ભારતના વડાપ્રધાનની સુરક્ષા સામાન્ય પોલીસ શું કામ નથી કરતી ? એ વિશે જણાવા જેવું છે.
દેશમાં કટોકટી (ઈમરજન્સી) સમાપ્ત થઈ. વર્ષ 1977મા લોકસભાની ચૂંટણી યોજાઈ. ‘જનતા’એ જનતા સરકારને સત્તાના સુકાન સોંપ્યા અને ઇન્દિરા ગાંધીને જાકારો આપ્યો. જનતા ઘટકના ઘણા નેતાઓ કટોકટી માટે ઇન્દિરા ગાંધી અને તેનો દીકરા સંજયને જલદીથી જેલના સળીયા પાછળ ધકેલવા માંગતા હતા. તેમાં સત્તાથી વિમુખ થયેલા ઇન્દિરા ગાંધીને 15 ઓગસ્ટ, 1975ના રોજ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારજનોની થયેલી હત્યાનું પુનરાવર્તન તેમની સાથે પણ થશે તેવી ભીતિ હતી. જો કે ત્યારે તો નહીં પરંતુ 31 ઓક્ટોબર, 1984ના રોજ તેમના જ સુરક્ષા જવાનોએ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરી. જેને કારણે તે સમયે વડાપ્રધાન અને તેમના કુટુંબીજનોની સુરક્ષાનો મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો.
આ દરમિયાન વધુ એક બનાવ બને છે. જેના પરિણામે વડાપ્રધાન અને તેના કુટુંબીજનો માટેની અલગ જ સુરક્ષા વ્યવસ્થાની રચના થવાની હતી. દિવસ હતો 2 ઓક્ટોબર, 1986. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મતિથિ. તે દિવસના કાર્યક્રમના ભાગરૂપે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી નવી દિલ્હી ખાતે ગાંધીજીની સમાધિ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન કોઈ અજાણી વ્યક્તિએ વડાપ્રધાન તરફ ગોળીબાર કર્યો હતો. સદનસીબે તેમને કોઈ જાતની હાનિ થઈ નહોતી પરંતુ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં થયેલા આ છીંડાથી વાતાવરણ ગરમાયું હતું.
આ બાબતની તપાસ માટે તંત્રમાં દોડધામ શરૂ થઈ હતી. વિષય અતિ સંવેદનશીલ હતો. તેમજ તેમની તપાસ માટે કડક તથા કોઇની પણ શેહ-શરમ ન રાખતા અધિકારીની શોધખોળ ચાલી. આ દરમિયાન રાજીવ ગાંધીને એક અધિકારી યાદ આવ્યા. જેથી તેમણે પર્યાવરણ, વન અને વન્યજીવન વિભાગના સચિવ એવા ટી.એન. શેષનને બોલાવ્યા. ઔપચારિક વાતો બાદ આ સમગ્ર ઘટનાની તપાસ માટે કેબિનેટ સચિવ બી.જી. દેશમુખ અને ટી. એન. શેષન સહીત ચાર વ્યક્તિઓની એક ટીમ રચાઈ. આ ટીમે ચાર અઠવાડિયામાં સમગ્ર ઘટનાની તપાસનો અહેવાલ વડાપ્રધાને સોંપી દેવો એમ નક્કી કરવામાં આવ્યું. આ આ ટીમમાંથી ટી. એન. શેષન આમાં વધુ સક્રિય રહ્યા હતા. તેમણે તે દિવસની વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની રૂબરૂ તપાસ કરી. તપાસને અંતે જે તે દિવસે થયેલી સુરક્ષાની ખામીઓ શોધી કાઢવામાં આવી. વધુમાં ભવિષ્યમાં આ પ્રકારની સુરક્ષામાં ચૂક ન થાય તે માટે કેટલાક ઉપાયો/ પગલાંઓ પણ 150 પાનાંના અહેવાલમાં સૂચવવામાં આવ્યા. આ ખાનગી અહેવાલ ‘લીક’ ન થાય માટે સ્ટેનોગ્રાફરની પણ મદદ ન લેવામાં આવી. ટી. એન. શેષન એ 150 પાનાનો અહેવાલ જાતે લખ્યો.
26 ઓક્ટોબર, 1986ના રોજ આ અહેવાલ વડાપ્રધાને સોંપવામાં આવ્યો. આ અહેવાલને સોંપાયા બાદ સમય વ્યતીત થતો ગયો. આ દરમિયાન ફરી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાની ઘટના યાદ કરીએ. એ ઘટના બાદ વડાપ્રધાન રાજીવ ગાંધી અને તેમના ખાસ મિત્ર તથા કેન્દ્રીય સંચાર મંત્રી અરુણસિંહ દ્વારા સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ (એસ.પી.જી.)નું ગઠન કરવામાં આવ્યું હતું. જેણે વડાપ્રધાન તથા તેના કુટુંબીજનોની સુરક્ષાની જવાબદારી ઉઠાવવાની હતી પરંતુ આ ગ્રુપને કોઈ કાયદાકીય પીઠબળ હતું નહીં. સંસદમાં આ માટેનું વિધેયક પસાર કરી અને આ ગ્રુપને કોઈ કાયદાકીય શક્તિઓ બક્ષવામાં આવી ન હતી. એસ.પી.જી.નો દેહ તો ઘડી લેવાયો હતો પણ તેમાં પ્રાણ ન હતા. કાયદારૂપી પ્રાણ ફૂંકવા એટલે કે આ ગ્રુપ માટે એક વિધેયક ઘણું અનિવાર્ય હતું. આ માટે ફરી પાછા રાજીવ ગાંધીએ પોતાની સુરક્ષા વ્યવસ્થામાં થયેલ ચૂક બાબતનો અહેવાલ તૈયાર કરનાર એવા ટી. એન. શેષનને યાદ કર્યા. પરંતું ટેકનિકલી ટી. એન. શેષન વન-પર્યાવરણ જેવા વિભાગના સચિવ હતા. વડાપ્રધાનની સુરક્ષાનો વિષય તેમનું કાર્યક્ષેત્ર ન હતું. આ સમસ્યાનો હલ કાઢી લેવામાં આવ્યો. ટી. એન. શેષનને વન- પર્યાવરણ વિભાગ સાથે વડાપ્રધાનની સુરક્ષાનો વિષય પણ સોંપવામાં આવ્યો.
હવે ટી. એન. શેષન સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ(એસ.પી.જી) વિધેયક- એસ.પી.જી એકટ ઘડવાના કામે લાગી ગયા. આ કામગીરીમાં તેમને રાજીવ ગાંધી સરકારમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી એવા પી. ચિદમ્બરમનો સારો એવો સહકાર મળ્યો. આ વિધેયકમાં વડાપ્રધાન પોતે હોદ્દા પરથી દૂર થાય ત્યારબાદ પણ તેમને અને તેમના કુટુંબીજનોને એસ.પી.જી.ની સુરક્ષા વ્યવસ્થા આપવી તેવી જોગવાઈ પર પેચ ફસાયો. આ માટે ટી. એન. શેષને વડાપ્રધાન રાજીવ ગાંધીને સારું એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ વડાપ્રધાન રાજીવ ગાંધી આ માટે રાજી ન થયા. અંતે હોદ્દા પર કાર્યરત વડાપ્રધાન તથા તેમના કુટુંબીજનોની સુરક્ષા સુધી આ વિધેયકને સીમિત રાખવામાં આવ્યું. ત્યારબાદના વર્ષોમાં આ કાયદામાં વર્ષ 1991, 1994, 1999, 2003 અને 2019માં સુધારા કરવામાં આવ્યા હતા. પાછળથી ભૂતપૂર્વ વડાપ્રધાન તથા તેમના કુટુંબીજનોની સુરક્ષાની જવાબદારી પણ સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ(એસ.પી.જી)ના શિરે નાખવામાં આવી હતી. એક દુઃખદ બનાવ બાદ આ નવી સુરક્ષા વ્યવસ્થા ઊભી થઈ તે જોયા બાદ કેંદ્ર સરકાર બદલાતા આ કાયદાના અમલમાં આવેલા પરિવર્તનને પણ જોવું જોઈએ.
આ વ્યવસ્થાનું આર્થિક પાસું જોઈએ તો આ વ્યવસ્થા આમ તો ઘણી ખર્ચાળ ગણાય. અમલના શરૂઆતના વર્ષોમાં એસ.પી.જી.ની સુરક્ષા પાછળ વાર્ષિક 75 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. દેશમાં જ્યાં સુરક્ષા જવાનોની કાયમ તંગી હોય છે એવી સ્થિતિમાં આ ગ્રુપમાં 125 સુરક્ષા જવાનો અને 4 બુલેટપ્રુફ કારની પણ સેવા લેવામાં આવતી. 1988માં આ વિધેયક કાયદો બન્યા બાદ પ્રથમવાર 1989માં સત્તા પર આવેલા નવા વડાપ્રધાન વી.પી.સિંહે શરૂઆતમાં એસ.પી.જી. સુરક્ષા લેવાનો ઇન્કાર કર્યો હતો પણ આ અંગેનો આખરી નિર્ણય લેવાનો હક વડાપ્રધાનનો પોતાનો નહીં પણ ગૃહ મંત્રાલયનો છે તેમ તેમને જણાવવામાં આવ્યું. તેમ છતાં વડાપ્રધાનના આગ્રહને લઈને એસ.પી.જી.ના સુરક્ષા જવાનો અને સુરક્ષા કાફલાની કારની સંખ્યામાં સારો એવો ઘટાડો કરવામાં આવ્યો. આ રીતે એક દુઃખદ ઘટનાથી જે એસ.પી.જી.નું વિચાર બીજ નખાયું તેના મૂળિયા રાજીવ ગાંધી સરકારમાં ઉંડા ગયા અને વડાપ્રધાન તથા તેમના કુટુંબીજનોને સુરક્ષા માટેની એસ.પી.જી. વ્યવસ્થા આજે વટવૃક્ષ બની ગઈ છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે