૧૯૯૨ના ભંવરી દેવી કેસથી આવેલી ‘વિશાખા ગાઈડલાઈન્સ’ અને ૨૦૧૨ના નિર્ભયા કાંડ પછી રચાયેલી જસ્ટિસ જે.એસ. વર્મા સમિતિની ક્રાંતિકારી ભલામણોએ ભારતમાં મહિલા સુરક્ષાના કાયદા મજબૂત કર્યા. આ બંને ઐતિહાસિક ઘટનાઓમાં જસ્ટિસ વર્માએ ભારતીય ન્યાયપાલિકા દ્વારા મહિલાઓના સન્માન માટે સીમાચિહ્નરૂપ યોગદાન આપ્યું છે.
૧૯૯૨માં રાજસ્થાન સરકારે બાળલગ્ન અટકાવવા એક અભિયાન શરૂ કર્યું. વુમન્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ( WDP) ની કર્મચારી, સામાજિક કાર્યકર્તા ભંવરી દેવીએ ત્યાંના એક ગામમાં એક વર્ષની દીકરીના લગ્ન અટકાવવાનો પ્રયત્ન કર્યો. રૂઢીચુસ્ત એવા ગ્રામજનોને ભંવરી દેવીનું આ (દુ:) સાહસ પસંદ ન પડ્યું અને સપ્ટેમ્બર,૧૯૯૨ના રોજ પાંચ ગ્રામજનોએ તેના પતિની સામે તેની ઉપર સામૂહિક બળાત્કાર કર્યો. આ ઘટનાથી રાજ્ય- દેશમાં ખળભળાટ મચી ગયો. આ ઘટનામાં ન્યાય તો અંતે પીડિતાને મળ્યો પરંતુ તેમાં તેને અનેક વિઘ્નો- મુસીબતોનો સામનો કરવાનો આવ્યો જેના પરિણામસ્વરૂપ પાંચ બિનસરકારી સંગઠનો(NGOs) કાર્યસ્થળે સ્ત્રીઓના થતા જાતીય શોષણ- સતામણી માટે નિર્દેશો આપવા- માર્ગદર્શિકા ઘડવા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી(PIL) દાખલ કરી જેનો ચુકાદો ૧૯૯૭માં આવ્યો.
સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયધીશોની પેનલ એ ૧૩ ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ આ ચુકાદો આપ્યો, જેના વડા હતા જસ્ટિસ જગદીશ શરણ વર્મા(જે.એસ.વર્મા) અને અન્ય બે જજીસ હતા- સુજાતા વી. મનોહર અને બી. એન. કિરપાલ. આ જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી જેમાં આઠ જેટલી માર્ગદર્શક સૂચનાઓ હતી. આ માર્ગદર્શિકાને લગતો કાયદો ૨૦૧૩માં બનાવવામાં આવ્યો હતો.આ કાયદો એટલે ‘The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013, જેને ‘POSH Act’ પણ કહે છે.
૧૬ ડિસેમ્બર, ૨૦૧૨.
સ્થળ: નવી દિલ્હી
૨૩ વર્ષની એક વિદ્યાર્થીની તેના એક મિત્ર સાથે મોડી રાતે ફિલ્મ જોઈ ઘરે પરત હતી. તેઓ એક ખાનગી બસમાં બેઠા. આ બસમાં રહેલા છ લોકોએ તે વિદ્યાર્થીની ઉપર સામૂહિક બળાત્કાર કર્યો. વધુમાં તેને અને તેના મિત્રને જીવલેણ માર માર્યો. તેઓએ તે બંનેને માર મારી ઉઘાડા શરીરે રસ્તા ઉપર ફેંકી દીધા. આ બધાની અસરથી તેર દિવસ બાદ ૨૯ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ તે વિદ્યાર્થીનીનું અવસાન થયું.
દેશમાં આ ઘટનાથી હાહાકાર મચી ગયો. ગલી- મોહલ્લા બધામાં પીડીતાના સમર્થનમાં રેલીઓ- સરઘસો નીકળ્યા. લોકજુવાળ ફાટી નીકળ્યો. મીડિયાએ આ વિદ્યાર્થીનીને ‘નિર્ભયા’ એવું નામ આપ્યું હતું. દિલ્હી પોલીસ અને વહીવટીતંત્ર તથા દેશના તે સમયના આ ગુન્હાને લગતા હયાત કાયદાઓ- જોગવાઈઓ સામે પ્રશ્નાર્થ ચિન્હો ખડા થયા. તે સમયે ‘વિશાખા’ ગાઈડલાઇન્સવાળો ચુકાદો આપ્યો હતો તેવા જસ્ટિસ જે.એસ. વર્મા કેન્દ્ર સરકારને યાદ આવ્યા. કેન્દ્ર સરકાર હરકતમાં આવી અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ જે. એસ. વર્માના વડપણ હેઠળ એક સમિતિ નિમવામાં આવી.જેમાં હિમાચલ પ્રદેશના હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ લીલા શેઠ (કે જેઓ લેખક વિક્રમ શેઠના માતા હતા ) તથા ભારતના ભૂતપૂર્વ સોલી સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રહ્મણીયમ(૨૦૦૯-૨૦૧૧)નો સમાવેશ થતો હતો. આ સમિતિએ જાતીય હુમલા કરનારાઓ સામે ઝડપથી કોર્ટ કાર્યવાહી કઈ રીતે ચલાવી શકાય અને તેને સજા આપવા માટેના જે તે સમયના હયાત ફોજદારી કાયદાઓ (ક્રિમીનલ લો) હતા તેમાં સુધારા સૂચવવાના હતા.
આ સમિતિને દેશ અને વિદેશોમાંથી ૮૦,૦૦૦ જેટલા સૂચનો મળ્યા હતા! આ સમિતિએ સઘન તપાસને અંતે રેકોર્ડ બ્રેક એવા માત્ર ૨૯ દિવસમાં પોતાની તપાસ પૂરી કરી હતી. સમિતિએ ૨૩ જાન્યુઆરી,૨૦૧૩ના દિવસે પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરી દીધો હતો. આ સમિતિએ જે તે સમયની ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમોમાં ફેરફાર સૂચવ્યા હતા કે જેમાં ‘બળાત્કાર’ની નવીન વ્યાખ્યા, જાતીય હુમલો કોને ગણવો?, તે થાય પછી તેની સજા, શાબ્દિક જાતીય સતામણી, શારીરિક જાતીય સતામણી, એસિડ એટેક, સંઘર્ષવાળા વિસ્તારોમાં આ પ્રકારના ગુન્હાઓમાં કઈ રીતે કાર્યવાહી કરવી, હ્યુમન ટ્રાફિકીંગ, બાળ જાતીય સતામણી, બળાત્કારનો ભોગ બનેલનું મેડિકલ પરીક્ષણ, પોલીસ વ્યવસ્થા સબંધી સુધારાઓ કે જેમાં રેપ ક્રાઇસીસ સેલ શરૂ કરવા બધા ,પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર અને પૂછપરછ રૂમમાં સી.સી.ટી.વી. નાખવા, ઓનલાઈન એફ.આઇ.આ.ર નોંધવી, લોક પ્રતિનિધિત્વ કાયદો- ૧૯૫૧માં ફેરફાર કે જેમાં જાતિય હુમલા કરનાર જન પ્રતિનિધિને તેના પદ પરથી ગેરલાયક ઠરાવવા વગેરે જેવી જડબેસલાક ભલામણો કરી હતી. જે પૈકીની અમુક ભલામણોનો અમલ બાદના વર્ષોમાં થયો હતો.
ભારતના ૨૭મા મુખ્ય ન્યાયાધીશ (માર્ચ-૧૯૯૭- જાન્યુઆરી,૧૯૯૮) જસ્ટીસ જે. એસ. વર્માએ દેશમાં મહિલા વિરુદ્ધના બે ઐતિહાસિક બનાવોમાં મહત્વપૂર્ણ ન્યાયિક કામગીરી બજાવી અને દેશના નાગરિકોને - ખાસ કરીને મહિલાઓને ભારતની ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ બેસે તેવી કામગીરી કરવામાં આવી હતી.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે