Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

આ યુવાઓએ હિંદુ લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. એક અજીબ ડરનો માહોલ પેદા કરવામાં આવ્યો. ‘નારા એ તકબીર -અલ્લાહો અકબર’, ‘હમે ચાહીયે આઝાદી’ના નારા આખી રાત મસ્જિદોના લાઉડસ્પીકરોમાંથી વહેતા રહેતા.

દિલ્હીમાં એક ઘરડી પંડિત સ્ત્રી વાતે વાતે બધાને કહેતી રહેતી કે... કશ્મીરમાં અમારું ઘર છે ને ત્યાં બાવીસ રૂમો હતા.આ વાતમાં સંપત્તિનું અભિમાન નથી. ઘરથી વિખૂટા પડવાની વેદના છે. વર્ષોથી જે ભોમકાના ધાવણ ધાવ્યા હતા ત્યાંથી તમને કોઇ હડસેલી મૂકે તો ? પહેરેલે કપડે પોતાનો જીવ બચાવી ભાગવું પડે ત્યારે માનવી કેવી પીડાથી પસાર થતો હોય છે તે સામાન્ય વ્યક્તિને સમજાય નહી. ભાગલા સમયે પણ દેશ આ વેદનામાંથી પસાર થયો હતો અને 1990ના દાયકામાં ફરી દેશએ આ ત્રાસદી જોવાનો વારો આવ્યો. આ વખતે શિકાર બન્યા કશ્મીરી પંડિતો.


પોતાની હરીભરી જરદાળુ-સફરજનની વાડીઓ છોડીને સરકાર તરફથી અપાતી મદદ લેવા જેણે લાઇનોમાં ઉભા રહેવું પડ્યું. પ્રાથમિક સુવિધાઓની જ્યાં તંગી રહેતી તેવા કેમ્પોમાં આ પંડિતોએ રહેવું પડ્યું. લેખક રાહુલ પંડિતાએ આ પીડા અને વ્યથાને  શબ્દો થકી આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કશ્મીરની ગઇકાલ અને આજનું  પ્રકરણવાર આલેખન કર્યું છે. પુસ્તકનું શિર્ષક જ વાચક ને સૂચવી આપે છે કે આ બર્ફિલા સફેદ રમણીય વિસ્તારો કશ્મીરી પંડિતોના રક્તથી લાલ થઇ ગયા હતા.


અમારું રક્તરંજિત વતન પુસ્તક રાહુલ પંડિતાના અંગ્રેજી પુસ્તક અવર મૂન હેઝ બ્લડ ક્લોટસનો ગુજરાતી અનુવાદ છે. જેનો અનુવાદ જેલમ વ્હોરાએ કરેલ છે. અહીં તોથા, દેદા જેવા અમુક કશ્મીરી શબ્દો લેખકે મૂળ સ્વરૂપમાં રાખીને કશ્મીરીયત માહોલ વાચકોને મળે તેવું આયોજન કર્યું છે. રાહુલ વ્યવસાયે પત્રકાર હો કોપણ ઘટનાના મૂળીયા સુધી પહોંચવાની તેમની ટેવ આ પુસ્તક વાંચતા અનુભવાય છે. આમ તો વિષય બેહદ ગંભીર છે પણ લેખકે વચ્ચે અમુક રમૂજી કિસ્સાઓ વણી લીધા છે જેમકે  મુજ કો ગુસ્સા આ રહા હૈ… (પાનાં નંબર-૩૩) તો લતીફ લોન જેવા પાત્રો તે સમયના કશ્મીરી મુસ્લીમ યુવાઓના માનસનું પ્રતિનિધિત્વ કરે છે. પુસ્તકમાં બે કશ્મીરી માહોલ આપણને વાચવા મળે છે. એક છે 1947નું કશ્મીર કે જ્યારે પાકિસ્તાન પ્રેરિત આક્ર્મણ થયું. લેખકના મામા ત્યારે આ આપવીતીના સૂત્રધાર છે અને તેઓ તે સમયના કશ્મીર અને આક્રમણકારીઓ દ્વારા કરાયેલા નરસંહારનું વર્ણન કરે છે. તેમના દિકરા રવિ સાથે લેખકને ખૂબ જ બનતું. રવિ સાથેના ઘણા કિસ્સાઓ આ પુસ્તકમાં છે. તો પુસ્તકની શરૂઆતમાં 1990ના સમયમાં કશ્મીરના વાતવરણમાં થયેલા ફેરફારની વાત છે. પાકિસ્તાને તે સમયે કશ્મીરના યુવાઓને ધર્મના નામે ભટકાવવાનું શરૂ કર્યું અને તેમના અધિકૃત કશ્મીરમાં તેઓને ત્રાસવાદની તાલીમ આપી. આ યુવાઓએ હિંદુ લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. એક અજીબ ડરનો માહોલ પેદા કરવામાં આવ્યો. નારા એ તકબીર -અલ્લાહો અકબર’, હમે ચાહીયે આઝાદીના નારા આખી રાત મસ્જિદોના લાઉડસ્પીકરોમાંથી વહેતા રહેતા. કશ્મીરી પંડિતોના ઘર પર પથ્થરમારો કરાતો. તેમના ઘરની દિવાલો પર ધમકીભર્યા પત્રો લગાવવામાં આવતા. આવા વર્ણનોથી આ પુસ્તક ભરેલું છે.


પુસ્તકની શરૂઆતમાં 1990 પહેલાના કોમી એખલાસવાળા કાશ્મીરની પણ અહીં વાત કરવામાં આવી છે. ત્યારે છુટથી હિન્દુઓ પોતાના તહેવારો ઉજવતા. મંદિરોમાં જતા. હિન્દુ-મુસ્લીમ  સાથે જ રહેતા. એકબીજાના ઘરે આવનજાવન રહેતી. પણ 1990 બાદ પંડિતોના ઘર સળગાવાયા. તેમની નિર્મમ કત્લેઆમ થ. સ્ત્રીઓ પર બળાત્કારો થયા. પોતાની ઘરવખરી-સામાન સુધ્ધાં તેમને કશ્મીરથી બહાર લઇ જવા ન દેવાતો. આપણને આ વાંચવું અસહ્ય લાગે પણ ખરી યાતનાઓ તો હવે આવી રહી હતી. જે કશ્મીરી પંડિતોના સ્વમાન અને અસ્તિત્વને ચોટ પહોંચાડનારી બની રહેતી હતી. નિર્વાસિત કેમ્પોની દયનીય હાલત અને કો નવી જગ્યાએ સ્થાયી થવાની જહેમત કશ્મીરી પંડિતોના માનસિક સ્વાસ્થ્યને બગાડી મૂકતી હતી. લેખકે પોતે જેટલા રૂમમાં ભાડે રહ્યા તેના વિશે લખ્યું છે. ઘરમાલિકની શરતો પર જીવન જીવવાનું. ઘર માલિક સાથે થતા ઝગડા. વિજળી પાણીના અભાવે જીવાતા જીવન વિશે વાચતા મન ઉદાસ થ જાય.


આ પુસ્તકના અમુક કિસ્સાઓ-ઘટનાઓ વાંચવા માટે તમારે હિંમત એકઠી કરવી પડશે. પુસ્તકના અંત ભાગમાં રાહુલનું પત્રકારત્વ ઝળકે છે. કશ્મીરમાં થયેલા નરસંહારનો ભોગ બનેલા લોકોના લેખકે ઇન્ટરવ્યુ લીધા છે અને યાતનાઓના ભોગ બનનારની જુબાને તેમની આપવીતી રજુ થાય છે. આ આપવીતીઓ વાંચતા વાંચતા આંખો ભીની થ જાય છે. વિનોદ ધર'નો કિસ્સો આ પૈકીનો એક છે. 2008 બાદ કશ્મીરી પંડિતોનું કશ્મીરમાં પુન:સ્થાપન કરવામાં આવ્યું છે. આ પુન:સ્થાપનનો લેખકે રૂબરુમાં જઇને રિવ્યુ કર્યો છે. જેના તથ્યો ચોંકાવનારા છે.


આ પુસ્તક મૂળમાંથી ઉખડેલા લોકોની વેદના રજુ કરે છે. સમાજ-તંત્ર સામે અસ્તિત્વની લડાઇ લડતા લોકોની આ કથા છે.અહીં પ્રદેશનો ઇતિહાસ છે. તો ક્યાંક સમાજશાસ્ત્ર પણ છે. દરેક ભારતીય એ વાંચવા જેવું આ પુસ્તક છે.આ પુસ્તક પરથી કશ્મીરી પંડિત એવા વિધુ વિનોદ ચોપરાએ શિકારા ફિલ્મ બનાવી હતી. વોટ્સએપ યુનિવર્સિટીના ગેરમાર્ગે  દોરતા ઇતિહાસ  કરતા આ ઇતિહાસ વાંચવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક  છે.


નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે