Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

હિન્દી સિનેમામાં જૂની શાયરીઓના ઉપયોગ થકી અમીર ખુસરોની 'જિહાલ-એ-મિસ્કીન' જેવી રચનાઓ આજે પણ જીવંત છે. પર્શિયન અને વ્રજભાષાના સંગમથી જન્મેલી 'હિન્દવી' ભાષા ખુસરોની અદભુત કારીગરી છે. આ લેખ સિનેમા, શાયરી અને સતત પરિવર્તન પામીને સમૃદ્ધ થતી ભાષાનો સુંદર પરિચય આપે છે.

    ઘણા સમયથી  હિન્દી સિનેમામાં રિમિક્સ- રીમેકનો દોર છે. પહેલા ફિલ્મો અને હવે ગીતોના રિમેક  વર્ઝન આવતા રહે છે. જો કે આ આખો વિષય આમ તો અલગ ચર્ચાનો બને છે પણ ક્યારેક ભૂલાઈ ગયેલા ગીત આ ટ્રેન્ડને લીધે સજીવન પણ થતા હોય છે. થૉડા સમય પહેલા  જે.પી. દત્તાની ફિલ્મ ‘ગુલામી’ જે ૧૯૮૫માં રિલીઝ થઈ હતી તેનું પ્રચલિત ગીત “જિહાલ એ મિસ્કીન....”  ફરીથી ક્રિએટ કરવામાં આવ્યું હતું. 


     પ્રસિદ્ધ શાયર- કવિઓની પંક્તિઓને ફિલ્મી ગીતમાં ઢાળીને ઉપયોગમાં લેવી તે હિન્દી સિનેમામાં ઘણા વર્ષોથી થતું આવે છે. જેમકે ૧૯૬૯માં રાજ ખોસલાની ફિલ્મ ‘ચિરાગ’ માં ‘તેરી આંખો કે સિવાય ઇસ દુનિયા મેં રખા ક્યાં હૈ ...’ પંક્તિઓ પાકિસ્તાનના પ્રખ્યાત શાયર ફૈઝ અહેમદ ફૈઝની ‘મુજસે પહેલી સી મોહબ્બત મેરે મહેબૂબ ન માંગ...’ માંથી લીધી છે. ગુલઝાર જુના શાયરોની પંક્તિઓ ફિલ્મી ગીતોમાં ઉપયોગમાં લઈને ફિલ્મી પરિસ્થિતિ મુજબ ગીત લખવા માટે જાણીતા છે. એમની દિગ્દર્શિત કરેલી ફિલ્મ ‘મૌસમ’ નું ‘ દિલ ઢુંઢતા હૈ ફિર વહી..... તેમણે ગાલીબની ગઝલનો શેર ઉપયોગમાં લઇ યાદગાર ગીત આપ્યું હતું .તો ‘ગુલામી’ ફિલ્મના ગીતનું મૂળ જાય છે અમીર ખુસરો સુધી,તેમણે એ ગઝલમાં ‘જિહાલ એ મિસ્કીન’શબ્દો ઉપયોગમાં લીધા છે. 



  આમિર ખુસરોનો જન્મ ૧૨૫૩ના વર્ષમાં દિલ્હી- લખનૌ વચ્ચે એક પતિયાલી નામના નગરમાં થયો હતો. આમ,  ખુસરો જન્મે ભારતીય પણ તેમના પિતા આમિર સૈફુદ્દીન શમ્સી  ચંગીઝ ખાનના સમયમાં સલામતીના કારણોસર મધ્ય એશિયામાંથી દિલ્હી સ્થળાંતર કરી ગયા હતા. તેઓ સુલતાન ઇલ્તુતમિશના દરબારમાં અધિકારી હતા. અમીર ખુસરોના માતા મુસ્લિમ રાજપૂત કુટુંબમાંથી આવતા હતા.


 
આ ગીતના શબ્દો જે તે સમયે ભારતમાં ચાલતી પર્શિયન ભાષાના ચલણની યાદ અપાવે છે. સલ્તનત કાળ અને મુઘલ કાળમાં રાજ દરબારો અને સમાજના ઉચ્ચ વર્ગોમાં પર્શિયન ભાષાનું ચલણ હતું. પરંતુ દિલ્હીની આજુબાજુ નાના- નાના વર્ગોમાં ઘણી બોલીઓ  બોલાતી. જેમાં અવધી, વ્રજભાષા, ભોજપુરી વગેરે સમાવેશ થતો હતો. સમાજના ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગના લોકોમાં અલગ અલગ બોલીઓ/ ભાષાઓનું ચલણ જોવા મળતું હતું. જતે દિવસે પર્શિયન ભાષા સાથે બીજી બોલીઓનું મિશ્રણ થતું ગયું અને રચાઇ  નવી ભાષા -‘હિન્દવી’. ખુસરોની ભાષા- ખુસરોના સર્જનમાં જે તે વખતના હિન્દુસ્તાનની સ્થાનિક બોલીઓમાં પર્શિયન શબ્દોનો વઘાર જોવા મળે છે.  તે સમયે  ઉર્દુ ભાષાના ચલણને આવવાની હજુ વાર હતી. જે અઢારમી સદીના અંત ભાગમાં ચલણી બની હતી. આ ભાષા અંગે પેગી મોહન પોતાના પુસ્તક ‘વંડરર્સ,  કિંગ્સ, મર્ચન્ટસ- ધ સ્ટોરી ઓફ ઇન્ડિયા થ્રુ ઇટસ  લેંગ્વેજીસ’માં લખે છે કે જ્યારે જે તે વખતે શાસન/રાજ્યમાં સ્થિરતા હોય ત્યારે ભાષાઓ જલ્દીથી બદલાતી નથી. અપવાદરૂપે કેટલાક નવા શબ્દો ભાષાના ભંડોળમાં ઉમેરાતા હોય છે. અહીં પણ ખુસરોના લેખનમાં સ્થાનિક બોલીઓમાં આ શબ્દો જોવા મળે છે. સ્થાનિક ભાષાના ઉપયોગમાં- કૃતિમાં તાજગી માટે ખુસરો પર્શિયન શબ્દોની કરામત કરતા હતા.જેમકે ,નીચે આપેલો જ શેર જુઓ. 



‘જિહાલ એ મિસ્કીન મકુમ તગાફુલ,
દુરાયે નૈના બનાયે બતિયા.’



ખુસરોની કારીગરી જુઓ પ્રથમ પંક્તિમાં ભારોભાર પર્શિયન ભાષા છાંટેલી છે કે જે કમસે કમ આજે તો  સમજવામાં ભારે છે પણ બીજી પંક્તિ કે જે વ્રજભાષામાં છે તે આસાનીથી સમજમાં આવી જાય તેમ છે. આ મૂળ ગઝલ તમને યુ ટ્યૂબ પર નુસરત ફતેહ અલી ખાન જેવા મહાન ગાયકના અવાજમાં પણ પૂરા વીસ  મિનિટ સાંભળવા મળી જશે. ખુસરોના સમજવામાં અઘરા શેર પછી બીજું ઉદાહરણ જુઓ કે જેમાં ખુસરો કઈ રીતે પર્શિયન ભાષાનો  ઉપયોગમાં લઈ સરળ પણ લખી શકે છે,  તે નીચેનો શેર વાંચતા સમજાશે.



‘ખુસરો દરિયા પ્રેમ કા, ઉલ્ટી વા કી ધાર
જો ઉતરા સો  ડૂબ ગયા,  જો ડૂબા સો પાર.’



     ઉપરના શેરમાં ખુસરોએ મોટા ભાગની વ્રજભાષા જ ઉપયોગમાં લીધી છે પણ તેમાં ‘દરિયા’ એટલે કે નદી. ‘વા કી’ એટલે કે એની. એ પર્શિયન શબ્દો ઉપયોગમાં લીધા છે.અમીર ખુસરોના ઉદાહરણથી એ ખ્યાલ આવે છે કે ભાષા બદલાતી રહે છે. ભાષા પોતાનામાં નવા શબ્દો ઉમેરતી રહે છે અને સમૃદ્ધિને પામતી રહે  છે. 

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે