આલ્બર્ટ આઈન્સ્ટાઈન, નેતાઓને પાછળ રાખીને, દેશ-કાળ-ભાષા-સંસ્કૃતિની સીમાઓ તોડીને બધા માટે મહાનાયક હોય એ બહુ રસપ્રદ કહેવાય. સંશોધકો લખે છે, આ તમામ દેશોના યુનિવર્સીટી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાનની ભૂખ વધુ છે એ અહી સાબિત થાય છે.
સમાચાર બહુ સરસ છે. એમના અવસાનના બાવન વર્ષ પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક ચેતના બનીને સંસારના સમગ્ર લોકોના જહેનમાં જીવે છે. એમને માનવ ઈતિહાસના મહાનાયક તરીકે ઘોષિત કરાયા છે. એટલે કે, માનવ જીવનની શરૂઆત થઈ ત્યાંથી શરુ કરીને આજ સુધી જગતમાં જેટલા ઈતિહાસસર્જક લોકો થઇ ગયા એવા ૪૦ની એક યાદીમાંથી આઈન્સ્ટાઈનને સૌથી વધુ સકારાત્મક મત મળ્યા છે. આઈન્સ્ટાઈનના જ દેશ જર્મની અને ન્યુઝીલેન્ડના બે સંશોધકો, કત્જા હાંકે અને જેમ્સ લીએ ૩૭ દેશોના ૬,૯૦૨ યુનિવર્સીટી વિદ્યાર્થીઓને ઈતિહાસની ધારા અને ધરા બદલનારી ૪૦ શખ્સિયતોને ૭ પોઈન્ટ્સના સ્કેલ (અત્યંત સકારાત્મકથી લઇને અત્યંત નકારાત્મક તરફ) ઉપર માપવા કહ્યું હતું, જેમાં આ પરિણામ આવ્યું છે.
આ સર્વેમાં યુરોપિયન ઈસાઈ દેશો (આર્જેન્ટીના, બ્રાઝીલ, બુલ્ગેરિયા, કોલમ્બિયા, હંગેરી, મેકશીકો, પેરુ,પોર્ટુગલ,રશિયા, સ્પેન), પશ્ચિમી દેશો (ઓસ્ટ્રેલિયા,ઑસ્ટ્રિયા,બેલ્જિયમ, કેનેડા, ફીજી, જર્મની, ઇટાલી, નેધરલેંડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, ફિલિપાઈન્સ, સ્વિત્ઝરલેન્ડ, યુકે, યુએસએ), મુસ્લિમ દેશો (ઇન્ડોનેશિયા,મલેશિયા, પાકિસ્તાન, ટ્યુનિશિયા) અને એશિયન દેશો(ચીન, ભારત, હોંગકોંગ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન)ના લોકોને એમનાં ચિરપરિચિત ‘નાયકો અને ખલનાયકો’ વિષે પૂછવામાં આવેલું.
એમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનને બધા લોકોએ સૌથી શ્રેષ્ઠ તરીકે, સૌથી ઉપર પસંદ કરેલા. બીજા નંબરે મધર ટેરેસા, ત્રીજા નંબરે મહાત્મા ગાંધી, ચોથા નંબરે માર્ટિન લૂથર કિંગ, પાંચમાં નંબરે આઈઝેક ન્યુટન, છટ્ઠા નંબરે (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) જીસસ, સાતમાં નંબરે નેલ્સન મંડેલા, આઠમાં નંબરે થોમસ એડીસન, નવમા નંબરે અબ્રાહમ લિંકન અને છેલ્લે બુદ્ધ આવ્યા હતા.
આ તો માનવજીવનને ઉજળું કરનારા તારાઓ. અંધારું ફેલાવનારાઓનું શું? શ્રેષ્ઠતાના સામા છેડે કનિષ્ઠના સ્કેલ ઉપર સૌથી ઉપર નામ હતું હિટલરનું. એ પછી એની આંગળી ઝાલનારાઓમાં ઓસામા બિન લાદેન, સદ્દામ હુસેન, (સરપ્રાઈઝ સરપ્રાઈઝ) જ્યોર્જ બુશ, જોસેફ સ્ટાલિન, માઓ ઝેદોન્ગ, ચંગીસ ખાન, સલાદીન (ઈજીપ્તનો પહેલો સુલતાન) અને કિન શિ હુંગ (ચીનનો પ્રથમ શહેનશાહ) હતા.
છેલ્લા ત્રણ આમ તો ખલનાયક નો’તા પણ, એમનું રેટિંગ મામૂલી હતું. જોવા જેવું એ છે કે, બુશ સ્ટાલિન અને ચંગીસ ખાન કરતાં પણ બધું બદતરીન છે. એનું કારણ, સંશોધકોએ કહ્યું તે પ્રમાણે, સમય છે. સ્ટાલિન અને ચંગીસ ખાન મોટી કત્લેઆમ માટે જવાબદાર હતા પણ, એ જુનો ભૂતકાળ છે, જ્યારે લોકોને બુશે બે યુદ્ધોમાં જે સંહાર કર્યો એ વધુ યાદ હોય એવું બને.
સકારાત્મક અસર છોડી જનારાઓની યાદીમાં સૌથી રસપ્રદ વાત એ છે કે પુરા વિશ્વના સમાજોમાં માનવતાપ્રેમીઓ અને આધ્યાત્મિક પુરુષોનો દબદબો તો છે જ પણ, વૈજ્ઞાનિકોનું રેન્કિંગ સૌથી ઉપર છે. ટોપ ટેનમાં ત્રણ છે; આઈન્સ્ટાઈન, ન્યુટન અને એડીસન. દરેક સમાજ અને દરેક દેશના પોત-પોતાના નાયકો અને ખલનાયકો હોય છે, જે એમની સંસ્કૃતિમાંથી પેદા થાય છે. જરૂરી નથી કે એક સમાજનો હીરો કે વિલેન બીજા સમાજના લોકો માટે પણ હીરો કે વિલેન હોય. એટલે, આ પ્રકારનાં રેન્કિંગ સબ્જેક્ટીવ પણ હોય છે, અને કોઈ એક સમય કે સમાજમાં એ પ્રાસંગિક કે અપ્રાસંગિક હોય છે. આ પહેલો એવો સર્વે છે જે વૈશ્વિક છે અને તમામ સભ્યતાઓને સમાવતો છે.
એટલે જ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, નેતાઓને પાછળ રાખીને, દેશ-કાળ-ભાષા-સંસ્કૃતિની સીમાઓ તોડીને બધા માટે મહાનાયક હોય એ બહુ રસપ્રદ કહેવાય. સંશોધકો લખે છે, આ તમામ દેશોના યુનિવર્સીટી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાનની ભૂખ વધુ છે એ અહી સાબિત થાય છે. દુનિયામાં અત્યારે (અને ભૂતકાળમાં) જે જંગાલિયત થઇ છે, એમાં રાજનેતાઓની જ તો ભૂમિકા રહી છે (ઉદાહરણ-જ્યોર્જ બુશ) ત્યારે વૈજ્ઞાનિકો માનવજાતના ‘રોલ મોડેલ’ નીકળે એ ખાસ્સા આશાના સમાચાર છે.
અનેક સંશોધનો, નવલકથાઓ, ફિલ્મો, નાટકો અને કળાનો વિષય બનેલા, પાગલ વૈજ્ઞાનિક અને ચસકેલા દિમાગના પ્રોફેસર તરીકે જાણીતા અને મહાન બુદ્ધિશાળીમાં ગણાતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ભગવાનનો જ અવતાર ગણાતા જીસસથી પણ આગળ હોય,એ કેટલી મોટી વાત છે! આઈન્સ્ટાઈને જ કહેલું-ધર્મ વગરનું વિજ્ઞાન લંગડું છે, પણ વિજ્ઞાન વગરનો ધર્મ તો આંધળો છે. “તમે શેમાં માનો છો?” એવા એક સવાલના જવાબમાં એમણે કહ્યું હતું, “આપણે જે પણ અનુભવ કરીયે છીએ, તેનીય પાર કંઇક એવું પણ છે, જેને આપણું મન પામી શકતું નથી. એની મનોહરતા અને મહાનતા આપણી સામે અપ્રત્યક્ષ આવે છે-મારા માટે એ ધાર્મિકતા છે, અને એ અર્થમાં હું ધાર્મિક છું.”
આઈન્સ્ટાઈન આસ્તિક હતા કે નાસ્તિક, એનો એક ઐતિહાસીક વિવાદ છે, અને એના ઉપર પાનાઓ ભરીને લખાયું છે, પણ અહી એમનાં વૈજ્ઞાનિક યોગદાનની વાત છે, જે એમને મહાનાયક બનાવે છે. 1999માં, ટાઇમ મેગેઝિને આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પર્સન ઓફ ધ સેન્ચ્યુરી જાહેર કર્યા હતા, જ્યારે ગેલપના સર્વેમાં તેમને 20મી સદીના ચોથા સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિ જાહેર કરાયા હતા. દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં આઈન્સ્ટાઈન વિષે અઢળક લખાયું છે. ભાગ્યેજ કોઈક એવું હશે, જેને આઈન્સ્ટાઈનનું નામ ખબર ના હોય.
દ્વિતિય મહાયુદ્ધ પહેલાં આઇન્સ્ટાઇન અમેરિકામાં એટલા લોકપ્રિય હતા કે લોકો તેમને રસ્તા ઉપર રોકીને તેમની થિયરી સમજાવવાની વિનંતી કરતા. આઈન્સ્ટાઈન આનાથી બહુ હેરાન થયેલા, અને એમણે એક રસ્તો શોધી કાઢેલો. કોઈ એમને રોકે તો એ કહેતા,” I am sorry, માફ કરો, મને લોકો પ્રોફેસર આઇન્સ્ટાઇન સમજી લેવાની ભૂલ કરે છે, પણ હું એ નથી.”
વિજ્ઞાનમાં આઈન્સ્ટાઈનની થિયરીને સાપેક્ષવાદ કહેવાય છે. ત્રણ પરિમાણો (લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ)ની સાથે આઈન્સ્ટાઈને ચોથું પરિમાણ ઉમેર્યું – સમય. અણુશક્તિનો આવિષ્કાર એમણે કર્યો હતો, જે ઈ=એમસી2 (E = mc^2) તરીકે જાણીતો છે. ૧૯૪૫માં હીરોશીમામાં અણુબૉમ્બ ફૂટ્યો. દુનિયા એ જોઈને ધ્રૂજી ગઈ! આઈન્સ્ટાઈન ત્યારે માથું હલાવીને બોલ્યા હતા, "ઓહ! આના માટે દુનિયા હજી તૈયાર નથી..." આઈન્સ્ટાઈન પછી કાયમ માટે શાંતિદૂત બની ગયા.
આ બધું જ બહુ જાણીતું છે, અને એટલે જ, એમનું મગજ વર્ષોથી કુતુહાલનો વિષય રહ્યું છે. ૧૯૫૫માં, ૭૬ વર્ષની વયે આઈન્સ્ટાઈનનું અવસાન થયું તે પછી, ચિકિત્સક થોમસ હાર્વેએ એમના મગજને ૨૪૦ હિસ્સામાં કાપી નાખ્યું હતું. દરેક હિસ્સાના ૨૦૦૦ જેટલા નાના-નાના ટુકડા કરી દેવાયા હતા, અને દુઇન્યન ૧૮ અન્વેષકોને મોકલી અપાયા હતા, જેથી માઈક્રોસ્કોપીક સ્તરે એની જાંચ થઇ શકે. હાર્વે સિવાય કોઈને બહુ ખબર નહી પડી, અને મોટાભાગના હિસ્સા ખોવાઈ પણ ગયા છે.
આ બધું મળીને ૬ પેપર્સ લખાયાં છે, જેમાં ગજબની વાતો છે. એમનાં મગજમાં, બીજાઓની સરખામણીમાં, ન્યુરોન્સ (તાંત્રિક કોશિકાઓ)ની ડેન્સીટી (ઘનતા) વધારે હતી. એક અભ્યાસમાં એવી વાત આવી કે આઈન્સ્ટાઈના parietal lobesમાં (જેમાં બધી સેન્સરી ઇન્ફોર્મેશન પ્રોસેસ થાય) ‘નદી-નાળા’ બહુ અસામાન્ય હતા, જે એમની અપ્રતિમ બુદ્ધિશક્તિ માટે કારણભૂત હોઈ શકે.
૨૦૦૯માં નૃવંશશાસ્ત્રી ડીન ફાલ્કે એક અભ્યાસ કરીને કહ્યું હતું,” આઈન્સ્ટાઈને ખુદ પોતાનું બ્રેઈન તૈયાર કર્યું હતું, જેથી ભૌતિકશાસ્ત્રનું જગત જયારે પરિપકવ હોય ત્યારે, નવી શોધ કરી શકે. એમનું, યોગ્ય સમય માટે યોગ્ય જગ્યાએ યોગ્ય બ્રેઈન હતું.” ફિલાડેલ્ફીઆ (પેન્સીલવેનિયા સ્ટેટ)ના મેડિકલ મ્યુઝીયમમાં આઈન્સ્ટાઈનું આ મગજ સચવાયેલું પડ્યું છે.
આપણા મનમાં પણ એમનું મગજ જીવે છે!
રાજ ગોસ્વામીએ ગુજરાતી પત્રકારત્વને સમૃદ્ધ કર્યું છે. પોતાની લાંબી કારકિર્દીમાં તેમણે ગુજરાત અને મુંબઈમાં પ્રશંસનીય કહી શકાય એ રીતે તંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી છે. હાલમાં તેઓ અત્યંત યુનિક વિષયો પર પુસ્તકો લખી રહ્યા છે. તેમજ અનેક અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ પણ કરી રહ્યા છે.