બદલાતાં વર્ષો સાથે કચ્છના એ જ ગામોમાં ધરતીકંપ પછી પગ મુકીએ ત્યારે સ્થિતિ બદલાયેલી જ હોય પરંતુ લુડિયા ગામનું ધરતીકંપ પછી જે રીતે પુનર્વસન થયું હતું તે એટલે કાબિલે દાદ હતું કારણ કે ભુંગા અને ભીંતચિત્રોની સાથે rehabilitate થયેલા આ ગામે તેના મૂળ textureને અને તેના મૂળ મેઘવાળી મિજાજને અકબંધ રાખ્યો હતો.
કચ્છ-ભુજના લુડિયા ગામની આવી સ્મૃતિઓની સમૃધ્ધિને સાથે લઈને વર્ષ 2000 પછી પણ બે વખત લુડીયા જવાનું થયું. ધરતીકંપ પછીનું લુડિયા તો ગાંધીનું ગામ હતું અને ધરતીકંપ પછી ethnically rehabilitate થયેલા આ ગાંધીના ગામમાં રહેતા મેઘવાળોએ ફરી ભુંગાઓમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને એ પણ રંગીન ભીંતચિત્રોથી સજાવેલા ભુંગાઓમાં રહેવાનું પસંદ કર્યું હતું. આથી ધરતીકંપ પછીના વર્ષોમાં આ ગાંધીનું ગામ એક પ્રવાસન સ્થળ થયું અને હવે તો એક famous craft village પણ છે જ્યાં રણોત્સવમાં આવતાં વિશ્વપ્રવાસીઓ આવે છે; ધરતીકંપ પછી બેઠા થયેલા ગામને અચંબિત થઈને જુવે છે અને કચ્છી handicraftsની ખરીદી પણ કરે છે.
ધોરડોથી માત્ર ત્રીસ કિલોમીટરની દુરી પરના આ ગામે ત્રીજીવાર એકલી ગઈ ત્યારે સવજીભાઈ-માનાના બાળકો મોટા થઈ ગયા હતાં અને ઘરની બહાર હવે એક સિલાઈ મશીન હતું જ્યાં સૌથી મોટી દીકરી સિલાઈકામ કરતી હતી. મારી પાસે પણ વર્ષ 2005 પછી ડિઝીટલ કેમેરા Nikon D-80 આવી ગયો હતો અને હવે તો મને પણ તરત જ ખબર પડી જતી હતી કે પાડેલો ફોટો કેવો આવ્યો છે.

આમ બદલાતાં વર્ષો સાથે કચ્છના એ જ ગામોમાં ધરતીકંપ પછી પગ મુકીએ ત્યારે સ્થિતિ બદલાયેલી જ હોય પરંતુ લુડિયા ગામનું ધરતીકંપ પછી જે રીતે પુનર્વસન થયું હતું તે એટલે કાબિલે દાદ હતું કારણ કે ભુંગા અને ભીંતચિત્રોની સાથે rehabilitate થયેલા આ ગામે તેના મૂળ textureને અને તેના મૂળ મેઘવાળી મિજાજને અકબંધ રાખ્યો હતો.
ધરતીકંપ પહેલાના મૂળ textureને અકબંધ રાખતા આ આદર્શ લુડિયા ગામની માર્ચ, 2000ની મુલાકાત વખતે હું અને મારી સહપ્રવાસી, નલિની ભટ્ટ ધ્રંગનો મેળો અને લુડિયા એટલે હવેનું ગાંધીનું ગામ કર્યા પછી ખાવડા પણ ગયા હતાં.
કાળા ડુંગરથી કુરાન ગામ સુધીના પચ્છમ ટાપુની પશ્ચિમે સ્થિત ખાવડા ગામે પહોંચવા માટે અમે ભુજથી નીકળ્યા ત્યારે પાકિસ્તાન-ભારતની સરહદે રહેલા આ ગામે જવાનો જબરો રોમાંચ મનમાં કુદકા મારતો હતો.

ભુજની ઉત્તરે સીધી પટ્ટીએ બન્ની પ્રદેશના પ્રવેશદ્વારને અને ભીરંડિયારા-લુડિયાને ઓળંગ્યા પછી કચ્છના મોટા રણની ધારે રહેલું ખાવડા ગામ આવ્યું ત્યારે સિંધુ ખીણની સભ્યતા દરમિયાન આરંભાયેલા માટી કામની કલાને સાચવીને બેઠેલા આ સરહદી ગામમાં પગ મુકવાનો પ્રવાસી ઉત્સાહ મંગળ ગ્રહ પર પહોંચ્યા જેવો સાહસિક લાગતો હતો.
ખાવડા પહોંચ્યા પછી Pottery work કરતાં પરિવારોના આંગણે ઊભા રહેતા-કારવતા એકાદ સદી પહેલા સિંધથી સ્થળાંતરીત થઈને ખાવડામાં વસેલા અબ્દુલભાઈના પૂર્વજો અને ખુદ અબ્દુલભાઈ જેવા કુશળ કુંભારના આંગણે અમે ક્યારે પહોંચી ગયા એ ખબર ન પડી. આશ્ચર્ય તો એ હતું કે Indus valley civilization દરમિયાનનું painted pottery work જાણે તેમના આંગણાની ઓળખાણ હોય તેમ દરેક ખૂણે દેખા દેતું હતું.
માટલા, પ્લેટ, દિવા, કિતલી, કુલ્હડ અને માટીની water bottle ઉપરાંતના decorative pottery piece પર અબ્દુલભાઈના પત્ની રહિમાબેન ચિત્રો દોરતા હતા અને લાલ-કાળા અને સફેદ clay based રંગોથી થોડી જ વારમાં કોઈ ગેરુવા રંગનું પાત્ર સિંધુ ખીણની પાંચ હજાર વર્ષની યાદ અપાવી કોઈ પ્રાચીન કલા કઈ રીતે પેઢી દર પેઢી પ્રવાસ કરી શકતી હોય છે તે convey કરતા હતા.
વિશ્વના craft mapમાં પોતાની અલગ ઓળખાણ લઈને અખંડ ઉભેલા ખાવડા ગામના મુસ્લિમ કુંભારો કચ્છના મોટા રણની ધારે Bronze ageથી અખંડ દિવા માફક ઉજ્જવળ એવા માટીકામને કેટલી મહેનતથી ધબકતું રાખે છે એ સગી આંખે જોઇને અમે રણની સ્થાનિક માટીની Indigenous painted potteryને વારસાઈ કલાના વડલા માફક વિસ્તરતા જોઈ રહ્યા હતાં અને અહીંના પરિવારોને માટી સાથે કેટલી નિસ્બત છે એ પણ જોઈ રહ્યા હતા.
ખાવડાના કુંભારોના આંગણે આંગણે આકાર લેતા આ માટી કામને જોતા એવું થતું હતું કે સભ્યતા અને સંસ્કૃતિ તો સૌની સહિયારી છે તેને સરહદ એટલે બાંધી નથી શકતી કારણ કે તેને એકબીજાની હૂંફમાં પાંગરતી કલા, કુશળતા અને craftsmanship સાથે વધુ લેવા દેવા છે.

કલા-કારીગરથી સભર આવા આંગણાઓએ અટકતા અમે માટી મઢ્યા એક મેઘવાળ ભુંગે પહોંચી ગયા.નાકમાં મોટી નથ, કાનમાં ઠોળીયા, ગળે ચાંદીની ભારેખમ હાંસડી અને હાથમાં થોક બંધ અતરંગી બંગડીયુ પહેરેલી એક મેઘવાળ સ્ત્રીના Rustic રૂપે મારું દિલ જીતી લીધું અને મેં વિવિધ એંગલથી એમને સંયોજ્યા ત્યારે એ સહર્ષ સંયોજનોએ મને ગાર-માટીના ઘર સાથેની એથનિક તસવીરો આપી સમૃધ્ધ કરી.
રંગીન સંસ્કૃતિ, પરંપરાગત પહેરવેશ અને જુનવાણી આભૂષણોથી સભર સંયોજનોને મારા roll cameraમાં ગોઠવતાં અમે ખાવડાના ઘરો-ભુંગાઓ વચ્ચે ચાલતા હતા ત્યાં ઝીણા મોતીના ગળબંધથી શોભતી મેઘવાળ મુગ્ધાઓ, તેઓની Floral printsની ગોઠ મૂકેલી ઘાઘરીઓ અને ફુગી બાયનાં બુસ્કોટ જેવા પહેરવેશ જોઈને મેં જેવો લેન્સ ધર્યો કે મરક-મરક થતી એ દીકરીઓએ પણ મને ગમતા પોઝ આપ્યા.
Travel photographyની આવી ક્ષણોને capture કરતી થોડું આગળ ચાલી ત્યાં કપાળ પર રહેલી ઢળતી hair style વચ્ચે સેંથો પાડેલા વાળના બે ભાગમાં લગાવેલી રંગીન પીન સાથેની એક દીકરી સિમેન્ટની પાકી દીવાલને અઢેલીને ઉભી ઉભી મને નીરખતી હતી. હજી તો હું મીટર ગોઠવું ત્યાં તેમાં વળી બીજી દીકરી ઉમેરાણી અને મેં આસપાસના અમથા clutter ખાળવા Vertical વાર્તા માંડી અને એ બંનેને જીલ્યા ત્યારે મને મળેલું મુગ્ધ સ્મિત મારા માટે 24 કેરેટનું સોનું હતું.
કચ્છના અંતરિયાળ પ્રદેશોના એક એક ડગલે જોવા મળતા આવા 24 carat pure goldને મેં મારી જોળીમાં ભર્યું ત્યારે લાલ રંગના પ્રભુત્વ ધરાવતા પરંપરાગત Flamboyant વસ્ત્રોમાં વળી આભલા ટાંકેલા ભરતકામ અને માણેક, નીલમ અને નીલમણી જેવા મૂલ્યવાન સ્ટોન જડેલી nose ring અહીંનું rare ethnic આકર્ષણ થઈને મેઘવાળ સ્ત્રીઓના portrait લેવા લલચાવતું હતું.

શંકુ આકારના roofing વાળા વર્તુળાકાર ઘરોની થાંભલિયુની ઓથે ઉભેલી આવી નખશીખ નમણી સ્ત્રીઓને જોઇને વાતો કરવા પણ બેસી જતાં હું અને નલિની ખાવડાના એ જ bioclimatic ઘરમાં રાત પણ રોકાયા ત્યારે એ અનુભવ પણ હૂંફાળો હતો.
લુડિયા પછી ફરી ખાવડામાં પણ મેઘવાળના ઘરના રાત્રિ રોકાણ પછીની બીજી ઉજળી સવારે ફરી ખાવડા ગામને અને તેની ગલીઓને જોવા નીકળી પડ્યા. Bamboo અને સુકાયેલા ઘાસના thatched roofing વાળો એક ભૂંગો જોઇને અંદર પ્રવેશતાં જ અટકી ગઈ તેવું White clayનું relief work દીવાલ પર જોયું અને અંદરના તે કલાત્મક ઉજાસની photography પણ કરી.
Wooden based thatched roofing વાળા circular hutsની વર્તુળાકાર દીવાલો પર થતું આ પરંપરાગત Mud-relief work, કચ્છના મોટા રણમાંથી લવાતી અને પછી ચળાતી માટી, તેમાં mix થતું લાકડાનું વહેરણ, ઊંટ કે ગધેડાની લાદ અને છેલ્લે શ્વેત રંગના relief work ઉપર વળી કાચના ચમકતા શણગાર અને Mud-mirror workની આખી દેશી process અમને ખાવડાના સર્જનાત્મક જગતમાં ડૂબાડતા હતા.

એક-બે ભુંગાની અંદરના Mud-Mirror workના ડામચિયા, અનાજ ભરવાની કોઠી અને અભરાઈની ફોટોગ્રાફી કરી આગળ વધતાં ગામની આખીય ચિલ્લર પાર્ટીનો ઘેરો જાણે અમે કોઈ હસ્તી હોઈએ તેમ ભુંગાની બહાર અમારી રાહમાં હતો અને અમારી આસપાસ ફરતો રહેતો હતો.
આકાશી ભૂરા કે મગીયા લીલા 'સેમ ટુ સેમ' પઢાણી પહેરેલા મેઘવાળ બાળ-ગોપાળ અને કાનમાં ચાંદિની બે-ચાર નખલી પહેરેલી દીકરીઓની આખીય ટોળકી હસતી-રમતી અમારી આસપાસ ફરતી હતી એટલે મારી નોકરીની નિશાળમાંથી રજા લઈને હું open to sky બીજી નિશાળમાં આવી ગઈ છું એવું લાગતું હતું.
વળી એક સવારે તો મેં પંચ પરમેશ્વર જેવા પાંચને ભૂંગાની દીવાલે ગોઠવ્યા કે ચલો આપણે પણ arrange photographyનો ચાળો કરીએ. સંયોજન એવું બન્યું કે ભુંગાની માટીની લીંપણને અઢેલીને બેઠેલા છ-સાત વર્ષના પાંચ મેઘવાળ બાળકો, તે સૌની જમણી બાજુએ ભુંગાની થાંભલી અને આ તોફાની ટીમની પાછળ રહેલી ખરબચડી સફેદ દીવાલ પર thatched roofingનો જાળીજાળી વાળો ઘાસિયો પડછાયો.
હજી જાણે ઈશ્વરે આ pictureને perfect કરવું હશે એટલે ડાબા હાથે થાંભલી તો નોહતી જ પરંતુ જમણી થાંભલીને balance કરવા ડાબી બાજુની થાંભલીનો હુબહુ પડછાયો મળી ગયો અને ઓછામાં પૂરું દીવાલમાં હતી સળીયા વાળી નાની એવી રૂપકડી ડોકા બારી.
ઓહોહો ! આ સંયોજનને click કરતી હતી ત્યારે થતું હતું કે બાળકો પલોઠી વાળીને બેસી જશે અને સંયોજનને કુત્રિમ કરી દેશે તો આખી મજા મારી જશે but no, હજી તો લેન્સ ધરું કે અંદરો અંદર એકબીજા સામે, કોઈકે ગલગલીયા કર્યા હોય તેવા, ખીખરાટા કરતાં પાંચેય બાળકોએ મારી ગોઠવણને literally વધુ candid બનાવી અને મને ઉત્તમ ફોટુ આપ્યો જે ફોટાએ મને ૨૦૦૨ના મારા પ્રથમ photo exhibitionમાં ખાસ્સી શાબાશી અપાવી.

એક એક સંયોજને શાબાશી બક્ષતા ખાવડાના આવા રોકાણમાં ગળી ભૂરા પટ્ટા વાળી ઘાઘરી અને ભરત ભર્યા વગરની કંજરી પહેરેલી એક મેઘવાળ દીકરી ગામની શેરીમાં અને તેના ઘરના ઓટલે મને વારંવાર મળતી રહિ. ગાલમાં ખંજનવાળી, always smiling એ દીકરી ક્યારેક તડકી વાળી થાંભલીને ટેકે બેઠી હોય તો ક્યારેક વળી હું લેન્સ ધરું કે નમસ્તેની Iconic મુદ્રામાં મને respond કરતી હોય.
આ બધાથી વેંત ઉપર એક બપોરે તો એવું થયું કે તે હાથમાં તેની જેવી જ હસમુખી ઢીંગલી પકડીને ઉભી'તી અને thank god કે હું પણ કેમેરા પકડિને જ ઉભી'તી અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મેં તેને જીલી ત્યારે મને મળેલી એ તસવીર મારા ખાવડાના આખા explorationને ચાર ચાંદ લગાડે તેવું મીઠ્ઠું સ્મિત લઈને મારી રખડું જોળીમાં સમાણી હતી.
સ્મરણ જોળીમાં આટલું ભરીને ભારત-પાકિસ્તાનની સરહદ પરના આ સંવેદનશીલ ગામની સફર પૂર્ણ કરી અમે એક બપોરે ખાવડાથી ભુજ જવા માટે બસમાં બેઠા. કથ્થાઈ રંગના પઠાણી પહેરેલા અને આંખમાં સુરમો આંજેલા ઊંચા-પડછંદ પુરુષો બસમાં ચડતા હતા ત્યારે બસની છતે જાણે હમણા માથું ભટકાશે તેવું લાગતું હતું.
મેઘવાળની પણ વસ્તી ધરાવતાં આ ગામેથી મેઘવાળો પણ બસમાં ચડ્યા અને સરહદી સુમેળ જેવી બસ ભુજ તરફ ઉપડી. બસની બારીએથી પસાર થતા ગામો અને BSFની ચેક પોસ્ટના પસાર થતાં visuals સાથે મન તો ખાવડાના leather work, લગાનના આમિર ખાનના જૂતા, પટારા-ઝુલાનું wood carving કરતાં કારીગરો અને હડપ્પન શૈલીની Terracotta potteryમાં ડૂબેલું હતું અને ડૂબેલું હતું આવળ-બાવળ વચ્ચે ઉભી કરેલી ખાવડા sweetsની દુકાનોમાં અને મેઘવાળોની મહેમાન ગતિમાં.
આવી તાજ્જી સ્મૃતિઓના over lappingમાં અમે ખાવડાથી ભુજના પંચાવન કિલોમીટર પસાર કર્યા અને સાંજ સુધીમાં ભુજ પહોંચ્યા ત્યારે Kodakના film roll ભરેલી ઓલી ન થકવતી થેલી ખાલી જેવી હતી પરંતુ cartridge પર ચડેલા roll ખાવડામાં કરેલા રંગીન-સંગીન કામથી જાણે over loaded હતાં અને કહેતા હતાં કે દોસ્ત, તારી સાથે રખડવાની મજા પડે છે હો.
(ક્રમશઃ)
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.