Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે પોતાના પક્ષની સરકારના શાસન હેઠળ ઘટેલી આ સતીની ઘટનાની નીંદા કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું. એ દરમિયાન સતીની ઘટના જ્યાં થઇ હતી એ જગ્યાને કોર્ડન કરી સુરક્ષિત કરાઈ હતી.

સપ્ટેમ્બર ૧૯૮૭,  નવી દિલ્હી.


     રાજ્યકક્ષાના કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી માર્ગારેટ આલ્વા મંત્રીપદેથી રાજીનામું આપવા નીકળ્યા. વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમણે કહ્યું કે મારું રાજીનામું સ્વીકારી લો. હવે હું આ બાબતમાં વધુ બચાવ કરી શકીશ નહીં. વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું કે તમારે ક્યાં  રાજીનામું આપવાની જરૂર છે. રાજીનામું તો એ વ્યક્તિએ  આપવાનું છે જે આના માટે જવાબદાર છે. આમ જણાવ્યાં પછી તેમના કાર્યાલયમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી હરીદેવ જોશીને ફોન જોડવામાં આવ્યો. વડાપ્રધાને નારાજગી સાથે  મુખ્યમંત્રીને કહ્યું કે- મુખ્યમંત્રીજી,  તમારા કારણે મારે નીચા જોવાનું થયું છે માટે તમે આજે જ રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું આપી દો.આમ સૂચના અનુસાર હરીદેવ જોશીએ રાજીનામુ આપ્યું. આ કયો મામલો હતો કે જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રીની સત્તા ચાલી ગઈ.જો કે હરીદેવ જોશી કમભાગી જ હતા કે ત્રણ ત્રણ વાર રાજસ્થાનના મુખ્યમંત્રી  રહેવા છતાં તે ક્યારેય પોતાનો સમગ્ર કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.  



 આ મામલો હતો રાજસ્થાનના સિકર  જિલ્લાનો.  ૪ સપ્ટેમ્બર, ૧૯૮૭ના રોજ દેઓરાળા ગામમાં માલસિંહ નામના યુવકનું મૃત્યુ થયું.ખરી ઘટના આ યુવાનના મૃત્યુ બાદ ઘટી. સાત મહિના પૂર્વે જ આ યુવાનના લગ્ન થયા હતા. તેની પત્ની ૧૮ વર્ષની રૂપકંવર ધોરણ- ૧૦ સુધી ભણેલી હતી. પતિના મૃત્યુ બાદ રૂપકંવર પણ પતિની ચિતા પર સળગીને મૃત્યુ પામી. તે ભારતની સત્તાવાર રીતે છેલ્લી સતી  થયેલ સ્ત્રી હતી. આમ તો ૧૮૨૯માં જ બ્રિટિશરો દ્વારા સતી પ્રથા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો લાવવામાં આવેલો તેમ છતાં દેશના ખૂણે-ખાંચરે  ગ્રામ્ય સ્તરે આ સતી પ્રથા આઝાદી બાદ પણ ચાલુ રહી હતી. પરંતુ આ ઘટનાથી દેશમાં ખળભળાટ મચી ગયો.વિરોધ પક્ષ અને મહિલા સંગઠનોએ આ મુદ્દા  પર  આક્રમક વિરોધ પ્રદર્શનો કર્યા. રાજ્ય અને કેન્દ્રમાં સત્તા પર રહેલી કોંગ્રેસ પાર્ટી ભીંસમાં આવી ગઇ.  



 હરીદેવ જોશી કેમ આમાં નિશાના પર આવ્યા?  તો વાત એમ બની હતી કે રાજસ્થાનમાં પણ તે સમયે કોંગ્રેસ સરકાર હતી. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે પોતાના પક્ષની સરકારના શાસન હેઠળ ઘટેલી આ સતીની ઘટનાની  નીંદા કરી  અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેમ પણ  જણાવ્યું. એ દરમિયાન સતીની ઘટના જ્યાં થઇ હતી  એ જગ્યાને કોર્ડન કરી સુરક્ષિત કરાઈ હતી. તેમ છતાં ઘટનાના તેરમા દિવસે લાખો લોકોનું ટોળું તે જગ્યા પર ભેગું થયું. મેળો જામ્યો. લોકોએ ઉજવણી કરી. આ તમામનું  ટી.વી. પર પ્રસારણ  થયું.દેશ-દુનિયા એ આ દ્રશ્યો જોયા  અને મુખ્યમંત્રીની  નિષ્ફળતા બહાર આવી ગઈ. 
  


   આ ઘટનાથી કેન્દ્ર સરકારે સતી પ્રથા પર પ્રતિબંધ માટે  વિધેયક  લાવવા વિચારણા આરંભી  અથવા કહો કે વિચારણા કરવી પડી. સતી પ્રથા પર કડક કાર્યવાહી કરવાથી જે સમાજ આ  સતીપ્રથાને પૂજનીય-સન્માનનીય ગણતો હોય તેના મતો ગુમાવવાનો વારો  આવે તેમ હતો. વોટ બેંક માટે દરેક પક્ષ સંવેદનશીલ જ હોય છે. તેથી તે સમયે રાજીવ ગાંધી  સરકારમાં સિનિયર મંત્રીઓ એ  આ બાબતમાં મનોમંથન કર્યું. અંતે મતોનું રાજકારણ એક બાજુ કરીને પક્ષની  વિચારધારાને ધ્યાને રાખતા આ અંગેનું વિધેયક સંસદમાં લાવવાનો નિર્ણય થયો. 


    આ વિધેયકની વિચારણાથી લઇને તેની રજૂઆત સુધી સારો એવો સંઘર્ષ થયો હતો. વિધેયક લાવવાનું નક્કી થયા બાદ આ વિધેયક સંસદમાં કયો વિભાગ અને તેના મંત્રી રજૂ કરે તે મામલે મતભેદ શરૂ થયા. તત્કાલિન ગૃહ સચિવનું માનવું હતું કે સ્ત્રીની સતી થવાની ઘટના એ સ્ત્રીના અસ્તિત્વને લગતો મુદ્દો છે માટે આ વિધેયક મહિલા અને બાળ વિકાસ વિભાગે જ સંસદમાં રજૂ કરવુ જોઇએ પણ બીજી  બાજુ રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રીનું માનવુ  હતું કે સતી પ્રથા એ વ્યક્તિની હત્યાથી જોડાયેલી બાબત છે અને ક્રિમિનલ પ્રોસિઝર કોડ (CrPc)માં આ અંગે નાનકડો સુધારો લાવવાથી સતી પ્રથા સામે કડક કાર્યવાહી કરી શકાશે. આ મામલો બંને વિભાગો વચ્ચે ફૂટબોલ બની ગયો. અંતે વડાપ્રધાને પોતે આ બાબતમાં દરમિયાનગીરી કરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગે જ ‘ધ કમિશન ઓફ સતી (પ્રીવેન્શન) એક્ટ’  સંસદમાં રજૂ કર્યો  અને અંતે સતી પ્રથા રોકતો કાયદો બન્યો. જ્યારે રાજ્ય કે કેન્દ્રીય સ્તરે કાયદો –વ્યવ્સ્થાના પ્રશ્નો ઉદભવે છે ત્યારે આ બાબતે કોઇ કડક કાયદો લાવવાની સરકારને ફરજ પડતી હોય છે.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે