Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ગઢમાં ગાબડું પાડી બિન કોંગ્રેસી સરકાર રચનાર આ વડાપ્રધાન વિશે જાણવા જેવું છે.

16  મે, 1987 બોટ ક્લબ, દિલ્હી ખાતે કોંગ્રેસની ભવ્ય સભાનું આયોજન થઈ રહ્યું હતું. એ સભામાં તત્કાલીન પ્રધાનમંત્રીએ મીર જાફર- જયચંદ જેવા લોકો દેશને વેચવા નીકળ્યા છે, દેશને કમજોર કરવા નીકળ્યા છે તેવા શબ્દો ઉચ્ચાર્યા. જયચંદ જેમના પૂર્વજ હતા તેવા એક વ્યક્તિના કાને આ શબ્દ પડતા જ પહેલી હરોળમાં બેઠેલા માથે ટુવાલ ઓઢેલા એ વ્યક્તિએ સભામાંથી ચાલતી પકડી.  પછી આ વ્યક્તિએ સભા જ નહીં પણ કોંગ્રેસ પક્ષ પણ છોડ્યો અને ત્યારબાદ એટલો સંઘર્ષ કર્યો- એવી લડત આપી કે 1 ડિસેમ્બર,1989ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામન તેમને શપથ લેવડાવી રહ્યા હતા. એ વ્યક્તિ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લ રહ્યા હતા એનું નામ વિશ્વનાથ પ્રતાપસિંહ, જેને લોકો વી.પી.સિંહ તરીકે ઓળખે છે. 1985 થી 1990 એમ પાંચ વર્ષ વી.પી.સિંહ  અને દેશની રાજનીતિના સીમાચિન્હરૂપ વર્ષો ગણાય છે. એવું તો શું થયું કે ઇન્દિરા ગાંધીને માઈબાપ માનનાર વી.પી.એ કોંગ્રેસ છોડી તેમના જ પુત્ર સામે પડીને સત્તા મેળવી.


વી.પી.સિંહની રાજકીય  કારકિર્દીની શરૂઆત ઉત્તર પ્રદેશ વિધાનસભાથી થઈ હતી.  1969માં તેઓ તે સમયના ઉત્તર પ્રદેશના કોંગ્રેસના કદાવર નેતાઓ ચંદ્રભાનુ ગુપ્તા(સી.બી.ગુપ્તા) અને   કમલાપતિ ત્રિપાઠી જેવાની નારાજગી વહોરીને પણ ધારાસભ્ય બન્યા હતા. ઇન્દિરા કોંગ્રેસ જૂની કોંગ્રેસમાંથી અલગ થતા વી.પી.સિંહ એ ઇન્દિરાપથ ઉપર ચાલવાનું પસંદ કર્યું. 1971માં અણધાર્યા પ્રસંગો સર્જાતા જવાહરલાલ નહેરુ જ્યાંનું પ્રતિનિધિત્વ કરતા હતા તે ઉત્તરપ્રદેશની  લોકસભાની ફુલપુર બેઠક પરથી વી.પી.સિંહને ટિકિટ મળી અને તેઓ જીત્યા. કેન્દ્રીય રાજનીતિમાં તેમનું પ્રથમ પગલું હતું. ત્યારબાદ વી.પી.એ પાછળ ફરીને જોયું નહીં. 1974માં તેઓ વાણિજ્ય ખાતાના ઉપમંત્રી બન્યા. કટોકટીની કુહાડીએ વી.પી.સિંહ  ઉપર પણ ઘા કર્યા. વી.પી.સિંહએ જેમને 1971ની સામાન્ય ચૂંટણીમાં હરાવેલા તેવા જનતા પાર્ટીના જનેશ્વર મિશ્રા સામે તેઓ 1977માં અલ્હાબાદ બેઠક પર હાર્યા. 1977થી 1980એ કોંગ્રેસીઓ માટે કટોકટીનો કાળ બન્યો. તેમની પાસેથી કટોકટીનો હિસાબ લેવામાં આવ્યો. જનતા સરકાર સામે તેમણે જેલમાં પણ જવું પડ્યું. પોલીસ- તપાસ પંચો સામે હાજરી આપવી પડી, પણ જલદીથી જ ઇન્દિરા ગાંધીની સત્તાનો સૂર્યોદય થયો. 1980માં જનતાએ જનતા પાર્ટીને ઘર ભેગી કરી અને ઇન્દિરા કોંગ્રેસને સત્તા ભેગી. વી.પી.એ  1980ની સામાન્ય ચૂંટણીમાં અલ્હાબાદ બેઠક છોડીને ફતેપુર બેઠક પસંદ કરી અને તેઓ જીત્યા. પણ જેમ દરેક રાજકારણીનું સ્વપ્ન હોય છે તેમ વી.પી.ના માથે તેમના ગૃહરાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનો (કાંટાળો) તાજ  મૂકાયો. વી.પી.દિલ્હીથી લખનૌ  આવી ગયા. મુખ્યમંત્રી પદે ઉત્તર પ્રદેશ જેવા સંકુલ રાજ્યને તેઓ માંડ બે વરસ સાચવી શક્યા અને ૧૯૮૨માં રાજ્યસભાની વાટે  તેઓ ફરી કેન્દ્ર રાજનીતિમાં પરત કર્યા. 1983ના વર્ષમાં  દિલ્હીમાં ઇન્દિરા ગાંધી મંડળમાં તેમનો સમાવેશ થયો. ઇન્દિરા ગાંધીના અકાળે થયેલ  અવસાન પછી રાજીવ ગાંધીને મળેલ પ્રચંડ બહુમતી બાદ જે સરકાર રચાઇ  તેમાં તેઓ નાણામંત્રી બન્યા.



રાજીવના નજીક ગણાતા વી.પી.એ નાણામંત્રી તરીકે  1985-86નું જે અંદાંજપત્ર (બજેટ) રજુ કર્યુ તે ડ્રિમ બજેટ તરીકે જાણીતું થયેલું. તેમણે આવક વેરાની મર્યાદા વધારી તથા  સંપત્તિ કર અને કોર્પોરેટ કરમાં ઘટાડો કર્યો. તેમણે શરૂ કરેલો મોડીફાઇડ વેલ્યુ એડેડ ટેક્સ (મોડવેટ)એ આજના જી.એસ.ટી પ્રકારના ટેક્સનો શરૂઆતનો તબક્કો ગણી શકાય. આ સિવાય કરચોરી ડામવા તેમણે કડક કામગીરી શરૂ કરી અને બધે સોંપો પાડી દીધો. બે વર્ષના  નાણામંત્રી તરીકેના તેમના સમયગાળામાં તેમના  વિભાગે ૬૦૦૦ રેડ પાડી અને તેમાં એક લાખ જેટલા પ્રીમાઈસીસની તલાશ લેવામાં આવી. મોટા ઉદ્યોગગૃહોમાં તેમનો ડર વ્યાપી ગયો.


કોંગ્રેસ પાર્ટીના પણ ઘણા સભ્યો નાણામંત્રીના આ કડક અને પ્રમાણિક  કામગીરી માટે ચણભણ કરવા લાગ્યા. ભ્રષ્ટાચાર વિરુદ્ધની પોતાની છાપ ને વધુ મજબૂત કરતા આ પગલાંઓને શરૂઆતમાં વડાપ્રધાને સારો એવો ટેકો આપ્યો પરંતુ ત્યારબાદ તેમની ઉપર પણ ચારે તરફથી દબાણ વધતું જતું હતું. વધુમાં વડાપ્રધાન દ્વારા ભારતના કોઈપણ જગ્યાએ જાહેર કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ-જાહેરાતો કરવાથી  બજેટનું સંતુલન જોખમાવાના લીધે નાણામંત્રી તરીકે વી.પી. અવારનવાર નારાજગી પ્રગટ કરતા હતા. ધીમે ધીમે રાજીવ ગાંધી અને વી.પી.સિંહ વચ્ચે અંતર વધવા લાગ્યું. એ દરમિયાન તેમની  પાસેથી નાણા ખાતું લઈને તેમને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. તે દરમિયાન પશ્ચિમ જર્મની પાસેથી ભારતે  ખરીદેલ એચ.ડી. ડબલ્યુ. કંપનીની સબમરીના સોદામાં 7% કમિશન એજન્ટને અપાયાની વાત બહાર આવી. પ્રમાણિકતાના મશાલચી વી.પી.સિંહે આ બાબતમાં તપાસના આદેશ આપ્યા જેથી વડાપ્રધાન અને વી.પી.સિંહ વચ્ચે મતભેદ સર્જાયા. અંતે વી.પી.એ મંત્રી પદેથી  રાજીનામું આપ્યું. પાછળથી તેમણે કોંગ્રેસ પક્ષ અને રાજ્યસભાની પોતાની બેઠક પરથી પણ રાજીનામુ આપ્યું પણ ચાર દિવસ બાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તો તેમની સાથે રાજીવ ગાંધી સાથે જેને મતભેદ થયેલા તેવા તેમના પિતરા અરૂણ નહેરૂ , આરિફ મોહમ્મદ ખાન, વિદ્યાચરણ શુક્લની પણ કોંગ્રેસ પક્ષમાંથી હકાલપટ્ટી થઈ.


1987 પછી પોતાના માતૃપક્ષની સામે પડેલા વી.પી.સિંહએ જનતા પાર્ટીના 1980 બાદ છિન્ન- ભિન્ન થયેલા ટુકડાઓને ભાજપ અને ડાબેરી પક્ષોની મદદથી જોડવાનું શરૂ કર્યું. જેમાંથી પહેલા જન મોર્ચો  અને પછી યુનાઈટેડ ફ્રન્ટ બન્યો. વિરોધ પક્ષોને આ ફ્રન્ટની યુનિટી માપવાનો પ્રસંગ જલદીથી સાંપડ્યો.  અમિતાભ બચ્ચનના રાજીનામાથી ખાલી પડેલ અલ્હાબાદ બેઠકની પેટા ચૂંટણીમાં જનતા પાર્ટીના  ઉમેદવાર તરીકે વી.પી.સિંહ લડ્યા અને તેઓ 1,10,000 જેટલા વોટોથી જીત્યા. હવે તેમને દિલ્હીમાં જનતા પાર્ટી સહિતની યુનાઈટેડ ફ્રંટની સરકાર રચાઇ શકે તે દેખાવા લાગ્યું, પણ સંઘર્ષ આકરો હતો. પોતાની પાર્ટીના વિવિધ જૂથોમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ હતી તો જમણેરી ભાજપ સાથે વિચારધારાનો સંઘર્ષ હતો. દેવીલાલ અને ચંદ્ર શેખર જેવા પાકટ નેતાઓને સાચવવાના હતા, પણ વી.પી.સિંહએ  દેશના ખૂણે ખૂણે જ  સભાઓ ગજવી. ભ્રષ્ટાચાર વિરોધી ભાષણો કર્યા.


અંતે યુનાઇટેડ ફ્રન્ટે 1989ની સામાન્ય ચૂંટણીમાં રંગ રાખ્યો. આ ચૂંટણીમાં જનતા દળે  કુલ  244માંથી 143 બેઠકો મેળવી.  તો ડાબેરી પક્ષોએ ૫૨ બેઠકો પર બાજી મારી. બી.જે.પી.એ હનુમાન કૂદકોલગાવતા 1984 ની બે બેઠકોમાં વધારો કરતાં 85 બેઠકો જીતી બતાવી. તો ઇન્દિરા ગાંધીના અવસાનથી સહાનુભૂતિના વોટ મેળવીને પ્રચંડ બહુમતીથી સત્તા પર આવેલી કોંગ્રેસનો 197 બેઠકો ઉપર ફસડા પડી. બોફોર્સના ફોર્સથી યુનાઇટેડ ફ્રન્ટ સત્તા સુધી પહોંચી ગયો. એક ટર્ન ટ્વીસ્ટ સાથે ચંદ્રશેખરને પાછળ રાખતા વાયા દેવીલાલ થઈને વી.પી.સિંહ ભારતના વડાપ્રધાન બન્યા.


નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે