નવેમ્બર ૨૦૦૦માં લેખિકા અને મિત્ર બિંદુએ કચ્છમાં કેરા ગામની સફર કરી. ત્યાં તેમણે ૧૦મી સદીના ભૂકંપગ્રસ્ત લાખેશ્વર શિવ મંદિર, રખડુ ગાદલિયા રાજપૂતના પડાવ અને સંત ગુલામ અલી શાહ પીરની રહસ્યમયી દરગાહના દૃશ્યો અને સ્થાપત્યોને કેમેરામાં કેદ કરી, સુંદર સ્મૃતિઓ સંગ્રહી.
વર્ષ 2000નો નવેમ્બર મહિનો હતો. દિવાળી વેકેશન ચાલતું હોવાથી કચ્છની એકાદ circuit કરવાનો mood હતો, પરંતુ મારા બધા પ્રવાસોની સાથીદાર અને ભાવનગરની senior trekker એવી નલિની ભટ્ટ મારી સાથે આવી શકે તેમ નોહતી.
ફોટોગ્રાફીના રખડું પ્રવાસો અને કોઈ ગમતાં વિષયનું કામ શરુ કરું તો સમયનું ભાન ન રહે તેવી madnessને કારણે મારી સાથે આવે તો આવે કોણ એવી મુંઝવણમાં મે મારી દોસ્ત બિંદુ ભટ્ટને પૂછ્યું અને પાંચ-છ દિવસનાં પ્રવાસમાં તે સહર્ષ તૈયાર થઈ ગઈ.

મનોમન એક કાચી આઈટીનરી ગોઠવાયેલી હતી જેમાં કેરા-કોટાય, રાપર-રવેચી, ભચાઉ, ધોળાવીરા અને કંથકોટ જેવા ટબ્બા-ટબ્બા જેવા નામો, ગામો અને પ્રદેશોને explore કરવાનું મનમાં હતું આથી અમે તો લાભપાંચમના બીજે જ દિવસે ભાવનગર-ભુજની એસ ટી બસમાં પ્રવાસ આદર્યો અને બીજી સવારે કેરાની વાટ પકડિ.
ભુજની દક્ષિણે ભુજ-મુંદ્રા રોડ પર રહેલું કપિલગ્રામ અને કપિલકોટ તરીકે ઓળખાતું કેરા માત્ર બાવીસ કિલોમીટરનો મામલો હોવાથી અમે તો જામ લાખો ફુલાણીના આ ઐતિહાસિક ગામમાં તરત જ પહોંચી ગયા.
અવશેષો-ખંડેરો અને પ્રાચીન સ્થાપત્યોનો એવો ગાંડો લગાવ કે બસમાંથી ઉતરી, એક ચા ઠપકારી અને તરત જ અમે બેય બેનું દસમી સદીમાં બંધાયેલા લાખેશ્વર શિવ મંદિરે પહોંચ્યા.
૧૮૧૯ના ભૂકંપથી ક્ષતિગ્રસ્ત શિવમંદિરે ચકલુય ફરકતું નોહતું. મંદિરને compound wall તો નોહતી જ પરંતુ દૂર સુધીના ઉજ્જડ-વેરાન માહોલમાં એકલા બાવળિયા દેખાતાં હતાં અને મંદિર પરિસરમાં મંદિરમાંથી પડેલા પથ્થરોના ઢગલા હતાં.
ધોળે દિવસે આવો સન્નાટો જોઈને ધબકારા તો વધ્યા પરંતુ મેં તો એક હજાર વર્ષ પ્રાચીન શિવમંદિરને મારા રોલ કેમેરામાં મઢવાનું શરુ કર્યું. મારે મન મોટી વાત એ હતી કે અર્ધભગ્ન અવસ્થામાં રહેલા પૂર્વાભિમુખ મંદિર આસપાસ કોઈ આધુનિક રેલિંગ, oil paintના પટ્ટા કે Sintexની ટાંકીનો વિકાસ નોહતો કે જે આ ખંડેર થઈ ગયેલા mysterious શિવ મંદિરના meditative અસ્તિત્વને ખલેલ પહોંચાડે.
નાગમતી નદીને કાંઠે ડુંગરોની ધાર પર વસેલા આ કેરાકોટ એટલે કેરા ગામમાં કપિલમુનિની સુવાસ હતી અને જામ લાખાના સમયમાં જાહોજલાલી હશે તેની જાણ તો લાખા ફુલાણીએ પુનરુધ્ધાર કરાવેલા આ પ્રાચીન લાખેશ્વર શિવમંદિર પરથી આવે જ.બીજું કે લાખાએ બંધાવેલ કેરાના કિલ્લાની વાત કરું તો ૧૮૧૯ના ભુકંપમાં કેરાનો કિલ્લો અને કાંગરા કશું બચ્યું નોહતું અને શિવમંદિર પણ ક્ષતિગ્રસ્ત અવસ્થામાં મારી જેવા ખંડેર પ્રેમીઓને આવકારતું ઊભું હતું.

Canon Eos 500-N નામના roll cameraના vertical સંયોજનોમાં મંદિરની ઉત્તર દિશાની તૂટેલી દીવાલની ગવાક્ષ જેવી જાળી વાળી બારી અને દક્ષિણ દિશાની છતવાળી બારીની અંદરની બાજુએ પથ્થરો પડે નહિ એટલે મુકાયેલા લાકડાના ટેકા સહિતનું આખુય મંદિર મેં સંયોજ્યું. બે-ત્રણ દિવસના ભૂખ્યાને ખોરાક મળ્યો હોય એવી દીવાનગીમાં મેં છત વગરના ખુલ્લા મંદિરના લીલુ વસ્ત્ર ઓઢેડેલા નંદી અને ખુલ્લા ગર્ભગૃહમાં રહેલા શિવલિંગ અને તેની પરની લાલ ચુંદડી વાળી ધજાને સંયોજનમાં સમાવી ત્યારે મંદિરની દક્ષિણે ધીમે ધીમે ઉપર જઈ રહેલા સૂર્ય નારાયણની મંદિરના પગથીયે પથરાયેલી ધૂપ-છાવને પણ જીલી અને જાણે કેરાના એક હજાર વર્ષ પ્રાચીન ઇતિહાસને અંકે કર્યો.
મંદિરની દક્ષિણ દિશાએ ચાલુક્ય શૈલીના આ મંદિરની સભામંડપની જાળી મંદિર અંદર જાળી વાળો પ્રકાશ પાથરતી હતી અને બારી નીચેની હાથીઓના શિલ્પોની પેનલ સોલંકી વંશની સૌદર્ય દ્રષ્ટ્રી લઈને ધબકતી હતી.
નવેમ્બરની કારતકિ બપોરના પવનમાં મંદિરની પશ્ચિમ દિશાએ પડતાં પૃષ્ઠ ભાગે પહોંચતા મંદિરમાંથી ખરેલા પથ્થરોના ઢગલો જોયો અને પછી ચૈત્ય જેવી ત્રિકોણાકાર કૃતિઓથી મંડિત શિખર જોયું. મંદિર આસપાસની યક્ષોની મૂર્તિઓ અને કેટલીક ભગ્ન મૂર્તિઓ સંયોજી ફરી મંદિર સમક્ષ થઈ ત્યાં સુધી વેરાન ખુલ્લા પ્રદેશ વચ્ચે રહેલ ખંડેર થયેલ લાખેશ્વર મંદિર આસપાસ મારી અને બિંદુ સિવાય કોઈ નોહતું પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ મંદિર પરિસરની લાઈટ પર ઉપલી ચાંચ તૂટી ગઈ હોય તેવું Indian roller એટલે ચાષ કે દેશી નીલકંઠ પક્ષી હતું જેને મેં ખાસ્સું નજીક જઈને wide angel lensથી જીલ્યું છતાં ઉડ્યું નોહતું.
પ્રાચીન સ્મારકો સાથે સાથે પક્ષીઓના આવા રંગીન encounterને પણ ગુંજે ભરી સોલંકી વંશ દ્વારા બંધાયેલા આ શિવમંદિરની છબીઓને અત્યારે જોવ છું તો સ્થાપત્યો-સ્મારકોને focus કરીને click કરવાની મારી જુની કુટેવ pop up થઈને કહે છે કે એક-બે ફોટા તો પરિસર સાથે લેવાની જરૂર હતી જેથી ખંડેર થયેલું મંદિર તેના રહસ્યમયી અસ્તિત્વની વાતો કહિ શકે પરંતુ Alas! એ નથી થયું, પરંતુ છબી ભીતરની એક અજાણ્યા ગામના વન-વગડા જેવા સ્થળે રહેલ એક અવશેષિત પ્રાચીન શિવ મંદિરને પૂરી સિદ્દતથી જીલ્યાનું સ્મરણ કરાવે છે અને કાનમાં આવીને કહે છે કે છોકરીઓ તમે હિંમતવાન તો ખરી જ હો.

એક લેડી ટ્રાવેલ ફોટોગ્રાફર તરીકે મનોમન આવા ગુજરાત ગૌરવ પુરષ્કાર મળી ગયા જેવી શાબાશીને ગાંઠે બાંધી લાખેશ્વર શિવ મંદિર પછી ચાલતાં-ચાલતાં ગુલામ અલી શાહ પીરની દરગાહ તરફ જતાં હતાં ત્યારે અચાનક એક બીજી લોટરી લાગી જે ગાદલીયા રાજપૂતના એક નાના એવા પડાવની હતી.
દ્રશ્ય એવું હતું કે ખુલ્લી જગ્યામાં ચુલા પર રસોઈ થતી હતી.બલોયા પહેરેલી ઊંચી-પડછંદ નમણી સ્ત્રીઓ ઉભડક બેસીને રોટલા ટીપતી હતી અને એક તો હાથમાં સ્ટીલનું છાલિયું પકડી ભોજન કરતી હતી. તેની આસપાસ સ્ટીલના હાંડા-ઘડા ને ઘીની બરણી પડી’તી અને ગલકા-તુરિયાના શાકની ટીનની તપેલી લસણીયા વઘારની રાહમાં હતી.
કચ્છ જાવ ત્યારે તો હું ગામઠી લોકોની શોધમાં જ હોવ અને આ તો out of blue આવી મળ્યું એટલે મેં તો કાથીના [ Coir ] ખાટલા અને સફેદ-ભૂરા પ્લાસ્ટિકને લાકડાની થાંભલિયું પર વીંટી હંગામી ધોરણે ઉભા કરેલા ઘરોને blurred કરીને રોટલા ટીપતી ગાદલિયા સ્ત્રી પર લેન્સ Focus કર્યો. હજી ફોકસ કરું કે તરત જ નાકમાં સોનાની નથ, કાનમાં ચાંદીની સર વાળા એથનિક ઘરેણા, બાહુઓથી માંડીને કાંડા સુધીના ભરચક બલોયા પહેરેલી તે સ્ત્રીએ મીઠ્ઠું સ્મિત આપ્યું.
શ્યામ ગુલાબી ઘાઘરો-પોલકું પહેરેલી, આરી ભરત ભરેલી પીળી ચુંદડી ઓઢેલી અને લાલ ચાંદલો કરેલી total rustic એ સ્ત્રીએ વિવિધ મુદ્રાઓમાં લેન્સ તરફ જોઈને જાણે મને life time achievement award આપ્યો અને હું માલામાલ થઈ ગઈ અને તેની સાથે વાતો કરવા પણ બેઠી.

અમે જે સમયે ગયા તે સમયે પડાવમાં પુરુષો ઓછા હતાં અને પોતાને રાણા પ્રતાપના વંશજ ગણાવતાં ગાદલિયાનું પિત્તળના સિક્કા જડેલું લાકડાનું એકદમ એથનીક ગાડુ કેટલીક ઘરવકરી અને ડામચિયા સાથે પડાવની બરોબર વચ્ચે પડેલું હતું. એટલું જ નહિ એ ગાડાના છાયામાં એક દાદી પેચ વર્કની પાતળી ગોદડીમાં ટેભા-ટાંકા લઈ રહ્યા હતાં.હું તો આ લોટરીને અંકે કરવામાં એટલી ઓતપ્રોત હતી કે ઉતાવળમાં ક્યાંક Leg space તો ક્યાંક head space પણ ચૂકાય ગઈ કે જે terminologyની ખબર તો મને વીસેક વર્ષ પછી પડી.
Anyways, હજી આટલું ઓછું હોય તેમ જાડી કાળી frameના ચશ્મા પહેરેલા આ પડાવના બીજા દાદી મારી તરફ મલકાતાં બેઠા હતાં તેને પણ મેં મારી જોળીમાં ભર્યા અને ચીપીયો, સાણસી અને દાંતરડા જેવા લોખંડના ઓજારો લઈ ગામે ગામ પડાવ નાખતાં આ ગાદલિયાના એક આખા campને, hutment કે દેશી encampmentને મેં cover કર્યો.
ઉપર આકાશ અને નીચે ધરતીની આ nomadic life, તેના કુળ, તેના વંશ, તેના ethnic groups, તેના ઘર-ઘરેણા અને ઘડતર સઘળા પર અભ્યાસ કરવાની નેમ સાથે પાથરણા પર સુડી-સાણસી પાથરીને પડાવ નાખતાં ગાદલિયાની ચા પીધી ત્યારે ઘડીયાળનો કાંટો ઘણે પહોંચી ગયો હતો અને ભૂખ પણ લાગી હતી.

ભૂખને ન્યાય કરી કેરાની દક્ષિણ-પૂર્વે રહેલ, સંત ગુલામ અલી શાહ પીરની દરગાહે પહોંચ્યા ત્યારે ત્યાં પણ કેરાના શિવમંદિર જેવો જ સન્નાટો હતો. આખા વિશાળ વિસ્તારમાં સો વર્ષ પ્રાચીન મસ્જિદ, તેના પરિસરમાં રહેલા કડવા લીમડાનો મીઠ્ઠો છાયો, ૪૦-૫૦ વર્ષ પહેલા થતા ઉર્સમાં આવતા ખોજાઓના જુના મુસાફર ખાના, સંત ગુલામ અલી શાહ પીરની મજારે શરીફ, જુની તિજોરીઓ, લોબાનના ધૂપની સુગંધ, અવાવરું કૂવો, તેમાંથી ઉડતાં કબૂતરો, દૂર ભસતા કુતરાના અવાજો, ક્યાંક ઊગી ગયેલા આંકડા, આવળ-બાવળ અને જૂની સફેદ ઈમારતો પર આસમાની ભૂરા બારી-બારણા, કાંગરા-કોતરણી, કમાનો અને સ્તંભો આ બધુ જોતાં-કારવતાં અને પૂરી શિદ્તથી અંદર ઉતારતા સાંજ પડી.
ધીમે ધીમે સુરજ પશ્ચિમ તરફ ઢળતો હતો. ઢળતાં સૂરજ સાથે ઈસ્ના અશરી ખોજાઓના વિશાળ કબ્રસ્તાનની કબરો પર સૂર્યના કિરણો તગતગતાં હતાં. દૂર દૂર સુધી નજર દોડાવો તો ગુલામ અલી શાહપીરની દરગાહ અને ખોજાકોમના આ કબ્રસ્તાન સિવાય કશું નજરે નોહતું આવતું. સમગ્ર વાતાવરણ અંધારુ થતા સુધીમાં તો ખાસ્સુ રહસ્યમયી થતું ગયું અને હું ગુલામ અલી શાહ પીરના ચારસોએક વર્ષો પહેલાના પવિત્ર અસ્તિત્વને નતમસ્તક થતી કેરાના આ શાંત અને રહસ્યમયી થાનકને સંધ્યાના રંગોમાં ભળતા જોઈ રહિ હતી.

નજર નાખો ત્યાં સુધી કબરોના પવિત્ર પથ્થરો, દરગાહ, મજારે શરીફ, મસ્જિદો અને ખંડેર થયેલા મુસાફર ખાનાઓમાંથી ઉડતાં પક્ષીઓએ કેરાની ઢળતી સાંજને વધુ Mysterious બનાવી અને એ સાથે કેરાથી જાણે દૂર રહેલા આ નિર્જન અને સૂનકાર સ્થળે હું અને બિંદુ બે જ હતાંનો ભય અંદર લપકતો હતો આથી હું મનોમન હનુમાન ચાલીસા કરું કે કેરાના બસ સ્ટેન્ડ પર પહોંચી જઈ ભુજ ભેગા થઈને નિરાંતનો શ્વાસ લઈએ તો ગંગ ન્હાયા પરંતુ આ તો આપણું કચ્છ હતું અને ખુશ્બુ ગુજરાત કી લઈને વર્ષોથી વિશ્વ પ્રવાસીઓને પણ સાચવતું હતું તો અમે તો ઘરની દીકરીઓ એટલે સો ટકા સુરક્ષિત હતાં ને આ તો અમારા મરકટ મનનો જ ભય મન-હૃદયમાં લબુક-જબુક થતો હતો.
આવા મન ઘડંત ભયને સંકેલીને આ લખુ છું ત્યારે કેરાની પચ્ચીસ વર્ષ જુની negativesને scan કરાવ્યા પછી soft copyમાં જોવ છું તો મજારે શરીફ, દરગાહ, કબ્રસ્તાન આસપાસ ઉગી ગયેલા આકંડાના છોડ અને સમગ્ર વિશાળ પરિસરના સાંજના landscape પર ફૂગ જેવા સફેદ-સફેદ ડાઘા દેખાય છે અને foregroundમાં રહેલી કબરો તો દેખાતી જ નથી પરંતુ મારી સ્મરણ ડાયરીના પાના પર કેરાનો પ્રવાસ નખશિખ અંકાયેલો છે જે માત્ર લાખેશ્વર શિવ મંદિર, ગાદલીયા રાજપૂતના પડાવો કે ગુલામ અલી શાહ પીરની દરગાહ જ નહિ પરંતુ કેરા ગામની એક દીકરીના સ્મિત પર anti-lightના અજવાળા ગામ વિંધીને તેના પર વરસ્યા હતાં તે પણ યાદ કરાવે છે અને સંત ગુલામ અલી શાહ પીરની મજાર પર વિતાવેલી સાંજ લોબાનની સુગંધમાં ભળીને કહે છે કે Memories help when everything fails to prove the time and place.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.