Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

આ પ્રવાસવર્ણનમાં લેખિકાએ પુષ્કરના મેળાના ધબકતા બજારો, પરંપરાગત વસ્ત્રો અને ઊંટના પડાવોને પોતાના કેમેરા અને શબ્દોમાં જીવંત કર્યા છે. ઢળતી સાંજે રણના એકાંત અને સાવિત્રી મંદિરની આત્મીય અનુભૂતિ સાથે, તળપદી સંસ્કૃતિને જાળવી રાખવાની તેમની પ્રવાસ-ભાવના અહીં હૃદયસ્પર્શી રીતે રજૂ થઈ છે.

      સવારે પુષ્કરના મેળાના માહોલને, મેળામાં ભરાતી બજારને કેમેરા નામના થેલામાં ભરીને અમારા નિવાસે આવેલી અને સ્નાન-ભોજન, એકાદ કલાકની નિંદર અને એક ચા ચડાવીને ફરી ત્રણ-સાડા ત્રણે એક સદીનો ઈતિહાસ લઈને ધબકતાં અને cultural Kaleidoscope [કેલીડોસ્કોપ] ગણાતા વૈવિધ્યપૂર્ણ મેળાના સતત બદલાતા દ્રશ્ય જેવા રંગ રંગ મેળાને જીલવા ઉપડી ત્યારે પુષ્કરની બડી બસ્તી, હનુમાન ગલીમાં સ્થિત શ્રી જ્ઞાન ગોપાલજી મંદિરે થોડા વાહનો પડ્યા હતાં અને તેમાંથી બે વાહનો GJ વાળી Number plate ધરાવતા ગુજરાતના વાહનો હતાં.




    બાળક કાંખમાં તેડીને મારી તરફ આવતી પીળી ઓઢણી વાળી સ્ત્રીને તે મંદિર અને વાહનો સાથે જીલીને મેં મારી બપોર પછીની photography શરૂ કરી ત્યારે પુષ્કરના પવિત્ર તળાવ પાસે સ્થિત બ્રહ્માજી મંદિરે દર્શન કરીને મંદિરના પગથિયા ઉતરતી લાલ-ગુલાબી ઓઢણીઓ ઓઢેલી સ્ત્રીઓ જોવા મળી જે સ્ટીલની ડિશમાં મળતા પ્રસાદના ટેબલને તારવીને, ઘુમટામાંથી પગથિયા જોઈને નીચે ઉતરતી હતી.




    મંદિરના પગથિયા પાસેના એક ઘુમ્મટ પાસે આ ઘુમટા તાણેલી બહેનોને ઝડપથી compose કરતાં કરતાં મારા કેમેરાના લેન્સે મને કાળા રંગની Front button બંડિ સાથે બુસ્કોટની બાય સીવી લીધી હોય તેવા બ્લાઉઝ નહિ પણ કમર સુધીના ખમીશ અને તેના પર ભૂરી ગોઠ વાળી પીળી ઓઢણી ઓઢેલા દાદી દેખાડ્યા અને મેં ખચાક કરતોકને ફોટો પાડ્યો ત્યારે ખરેખર આપમેળે બનેલા photo collage જેવો જ ઘાટ ઘડાણો કારણ કે જમણી બાજુ એક ભાઈનું માથું અને ડાબે ગુલાબી ઘુમટામાંથી નીચે જોતી જુવાન સ્ત્રી વચ્ચે પગથિયા ઉતરતા દાદી  આપમેળે બનેલા collageનું મુખ્ય પાત્ર હતા.

    મને આવા collageથી શાંતિ ન થઈ એટલે કેમેરા zoom કરી એ જ દાદીનો બીજો ફોટો અંકે કર્યો ત્યારે સૂર્ય પ્રકાશ જીલતા દાદીનો ચહેરો sunlightથી તગતગતો હતો અને સોનાની નથ અને સેંથા પરનો ટીકો પણ high light થઈને મને ગમતો રાજસ્થાની portrait આપી રહ્યો હતો.




    હજી મેળાની massive vibrant market place જ મારી મેળા સુધીના વિશાળ ગ્રાઉન્ડ જવાના માર્ગે દેખા દઈ રહિ હતી અને પરંપરાગત કઠપુતળી (puppet), લાકડા પરના કોતરકામ વાળા Handmade wooden artifacts, રાજસ્થાની પહેરવેશની ભરત ભરેલી બાંધણીઓ, લહેરીયા દુપટ્ટા, મોતીના necklace, ચાંદિના એથનિક ઘરેણા, ઊંટના ચામડાની શોલ્ડર બેગ, શ્યુઝ અને શીખ પુરુષો વાપરે તેવી તલવારની દુકાનો પસાર કરું ત્યાં ફરી ઊંટના રંગબેરંગી શણગારનો એક સ્ટોલ આવ્યો જેમાં વિવિધ રંગી ફુમતા વાળી રસ્સી અને ઘુઘરા બાંધેલા પટ્ટા મળતાં હતા.

    મારા નિવાસેથી બજારની ફોટોગ્રાફી કરી મેળાના ગ્રાઉન્ડ પહોંચવામાં હતી ત્યાં સાંજની પીળી ધમરખ lightમાં મને ફરી છાણા-માટલા પાથરેલી એક જગ્યા દેખાણી જ્યાં બે પાઘડી વાળા અને એક પાઘડી વગરના ભાઈ છાણાના ઢગલામાંથી આખા તૂટ્યા વગરના છાણા વીણી રહ્યા હતા. છાણા અને માટલાના ખાખી અને મટીયલ રંગ વચ્ચે ઉભડક બેઠેલી તે rustic clickને vertical સંયોજને જીલીને હું નીચી મુંડિ કરીને ઘાએ ઘા એટલે direct મેળાના ગ્રાઉન્ડમાં ઝડપથી પહોંચી ત્યાં તો ૨૦૦૧ના નવેમ્બરના ટૂંકા દિવસોની સાંજ પશ્ચિમ તરફ ગતિ કરી રહી હતી.




    સૂર્ય નારાયણની એવી પશ્ચિમી ગતિમાં મેં અરવલ્લીની પર્વતમાળાની અગ્રભુમાં રહેલું ઊંટ અને તેના થાકેલા માલિકોનું જે દ્રશ્ય જીલ્યું તેમાં ખાસ કાંઈ unique નોહતું પરંતુ મારી પાછળ પશ્ચિમે રહેલો સૂર્ય foregroundમાં ખરબચડી રણની રેતી પર મારો જ પડછાયો જીલીને મારી પાડેલી તસવીરમાં મને જ જીલ તો હતો તે જોવાનું ગમતું હતું કારણ કે હું એકલી હતી.




    ઢળતી સાંજના સૂર્યપ્રકાશે છાયા-પડછાયાના એવા ખેલમાં કેટલાક અધૂરા-અમથા અને balance વિહોણા સંયોજનો જીલ્યા તેમાં સર્પગ્રીવા પક્ષીની graceful ગરદન જેવી ઊંટની લચકદાર ગરદનના મોહે ચારેક ઊંટની માત્ર ગરદનની જ તસવીર જીલી ત્યારે કવિ દલપતરામનું ઊંટ પરનું કાવ્ય હૈયે અને હોઠે આવ્યું અને પુષ્કરના મેળાના વિશાળ મેદાનમાં ઊંટ જ ઊંટના પડાવો વચ્ચે ઊભી રહિ હું ગણગણવા લાગી,


ઊંટ કહે: આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે.
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકા, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે!”


           આમ અઢારે અઢાર અંગ વાકા હોય તેવો ઊંટ પોતાનો ડાબો પગ આગળ કરી તેના રખેવાળ સાથે સાંધ્ય સભામાં જતો હોય તેવો ફોટો પાડિ હું પણ તે ઊંટની પાછળ પાછળ રણની રેતીની ભૂમિ ધરાવતા પડાવો તરફ ચાલી ત્યારે દૂર-સુદૂર અરવલ્લીની હારમાળા દેખાતી હતી અને મારી બરાબર સામે બે ઊંટ વચ્ચે તેનો રખેવાળ દૂર નજર નાખીને ઉભો હતો જાણે એના ઊંટને ખરીદવા કોઈ આવી રહ્યું હોય તેની રાહ ન જોતો હોય!




       પુષ્કરના આંતરરાષ્ટ્રીય પશુમેળા દરમિયાન માત્ર ઊંટનો વેપાર એંશી લાખે પહોંચતો હોય અને ઘેટા-બકરા, ઊંટ અને ઘોડાઓનું trading ભેગું મળીને અગિયાર કરોડે પહોંચતું હોય તેવા સમયે મેળા દરમિયાન મેળાના વિશાળ મેદાનમાં baisic જીવન જીવતાં ઊંટવાળાઓ સુધી હું પહોંચી ત્યારે આખા દિવસનો થાક લઈને પાંચ-છ ઊંટવાળા ગરમ શાલ અને ધાબળી ઓઢી ઓઢીને બેઠા હતાં અને તે સૌની આસપાસ ચા-દૂધના વાસણો, માટલું, ચુલો અને ત્યાં જ રાત્રિ રોકાણ કરવાના ઈરાદે લવાયેલા ઓઢવા-પાથરવાનાથી ભરેલી સફેદ પોલીથીન બેગ પડિ હતી અને ભરપૂર આળસનો એ સાંધ્ય સમય કોઈ શેડ વગરના ખુલ્લા પડાવો પર ધીમે ધીમે અંધારું વધારી રહ્યો હતો. 

           એવા સાંધ્ય સમયે જયારે ધીમે ધીમે શિયાળાની ઠંડિ ચાદર સજીવ-નિર્જીવ સૌ પર પોતાની ઠંડક પાથરી રહિ હતી ત્યારે મને રાજસ્થાનમાં સ્થિત રત્નાગિરી પર્વત પરની એક ઊંચી ટેકરી પર મંદિરની ઝાલર સંભળાય રહિ હતી અને બ્રહ્માના પ્રથમ પત્ની સાવિત્રીનું મંદિર પુષ્કરની રત્નાગિરીની ટેકરી પરથી આખાય પુષ્કરને, પુષ્કરના બધા મંદિરોને, પવિત્ર તળાવ અને મેળા પર છવાય રહેલા અંધારાને જોઈ રહ્યું હતું તેવો આત્મીય અહેસાસ મને ઘેરી રહ્યો હતો.એ અહેસાસ સાથે બ્રહ્માજીથી નારાજ થઈને માતા સાવિત્રી આ પર્વત પર આવીને બિરાજમાન થયા હતાં એ પૌરાણિક કથા પણ મનની પાછળની બારીએથી મને બોલાવતી હતી.




     આવી સ્થિતિમાં હું મારા ખ્યાલ બહાર પુષ્કરના વિશાળ scale પરના લોક-લોક મેળામાંથી ઊંટના અસંખ્ય પડાવોના લોભમાં એકદમ lonely સ્થળે એકલી આવી પહોંચી હતી એવું મને લાગ્યું આથી મારી photographyની madnessને ડહાપણની એક ટપલી મારી મા સાવિત્રીના દૂરથી જ સાંધ્ય દર્શન કરી મેં પડાવોથી ધમધમતી બજાર તરફ ચાલવાનું શરૂ કર્યું ત્યારે રણની રેતીમાં પગ ઝડપથી ચાલી શકતા નોહતા અને અજાણ્યા અંધારાને હું પણ ઝડપથી કાપીને મેળાની બજારમાં ઝગમગાટ સુધી પહોંચી શકતી નહોતી.



    આવી એકલવીર સ્થિતિમાં સૌથી પહેલા તો કેમેરાને કિટમાં મુક્યો અને શક્ય એટલી ઝડપી ચાલે ચાલવા લાગી કારણ કે ભય તો એ હતો કે જો અંધારું વધશે તો મારા નિવાસ તરફ જવાની દિશા નહિ સૂઝે અને મેળાની બજાર ક્રોસ કરીને ઘર તરફ જવાની બદલે હું અરવલ્લીની ગિરિમાળા તરફ ચાલવા ન મંડુ. 




     આવી મૂંઝવણમાં મેં જોયું કે ઊંટ સાથેના પડાવોમાં ક્યાંક ક્યાંક ચુલા પર રોટલા થઈ રહ્યા હતા અને ક્યાંક તો કરગઠિયાનો [twing] કેમ્પફાયર કરીને હાથ તાપતા ઊંટના માલિકો આખા દિવસની લે-વેચની વાતો કરી રહ્યા હતા. માહોલ રણનો હતો અને ખૂબ ગમતો હતો અને એકલી ન હોત તો ખરેખર જ એ પડાવોના તાપણે બેસીને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના અંતરિયાળ ગામડેથી આવતા ખેડૂતો, વેપારીઓ અને ભ્રમણશીલ Nomads સાથે વાતો કરત કારણ કે મારી માટે પ્રવાસ એટલે ભારતના વિવિધ પ્રદેશોના તળના લોકોને મળવું, તેની જીવન શૈલીને કેમેરાના સત્ય બોલતા માધ્યમથી જીલવી અને તે સૌની સંસ્કૃતિ અને પરંપરાને કદિ ન વિસરાય એવી મંજુષામાં મુકિને આપણા વ્હાલા હિન્દુસ્તાનને આવતી પેઢિને માટે જાળવી રાખવાનો આનંદ, તેને છુટ્ટા હાથે વહેંચવાની શાતા અને એ દરમિયાનના સ્મરણોને આવી રીતે પ્રવાસ વૃતાંતમાં વર્ણવવાની પરમ ઈચ્છા...

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.