Fear of insecurity in a crowded train, an incident
મેં અને મારી ભત્રીજી નેહા ત્રિવેદીએ 1998માં ગોઠવેલી ઉદયપુર, જોધપુર, જેસલમેર, સવાઈ માધોપુર અને જયપુરની ટ્રાવેલ સર્કિટમાં ક્યારેક પ્રાઈવેટ તો ક્યારેક રાજસ્થાન રાજ્ય પરિવહનની બસનો ઉપયોગ કર્યો હતો પરંતુ મહદ્અંશે તો અમે Train travel જ કર્યું કારણ કે ટ્રેઈનની મુસાફરી વધુ પ્રિય હતી.એટલું જ નહિ રાજસ્થાનના arid landscapesને ટ્રેઈનની બારીમાં બેસીને નિરાંતે અવલોકવા હતાં; ‘ચાઈ, ચાઈ’ના અવાજોને બારીમાં બેસીને પીવા હતાં અને સાથે લાવેલા પુસ્તકને ટ્રેઈનની Window seatની નરી બાદશાહીમાં બેસીને જ વાંચવું હતું.
ટ્રેઈન ટ્રાવેલના આવા અભરખા વચ્ચે જ્યારે જેસલમેરથી સવાઈ માધોપુરની બાર-પંદર કલાકની ઓવર નાઈટ ટ્રેઈન જર્ની કરી ત્યારે અમારી પાસે On the spot બુક કરેલી ટીકિટ તો જનરલ ક્મ્પાર્ટમેન્ટની જ હતી પરંતુ જનરલ ડબ્બામાં બેસવાનો અનુભવ નહિ અને જનરલ ક્મ્પાર્ટમેન્ટમાં ચડી જ ન શકાય એવી ભારે ભીડ જોઈને અમે રેલ્વેના એક કર્મચારીની મદદ વડે રીઝર્વેશન વાળા ક્મ્પાર્ટમેન્ટમાં ચડ્યા અને તે કર્મચારીની સલાહ મુજબ સૌથી ઉપરની બર્થ પર જઈને બેઠા અને થયું કે ગંગ ન્હાયા પરંતુ રાત પડતાં એ જ કર્મચારી અમારી સામેની સૌથી ઉપરની બર્થ પર આવ્યા અને અમને ઘૂરવાનું શરુ કર્યું. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ અમને પણ રોકિ ન શકાય તેવા જાલીમ જોલા આવવાના શરુ થયા અને અમારો ડર વધવા લાગ્યો કારણ કે અમે મદદ તો લીધી પરંતુ મદદ કરવા વાળાનો આવો ઈરાદો હશે તે અમારા બંનેમાંથી કોઈએ વિચાર્યું નોહતું.
જેસલમેરથી સવાઈ માધોપુરની એ ઓવર નાઈટ જર્નીમાં રાતના એવા કલાકો પસાર કર્યા કે જેમાં નવેમ્બરની ટાઢી બોળ રાતના ટ્રેઈનના ભરચક ડબ્બામાં સૌ મડદા માફક સફેદ કફન જેવી ચાદર માથે ઓઢીને સુઈ ગયા હતાં અને ડિમ લાઈટનો સન્નાટો પડખું ફરવા પણ તૈયાર નોહતો.સૌથી ઉપરની એક બર્થમાં હું અને નેહા બંને ઉભડક જીવે ટૂંટિયું વળીને વારે વારે નીચે જોયા કરીએ કે નીચે ક્યાંક જગ્યા હોય તો પાથરીને પડ્યા રહીએ પરંતુ નીચેની બર્થ વચ્ચે પણ અમારી જેવા બીજા એક-બે સુઈ ગયા હતાં અને સામેની બર્થ પર તો ઓલા અજાણ્યા ભાઈ ફણીધર સાપ માફક જાણે ફેણ કાઢીને અમને ઘૂરકતાં બેઠા હતાં.
આવી સ્થિતિમાં રાતનો એક એક પ્રહર અમે ભયના ઓથાર નીચે પસાર કર્યો કારણ કે જેણે અમને આ રીઝર્વ ડબ્બામાં બેસવાની વ્યવસ્થા કરી આપી હતી એ માણસની ખરાબ નજર અમારાથી હાથવેંત જ દૂર હતી એટલે બર્થમાં આરામથી સુઈ જવાની વાત તો બાજુએ રહિ પરંતુ અમે, ફઈ-ભત્રીજી આખી રાત જાગ્યા અને રાજસ્થાન પ્રવાસની એ સૌથી ડરામણી રાત પસાર કરી.સવાર પડતાં જ જાણે અમને કોઈએ મુંઢમાર માર્યા હોય તેવા થાકેલા હતાં અને ઊંઘનું હેન્ગોવર પણ એટલું જ ફિવરીશ હતું.
અમારી અસલામતીની આ આખી ઘટનાને આટલા વર્ષો પછી પણ વિઝ્યુલાઈઝ કરું છું તો એ ક્ષણો હજી ભયભીત કરીને કહે છે કે ભારતના અમુક પ્રદેશોમાં બધું બરાબર જાણ્યા વગર અજાણ્યાની મદદ ન લેવી કારણ કે સજ્જનતાથી મદદ કરવા આવેલો શખ્સ કોઈ અકળ ક્ષણે ક્યારે કોઈ અનપેક્ષિત ખેલ દેખાડે તે કળી શકાતું નથી.પ્લસ એકલી ટ્રાવેલ કરતી બહેનોની essential હિંમતને જુદા એંગલથી જોતાં તકસાધુઓને ઓળખી આપણે શું કરવું અને શું ન કરવું એ પણ મોટી ચેલેન્જ છે અને મૂળ વાત એ છે કે આપણે તો પ્રવાસનો આનંદ ઉઠાવવા નીકળેલા અલગારી છીએ નહિ કે આવા પડકારો પાર પાડવા નીકળેલા કોઈ ચેલેન્જર.
તેમ છતાં રાજસ્થાનના આ પ્રવાસમાં આવી ઘટનાઓએ અમારો પીછો છોડ્યો નોહતો. ઉદયપુરથી જોધપુરનો પ્રવાસ તો ખડખડ પાંચમ જેવી બસની છેલ્લી સીટમાં ઉછળતાં-કુદતાં પસાર કર્યો પરંતુ પછી જયારે જોધપુરથી જેસલમેર જવાનું હતું ત્યારે ફરી અમે કુલ છ-સાત કલાકની ટ્રેઈન જર્ની કરી. એ મુસાફરી પછી અમે જેસલમેરના રેલ્વે સ્ટેશન પર ઉતર્યા ત્યારે રાજસ્થાન ટુરીઝમના સહયોગથી ભારતીય રેલ વિભાગે 1982માં શરુ કરેલી સૌથી પહેલી રજવાડી ટ્રેઈન, Palace on wheels જેસલમેરના પ્લેટફોર્મ પર ઠાઠથી ઊભી હતી અને સારંગી, રાવણહથ્થા, મોરચંગ અને ઢોલ જેવા રાજસ્થાની વાદ્યોથી પેલેસ ઓન વ્હીલ્સ દ્વારા જેસલમેર આવેલા પરદેશી પ્રવાસીઓનું હારતોરાથી સ્વાગત થતું હતું.
સાત રાત અને આઠ દિવસના પેકેજમાં નવી દિલ્હીથી શરુ કરી જયપુર, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, ઉદયપુર, જેસલમેર, જોધપુર, ભરતપુર-આગ્રા અને ત્યાંથી ફરી નવી દિલ્હી પાછી ફરતી આ વૈભવી ટ્રેઈનને ગમે તેમ કરીને પણ અમારે અંદરથી જોવી હતી એટલે નેહાએ મરુન જોધપુરી પહેરેલા Palace On Wheelsના એક attendantને વિનંતી કરી અને અમે એ રોયલ ટ્રેઈનનું એક અનઓક્યુપાઈડ કમ્પાર્ટમેન્ટ જોયું અને Luxurious travelling કોને કહેવાય તેના દર્શન કરીને જેસલમેરમાં ક્યાં રહેવું તેની કસરત આરંભીને એક હોટલમાં ઉતારો લીધો.
બીજે અને ત્રીજે દિવસે ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસુઓને પ્રિય એવો વુડ ફોસિલ પાર્ક, પ્રખ્યાત સોનાર કિલ્લો અને જેસલમેરના ગવર્નમેન્ટ મ્યુઝીયમ જઈ પહેલી વખત રોક કટ ક્રોકરી જોઈ. ત્રણ અનન્ય હવેલીઓ, પાંચ માળનો તાજીયા આકારનો બાદલ મહેલ અને મને અતિપ્રિય બડા બાગની છત્રીઓ પર ઢળતી સાંજના પીળા પ્રકાશને કેમેરામાં ઉતાર્યો અને જ્યારે એક રાત સમ સેન્ડ ડ્યુન્સમાં વિતાવી ત્યારે સમિયાણામાં માણેલા સંગીત અને ભોજન સાથે ફરી એક ચિંતા વાળા ઉજાગરાની રાત અમારી રાહ જોતી હતી એ ખબર નોહતી.
થયું એવું કે જેસલમેરની Sam Sand Dunesની કેમલ રાઈડ સહિતની સફારીના પેકેજમાં અમે કેમલ રાઈડ લીધી અને રેંતિના ઢુંવા પર ઢળતી સાંજના કેસરીયા પ્રકાશમાં ઊંટ સાથેના છાયાચિત્રના ફોટા પણ પાડ્યા.એ પછી અવનવા પ્રવાસીઓ સાથે રાજસ્થાની ભોજનની મજા માણી અને રાત્રે સમિયાણામાં જ ગોઠવેલા ફોક ડાન્સ અને ફોક સોંગને જોઈ-સાંભળી હું અને નેહા રેંતિના એકાદ ઢુંવા પર બેઠા હતાં ત્યાં અમારા સહપ્રવાસીઓમાં જે બે મેરીડ કપલ હતાં તેમાંના ભાઈઓએ દારૂ પીવાનો શરુ કર્યો એ અમે જોયું અને અમને ફરી અસલામતીનો એ જ ભય સતાવવા લાગ્યો કે બરાબર બાજુમાં રહેલા આપણા ટેન્ટમાં આ દારૂ પીધેલાઓ ઘુસી જશે તો ! આવા ભય સાથે અમે મોડી રાત સુધી જાગ્યા અને જયારે દારૂના નશામાં લથડીયા ખાતા બંને પુરુષો પોતપોતાના ટેન્ટમાં ગયા એ પછી અમે અમારા ટેન્ટમાં સુવા ગયા.
વન્યજીવન અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને મને સૌથી વધુ લગાવ છે તેવા પુરાત્તત્વિય સ્થાપત્યોને ધ્યાનમાં લઈને ડિઝાઈન કરેલા આ પ્રવાસમાં રાજસ્થાનના જેસલમેર પછી પિન્ક સિટી જયપુરના સ્થળોને એક્સ્પ્લોર કર્યા અને એક બપોરે 'કુછ કુછ હોતા હૈ' ફિલ્મ જોવાનું મન થયું. નેહા જયપુરના પ્રખ્યાત રાજ મંદિર નામના થિયેટરની બહાર અડધી-પોણી કલાક લાંબી લાઈનમાં ટીકિટ લેવા ઊભી રહિને અમે આઉટ ઓફ ધ આઈટીનરી એક ફિલ્મ પણ જોઈ જયપુરમાં હોવાને વધુ યાદગાર બનાવી રાતની જયપુર-અમદાવાદ ટ્રેઈનમાં બેઠા ત્યાં સુધી અમારી ટીકિટ કન્ફર્મ નોહતી થઈ અને અમારે ફરી લડી લેવાનું હતું.
એવું લડી લેવામાં અમે જયપુર-અમદાવાદની રાતની મુસાફરીના રીઝર્વ ડબ્બામાં ચડ્યા તો ખરા પરંતુ કોઈકે ઘરેથી કાઢી મુક્યા હોય તેમ ઉભા રહ્યા.લાગતાં હતાં તો ભણેલા-ગણેલા અને હતાં પણ એટલે કોઈએ અમને અપમાનિત કરીને એ compartmentમાંથી હાંકી તો ન જ કાઢ્યા પણ સૌને થોડી અગવડતાં તો પડતી હતી એ અમને દેખાતું હતું આથી ટ્રેઈનમાં ડિનર પછી સૌ સગેવગે થયા અને જળ જંપ્યા એટલે અમે બંનેએ Compartmentના અવર-જવરના મુખ્ય માર્ગે છાપા પાથરી અમારી શૉલ બિછાવી અને સાવ સાંકડી ગલીમાં સુઈ ગયા કારણ કે આખા દિવસની રખડપટ્ટીનો થાક તો હતો જ.
આખી રાત વોશરૂમ જવા માટે ઉઠતાં પ્રવાસીઓના પગના તળિયા જીલ્યા એટલે ઊંઘ તો તૂટી જ અને એવું પણ થયું કે ડબલ ડેટોલથી ન્હાશું પણ અત્યારે તો મૂંગા મોઢે પડ્યા રહેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.આવી ઉપાય વગરની બેઘર જેવી રાતની વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ એક પરિવારના વડિલ બેને અમને બંનેને આપણી મા પ્રેમથી ઉઠાડે તેમ ખેવનાપૂર્વક ઉઠાડિ અને કહ્યું કે તમે બંને અમારી બર્થ પર સુઈ જાવ.
તેઓની બર્થ પર સુઈ જવાનું કહી એ પરિવાર જ્યારે પોતે પોતાના સ્ટેશન પર ઉતર્યો ત્યારે ઈશ્વરે, જાણે, રાજસ્થાનના આ પ્રવાસમાં બનેલી બધી Insecure ઘટનાઓ પર પડદો પાડી અમને Convey કર્યું કે એકલી પ્રવાસતી બહેનો-દીકરીઓ માટે મુસાફરી એટલી સહેલી અને ક્યારેક સિક્યોર પણ નથી તેમ છતાં પ્રવાસનો દરેક પડાવ એક નવો પાઠ છે. જીવનનું એક તદન નવું પાનું છે અને અવિસ્મરણીય સ્મરણોની એક નવી સવારી પણ છે જે આપણને ફરી બીજા પડાવે લઈ જઈ, ગંતવ્યે પહોંચાડી, યાત્રા પૂર્ણ કરાવે છે અને Naomi Simson નામની ઓસ્ટ્રેલિયન આંત્રપ્રિન્યોર માફક કહે છે કે Live what you love કારણ કે તો જ જીવનને અર્થ મળે છે.આપણી ક્ષમતાને દિશા મળે છે અને આપણે આપણી passionને ચેનલાઈઝ કરી ગમતું જીવી શકીએ છીએ અને વસ્તુઓની બદલે સ્મરણો એકઠા કરી જીવન સંધ્યાને કાંઠે બેસી બંને કિનારાને સાક્ષી ભાવે જોઈને કહિ પણ શકીએ છીએ કે,
‘ It is better to collect memories than things.’
[ ક્રમશઃ ]
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.