Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

લોર્ડ મેકોલે ભારતમાં અંગ્રેજી શિક્ષણ, UPSC અને IPC જેવા સુધારા લાવ્યા. પુસ્તકપ્રેમી મેકોલે વાંચન દ્વારા સામાન્ય ઘરમાંથી સફળતા મેળવી. તેમનું માનવું હતું કે પુસ્તકો ધન-આરામથી વધુ કિંમતી છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની ચાવી છે.

બાળકને શાળામાં પ્રવેશ કરાવતા સમયે આપણા ત્યાં અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમની લાભાલાભની ચર્ચાઓ છેડાઈ જતી હોય છે. યુ. પી. એસ. સી. જેવું પરિણામ જાહેર કરે આ પરીક્ષારૂપી તપમાંથી તપીને નીકળેલા સોના જેવા એસપીરેટન્સના પરીક્ષામાં સફળતા મેળવવાની ગુરુકિલ્લી (માસ્ટર કી કી) થી મીડિયા કેટલાય દિવસો સુધી પ્રેરણાનું ઝરણું વહાવતી રહે છે. તો કોઈ ગુના સંદર્ભે આપણા દેશની અદાલતો દ્વારા અવારનવાર ભારતીય દંડ સંહિતા- IPC (હવે ભારતીય દંડ સંહિતા)ની કલમો ટાંકી અપાતા ચુકાદાથી દેશમાં ન્યાયનું શાસન છે તેની દરેક દેશવાસીઓને ખાતરી થાય છે.



ઉપરના ત્રણેય ઉદાહરણો- બનાવો- કિસ્સાઓમાં ત્રણ બાબતો છે અંગ્રેજી ભાષામાં શિક્ષણ, સનદી સેવા માટે લેવાથી સ્પર્ધાત્મક પરીક્ષા અને ભારતીય દંડ સંહિતા- આઈ.પી.સી. આ ત્રણેય સુધારા પાછળ એક વ્યક્તિને વિચાર હતા. આગ્રહ હતા. આ સુધારાઓને ૧૫૦થી વધુ વર્ષો આ દેશમાં વીતી ગયા છતાં આ સુધારાઓ થકી દેશ પ્રગતિ કરી રહ્યો છે. આજે આપણે આ સુધારા ઉપર ચાલી રહ્યા છે. આ સુધારાઓ પાછળ હતા પ્રખર વક્તા, લેખક, કવિ, પત્રકાર અને રાજનીતિજ્ઞ એવા થોમસ બેબીંગટન મેકોલે જેને લોકો ‘લોર્ડ મેકોલે’ નામે પણ ઓળખે છે.



લોર્ડ મેકોલે એ ભારતના સંદર્ભે સૂચવેલા સુધારાઓ અંગે દેશમાં વાદવિવાદ, પક્ષ- પ્રતિપક્ષ મોજુદ છે. તેમના ભારત દેશ વિશે અભિપ્રાયો એટલા રુચિકર નથી લાગતા છતાં પણ તેમણે દાખલ કરેલા સુધારાઓની ખેતી ભારત આજે પણ લણી રહ્યું છે. લોર્ડ મેકોલના અંગત જીવનમાં ડોકીયું કરીએ તો તમને ખ્યાલ આવે કે સામાન્ય ઘરનો છોકરો માત્ર વાંચન થકી કઈ રીતે સાર્વજનિક જીવનમાં નામ કરી ગયો. જીવનમાં અંગત દુઃખો- શોકનો સામનો કઈ રીતે પુસ્તકો દ્વારા કર્યો તે પણ દરેકે શીખવા જેવું છે. તેમના પુસ્તક પ્રેમ માટેનું તેમનું ક્વોટ જોઈએ

તેઓ કહેતાં કે “કોઈ મને રાજા બનાવી દે કે જેની પાસે બાગ બગીચા નોકર- ચાકર,ધન –દૌલત ,એશો આરામ હોય પણ ફૂરસતમાં પુસ્તકો વાંચવાની પ્રવૃત્તિ ન હોય તો હું એવો રાજવી ન બનું. એના કરતાં હું એવો ગરીબ વ્યક્તિ બનવા ઇચ્છું કે જેની પાસે ઘણા બધા પુસ્તકો હોય.”



ધન –દૌલત ,એશો આરામ કરતાં જેના જીવનના ત્રાજવામાં પુસ્તકોનું પલ્લુ વધુ વજનદાર હતું એ મેકોલે કાયમ પુસ્તકો માટે નિરંતર પ્રેમ વહાવતા રહ્યા હતા. બાળપણથી જ તેમણે વિવિધ વિષયો પરના પુસ્તકો એકઠા કરવાનો શરૂ કરી દીધું હતું. અહીં આપણે એ ખાસ યાદ રાખવાનું છે કે (મેકોલેનું જન્મ વર્ષ ૧૮૦૦) તે વખતે પુસ્તકો હાથેથી છપાતા અને પુસ્તકોની નકલ કરવું તે દુષ્કર કાર્ય હતું. પુસ્તક પાછળ ઘેલા મેકોલેને બૌદ્ધિક ચર્ચાઓ વાંચનમાં હતો.અન્ય કોઈ પ્રવૃત્તિ- રમતગમતમાં તેમણે આજીવન ખાસ રસ લીધો ન હતો. કાવ્યો ફિલસૂફી, રાજનીતિ આ વિષયો તેમને ખાસ પસંદ રહ્યા હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નવલકથાના પુષ્કળ વાંચનને કારણે નોવેલ વાચક તરીકે મેકોલે ઓળખાતા થઈ ગયા હતા.



આપણે વિદેશ જતા હોઈએ ત્યારે મોટેભાગે મોંઘી તથા કિંમતી લાગતી વસ્તુઓ લઈ જતા હોઈએ છીએ પરંતુ પુસ્તકપ્રેમી મેકોલેની વાત જ નોખી. ભારતમાં ગવર્નર જનરલની કાઉન્સિલ- લો મેમ્બરનું પદ સંભાળવા જતા તેઓએ પોતાની સાથે પોતાનું ગ્રંથાલય પણ પેક કરાવી લીધું, જેમાં ગ્રીક, લેટીન, ઇટાલિયન ક્લાસિક શ્રેણીઓના પુસ્તકોની ભરમાર હતી. વળી સાથે લઈ જવાતા ગ્રંથાલયનો તેમણે ભારત સુધીના પ્રવાસમાં ભરપૂર ઉપયોગ કર્યો.‘ ધ એશિયા’ નામક જહાજમાં બ્રિટનથી ભારત પહોંચતા જે ચાર મહિનાઓ તેમને લાગ્યા તેમાં તેમણે ક્લાસિક સાહિત્યનું ભરપૂર વાંચન કર્યું. કોઈપણ ભાષાનું સામાન્ય જ્ઞાન ગ્રહણ કરવામાં તેઓને માત્ર ૧૫ દિવસો લાગે છે તેવું તેમનું માનવું હતું. તેઓ શિઘ્રવાચક હતા. જમવું, ચાલવું જેવી રોજીંદી ક્રિયાઓમાં પણ તેઓ સહજતાથી વાંચન કરી લેતા.



આપણને થશે કે આ હદે વાંચનથી તો વ્યક્તિ પાગલ થઈ જાય તો પોતાના બેહદ વાંચનની અસર અંગે મેકોલે વાકેફ હતા. તેઓ કહેતાં કે ભારે યાદદાસ્તવાળા વ્યક્તિ માટે વધુ વાંચવું ભયજનક છે. વધુ વાંચવાથી વાંચનમાંથી યાદ રહી ગયેલા અવતરણો ટાંકવાની લાલચ વ્યક્તિ રોકી શકતો નથી અને તે કુટેવ બની જાય છે. મેકોલે પોતાની કુટેવને ફૂલવા ફાલવા દેવા માંગતા ન હતા. રોજિંદા ઓફિસ વર્ક- મીટીંગોના એકધારા રૂટીનને તેઓ વાંચનથી પાર પાડતા. પુસ્તકો તેમની એકધારી બેરંગ જિંદગીમાં રંગ પૂરતા. ભારતના ઉનાળા ભલભલા વિદેશીઓની અગ્નિ પરીક્ષા લઈ લેતા હોય છે ત્યારે મેકોલે ભારતે ઉનાળાનો તોડ વાંચનથી કાઢ્યો હતો. તેઓ દેહ ઓગાળી દેતી ગરમીમાં રોજ સવારે ૯:00 વાગ્યાથી સાંજે ૬વાગ્યા સુધી સોફામાં પડ્યા પડ્યા પંખા નીચે સતત પુસ્તકો વાંચ્યા કરતા. પુસ્તકોના વાંચનથી તેમનું શબ્દભંડોળ સમૃદ્ધ બન્યું હતું. તેઓ ઇતિહાસના દાખલા કિસ્સાઓ સરળતાથી ટાંકી અને પોતાની રજૂઆતને દમદાર બનાવી શકતા હતા. હાઉસ ઓફ કોમન્સ બ્રિટનની સંસદનું નીચલું ગૃહમાં કોઈપણ ખરડા પરની ચર્ચામાં તેઓ ખાસ ખીલતા. તેમની ચર્ચાઓ સાંભળવા તમામ પક્ષ- વિપક્ષના મિત્રો આતુર રહેતા.એ દરમિયાન ભારત માટે જ્યારે તમામ માટે સમાન કાયદા- કોર્ટ હોવાની માન્યતા સાથે પીનલ કોડ ઘડવાનું કામ મેકોલેના હાથમાં આવ્યું ત્યારે મેકોલેના સમૃદ્ધ વાંચનથી તેમણે સંક્ષિપ્ત પરંતુ સમજવામાં સરળ એવી દંડસહિતા ઘડી હતી. જોકે દુઃખદ વાત એ હતી કે ભારતીય દંડ સંહિતાનો અમલ ૧૮૬૦માં થયો ત્યારે મેકોલે તે જોવા જીવતા રહ્યા ન હતા. વાંચનની ગુરુકીલ્લીથી અનેક ક્ષેત્રોમાં સફળતાના તાળા ખોલી ગયેલા મેકોલે આપણને વાંચનની મહત્તા શીખવી ગયા.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે