે મારા એ પછીના પચ્ચીસ વર્ષોમાં ચાલે તેવો મેથીપાક હતો જે હજી કોઈ કડવાટ વગર દરેક પ્રવાસમાં સાથે રાખું છું અને ફરી ફરીને કહું છું કે મોબાઈલના જમાના વગરનું, આજથી પચ્ચીસ વર્ષ પહેલાનું Solo travelling સ્ત્રીઓ માટે એક challenge તો હતી જ અને એવી કોઈ challenge વગરના મારા પ્રવાસો પણ નાના-નાના પડકારોના દર્શન તો કરાવતાં જ હતા.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.