પાછલા અંકોમાં થાઈરોઈડ વિશે વાત કરેલ.. ત્યારે થાઈરોઈડ અંગે પ્રશ્નોત્તરી દરમિયાન બે પ્રશ્ન જરૂર ઉદ્ભવે કે હાઇપરથાઇરોઇડિઝમ એટલે શું અને હાઇપોથાઇરોઇડિઝમ એટલે શું? તાજેતરમાં એક દર્દી આવે છે, અને જણાવે છે કે એમને હાઇપોથાઇરોઇડિઝમ છે, રિપોર્ટ જોતા મેં એમને જણાવ્યું કે તમને હાઇપોથાઇરોઇડિઝમ નહીં હાઇપરથાઇરોઇડિઝમ છે. સામાન્ય રીતે થાઈરોઈડ હોય એટલે લગભગ સૌ કોઈ એવું સમજતા હોય છે કે તેમને હાઇપોથાઇરોઇડિઝમ જ છે. વળી એ હાઇપરથાઇરોઇડિઝમની સરખામણીએ થોડો વધુ સામાન્ય પણ છે. એટલે આવી મૂંઝવણ દર્દીઓ વચ્ચે ઊભી થયા કરે છે. વાત બંને રોગો વિશે કરીશું અને પ્રશ્નોત્તરી સ્વરૂપે, પરંતુ પહેલા હાઇપરથાઇરોઇડિઝમ વિશે વાત કરીશું આજે.
- હાઇપરથાઇરોઇડિઝમ શું છે?
હાઈપરથાઈરોઈડિઝમ ત્યારે થાય છે જ્યારે થાઈરોઈડ ગ્રંથિ થાઈરોઈડ હોર્મોન વધારે બનાવે છે. આ સ્થિતિને ઓવરએક્ટિવ થાઇરોઇડ પણ કહેવાય છે. હાઇપરથાઇરોઇડિઝમ શરીરના ચયાપચયને ઝડપી બનાવે છે. જે ઘણા ચિહ્નો/ લક્ષણોનું કારણ બની શકે છે.
- હાઇપરથાઇરોડિઝમ અને હાઇપોથાઇરોડિઝમ વચ્ચે શું તફાવત છે?
હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોડિઝમ એ બંને મેડિકલી એવી પરિસ્થિતિઓ છે જે બંનેને તમારા થાઇરોઇડ દ્વારા બનાવેલા અને સ્ત્રાવ કરવાના થાઇરોઇડ હોર્મોનની માત્રા સાથે સંબંધ છે.
"હાયપર" શબ્દ સાથે સંબંધિત કંઈક પણ હોય એનો અર્થ છે વધારે અથવા જરૂર કરતાં વધુ કાર્યરત, જ્યારે તમને હાઈપરથાઈરોઈડિઝમ હોય, ત્યારે તમારું થાઈરોઈડ અતિશય સક્રિય હોય છે અને તે જરૂર કરતાં વધુ થાઈરોઈડ હોર્મોન ઉત્પન્ન કરે છે અને સ્ત્રાવ કરે છે. તો વળી તબીબી વિશ્વમાં, "હાયપો"નો અર્થ નીચું અથવા પર્યાપ્ત નથી અથવા જરૂર જેટલું કાર્યરત નથી એવો થાય છે. જ્યારે તમને હાઇપોથાઇરોડિઝમ હોય, ત્યારે તમારું થાઇરોઇડ અન્ડરએક્ટિવ હોય છે, અર્થાત્ ઓછું સક્રિય હોય છે અને તમારા શરીરને જરૂરી હોય તેટલા થાઇરોઇડ હોર્મોન બનાવતું નથી અને જોઈએ એટલુ સ્ત્રાવ કરતું નથી.
- શું એ ફક્ત થાઈરોઈડ ગ્રંથિને અસર કરે છે?
ના, હાઇપરથાઇરોઇડિઝમ તમારા આખા શરીરને અસર કરી શકે છે અને તે એવી સ્થિતિ છે જેની સારવાર નિષ્ણાત તબીબ પાસે કરાવવી જરૂર છે.
- આ હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો શું છે?
હાઈપરથાઈરોઈડિઝમના ઘણા લક્ષણો છે અને આગળ જણાવ્યું એમ તે તમારા આખા શરીરને અસર કરી શકે છે. તમે આમાંના કેટલાક લક્ષણોનો અનુભવ કરો એવું બની શકે અને અન્ય નહીં, અથવા તેમાંથી ઘણા લક્ષણો એક જ સમયે. હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણોમાં, ઝડપી ધબકારા (પાલ્પિટેશન્સ), હાથ ધ્રુજવા (ટ્રેમર આવવા), નર્વસ અનુભવવું, વજનમાં ઘટાડો, ભૂખમાં વધારો, ઝાડા થવા કે વારંવાર શૌચ માટે જવું, દ્રષ્ટિ બદલાવી ( જોવામાં તકલીફ), પાતળી, ગરમ અને ભેજવાળી ત્વચા, ગરમી અને અતિશય પરસેવો સહન ના થવો, ઊંઘની સમસ્યાઓ, માસિક ચક્રમાં ફેરફાર, થાઇરોઇડ ગ્રંથિ મોટી થવી (ગોઇટર) અને એથી ગરદનનો સોજો અને વિસ્તરણ, વાળ ખરવા અને વાળની રચનામાં ફેરફાર, આંખો મોટી થવી, સ્નાયુની નબળાઇ વગેરે જેવા લક્ષણો સમાવિષ્ટ છે.
- ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી છે?
T3, T4, ફ્રી T3, ફ્રી T4, TSH, થાઈરોઈડ સ્કેન વગેરે ત્થા નિષ્ણાંત તબીબની સલાહ મુજબ ચિહ્નો આધારિત અન્ય પરીક્ષણ.
- સારવાર શું છે?
નિષ્ણાંત તબીબી સલાહ મુજબ સારવાર જરૂરી છે.
હાઈપરથાઈરોઈડિઝમ માટે ઘણી સારવાર ઉપલબ્ધ છે. થાઇરોઇડ ગ્રંથિ દ્વારા બનાવેલ હોર્મોન્સની માત્રાને ધીમું કરવા માટે થાઇરોઇડ વિરોધી દવાઓ ઉપયોગ કરી શકાય છે. કેટલીકવાર, હાઇપરથાઇરોઇડિઝમની સારવારમાં થાઇરોઇડ ગ્રંથિના તમામ અથવા અમુક ભાગને દૂર કરવા માટે શસ્ત્રક્રિયા/સર્જરીનો સમાવેશ થાય છે. અમુક જૂજ કિસ્સાઓમાં કયું કારણ જવાબદાર છે જેને કારણે આ થયું છે એના આધારે, હાઇપરથાઇરોઇડિઝમ દવા અથવા અન્ય સારવાર વિના પણ સારો થઈ શકે છે.
- જોખમી પરિબળો ક્યાં છે?
થાઇરોઇડ રોગનો કૌટુંબિક ઇતિહાસ, ખાસ કરીને ગ્રેવ્સ રોગ, કેટલીક લાંબી/ ક્રોનિક બીમારીઓનો વ્યક્તિગત ઇતિહાસ જેમ કે પરનીસિયસ એનિમિયા.. તાજેતરની ગર્ભાવસ્થા, જે થાઇરોઇડાઇટિસ થવાનું જોખમ વધારે છે, આ હાઇપરથાઇરોઇડિઝમ તરફ દોરી શકે છે.
- આહારમાં શું ધ્યાન રાખવું?
માછલી, સમુદ્રની આસપાસ ઉગાડવામાં આવતા છોડ, તથા તમામ પ્રકારના સીફૂડ ખાવાનું ટાળો. ગોબી (ફ્લાવર), કોબીજ, સ્પ્રાઉટ્સ, મસ્ટર્ડ ગ્રીન્સ, સોયાબીન, પાલક વગેરે ના ખાવું જોઈએ. આ સિવાય રિફાઈન્ડ સુગર, કોફી, કોલ્ડ ડ્રિંક્સ જેવા પીણાં જેમાં કેફીન હોય છે તેને પણ ટાળવું જોઈએ. ધૂમ્રપાન અને મદિરાપાન ના કરવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ ટાળવા જોઈએ.
આ થઈ હાઈપરથાઈરોઈડિઝમ વિશે ટૂંકમાં વાત! એ સમજવું ખૂબ જરૂરી છે કે આવા લક્ષણો જ્યારે પણ જણાઈ આવે તો યોગ્ય તબીબને વેળાસર બતાવી સારવાર લેવી ખૂબ જરૂરી છે. અન્યથા સારવાર ન લેવામાં આવે તો ઘણા ગંભીર કોમ્પ્લિકેશનનો સામનો કરવો પડી શકે છે. હાઇપોથાઇરોઇડિઝમ વિશે અન્ય કોઈ અંકમાં!
ડૉ. મંથન શેઠ ડાયાબિટીસ, થાઈરોઈડ અને ઓબેસીટીના નિષ્ણાત છે. તેઓ આ રોગો સંબંધિત તમામ પાસાઓ પર વિસ્તૃત જ્ઞાન ધરાવે છે અને પાછલા દસથી વધુ વર્ષોથી આ ક્ષેત્રમાં પોતાની પ્રેક્ટિસ કરે છે. તેઓ ગુજરાતના જાણીતા અખબારોમાં તેમની વીકલી કોલમ્સ પણ લખે છે. તો ડાયાબિટીસ સંદર્ભે તેઓ ગુજરાતભરમાં વક્તવ્યો પણ આપતા હોય છે.