Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

મુંબઈમાં દરજીકામ કરતા કે. આસીફને એવી તે કેવી શ્રદ્ધા હતી કે દસ વર્ષ સુધી અનેક ઠોકરો ખાધા પછી પણ તેમણે 'મુઘલ-એ-આઝમ' ફિલ્મનું કામ પડતું નહીં મૂક્યું અને પોતાની શરતે જ ફિલ્મ બનાવી ?

ઇટાવા, ઉત્તર પ્રદેશથી નીકળેલો એક યુવાન મોહમયી નગરી મુંબઈ આવે છે. તેણે મુંબઈમાં દરજીકામ શરૂ કર્યું. રોટલા-ઓટલાની શોધમાં મુંબઈ આવતા ઘણા યુવાનો આ શહેરમાં શરૂઆતમાં જે પણ કામ મળે તે લઈને સ્થાયી થવાનો સંઘર્ષ કરતા રહેતા હોય છે. આ યુવાન હતો દરજી પણ ભવિષ્યમાં તે  કપડાં નહીં પરંતું  વાર્તાઓને  કુશળતાપૂર્વક ફિલ્મોમાં સીવી લેવાનો હતો. એટલે કે તેના હાથમાં યાદગાર ફિલ્મોનું દિગ્દર્શન લખાયેલું હતું. આ યુવાન એટલે કરીમુદ્દીન આસિફ, જેને હિન્દી ફિલ્મ જગત કે. આસિફના નામે ઓળખે છે. જેમણે ‘ફૂલ’, ‘હલચલ’,  ‘મુઘલ-એ- આઝમ’ જેવી ફિલ્મો દિગ્દર્શિત કરી.


જોકે આજે આપણે તેમના મહાન સર્જન મુઘલ-એ-આઝમની વાત કરવાની છે. આ ફિલ્મના 5 ઓગસ્ટ, 1960ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. મુંબઈના ખ્યાતનામ થિયેટર મરાઠા મંદિરમાં તેના ભવ્ય પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ આંજી નાખે તેવા પ્રદર્શન પાછળ કેટલા વર્ષનો સંઘર્ષ—પરિશ્રમ- ધીરજ રહેલા હતા તેનો સૌને ખ્યાલ નહોતો. કારણ કે આ ફિલ્મ બનતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. હિન્દી ફિલ્મજગતમાં જ્યાં ડેવિડ ધવન જેવા ફિલ્મી નિર્દેશકો 30થી 35 દિવસોમાં આખી ફિલ્મ બનાવી લેતા  હોય છે ત્યાં કે. આસિફે  નિર્દેશ  10 વર્ષ આ એક ફિલ્મ પાછળ ખર્ચ્યા હતા! જોકે એક ફિલ્મ પૂરી કરવામાં આટલો બધો સમય કેમ લાગ્યો ? આખરે શું થયું હતું આ દસ વર્ષોમાં ? ચાલો જોઈએ.


1944માં ફૂલ અને ત્યારબાદ હલચલ ફિલ્મ બનાવ્યા બાદ કે. આસિફ કંઈક બડા કરવાની ફિરાકમાં હતા. હકીકતમાં તેમને અકબરનું પાત્ર ઘણું ગમતું હતું તેથી તેની ઉપર કોઈ ભવ્ય ચલચિત્ર બનાવવું તેવી તેમની મહેચ્છા હતી. પોતાની મહત્વકાંક્ષી ફિલ્મ માટે કે. આસિફે વર્ષ 1922 અને ત્યારબાદ 1931માં ઈમ્તિયાઝ અલી તાજ દ્વારા લખાયેલ નાટક ‘અનારકલીનો આધાર લીધો હતો. કે. આસિફ અને અમાનુલ્લાખાન (ફિલ્મ અભિનેત્રી ઝિન્ન્ત અમાનના પિતા)એ મૂળ નાટકને વધુ રસપ્રદ બનાવતા કેટલાક ફેરફારો કરી અને ફિલ્મની વાર્તા લખી હતી. જેના યાદગાર સંવાદો કમલ આમરોહી તથા અમાન અને અહેસાન રિઝવીએ લખ્યા હતા.


જોકે ભવ્ય ફિલ્મ માટે બજેટ પણ ભવ્ય જોઈએ. આ ફિલ્મના બજેટને લઈ કે. આસિફને નિર્માતાઓ સાથે પહેલા દિવસથી સંઘર્ષ ચાલુ થઈ ગયો હતો. કે. આસિફની આ ખર્ચાળ  ફિલ્મ માટે તેમને સિરાઝ અલી હકીમ કે જેઓ મહાલક્ષ્મી, મુંબઈ ખાતેના સીને સ્ટુડીઓના માલિક હતા તેનો સાથ મળ્યો હતો. સૌપ્રથમ આ ફિલ્મમાં અકબરની ભૂમિકા માટે અભિનેતા ચંદ્રમોહન, જોધાબાઈની ભૂમિકા માટે દુર્ગા ખોટે,  સલીમના તરીકે સપ્રુ અને નરગીસને અનારકલીની ભૂમિકા આપવામાં આવી હતી. એવામાં બન્યું એવું કે કે. આસિફનું સપનું સાકાર જ થઈ રહ્યું હતું ત્યાં બ્રિટિશ સરકારે 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારત છોડવાનું જાહેર કર્યું. ભારતના ભાગલા થયા અને પાકિસ્તાન સર્જાયું. આ કારણે બંને બાજુથી હિજરત શરૂ થઈ. આ ફિલ્મના નિર્માતા સિરાઝ અલી હકીમ એ  પણ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું અને તેઓ પોતાનો મુંબઈ ખાતેનો  સ્ટુડિયો વેચીને પાકિસ્તાન સ્થાયી થઈ ગયા. આ બાજુ કે.આસિફની 25% શૂટ થયેલ મુગલ-એ- આઝમ ફિલ્મ ડબ્બામાં બંધ થઈ ગઈ. અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો. હવે ભવિષ્યમાં ફરી આ  ફિલ્મ બનશે કે કેમ તે નક્કી ન હતું.


પરંતુ ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. કે. આસિફ હાર માની બેસી રહે તેમ ન હતા. તેઓ પોતાની ફિલ્મ માટે નવા કોઈ નિર્માતાની સતત શોધમાં હતા. ત્યાં તેમને ફિલ્મ લાઇનમાંથી તો નહીં પણ બહારથી પોતાની ફિલ્મ પર પૈસા લગાવનાર મળ્યા. એ હતા બાંધકામ ક્ષેત્રના મહારથી એવા શાપુરજી પાલનજી મિસ્ત્રી. જેઓ ટાટા સમૂહ સાથે પણ જોડાયેલા હતા. શાપુરજી પાલનજી પોતે પણ અકબરના પાત્રના ઘણા મોટા ચાહક હતા. જેથી અકબરનું પાત્ર ધરાવતી આ ફિલ્મમાં પૈસા રોકવા તૈયાર થઈ ગયા. એટલે થોડા વર્ષોના વિરામ બાદ ફરીથી શૂટિંગ શરૂ થયું.


આ ફિલ્મ માટે અંધેરી, મુંબઈના મોહન સ્ટુડિયોમાં કે.આસિફે  ડિસેમ્બર,1951માં બે સ્ટેજ બુક કરાવીને શૂટિંગ શરૂ કરાવ્યું. બીજી બાજુ  આટલા વર્ષ વીતવાથી હવે મૂળ ફિલ્મનું પાત્રાલેખન (કાસ્ટિંગ) બદલાયું હતું. અકબર તરીકે પૃથ્વીરાજ કપૂર, સલીમની ભૂમિકા માટે દિલીપકુમાર, અનારકલીના તરીકે મધુબાલાને પસંદ કરવામાં આવ્યા. જોધાબાઈ તરીકે જૂની કાસ્ટિંગમાંથી દુર્ગા ખોટેને જાળવી રાખવામાં આવ્યાં હતાં. સંગીત આ ફિલ્મનું મહત્ત્વપૂર્ણ પાસું હતું, જેમાં પણ બદલાવ આવ્યો.  ફિલ્મના મૂળ સંગીતકાર અનિલ બિશ્વાસ હતા, જેનું સ્થાન હવે નૌશાદ એ લીધું હતું.


ફિલ્મ ભવ્ય બનાવવા માટે કોઈ સમાધાન ન રાખતા કે.આસિફ  ઘણીવાર તેમને આપેલા બજેટની લક્ષ્મણરેખા ઓળંગી જતા હતા. જેથી ઉદ્યોગપતિ- નિર્માતા એવા શાપુરજી સાથે તેમને સંઘર્ષ થતો. આ કારણે શૂટિંગ રોકાતું, પરંતુ ફરી સમાધાન થતું અને શૂટિંગ આગળ વધતું. આમ કરતાં ફિલ્મનું શૂટિંગ દસ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલતું રહ્યું. એ જમાનામાં જ્યારે મોટા ભાગની ફિલ્મો બારથી પંદર લાખમાં બની જતી ત્યાં મુઘલ-એ-આઝમ બનવા પાછળ દોઢ કરોડ જેટલા પૈસા ખર્ચાયા હતા ! પરંતુ આમ કરતા કરતા પણ અંતે આ ફિલ્મ 1960માં થિએટર સુધી પહોંચી હતી.


એક સર્જક તરીકે ભવ્ય ફિલ્મ નિર્માણ કરવાનું સ્વપ્ન  લઈ ચાલી નીકળેલા કે. આસિફ  સફળતાની ટોચ ઉપર પહોંચ્યા એ તમામે જોયું પણ તેમણે સંઘર્ષની-તળેટીથી આ ફિલ્મ નિર્માણની યાત્રા શરૂ કરી હતી અને આ યાત્રા દરમિયાન તેમણે સહન કરેલા સંઘર્ષ- માનસિક પીડાનો ઘણાને અંદાજ નથી. ફિલ્મની ભવ્યતા અને ચકાચોંધ પાછળ કે આસિફનો પરિશ્રમ- પરસેવો રહેલા છે તે યાદ રાખવું રહ્યું. સાથે જ એ પણ યાદ રાખવું રહ્યું કે આપણને આપણા સપનાંમાં અને આપણી મહેનતમાં શ્રદ્ધા હોવી જોઈએ. જો આપણને આપણામાં શ્રદ્ધા હશે તો અનેક રુકાવટો પણ આપણને થકવી નહીં શકે !


નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે