Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

1948માં ‘આઝાદી કી રાહ પર’ ફિલ્મના ગીત લખવા માટે સાહિર લાહોરથી સપનાના શહેર એવા બોમ્બે આવ્યા હતા પણ તે ફિલ્મ એટલી ચાલી નહીં. કોઈએ તેમના ગીતો વખાણ્યા નહીં. ત્યારબાદ ફરી એકવાર નસીબ અજમાવા સાહિર 1949માં બોમ્બે શહેરમાં આવ્યા

હિન્દી ફિલ્મોમાં અર્થપૂર્ણ ગીતો લખતા ઘણા ઓછા ગીતકારો થયા છે. ફિલ્મના કોમર્સના પ્રચંડ ભાર હેઠળ પણ પોતાની આર્ટ’(સ)ને જીવંત રાખનાર શૈલેન્દ્ર અને  સાહિર  જેવા જુજ  ગીતકારો હતા. સાહિર કે જેનો અરબીમાં અર્થ જાદુગર થાય છે તે શબ્દોના ખરેખર જાદુગર હતા. તેઓ જો વાદા કિયા વો નિભાના પડેગા.. જેવું રોમેન્ટિક ગીત લખે તો જિંન્હે નાઝ હે હિંદ પર વો કહા હે.. એવું તેજાબી- આક્રોશથી ભરપૂર ગીત પણ લખી ગયા છે. આ ગીતકાર એ  હિન્દી સિનેમામાં કઈ રીતે પ્રવેશ મેળવ્યો તે રસપ્રદ છે.ચલો જોઇએ.


1948માં આઝાદી કી રાહ પર ફિલ્મના ગીત લખવા માટે સાહિર લાહોરથી સપનાના શહેર એવા બોમ્બે આવ્યા હતા પણ તે ફિલ્મ એટલી ચાલી નહીં. કોઈએ તેમના ગીતો વખાણ્યા નહીં. ત્યારબાદ ફરી એકવાર નસીબ અજમાવા સાહિર 1949માં બોમ્બે શહેરમાં આવ્યા. આ વખતે તેમનો પડાવ હતો પ્રખ્યાત ઉર્દુ લેખક ક્રિશન ચંદરના ઘરે. આ દરમિયાન સાહિરનો તલ્ખિયાકાવ્યસંગ્રહ પ્રગટ થઈ ગયો હતો. તેમનું  ઉર્દુ સાહિત્યમાં નામ થઈ ગયું હતું પણ હજું તેમને ગીતો લખવા માટે તક મળતી નહતી.


સાહિર બોમ્બેમાં  જે પણ પ્રોડ્યુસર- ડિરેક્ટરને તેમના સ્ટુડિયોમાં મળવા જતા ત્યારે તેઓ તેમને સન્માન આપવા માટે ઊભા થઈ જતા. આમ તેમને અહીં માન મળતું પણ કામ મળતું નહીં કે જેની તલાશમાં તેઓ બોમ્બે શહેરમાં આવ્યા હતા. કામ સંગીતકાર આપતા તો તેમના લખેલા ગીતો પડી રહેતા. નિર્દેશક તેમના ગીત  ફિલ્મમાં  લેતા નહીં અથવા ગીત ફિલ્મમાં લેવાય તો કોઈ બીજાને તેની ક્રેડિટ અપાઈ જતી. સંઘર્ષની આ તો શરૂઆત હતી. હદ તો ત્યારે થઈ એવા પણ દિવસો આવ્યો કે મુંબઈ શહેરમાં વીજળી- પાણીના બિલ ભરવા માટે પણ સાહિર પાસે પૈસા ન હતા. તેમણે પોતાની જાનથી પણ વ્હાલી એવી માતાની સોનાની બંગડીઓ વેચવાની નોબત આવી. એવામાં પોતાને શરણ આપનાર ક્રિશન ચંદરના કાચા- પાકા લખાણને તેઓ રૂ. ૧૫૦ લઈ અને ફરીથી મઠારીને ફરી લખી આપતા. સાહિર  સંઘર્ષ કરતા રહ્યા. સંજોગો સામે લડતા રહ્યા. હજી તેમના ભાગ્યનો સૂર્યોદય થયો ન હતો. તે દિવસ ટૂંક સમયમાં જ આવવાનો હતો.

​​​​​​​

એક દિવસ એક મિત્રના કહેવાથી સાહિર સંગીતકાર એસ.ડી. બર્મનને મળવા ગયા. બંગાળી હોવાને નાતે હિન્દી ભાષા માંડ સમજી શકતા બર્મનદાને સાહિર એ  ઉર્દુ સાહિત્યમાં મેળવેલ કિર્તીથી તેઓ વાકેફ ન હતા અને આ બાબત સાહિરના પક્ષમાં ગઈ. બર્મનદા નવી ટેલેન્ટની જ શોધમાં હતા. તેમણે સાહિરને જેમ હિન્દી સિનેમાના મોટાભાગના ગીતો લખાય છે તેમ ધૂન આપી અને તેની પર ગીત લખવા જણાવ્યું. સાહિર ધૂનમાં ડૂબ્યા પણ  શબ્દો હજુ પકડમાં આવ્યા નહી અને તેમણે ફરીથી એ જ ધૂનનું પુનરાવર્તન કરવા બર્મનદાને જણાવ્યું. બર્મનદા એમની લાક્ષણિક અદામાં હાર્મોનિયમ ઉપર એ ધૂન વગાડવા લાગ્યા. આ સાંભળી સાહિરએ તરત જ લખ્યું કે  ઠંડી હવાયે... લહેરા કે આયે... ઋત હે જવા,  તુમ હો યહા, કૈસે ભૂલાયે… આ પંક્તિઓ સાંભળી બર્મદાના ચહેરા ઉપર સ્મિત ફરક્યું. તેઓ સાહિરને લઈને કારદાર સ્ટુડિયોમાં ગયા અને સ્ટુડિયોના માલિક- નિર્માતા- નિર્દેશક એ.આર. કારદાર સામે પોતાની નવી શોધ એવા સાહિરને ખડા કરી દીધા. આ ગીત ૧૯૫૧ના વર્ષમાં આવેલી ફિલ્મ નૌજવાનમાં નાયિકા નલિની જયવંત ઉપર ફિલ્માવામાં  આવ્યું. આ ગીતથી સાહિર એ હિન્દી સિનેમા જગતમાં ગીતકાર તરીકે સફળતાની બોણી  કરી.


તેમના સંઘર્ષના દિવસો હવે પૂરા થતા હતા. સાહિર અને એસ.ડી.બર્મનની જોડીએ 1951થી 1957 દરમિયાન ઘણી ફિલ્મોમાં કર્ણપ્રિય ગીત-સંગીત સર્જ્યું , પણ આ જોડીની સડસડાટ ચાલતી સફળતાની રેલગાડી એકાએક પાટા પરથી ઉતરી પણ ગઈ. ફિલ્મ પ્યાસા ના સંગીતની સફળતાના સંદર્ભે સાહિર અને એસ.ડી. બર્મનના પોતપોતાના આગવા દાવાઓ હતા અને તેનાથી તેમના બંને વચ્ચે મતભેદ થયા અને ત્યારબાદ બંને વ્યક્તિએ સાથે કોઈ ફિલ્મમાં કામ કર્યું નહીં. આ સંગીત રસિકોને થયેલું ઘણું મોટું નુકસાન હતું.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે