અંગ્રેજોના સમયથી સનદી અધિકારીઓએ મહેસુલનું બાઇબલ ગણાતું ‘એન્ડરસનના મેન્યુઅલ’ મુજબ જમીન મહેસુલને લગતા વિવિધ ફોર્મ્સ તથા રેકર્ડનું નિરીક્ષણ કરવાનું રહેતું. જમાબંધી કે જેમાં વાર્ષિક મહેસુલી ખાતાનું નિરીક્ષણ અને તેને બંધ કરવાની આખી પ્રક્રિયા રહેતી તે કરવાની થતી.
ભાલચંદ્ર ગોપાલ દેશમુખ ટૂંકમાં બી.જી. દેશમુખ તો વળી રાજકીય નેતાઓ તેમને ‘દેશમુખ’ના નામે બોલાવતા. તેઓ ભારતીય સનદી સેવા (આઈ.એ.એસ.)ના અધિકારી હતા. તેમણે પોતાની કારકિર્દીમાં વહીવટીતંત્રમાં જિલ્લા- તાલુકાથી માંડીને છેક વડાપ્રધાનશ્રીના કાર્યાલય (પી.એમ.ઓ.) સુધી કામ કર્યું હતું. તેમણે પોતાના સનદી સેવાના અનુભવો પર ‘ફ્રોમ પુના ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફીસ- અ કેબિનેટ સેક્રેટરી લુક્સ બેક’ નામે અંગ્રેજી ભાષામાં પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમને થયેલા અનુભવોથી વહીવટી તંત્રમાં રહેલા તથા દાખલ તથા નવા કર્મચારી/ અધિકારીઓએ ઘણું શીખવા જેવું મળે તેમ છે.
આ અનુભવો કઈ- કઈ જગ્યા અને હોદ્દા પરથી પ્રાપ્ત થયા છે તે જોઈશું તો તમને ‘દેશમુખ સાહેબ’ માટે માન ઉપજી આવશે. એક આદર્શ સનદી કારકિર્દી કેવી હોવી જોઇએ તે તમને તેમણે ધારણ કરેલ હોદ્દાઓ પરથી જણાઇ આવશે. તેઓની ટ્રેનિંગ 1952માં વડોદરા ખાતે શરૂ થઈ જ્યાં તેમના કલેક્ટર ગુજરાતી એવા લલિત દલાલ હતા. ત્યારબાદ નવેમ્બર 1952માં આસિસ્ટન્ટ કલેકટર ભીવંડી. અહીં તમને થશે કે વડોદરા, ગુજરાતથી ભિવંડી મહારાષ્ટ્ર કેવી રીતે આવી ગયું ? પણ યાદ કરો ત્યારે હજું ગુજરાત-મહારાષ્ટ્ર અલગ રાજ્ય બન્યા ન હતાં. આમ તે સમયના અધિકારીઓને બે અલગ રાજ્યો-સંસ્કૃતિ-ભૂગોળનો મહામૂલો અનુભવ પોતાની સેવા દરમિયાન મળતો.
ત્યારબાદ આસિસ્ટન્ટ કલેકટર થરાદ, બનાસકાંઠા, કલેક્ટર, ડાંગ પછી તેઓ ડેપ્યુટેશન ઉપર નવી દિલ્હી, કેન્દ્ર સરકારમાં ઉપસચિવ, પ્રવાસન અને પ્રત્યાયન વિભાગ ફરી મહારાષ્ટ્રમાં પરત અને નાયબ સચિવ નાણાં વિભાગ, 1972માં મુખ્યમંત્રી વસંતરાવ નાઇકના સચિવ, ઓગસ્ટ, 1975માં મ્યુનિસિપલ કમિશનર, બોમ્બે શહેર ત્યારબાદ ફરી ડેપ્યુટેશન ઉપર કેન્દ્ર સરકારમાં 1978માં જનતા સરકારમાં અધિક સચિવ, ગૃહ વિભાગ(તે સમયે તેમના કેબિનેટ મંત્રી ચૌધરી ચરણસિંહ હતા), 1985માં મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સચિવ, 1986માં જે એક સનદી અધિકારીનું સ્વપ્ન હોય છે તે પદ- રાજીવ ગાંધી સરકારમાં કેબિનેટ સચિવ બન્યા. તો 1989માં નિવૃત્ત થતાની આરે રાજીવ ગાંધીએ તેમને પોતાના કાર્યાલયમાં અગ્ર સચિવ બનાવ્યા. એ પદ પર રહી તેમણે વી.પી.સિંહ અને ચંદ્રશેખર એમ કુલ ત્રણ વડાપ્રધાનોને પોતાના અનુભવનો લાભ આપ્યો. બી.જી. દેશમુખને ગ્રામ્ય, શહેરી,મહાનગર, આર્થિક, મહેસૂલી અને રાજકીય બાબતો તમામને સંભાળવાનો ભરચક અનુભવ રહ્યો.
તે સમયની સનદી અધિકારીઓની તાલીમ પણ રસપ્રદ રહેતી. અધિકારી તરીકે મહેસૂલના કામો જોવા- કરવા માટે તેમણે જીપ, કાર, ઘોડા, ઊંટ વગેરે ઉપર જવાનું રહેતું. જેથી તાલીમાર્થીઓને કાર ચલાવતા તથા રીપેર કરતા શીખવવામાં આવતું. તો ઘોડે સવારી વગેરે પણ આ તાલીમમાં ફરજિયાત રહેતી. મહેસૂલી સ્ટાફ બધો રેકર્ડ અને રાત્રિ રોકાણ માટેનો બધો સામાન લઇ ચાલતો. આ તમામ કામગીરી-પધ્ધતિ અંગ્રેજોની જ દેન હતી જે દેશ આઝાદ થયા બાદ પણ ચાલતી રહેલી. તે સમયે સનદી અધિકારીઓની તાલીમ દિલ્હીમાં થતી હતી.
સનદી અધિકારીઓને જિલ્લાઓમાં તમામ પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે પરંતુ તેમાં મહેસુલી બાબતો ખૂબ જ અગત્યની ગણવામાં આવે છે. અંગ્રેજોના સમયથી સનદી અધિકારીઓએ મહેસુલનું બાઇબલ ગણાતું ‘એન્ડરસનના મેન્યુઅલ’ મુજબ જમીન મહેસુલને લગતા વિવિધ ફોર્મ્સ તથા રેકર્ડનું નિરીક્ષણ કરવાનું રહેતું. જમાબંધી કે જેમાં વાર્ષિક મહેસુલી ખાતાનું નિરીક્ષણ અને તેને બંધ કરવાની આખી પ્રક્રિયા રહેતી તે કરવાની થતી. જ્યારે બેન્કિંગ સેવાઓ તાલુકા સ્તર સુધીમાં ઉપલબ્ધ ન હતી અને રોકડા નાણાં જ્યારે આ કચેરીની તિજોરીમાં રહેતા ત્યારે સરકારી તિજોરીનું ખાસ નિરીક્ષણ કરવામાં આવતું. બી.જી. દેશમુખે પોતે ભીવંડી, વડોદરા, બનાસકાંઠા જિલ્લાઓમાં તેમણે કરેલી મહેસુલી કામગીરી વિશે સારું એવું આ પુસ્તકમાં લખ્યું છે. વધુમાં ‘ખેડે તેની જમીન’ તેમજ ‘જાગીરદારી નાબૂદી’ કાયદાનો અમલ તાજા તાજા આઝાદ થયેલા તેમાં પણ અંતરીયાળ ગ્રામ્ય પ્રદેશોમાં કરવો એ સનદી અધિકારીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન રહેતો. આ કાયદાના અમલ અંતર્ગત બનાસકાંઠામાં પ્રાંત ઓફિસર તરીકે તેમણે પોતાના જીવનમાં પહેલી અને છેલ્લી વાર પોલીસ બળનો ઉપયોગ કરવાનો કિસ્સો જણાવ્યો છે.
તે સમયે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેકટર જેવા મહેસુલી તંત્રના હોદ્દાઓ ધરાવતા લોકો તરફ ગ્રામ્ય પ્રજાને પારાવાર માન અને ભય પણ રહેતો. તેમની રાહબરી હેઠળ કામ કરતો સ્ટાફ તેમનો પડ્યો બોલ ઝીલતો. એકવાર બી.જી. દેશમુખ કાંકરેજ તાલુકામાં સામૂહિક વિકાસ જૂથના કામો જોવા નીકળ્યા. એક જગ્યાએ ખોટી દિશામાં વળાંક લેતા તેમને જ્યાં જવાનું હતું તે ગામ ન મળ્યું ત્યારે ગાડીમાં બેસેલા કોટવાલે અંતે કહ્યું કે- તમે આગળ ખોટી જગ્યાએથી વળ્યા છો સાહેબ, ત્યારે દેશમુખ સાહેબે તેમને કહ્યું કે તમે આગળ કેમ અમારું ધ્યાન ન દોર્યું ત્યારે તે કર્મચારી કહ્યું કે સાહેબ તમે ભૂલ કરો છો એવું હું કઈ રીતે કહી શકું ?! આ દાખલો છે જે તે સમયના તાબા હેઠળના કર્મચારીઓની માનસિકતાનો.
ફિલ્ડ એટલે કે જિલ્લાઓમાં કામ કરતા અધિકારીઓને રાજ્યના-દેશના પાટનગરમાં બેસી અને કચેરીમાં ફાઈલ સાથે કામ કરવાનું થાય ત્યારે તે આખું એક અલગ જ શાસ્ત્ર થઈ પડે છે. ફિલ્ડ પર તત્કાળ અને ઓછી લખાણપટ્ટીએ નિર્ણય લઈ શકતા અધિકારી એ હવે અહીં નીચેના કર્મચારીએ મુકેલ ફાઈલના નોટીંગ વાંચીને, તેના કાગળો તપાસીને અભિપ્રાયો દર્શાવવાના હોય છે. ફાઈલને ઉપર સુધી એટલે કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી મોકલવાની આખી પ્રક્રિયાના ભાગ બનવાનું થાય છે. દેશમુખ સાહેબને 1958માં નવી દિલ્હીમાં પ્રવાસન અને કમ્યુનિકેશન વિભાગમાં ઉપ સચિવ તરીકે જોડાવાનું થયું ત્યારે આ ફાઇલ સિસ્ટમનો અનુભવ થયો. તેમાં પણ ઓફિસના સિનિયરો તરફથી જે સલાહો અપાતી તે વધારે રમૂજી રહેતી જેમ કે અધિકારી ટેબલ સાફ રાખે તો તે તેની ચોખ્ખાઈ કે કામગરા સ્વભાવની નિશાની નહીં પણ અધિકારી નવરાધૂપ હોવાની નિશાની છે. આવા ઘણાં કિસ્સાઓથી આ પુસ્તક સમૃધ્ધ છે.
મુખ્યમંત્રી કાર્યાલય( સી.એમ.ઓ) અને વડાપ્રધાન કાર્યાલય ( પી.એમ.ઓ)માં કામ કરવું એ સનદી અધિકારી માટે અગ્નિ પરીક્ષા થઈ જાય છે. તેમાં વહીવટી તંત્ર તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે કડીરૂપ બનવાની તક મળે છે. બી.જી. દેશમુખ 1972 થી 1975 દરમિયાન મુખ્યમંત્રી વસંતરાવ નાઇકના સચિવ તથા 1989 થી 1991 સુધીમાં રાજીવ ગાંધી, વી.પી.સિંહ અને ચંદ્રશેખર જેવા વડાપ્રધાનોના કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે વડાપ્રધાનોને વિવિધ નીતિવિષયક બાબતોમાં નિર્ણય લેવામાં મદદરૂપ થતા રહ્યા હતા. તેથી તે સમયના રાજકારણની પડદા પાછળની બાજુની જે હકીકત હતી તે પણ તમને અહીં વાંચવા મળે છે જેમકે તે બોફોર્સ કાંડ. આ કાર્યાલયોમાં સનદી અધિકારીએ કેબિનેટ બેઠકો, વિવિધ મંત્રીઓની સમિતિઓ વગેરેમાં સામેલ થઈ વડાપ્રધાન માટે વિવિધ વિષયો પર નોટ બનાવવાની થાય છે. તેમને બ્રિફ કરવાના રહે છે. તેમની ‘સ્પીચીઝ’ તૈયાર કરવાની થાય છે. આ કાર્યાલયોમાં દિવસનો મોટોભાગ જોડે પસાર કરવાનો થતો હોઇ સનદી અધિકારીઓને મુખ્યમંત્રી- વડાપ્રધાનનો અંગત પરિચય પણ થાય છે. પોતાના આ પુસ્તકમાં બી.જી. દેશમુખે મુખ્યમંત્રી વસંતરાવ નાઇક તથા રાજીવ ગાંધીની કાર્યશૈલી, ખાસિયતો, તેમના રાજકારણ તથા નબળા પાસાંઓ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે.
શહેરી તંત્રમાં કાયદો- વ્યવસ્થા, સફાઈ, સ્વાસ્થ્ય, રસ્તા, ગટર, પીવાના પાણી, આવાસ વગેરે બાબતની વિકરાળ સમસ્યાઓ હોય છે પંચાયતી રાજ સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી શહેરના એટલે કે મ્યુનિસિપાલિટીના કમિશનરે તંગ દોરડા ઉપર ચાલવાનું રહેતું હોય છે તે સમયના બોમ્બેના મ્યુનિસિપલ કમિશનર તરીકે 1975થી 1977 (કટોકટીનો સમય) સુધી કાર્યરત રહેલા બી.જી. દેશમુખે બોમ્બે શહેરના આર્થિક, સામાજિક, માળખાકીય પ્રશ્નો ઉકેલવામાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા. આ માટેના પ્રકરણમાં અધિકારી બનવાના શમણા રાખતા યુવાનોને ઘણું જાણવા મળી શકે તેમ છે.
1986માં સનદી અધિકારી જેના સ્વપ્ન નિહાળતો હોય છે તેવા કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ પદે પહોંચેલા બી.જી. દેશમુખને કેબિનેટ સચિવ તરીકે પોતના હેઠળની સનદી સેવાઓ અને વિવિધ મંત્રાલય વચ્ચે સંકલન કરવાને કારણે થયેલા અનુભવો જાણવા જેવા છે. રાજીવ ગાંધીને જુના અને ટેકનોલોજીનો ખાસ ઉપયોગ ન કરતા સનદી અધિકારીઓ માટે અણગમો રહેતો તો ફાંકડું અંગ્રેજી બોલતાં અને ટેકનોલોજીના ઉપયોગથી રસાળ પ્રેઝન્ટેશન આપતા અધિકારીઓ માતે ઉપજતું માન અને પોતાના કેબિનેટ સચિવને કોમ્પ્યુટર ઉપર કામ કરતા આવડતું નથી તે જાણી ચોંકતા રાજીવ ગાંધી વિશે તમને અહીં વાંચવા મળે છે. બી.જી. દેશમુખના સંસ્મરણોનું આ પુસ્તક એ સનદી સેવામાં જોડાવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે દીવાદાંડી સમાન છે. હાલ પુસ્તક બજારમાં ઉપલબ્ધ નથી પરંતુ ગ્રંથાલય કે અન્ય સ્થાનોથી તે મળી શકે છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે