Published Date : 11/04/2025

 By : ડો. મંથન શેઠ

  • Image-Not-Found

રોજબરોજની પ્રેક્ટિસમાં જો કોઈ દવા પ્રત્યે સૌથી વધુ અવરોધ દર્શાવાતો હોય અને દર્દી નહીં લેવા માટે ખૂબ જ જિદ્દી હોય છે, એ દવા છે કોલેસ્ટેરોલની દવા.. દર્દી હંમેશા એવું જ માને છે કે ભલે એને હાર્ટ એટેક આવી ગયો કે ભલે એને હૃદયરોગના જોખમો વધુ છે કે ડાયાબિટીસ હોવા છતાં પણ કે પછી આ બધું ના હોય પરંતુ કોલેસ્ટ્રોલ વધુ હોય અને ઘરમાં આ પ્રકારની વારસાગત હીસ્ટ્રી ચાલતી આવતી હોય છતાં પણ કોલેસ્ટ્રોલની દવા નહીં લેવી, કેમ કે એ નુકસાનકારક જ છે, એ માટે ઘણી બધી માન્યતાઓ છે.

એક મહાશયે થોડા વર્ષો પહેલા કોલેસ્ટ્રોલની દવા પર ખૂબ જ અદભુત લેખ લખ્યો હતો અને આ મહાશય ડોક્ટર નહોતા.. જેણે આ દવા અંગે એવી નકારાત્મકતા ફેલાવી કે આ બધું કૌભાંડ છે, આ દવાઓ નહીં લેવી, ઘણું નુકસાનકારક હોય છે આવી બધી વાતો અને આ કારણે આ દવા પ્રત્યે એક અણગમો ફેલાઈ ચૂક્યો છે. પ્રિય મિત્રો, અસંખ્ય ક્લિનિકલ ટ્રાયલ થતી હોય છે, અબજો ખરબો રૂપિયા ટ્રાયલ કરવા માટે ખર્ચાતા હોય છે, નવી દવા બનાવવા માટે ખર્ચાતા હોય છે, તમારા અને મારા થકી સારી દવા પહોંચે એ માટે આ સંશોધનો થતા હોય છે અને અસંખ્ય લાખો ડોક્ટરો આમાં કામ કરતા હોય છે, અલગ અલગ સ્વરુપે તેઓ આમાં યોગદાન આપતા હોય છે, અધિકારીક રીતે એમાં નોકરી કરતા હોય છે, તો આ બધું કૌભાંડ ના હોઈ શકે. તે અંગે આપણે એક સરસ મજાના અંકમાં વાત કરી ચૂક્યા છે એટલે આવી બધી વાતોના કારણે દર્દીઓ દવા લેવા માટે ના પાડતા હોય છે. એટલે હવે શા માટે લેવી જોઈએ એવું રોજ અસંખ્ય દર્દીને અમે સમજાવતા હોઈએ છીએ, થોડાક સમજતા હોય છે અને થોડાક એમની જીદ પર અટકેલા હોય છે! આજે આપણે જોઈએ કે આ દવા શા માટે લેવી જોઈએ?


એક દર્દી આવે છે અને જણાવે છે કે સાહેબ કોલેસ્ટ્રોલ મારું 287 છે પરંતુ મને કોઈ તકલીફ નથી, ખાવા પીવામાં હું કોઈ નિયંત્રણ રાખતો નથી છતાં મને કોઈ તકલીફ નથી. આ ઘટયું પણ નથી પણ બધું સરસ ચાલે છે. તમે લખેલી દવા તો ચાલુ જ નથી કરી અને એ કાંઈ જરૂર લાગતી નથી. જી હા, તમે સાચું વાંચ્યું.. ઘણી વાર દર્દી જાતે જ નક્કી કરતા હોય છે કે એમને જે તે દવાની જરૂર છે કે નથી.. મારે એમને એ સમજાવવું કે તમારું 287 માં એલડીએલ કોલેસ્ટ્રોલ 210 છે અને આદર્શ રીતે ગાઇડલાઇન્સ મુજબ ખૂબ જ વધુ છે એટલે દવા તમારે લેવી જ જોઈએ પરંતુ દર્દી નથી સમજી રહ્યું, હવે વર્ષો બાદ જ્યારે આ દવા નહીં લેવાના કારણે જે ગંભીર તકલીફો ઊભી થાય એ અંગે દર્દીને ક્યારેય પણ કલ્પના હોતી નથી એટલે આજે થોડી એ અંગે સમજ મેળવીએ કે દવા કઈ કઈ રીતે ફાયદાકારક છે? ડોન્ટ વરી, તેની શું આડઅસર હોઈ શકે એ વિશે પણ આપણે 100% ચર્ચા કરીશું. 

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેની ઘણી બધી દવાઓ છે, ખૂબ જ ઉચ્ચ સ્તરના ઇન્જેક્શનો પણ હવે મળે છે. પરંતુ આપણે જેની વાત કરીશું એ કોલેસ્ટ્રોલ માટે સામાન્યપણે આપવામાં આવતી સૌથી પહેલી પ્રાથમિક ધોરણની દવા સ્ટેટિન.. આ સ્ટેટિન સિવાય પણ ઘણી દવાઓ છે જેને નોન-સ્ટેટીન લિપિડ લોઅરિંગ થેરાપી કહીએ છીએ અને એ સિવાય ઇન્જેક્શન પણ ઉપલબ્ધ છે.. PCSK9 ઇન્હિબિટર એનું અદ્ભુત ઉદાહરણ છે.. 


જો સ્ટેટીન અંગે વાત કરું તો આ દવાઓનો એક વર્ગ છે જેનો ઉપયોગ મુખ્યત્વે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે થાય છે. તેઓ કોલેસ્ટ્રોલના ઉત્પાદનમાં સામેલ એન્ઝાઇમને અટકાવીને કામ કરે છે, જે યકૃતમાં કોલેસ્ટ્રોલ સંશ્લેષણમાં ઘટાડા તરફ દોરી જાય છે. હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓનું જોખમ ઘટાડવા સ્ટેટિન્સ વ્યાપકપણે સૂચવવામાં આવે છે, ખાસ કરીને ચોક્કસ જોખમી પરિબળો ધરાવતી વ્યક્તિઓમાં. સ્ટેટિન્સ લેવા માટેના સંકેતો શું છે કે પછી એના ફાયદા શું છે એ અંગે વાત કરીએ તો, 

-કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં: સ્ટેટિન્સ ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન (એલડીએલ) કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અત્યંત અસરકારક છે, જેને ઘણીવાર "ખરાબ" કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે.  વધુ એલડીએલ કોલેસ્ટ્રોલ એથરોસ્ક્લેરોસિસ માટેનું મુખ્ય જોખમ પરિબળ છે, ધમનીઓમાં બ્લોકેજનું નિર્માણ જે હૃદય રોગ તરફ દોરી શકે છે.

-કાર્ડિયોવેસ્ક્યુલર જોખમ ઘટાડવા: એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને; સ્ટેટિન્સ હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ લાભ ખાસ કરીને એવા વ્યક્તિઓમાં સ્પષ્ટ છે કે જેમને પહેલાથી જ કાર્ડિયોવેસ્ક્યુલર બીમારી છે કે પછી અન્ય પરિબળોને કારણે જેઓમાં જોખમ વધુ હોય.

- અમુક પરિસ્થિતિઓમાં કોમ્પ્લિકેશન અટકાવવા: ફેમિલીયલ હાઇપરકોલેસ્ટેરોલેમિયા (જેનેટિક ડિસઓર્ડર જે ખૂબ ઊંચા કોલેસ્ટ્રોલ લેવલનું કારણ બને છે) અથવા ડાયાબિટીસ જેવી ચોક્કસ બિમારીમાં તેમના કાર્ડિયોવેસ્ક્યુલર જોખમને સ્ટેટિન ઘટાડે છે.

- પ્રોફાયલેક્સિસ /પ્રીવેન્શન તરીકે, કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓની હિસ્ટરી વિનાની વ્યક્તિઓને પણ સ્ટેટિન્સ સૂચવી શકાય છે પરંતુ એ તેઓમાં જેમને જોખમી પરિબળોના મૂલ્યાંકનના આધારે હૃદય રોગ થવાનું જોખમ વધારે છે, જે વય, લિંગ, કોલેસ્ટ્રોલનુ સ્તર, બ્લડ પ્રેશર, ધૂમ્રપાનની આદત અને હૃદય રોગના પારિવારિક ઇતિહાસ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. કોઈપણ દવાઓની જેમ, સ્ટેટિન્સ પણ સંભવિત આડઅસર છે, અને એમાં સ્નાયુઓમાં દુખાવો અને નબળાઈ સૌથી સામાન્ય આડ અસર છે. મોટાભાગના લોકો સ્ટેટિન્સને સારી રીતે લઈ શકે છે કોઈ તકલીફ વિના, જો કોઈને કોઈ પણ આડઅસર દેખાય છે એને સતત મોનિટર કરી તબીબ એને બંધ કરવાનો નિર્ણય પણ લે છે.. બસ તો આ તો ટૂંકમાં વાત થઈ, પણ કોણે લેવી જોઈએ અને આ અંગે અસંખ્ય સ્ટડી અંગે ફરી કોઈ વાર.. અને હા જો સ્ટેટિન પર થયેલ સ્ટડીઓ વિશે લખવા જઈશ તો 4-5 અંકો ઓછા પડે, એમાં કોઈ બેમત નહીં.

ડૉ. મંથન શેઠ ડાયાબિટીસ, થાઈરોઈડ અને ઓબેસીટીના નિષ્ણાત છે. તેઓ આ રોગો સંબંધિત તમામ પાસાઓ પર વિસ્તૃત જ્ઞાન ધરાવે છે અને પાછલા દસથી વધુ વર્ષોથી આ ક્ષેત્રમાં પોતાની પ્રેક્ટિસ કરે છે. તેઓ ગુજરાતના જાણીતા અખબારોમાં તેમની વીકલી કોલમ્સ પણ લખે છે. તો ડાયાબિટીસ સંદર્ભે તેઓ ગુજરાતભરમાં વક્તવ્યો પણ આપતા હોય છે.