Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

જ્યાં સૌ વાહનચાલકો 'સાંચોર, સાંચોર' એમ બોકાહા નાખતા હતાં ત્યાં પહોંચી એક ઉત્સાહી જીપવાળાની શટલ જીપમાં ડ્રાઈવરની બાજુની સીટ માંગી અને ખોળામાં અમારો અસબાબ લઈને બેઠાં

1998 પછી 2000ની સાલમાં આ જીવને વળી પાછું રાજસ્થાન સાંભર્યું એટલે અમદાવાદથી એસ.ટી બસમાં બેસી હું અને નલિની પ્રથમ પાલનપુર પહોંચ્યા કારણ કે આ વખતે ઉત્તર ગુજરાતને અડતાં રાજસ્થાનના સરહદી ગામડા કરવાની નેમ હતી.


અરવલ્લીની પર્વતમાળાના પ્રદેશમાં પહોંચતા જ બનાસકાંઠાનો ખડકાળ પ્રદેશ રાજસ્થાન તરફ ખેંચતો હતો આથી પાલનપુરમાં રાત્રિ રોકાણ કરી અમે બીજે દિવસે સવારે પાલનપુરથી સાઈઠેક કિલોમીટર દૂર રહેલા ધાનેરા પહોંચ્યા.


ગુજરાત-રાજસ્થાનનો નકશો લઈને બેસીએ તો બનાસકાંઠાનું ધાનેરા ગુજરાતની ઉત્તરે વાવ-થરાદની ઉપર રહેલું દેખાય અને તેની ઉત્તર-પશ્ચિમે સાંચોર દેખાય આથી અમે ધાનેરામાં જ્યાં શટલિયા જીપનો શંભુમેળો ભરાયેલો હતો અને જ્યાં સૌ વાહનચાલકો 'સાંચોર, સાંચોર' એમ બોકાહા નાખતા હતાં ત્યાં પહોંચી એક ઉત્સાહી જીપવાળાની શટલ જીપમાં ડ્રાઈવરની બાજુની સીટ માંગી અને ખોળામાં અમારો અસબાબ લઈને બેઠાં.


    


તન-મનમાં સાંચોર જવાની ભારે ઉતાવળ તો હતી જ પરંતુ આખી જીપ હકડેઠઠ ભરાય ન ગઈ ત્યાં સુધી જીપવાળાએ જીપ ઉપાડી નહીં. અમને એમ થયું કે જીપમાં વળી ભરી ભરીને કેટલા ભરશે પરંતુ જીપ તો કીડી-મકોડાના રાફડાની જેમ ભરાતી અને ઉભરાતી જ ગઈ અને પછી ઉપડી ત્યારે ડ્રાઈવર સ્ટીઅરીંગની જમણી બાજુ ખાંગો બેસીને એવી રમરમાટીમાં જીપ ચલાવતો હતો કે દર મિનિટે અમને એવું થતું હતું કે હમણાં ગ્યા અને અમારો પ્રવાસી પાળીયો અહીં અરવલ્લીની આડશમાં જ ભો કરવો પડશે.


ગુજરાત-રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આપણા ઉત્તર ગુજરાતના ભીલ અને રાજસ્થાનના રજપૂતો સાથેની શેરીંગ જીપ સડસડાટ જતી હતી અને ભલે Over speedingના અઘરા વળાંકો લેતી હતી પરંતુ અમારા રખડું જીવને તો સરહદ પર રહેતા સ્થાનિકો સાથેની સફર અને અરવલ્લીથી આવતો પવન ગાલ પર ગમતી થપ્પી મારતો હતો તે બહુ ગમતું હતું અને અરવલ્લીના પહાડી દ્રશ્યફલકો અમને તેની નજીક અને નજીક ખેંચી રહ્યા હતાં તે પણ બહુ ગમતું હતું.


શટલ જીપની આવી લોકલ મજા લેતાં લેતાં અમે આવી રીતે ધાનેરાથી સાંચોરના ચાલીશ કિલોમીટર પસાર કરી સાંચોર પહોંચ્યા. આજથી પચ્ચીસ વર્ષ પહેલાના સાંચોરમાં કોઈ આરામદાયક હોટલ તો નોહતી એટલે અમે એક જૂનવાણી બાંધણીના ગેસ્ટ હાઉસમાં ઉતર્યા.

   

સામસામે લોખંડના બે પલંગ હોય અને ગેસ્ટ હાઉસની સળિયા વાળી નાની નાની લાકડાની બારીઓ રોડ તરફ પડે તેવું રસ્તાની ધારે રહેલું ગેસ્ટ હાઉસ હતું અને વ્યસ્ત રોડનો પુરાવો આપતાં જાલીમ અવાજો પણ આવતાં હતાં પરંતુ એ વર્ષોમાં અમે રોડ પરના આવા ગેસ્ટ હાઉસ-રેસ્ટ હાઉસમાં જ ઉતરવાનું પસંદ કરતાં જેથી 24x7 જાગવું પડે તો અમને સલામતી ફીલ થાય.





રૂમ અને તેની જરૂરી સગવડતાઓ જોઈ લીધા પછી અમે સૌ પ્રથમ તો દોરીએ પેન બાંધી હોય તેવા મોટા ચોપડામાં સાચા નામ-સરનામાની એન્ટ્રી કરી અને બપોર પછી સાંચોરના પ્રાચીન જૈન મંદિરે ગયા જે અત્યારે શ્રી સત્યપુર જૈન તીર્થ તરીકે ઓળખાય છે કારણ કે સાંચોરનું પ્રાચીન નામ સત્યપુરી હતું અને આ જૈન મંદિર તેના આરસપહાણના સ્થાપત્યમાં અનેક ઐતિહાસિક કથાઓ લઈને જીવતું હતું.


આ વખતે તો મારી પરમ ઈચ્છા રાજસ્થાનના ગ્રામ્ય જીવનને ઝીલવાની હતી નહીં કે નહીં તો સ્થાપત્યો-ખંડેરોને. આથી બીજી સવારે સાંચોરના સરહદી ગામડાઓ તરફ નીકળી જઈ ચાલતાં ચાલતાં ગાર લીપેલા આંગણા વાળા ઘરોના backgroundમાં રાજસ્થાની સ્ત્રીઓ અને બાળકોની ભરપુર photography કરી. મીણા વાળી સોનાની નથ અને ગળામાં સ્ફટીકની માળા ઉપરાંત જીણા મોતીનો ગળબંધ પહેરેલી રાજસ્થાની સ્ત્રીઓના વ્યક્તિચિત્રો ધીમે ધીમે મારી ઝોળીને માલામાલ કરતાં હતાં. કાંખમાં છોકરું તેડેલી અને મારવાડી અને સાંચોરી બોલતી રાજપૂત સ્ત્રીઓએ કાળા તલ જેવા છૂંદણા ત્રોફાવ્યા હતા અને ખૂબ ઘેરવાળા ઘાઘરા અને અટલસના પોલકા ઉપર, કોરે સફેદ મોતી ટાંકેલી, ફુલ-ફુલ વાળી ચૂંદડીઓ નાખી હતી.


ચાલતાં ચાલતાં જ્યારે અમે એક ગાર લીપેલા ઘરના આંગણે ભા રહ્યા ત્યારે દેશી નળિયા વાળા એ ઘરે અમને એક સાથે બે-ત્રણ સ્ત્રીઓના સંયોજનો મળ્યા અને ગળામાં ચાંદીની ભારેખમ હાંસડી, પગમાં ચાંદીના તોડા અને આખા હાથમાં હાથી દાંતના ચુડલા પહેરેલી ઊંચી પડછંદ રાજસ્થાની સ્ત્રીઓના એ સંયોજનોમાં વળી ઘરના ફળિયે જમીનની સમાંતરે રહેલા માટીના પાણીઆરા પર ખૂબ મોટા માટલાઓએ મને ગમતું background આપ્યું ત્યારે રાજસ્થાનના ઘર-ફળીયાના Indigenous architecture પર હું વારી ગઈ અને આ ethnic compositions અને candid momentsને ઉતાવળે જીલવામાં મેં કેટલીક Technical ભૂલો પણ કરી.


એ ભૂલો તો માફ છે પણ ઉત્તર-પૂર્વે ઝાલોર, દક્ષિણ-પશ્ચિમે સિરોહી અને પશ્ચિમે બાડમેરથી ઘેરાયેલા સાંચોરના અંતરિયાળ ગામડાઓને ચાલતાં ચાલતાં explore કરવાનો આનંદ ખાસ્સો રખડું હતો અને તેને continue કરવા અમે એક સવારે સાંચોરની ઉત્તરે ઓગણીસ કિલોમીટર દૂર રહેલા સિવાડા ગામ જવા માટે સાંચોરના બસ સ્ટેન્ડ પર ગયા અને હજી કેમેરા તો કેમેરા બેગની અંદર આરામ કરતો હતો ત્યાં મને એક ગમતું સંયોજન મળ્યું જેમાં એક લારી આગળ ત્રણ રાજસ્થાની સ્ત્રીઓ જાણે કોઈએ arrange photography માટે ગોઠવી હોય તેવા Studio compositionમાં બેઠી હતી.





લાલ ગોઠવાળા અટલસી ઘાઘરા, લો-નેક બ્લાઉઝ અને અતરંગી ઓઢણીઓમાં મલકતી આ સ્ત્રીઓ પાછળ વળી ગાંઠ વાળેલા ત્રણ પોટકાઓ પડ્યાં હતાં એટલે મેં જમણે હાથે રહેલી લારીના પૈડા સાથે એ ત્રણ સ્ત્રીઓને જીલી ત્યારે મને આખા રાજસ્થાનના ગ્રેસને ઝીલ્યા જેટલો આનંદ થયો.


વિષય, પ્રકાશ અને સંયોજનના આખા ખેલને આમ કચકડે મઢતા અમે એક ગામને છેડે, બાવળિયાની કાંટ વચ્ચે thatched roofing વાળો એક ભૂંગો જોઈ ગયા અને એ કૂબાના આંગણે સફેદ પહોળું બાંડિયુ, સફેદ ધોતિયું અને પાઘડી પહેરેલા મૂછાળા દાદાને પણ લાકડાની ત્રણ થાંભલીયુની અગ્રભુમાં તાંબા-પીતળના બે-ત્રણ લોટા વચ્ચે જોઈને મેં એવા ક્લિક કર્યા કે જ્યારે તેમના હાથમાં ખાખી બીડી અને બાકસ હતા અને જમણી બાજુ ખાટલી પર પડેલી મોટા ટેભા-ટાંકા વાળી  ગોદડિયુંનો ઢગલો હતો.


આવી Candid clickની ચીલ ઝડપ કરતાં કરતાં અમને ખબર ન રહી અને અમે ગામની બહાર સુધી પહોંચી ગયા.એક તો સાંચોરનો આ અર્ધશુષ્ક ગોડવાડ પ્રદેશ અને તેમાં ભર બપોરે અમે તેના પીળી માટીના એવા પ્રદેશે પહોંચ્યા જ્યાં દૂર સુધી એક પણ ઘર-ખોરડું દેખાતું નહોતું અને અમુક અંતરે પીલુડીના ઝાડ હતાં.અમે ગોડવાડના આ સપાટ મેદાની ઈલાકામાં પીળા રંગની માટી માથે ઉગેલી પીલુડીને વળગીને પીલુ ખાતા ઊંટની આખી વણઝાર જોઈ અને એ વણઝારને હજી તો સંયોજુ ત્યાં પીળી માટી પર ઊંટના ઊંચા કાળા પડછાયાનું સંયોજન મારી રાહમાં હતું.


હતું એવું કે એક કિશોર વયનો છોકરો અનેક ઊંટ લઈને જતો હતો અને એમાંથી મારે તે છોકરા સાથે એક ઊંટ, તેનો પડછાયો અને એક ઊંટ વગર ઊંટનો પડછાયો પીળી માટીની reflective surface પર જીલવાની ભારે creative ઈચ્છા હતી અને એટલે Vertical compositionમાં આકાશ અને ધરતીની Fifty-Fifty હાજરીમાં જ્યારે આ તસવીર જીલી ત્યારે તે રોલને ભાવનગર જઈને પ્રિન્ટ કરાવાની ભારે ઉતાવળ હતી અને આજે પચ્ચીસ વર્ષ પછી હું આ સંયોજનને જોવ છું તો એમ થાય છે કે મને એ વર્ષોમાં પણ compositionની થોડિક sense તો હતી.





Anyways, પણ કોઈપણને આવી કલાત્મક સમજ આપે તેવો એ વિસ્તાર હતો.દૂર સુધી નજર નાખતા પીળી માટી પથરાયેલી હતી અને તેના પર ક્યાંક ક્યાંક પીલુ, પીલુડી કે પીલુવાના વૃક્ષો હતાં જેને રણ પ્રદેશના લોકો દૈવી વૃક્ષ પણ કહે છે.અમે તો આ દૈવી વૃક્ષ સાથે ઊંટની આખી વણઝારને જોઈ-જીલી અને રાજસ્થાનના આવા વેરાન અને સુક્કા લેન્ડસ્કેપને ઊંટ સાથે સંયોજી ફરી એ જ રસ્તે ગામમાં પ્રવેશી ગામને ચોરે ગયા જ્યાં બસ આવવાની હતી.


ગામના ચોરે જઈને જોયું તો એક વડલો હતો જેના ગોળ ઓટલે રૂપેરી ફૂલ ટાંકેલી ગુલાબી ઓઢણી અને ઘેર વાળો ઘાઘરો પહેરેલી એક સ્ત્રી, બસની રાહમાં, તેની ગળી ભૂરું ફ્રોક પહેરેલી દીકરી સાથે બેઠી હતી.થયું એવું કે ક્યાંય સુધી બસ ન આવતાં અમે તો વડલાના ઓટલે એસ.ટી બસની રાહ જોતાં લોકોને મળ્યા, વાતો કરી અને ફોટા પાડિ વળી એકાદ શટલિયા જીપ કે ખખડ-બખડ બસમાં બેસીને સાંચોર તરફ જતાં હતાં ત્યાં એક ઘરના આંગણે લગ્નની ધમાલ જોઇને અમે શટલમાંથી ઉતરી ગયા કારણ કે અમારી આઈટીનરી તો આમ રામભરોસે જ ચાલતી હતી.


મજા એ હતી કે એ લગ્ન વાળા ઘરના ફળીયે પીત્તળના સિક્કા જડેલું ગાડું હતું અને માહોલ આખો ડબલ એથનિક હતો.રાજપૂત સ્ત્રીઓ લાજના ઘૂમટા અંદર રહીને ગીતો ગાતી હતી અને હાજર સૌ અમને ધારી ધારીને જોઈ રહ્યા હતાં.બહુ બધા લોકો વચ્ચે હું ધરબાઈ ગઈ આથી કામ બહુ ન થયું પરતું હાજર હતાં તેમને પૂછીને કેટલાક ગામોના નામો અમે ડાયરીમાં ટપકાવી લીધા અને બીજી સવારે સીધા ત્યાં જ ટપકવું એવું નક્કી કરી ફરી સાંચોર ભણી પ્રયાણ કર્યું અને રોડ પરના અમારા ગેસ્ટ હાઉસ પર પહોંચી આખા દિવસની અલગારી રખડપટ્ટીની નોંધ કરી અમે રોડ પર પસાર થતાં  ભારવાહક ખટારાના અવાજની ઓથે સુઈ ગયા તે વહેલી પડે સવાર.

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.