Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

કચ્છના ખદિરબેટ સ્થિત ધોળાવીરામાં લેખિકાએ 'કોટડા ટીંબા' (સિંધુ સંસ્કૃતિનું મહાનગર) જોયા બાદ બીજા દિવસે સવારે ગામના લોકો, તેમના ગાર-માટીના ઘરો, મેઘવાળ અને આહીર સ્ત્રીઓના પરંપરાગત પોશાકો અને રબારીના સુંદર ભરતકામને SLR કેમેરાના સ્લાઇડ રોલમાં જીલ્યા.

કચ્છની અનહદ ઉત્તરે રહેલા ખદિરબેટના ખોળે રહેલા ધોળાવીરા ગામમાં આગલા આખા દિવસમાં સિંધુ ખીણની સંસ્કૃતિના લુપ્તપ્રાય મહાનગર ‘કોટડા ટીંબા’ ને નિરાંતે explore કર્યા પછી અમે રાત્રે ધોળાવીરા ગામના જે લોહાણા પરિવારના ઘરે રાત્રિ નિવાસ કરેલો ત્યાં ઉઠતાં વેત આદુ વાળી ચા પીધી અને સ્નાનાદિ પૂર્ણ કર્યા પછી તેમના ઘરેથી ખભે કોથળો અને દેહ મોકળો કરીને ઉપડ્યા કારણ કે મનમાં હતું કે શક્ય એટલું વહેલું અને સવારના કુણા સૂર્યપ્રકાશમાં ધોળાવીરા ગામને, ગામના ઘર-ખોરડાઓને અને લોકોને સ્મરણ જોળીમાં ભરી ધોળાવીરાથી બપોરે બાર વાગે મળતી બસમાં રાપર પહોંચી જવું છે.



      એક તો વર્ષ 2000ના નવેમ્બરનું કચ્છની ઉત્તરે ભારત-પાકિસ્તાનની સરહદ નજીકનું ગામ અને વળી વિશ્વની ત્રણ મુખ્ય લુપ્તપ્રાય સંસ્કૃતિમાંની Indus valley civilizationની પુરાતત્વિય site ધરાવતું આ ધોળાવીરા ગામ પ્રભાતિયાના ભક્તિમય પહોરે ઉઠી ગયું હતું અને આકાશવાણીના શ્રધ્ધેય ભજનના સથવારે કામે વળગેલું હતું.



      આવી શુભ-મંગળ ઘડીએ ધોળાવીરા ગામની ગલીઓમાં ચાલવાનું શરુ કર્યું ત્યારે મારા SLR કેમેરાની cartridgeમાં જે Film roll ફરતો હતો તે Slide roll હતો.આથી ‘ખચાક’ કરીને એક મોંઘો ફોટો પાડતી ત્યારે મને થતું કે આ ફોટો કેવો પડ્યો હશે અને તેને Process કરાવીને હું ક્યારે તેને દીવાલના મોટા પડદે જોઈશ.



     ભુલ ન કરતી હોવ તો, આ મોટા પડદે જોવાની ઈચ્છા કરાવતો Kodak companyનો એક Slide roll આજથી પચ્ચીસ વર્ષ પહેલા સહેજે સાડા ત્રણસો-ચારસો રૂપિયાનો મળતો હતો. ફોટોગ્રાફીના પ્રારંભિક દિવસોમાં projector દ્વારા દીવાલ પર Enlarge થયેલો ફોટો જોવાનો એટલો હરખ રહેતો કે ભલે મોંઘો પડે પરંતુ કોઈ પણ પ્રવાસમાં હું થોડા Slide rolls લઈ જતી અને તે Slide rolls અમદાવાદની Sukruti Kodak & Slide Processing Colour Labમાં process થતો જ્યાં આદરણીય સુરેન્દ્રભાઈ પટેલ જેવા, Techniqueના master અને અનેક રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત નિષ્ણાંત, છબીકાર હતાં અને એટલે જ એ processing technically sound પણ રહેતું.



        આવા sound & secure processingની આશાઓને મન-હૃદયમાં સાચવીને કેમેરામાં ગોઠવેલા Slide rollના મોંઘા સથવારા સાથે મારી નજર સમક્ષ ગાર-માટીની ઊંચી ઓટલી વાળું ઘર આવ્યું અને દીવાલ પરની લોખંડના સળીયા વાળી ડોકાબારી જેવી બે નાની-નાની બારીઓ વાળા એ મારવાડા કે મેઘવાળ હરિજનના ઘર સામે હું અટકિ ગઈ.




ટીનના બોખરણા-તપેલીમાંથી પાણી લેતાં-લેતાં કપડા ધોતા મેઘવાળ દાદીનો ઘેર વાળો ઘાઘરો અને Traditional અટલસી કાપડું મને નજરે ચડે અને આકર્ષે એ પહેલાતો ગળામાં કેમેરા ભરાવેલી મને જોઈને ઘાઘરી-પોલકું અને ફ્રોક પહેરેલી બે નાનકડી દીકરીઓ અમને જોવા થંભી ગઈ.

        


માટી-મઢ્યા ઘર ઉપરથી આવતા back lightના અજવાળે સુતરાઉ દોરીમાં  રંગબેરંગી મોતી પરોવેલા લટકણિયા કાનમાં પહેરેલી અને હાથમાં નાની નાની બંગડીયું પહેરેલી લીલા ફ્રોક વાળી દીકરીને દાદી સાથે જીલી ત્યારે તેના માથાના વાળ પર સૂર્ય કિરણોનો તગતગાટ જાણે કોઈ aura-આભા માફક ચમકતો હતો અને એ ચમકાટનો ઉભો ફોટો લઈને આગળ વધતાં એક અલ્લડ મેઘવાળ દીકરીને ગારની લીંપણવાળી ઓટલી પર બેઠેલી જોઈ.



        લીંબુ પીળી કંજરી, ગુલાબી જરી-પટ્ટા વાળી કોરનો ચટણી લીલો ઘેર વાળો ઘાઘરો, બંને હાથમાં બલોયા-બંગડી અને ગળામાં ચાંદીની હાંસડી અને જીણા મોતીનો ગળબંધ [Necklace] પહેરેલી એ જુવાન છોકરી વૃક્ષના ડાળી-ડાળખાના મૂળ માળખામાં ગારના ખરી ગયેલા અને સુકાયેલા cementingનું background લઈને થાંભલીની બાજુમાં એકદમ gracefully બેઠી’તી અને જીણી રમતિયાળ આંખે અમને જોતી’તી.



        કોઈ લોટરીથી સહેજે કમ નહિ એવા આ સંયોજનની આંગળીએ અમે તેના ઘરે ગયા. Thatched roofingની થાંભલી વાળી અને ગારના લીંપણ વાળી ઓસરીએ મેં એક સાથે જ્યારે ત્રણ-ત્રણ મેઘવાળ સ્ત્રીઓને Horizontal compositionમાં સંયોજી ત્યારે તેમાં પાટીવાળો ખાટલો પણ હતો અને હતાં મેઘવાળ સ્ત્રીઓના નવલારૂપ અને candid કામણ પણ.



      ઓહો! પછી તો ક્યાંય સુધી ચંદ્ર જેવી બિંદી અને એવી જ ગોળ સોનાની ચુક પહેરેલી જુવાન મેઘવાળ દીકરીનો સાથ મેં ન છોડ્યો અને મેં તેને થાંભલીએ બાંધેલી બકરી સાથે કે તડકિ વાળા Thatched roofingના સંગાથે જીલ્યા કરી.




     ભક્ત કવિ નરસિંહના મનગમતાં જીલણિયા ભજન જેવા એ Capturingમાં મને મારી કલ્પના બહારના compositions મળ્યા જે totally rustic હતાં. એ સંયોજનોના કોઈ ખૂણે કોઈ પ્લાસ્ટિકયું અને clutter કરવું પડે તેવું urbanization અડ્યું નોહતું અને જ્યાં નજર કરો ત્યાં ગાર-માટીની લીંપણ હતી અને ઘરની થાંભલીયું પણ સુકાયેલા ઝાડની શાખાઓની જ હતી, નહિ કે મોંઘા wood Polished સ્તંભોની.



      પચ્ચીસ વર્ષો પહેલા અને કાળમુખા ધરતીકંપના બરાબર એક વર્ષ અને બે મહિના અગાઉ થયેલા ધોળાવીરા ગામનું કામ આખુંને આખું ethnic, rustic અને ખરા અર્થમાં Indigenous હતું જ્યાં આપણા હિન્દુસ્તાનનો ત્રિરંગો ફરકાવ્યા વગર પણ અખંડ ફરકતો રહેતો હતો કારણ કે એ ત્રિરંગો હતો દેશી-સ્વદેશી અને સ્થાનિક વસ્તુઓના વપરાશનો.



ખદિરના રણદ્વીપ મધ્યે Mud housesની દેશી મહેકથી મઘમઘતા અને લુપ્તપ્રાય પ્રાચીન મહાનગરના દટાયેલા શ્વાસ સાથે ધબકતા ધોળાવીરામાં પછી તો મેં એક આખી ઉજળી સવાર ધોળાવીરાના કુંભારો અને ઘર આંગણે નિરાંતના ટેકે બાળકોને પેટ ભરાવતી કચ્છની નમણી સ્ત્રીઓને કેમેરામાં જીલી અને એવા capturingમાં ક્યાંક ચા પીધી તો ક્યાંક વાગડીયા રબારીના આભલા ટાંકેલા સાંકળી ભરત કામને પણ સ્મરણ સંહિતાના એક તસવીરી પાને જીલ્યું.



        ભુજ-અંજારથી લાવેલા સુતરાઉ ‘સુતર’નો રંગીન જાદુ પાથરતું રબારી ભરત, આભલાને જડબેસલાક જડી દેતી બળુકી આંગળીઓની આવડત, મશીન વગરનું ઘાટ્ટું Interlocking અને તેની સાથો સાથ મોર-પોપટ, વીંછી-હાથી આંબા-આંબલિયુ અને ઊંટના Motifs જાણે અમારી સમક્ષ શૉલ-સ્કાર્ફ અને ઘાઘરો-કાપડું જ નહિ પણ wrap around skirt અને ‘લુડિ’ નામે ઓળખાતો ઉનનો શણગટ ઘૂમટો લઈને પણ આવે અને આપણને થાય કે This is what kutch is !



        આવા All time classic કચ્છના વાગડ પ્રદેશના વાગડીયા રબારીના એકદમ દળદાર, નખ મુકવાની પણ જગ્યા ન મળે તેવા આભલા ભરતના ભરચક chain stitch work એટલે સાંકળી કામને જોઈ-ખરીદીને અમે ધોળાવીરા ગામમાં ચાલતાં-ચાલતાં આહીરના એક ઘરે ઉભા રહ્યા અને મીઠ્ઠા આવકાર પછી અંદર ગયા.




    અંદર ગયા પછી ગાર લીપેલા રસોડામાં અમારી માટે ચા મુકાણી અને ચા મુકનાર ઠસ્સાદાર ઊંચા આહીર સ્ત્રી Black and black નખશિખ કાળા વસ્ત્રોમાં કોઈ Super power દેવી જેવા લાગતાં હતાં. હાથમાં હાથીદાંતના ખૂબ મોટા ચૂડલા અને ગળામાં કાળા મોતીની અનેક શેરવાળી ‘નમોરી’ એટલે કે માળા પહેરેલ તે gorgeous mid-age આહીર સ્ત્રીના ગળા અને હાથ પરના છુંદણા અને કાનમાં એક સાથે લટકતા આઠ-નવ બંધા જોઈને આ સાક્ષાત એથનિકાને મેં વંદન કર્યા અને જાણે પહેલીવાર arranged photographyનો ચાળો કરી rustic postureમાં નખશિખ નમણા આહીર નારીને slide rollમાં જીલ્યા ત્યારે તે સંયોજન મારું ઉત્તમ સંયોજન હતું જેમાં ગાર-માટીના આછા ખાખી રંગના ટેકે એક ‘woman in black’ કચ્છના સમગ્ર આહીરોનો ઠસ્સો લઈને મારી જેવી શિખાઉ છબીકાર પાસે ફોટા પડાવતાં હતાં અને એ વખતે હું આહીરોના આભૂષણો, વસ્ત્રો, પહેરવેશો અને પરંપરાને જીલી રહિ હતી જાણે મારે કોઈ portfolio ન તૈયાર કરવાનો હોય !



       કોઈ Portfolio તો હજી સુધી તૈયાર નથી કર્યો પરંતુ આવી રીતે ધોળાવીરાના એક-એક ઘર-ખોરડે રોકાતાં-કારવતાં અને આહીરો, રબારીઓ અને મેઘવાળોના કુટુંબ-પરિવારને મળતાં-કારવતાં સવારના આગિયાર વાગ્યા અને બપોરના બાર વાગે ધોળાવીરાથી રાપર જતી એક માત્ર બસ ચુકી ન જવાય એટલે અમે ખદિરબેટના આ છેલ્લા ગામની શેરીઓ વટાવતાં એસ. ટી બસ ઉભી રહે તેવા સ્થળે એટલે કહોને કે ગામના ચોરે પહોંચ્યા અને એવું પહોંચવામાં પણ શેરીયુંમાં પૈડું ફેરવતાં છોકરાવને અને અમને એકાદ ડોકાબારીમાંથી જોતી દીકરીઓના સ્મિતને જીલ્યું.



ધોળાવીરાની આવી જીવંત ક્ષણોમાં આગલી ઢળતી સાંજે હજારો વર્ષ પૂર્વેના સ્મશાનમાં દટાયેલી ચીસો જાણે ભુલાઈ ગઈ.પીળી માટીથી સુગ્રથિત નક્કર પથ્થરોની દીવાલો વચ્ચે 5000 વર્ષ પહેલા રહેતાં માનવ શ્વાસો, સંવેદનો અને સ્મૃતિઓને પણ ધોળાવીરાના લોકજીવને જાણે સ્મૃતિ શેષ કર્યા અને ઉત્ખનનમાં નીકળેલા અવશેષો, મુદ્રાઓ, અકીકના પારા અને નાના નાના ખાડાઓમાંથી મળેલા હાડકાઓના એકદમ જડ અને જીવરહિત અસ્તિત્વને ધોળાવીરાની મારી શિયાળાની તડકિ વાળી ફૂલ ગુલાબી ફોટો વોકે કહ્યું કે ‘Life is a flux.’



      જીવન એક પ્રવાહ છે એવું સમજાવતાં અને ઉત્પતિ, સ્થિતિ અને લયનો સતત ચાલતો ક્રમ પણ સમજાવતાં આ બે દિવસની રખડપટ્ટીના વિચારો વચ્ચે બપોરે બાર વાગે ધૂળ ઉડાડતી ધોળાવીરા-રાપર બસ આવી અને અન્ય મુસાફરો સાથે હું અને મારી સહપ્રવાસી બિંદુ પણ બસમાં ચડ્યા.




    હડપ્પન સંસ્કૃતિના અવશેષિત ઈતિહાસને ખોળે લઈને સદીઓથી જીવતાં ‘કોટડા ટીંબા’ના લુપ્તપ્રાય મહાનગરને અમે બસની બારીએથી ‘ફરી મળીશું’ એવું કહિ ફરી એક મુસાફરી આરંભી જે ભર બપોરે ધોળાવીરાથી રાપરનો ખારોપાટ ઓળંગીને મા રવેચીના જ્યાં થાનક છે તેવા રાપર સુધી પહોંચવાની હતી અને અમારા કર્ણદ્વારે આવીને કહેવાની પણ હતી કે ‘To travel is to live.’

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.