લેખિકા પુષ્કર મેળાના લોકજીવન, ગાદલીયા લુહાર જાતિના અનોખા પહેરવેશ અને ઓજારોની કારીગરીને કેમેરામાં કંડારી ચારભુજા તથા દોઢસો વર્ષ પ્રાચીન હવેલી શૈલીના જ્ઞાન ગોપાલજી મંદિરના સ્થાપત્યને માણે છે. સંસ્કૃતિ અને ઇતિહાસને જીવંત રાખવા કરેલું આ સુંદર કલ્ચરલ ડોક્યુમેન્ટેશન છે.
બપોરના પોણા બાર જેવું થયું હશે અને સવારથી પુષ્કરના મેળાને એક્ષ્પ્લોર કરવા નીકળેલી હું થાકિને મેળા આસપાસ જ રાખેલા અમારા નિવાસે પાછી ફરી રહિ હતી ત્યારે ભૂખ-તરસ સતાવતા હોવા છતાં મેળાની site પસાર કરીને ઘરે પાછા ફરતાં પણ વચ્ચે આવતાં વિષયોને કેમેરાની જોળીમાં ટપકાવી લેવાનો લોભ ઘટતો નહોતો.આવા લોભે હું દૂરથી મગફળીની આસમાની રંગની લારીની પાસે એમ્બ્રોડરી મશીન ભરતની પીળી ઓઢણી ઓઢીને શાક-ભાજી વહેંચતી એક સ્ત્રીને જોઈ ગઈ.

Portrait લેવાની ઈચ્છાએ મારા કેમેરામાં available એવું છેલ્લું 5.6 aperture રાખીને મેં એક portrait લીધો ત્યારે મારા લેન્સ સામે આશ્ચર્યથી જોતી તે સ્ત્રીનો માથે ઓઢણી ઓઢેલો મજાનો ફોટો આવ્યો પરંતુ 5.6ના moderate Apertureમાં મગફળીની લારીનું background બહુ નહિ પરંતુ soft blurr જ થયું.
તે સ્ત્રીનો બીજો portrait લેવા ગઈ ત્યારે મારી સામેથી આડું જોઈ જનાર તે સ્ત્રીનો 5.6ના aperture પર મેં profile portrait લીધો.5.6ના Aperture પર મને casual portrait આપનાર મારા કેમેરામાં આકાશી રંગની લારી અને તેના પૈડા વાળું background સંપૂર્ણ રીતે ઝાંખુ ન થયું પરંતુ સ્ત્રીનો portrait backgroundથી થોડો જૂદો પડિને high light તો થયો જ અને તે side portrait હોવાથી તેનું નાક, પગ પર ટેકવેલા હાથ પરની બંગડીઓ અને દૂર નજર નાખતી આશાસ્પદ આંખ પણ દેખાણી.

મેળાની photography સાથે સાથે જાતે પોતે જ થોડુક શીખતી-કારવતી હું મેળાની આખી બઝાર ક્રોસ કરીને અમારા નિવાસ તરફ જતાં કચ્છના મેળામાં જેમ રાણા પ્રતાપના વંશ જ ગણાતા કચ્છી લુહારીયા અથવા કચ્છી ગુર્જર લોહાર લોખંડ, અને તાંબા-પિત્તળની ધાતુશિલ્પની વસ્તુઓ લઈને બેઠા હોય તેવી એક સ્ત્રી પુષ્કરના આ મેળામાં પણ બાંધણીની ઓઢણી ઓઢીને બેઠી હતી.

કચ્છમાં તો ‘કોપર બેલ આર્ટ’માં પેઢી દર પેઢી પારંગત ગણાતી આ ગાડી લુવારીયા કે ગાદલીયા લુહારીયા તરીકે જાણીતી વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને અહીં પણ જોઈને મને આનંદ થયો અને મેં લોખંડના દાંતરડા, સાણસી, તવા-તવી, લોઢી અને ચીપિયા વેંચતી બે બહેનોને પણ compose કરી ત્યારે નાકમાં પહેરેલા ‘ભંવરીયા’, ગળાની કંઠી, પગમાં ચાંદીના ભારેખમ કડલા અને હાથમાં હાથીદાંતના ચૂડા અને બલોયાથી શોભતી બંને બહેનો સાથે વાતો કરી હું આગળ ચાલી ત્યારે લાઈન બંધ બેઠેલી સ્ત્રીઓમાં બાંધણીની લાલ પાઘડી પહેરેલા લોખંડને ટીપી ટીપીને લોખંડના ઓજાર બનાવવા વાળા અને વિશ્વકર્માને પોતાના આરાધ્ય દેવ માનવાવાળા પુરુષો પણ હતાં.

લોખંડના ઓજારો પર કામ કરતી ગડુલિયા લુહારની આ ભ્રમણશીલ [Nomadic] જાતિને મેં કચ્છના કેરા ગામમાં બેલગાડિ સાથેના એક પડાવમાં જોઈ હતી.પોતાનું પૂરું જીવન બળદ ગાડા પર સામાન લાદિને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરી માલ વેંચવામાં પસાર કરતી આ જાતિ, તેના સિક્કા જડેલા ગાડા અને બખિયા [Backstitch] ભરેલા ગાદલા જોઈને આપણે તેઓની કલાદ્રષ્ટિ પર વારી જઈએ.

આમ એક એક ફોટા સાથે એક એક જાતિ, તેની જીવન શૈલી અને તેના આભૂષણો-પહેરવેશને જાણતા-સમજતાં ભર તડકે હું તો લાલ રંગનો મીણો જડેલો ટીકો પહેરેલી સ્ત્રી સુધી પહોંચી જેણે ભૂરા રંગના ચણિયા-ચોળી સાથે લીંબુ પીળી ઓઢણી ઓઢી હતી અને આપમેળે અંદરથી આવતી in built aestheticથી તૈયાર થયેલી આ બધી સ્ત્રીઓ અને તેના ઠોસ અને સહજ વ્યક્તિત્વથી મને ગમતી પણ હતી કારણ કે તેનો રુઆબ અને તેનો ઠસ્સો જ ખરા અર્થમાં gorgeous હતો.

આવી જાજરમન રાજસ્થાની સ્ત્રીઓથી જોળી ભરી હવે હું અમારા નિવાસની ખાસ્સી નજીક પહોંચી હતી કારણ કે પુષ્કરના મેળાનો બજાર વાળો વિસ્તાર પૂર્ણ થયો હતો અને એની સાથે ભીડ તો પૂરી થઈ જ હતી પરંતુ ભીડ વગરના એવા માહોલમાં હું શ્રી ચારભુજા મંદિરે પહોંચી ગઈ અને તેનો ફોટો પાડવા અટકિ.
મંદિરોના શહેર તરીકે જાણીતા પુષ્કરમાં તો પ્રાચીન મંદિરોનો પાર નથી એવું સાંભળ્યું હતું કારણ કે અહીં ચારસો-પાંચસો મંદિરો છે. જગ વિખ્યાત બ્રહ્મા મંદિર ઉપરાંતના અનેક મંદિરોમાં સાવિત્રી માતા મંદિર, વરાહ મંદિર, રંગ જી મંદિર અને અપટેશ્વર મંદિર ઉપરાંતનું આ શ્રી ચારભુજા મંદિર હતું જેના ઓટલે-પગથિયે સફારી પહેરેલા અને કથ્થાઈ પાઘડી પહેરેલા એક દાદા જેવો મેં મંદિરનો ફોટો પાડવા લેન્સ ધર્યો એવા પોતે સાવધાનની ટટ્ટાર મુદ્રામાં લાકડિ ટેકવી સજ્જ થઈને બેસી ગયા. એ વખતે મંદિર સાથે આ દાદાની candid clickનું તો મારું સુરસુરીયું જ થઈ ગયું પરંતુ પારંપરીક રાજસ્થાની શૈલીનું અને તે રાજપૂત શૈલીમાં મુગલ કલાના મિશ્રણ વાળા મંદિર અને તેના લાકડાના દરવાજાનું મેં vertical composition લીધું અને થોડિ જ વારમાં ત્યાં ત્રણ વડિલો પણ આવ્યા.

પુષ્કરમાં રહ્યા એટલા દિવસ અમે જ્યાં ઉતર્યા હતાં તે નિવાસે આવતાં-જતાં માર્ગમાં આવતાં આ મંદિરને મેં તે દિવસે બે ઘટાદાર વૃક્ષોના backdropમાં અને ત્રણ પાઘડી વાળા રાજસ્થાની વડિલોની હાજરીએ જીલ્યું ત્યારે કોટના કાંગરાની ધાર ધરાવતી દિવાલ વાળું આ મંદિર બે વડિલો અને તે વડીલોના છાયા-પડછાયાથી જીવંત લાગતું હતું.
એક સ્થળ ગમે એટલે જળોની જેમ તે સ્થળને વળગી જનારી હું એટલી થાકિ હતી પરંતુ તે ચારભુજા મંદિરથી ખસી નહી એટલે ફરી એક એકદમ balanced horizontal compositionમાં તે જ મંદિરનો મેં ફોટો પાડ્યો ત્યારે તે પ્રાચીન મંદિરની જમણી બાજુ મુંઢા પર બેઠેલા મંદિરના મુખ્ય દાદા અને જમણી બાજુ વર્તમાનપત્ર વાંચતા ભાઈ મળ્યા ત્યારે પુષ્કરના મેળાની ભીડભાડથી દૂર એક નિરાંત મળી એવું એવો ભાવ થયો.

આવી નિરાંતને ભૂખની પાછળ મુકી દઈ હું ચાલવા લાગી ત્યારે કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ઠેર ઠેર પૂજા-આરતી ચાલી રહ્યા હતા અને આવા ઉત્સવિયા માહોલમાં રસ્તાની ધારે ફુલો-અગરબત્તી અને દિવાથી પૂજા કરતી કુલ આઠ બહેનો બેઠી હતી.આઠના ટોળામાંથી બેનું ધ્યાન મારી તરફ ગયું ન ગયું ત્યાં મેં તે સૌને રંગીલા રાજસ્થાનની રખડું જોળીમાં ભરી અને દૂર દેખાતા ભવ્ય જ્ઞાન ગોપાલજી મંદિરે પહોંચી.

પુષ્કર બડી બસ્તી, હનુમાન ગલીમાં સ્થિત ઓગણીસમી સદીમાં બંધાયેલું આ મંદિર હવેલી શૈલીમાં બનેલું દોઢસો વર્ષ પ્રાચીન મંદિર હતું. મંદિરના પ્રવેશદ્વાર પર મેહરાબ તરીકે ઓળખાતી કમાન હતી અને નકશીકામ વાળા સુંદર ઝરૂખાઓથી શોભતા આ મંદિરને સૌ પ્રથમ તો મેં vertical સંયોજનમાં અંકે કરીને પ્રવેશદ્વારની બંને બાજુ રહેલા નાથદ્વારમાં જોવા મળતા ભીંતચિત્ર સાથે જીલી લીધું.
મંદિરના પગથિયાથી શરૂ કરીને આકાશના canvas પર અડતા તેના ઝરૂખાઓ અને બે ઘુમ્મટ સાથે જીલેલા એ સંયોજન પછી મને રસ પડ્યો નાની એવી પીઠિકા કે ઓછી ઊંચાઈ વાળા ચબૂતરા પર સ્થિત આ મંદિરની બાલ્કની પર જેમાં જીણું નકશીકામ કરેલું હતું. હવેલી શૈલીના આ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ ગોખલા હતા અને એક માળ ધરાવતું આ મંદિર બાંગ્લાઘર શૈલીની બંગાળના અંતરીયાળ ગામોના ગાર-માટીના ઘરોમાં જોવા મળતી છતની યાદ દેવડાવતું હતું.

રાજસ્થાન સાથે બંગાળનો આ સંબંધ કઈ રીતે એવું વિચારતાં વિચારતાં મહેરાબદાર એટલે કમાનવાળા પ્રવેશદ્વારની કમાન ઉપર રહેલા પત્થરોના નકશીદાર બ્રેકેટ અને લટકતાં છજા પર ધ્યાન ગયું જ્યાં બારીક શિલ્પકલાનું કામ કરેલું હતું અને બાલ્કનીઓને ટેકો દેતાં બ્રેકેટ અને છજાની પટ્ટીઓ [Frieze] પર ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા ચિત્રો પણ દોરાયેલા હતા.

પૂર્ણ પ્રકાશની હાજરીએ મંદિરના ખૂણે ખૂણે રહેલા રાજપૂત શૈલીના બુરજો [Bastion] સહિતનો ફોટો પાડિને થોડીવાર આ મંદિર સમક્ષ ઊભી રહિને મુગલ અને રાજપૂત વાસ્તુકલા એટલે ઈન્ડો-ઈસ્લામિક વાસ્તુકલાના કલાત્મક સુમેળ સમા આ શ્રી જ્ઞાન ગોપાલ મંદિરેથી આગળ ચાલવા લાગી ત્યાં થોડીવારમાં જ ગેસ્ટહાઉસ, આશ્રમ અને હોટલનો એ વિસ્તાર આવ્યો જ્યાં અમારો નિવાસ હતો.
અમે એક dormitoryમાં કુલ પાંચ જણા ઉતર્યા હતાં અને અમારા ચાર ફોટોગ્રાફર્સમાંથી કોઈપણ ગમે ત્યારે આવે અને જાય એ સ્થિતિમાં અમે ચાવીનું શું કરતાં એ તો યાદ નથી પણ અમારા નિવાસે પહોંચીને સૌથી પહેલા તો મેં ખભેથી કેમેરા કિટ ઉતારી સ્નાન વિધિ પતાવી ને લંચ લીધું અને થોડિવાર સુઈ ગઈ જેથી મારી સાંજ એકદમ fresh જાય.
મારી સાથેના મારા ત્રણ સહપ્રવાસી છબીકારો હજી ફોટોગ્રાફિ કરીને પાછા નહિ ફર્યા હોય એટલે અમારું મળવાનું ન થયું પરંતુ વહેલી સવારથી નીકળેલી મેં તો અમારા ઉતારા પર આવીને સ્નાન કરીને બાથરૂમમાં હતાં એ બધા કપડા પણ ધોઈ નાખીને જ લંચ લીધું અને આમ પણ મારા દરેક પ્રવાસની આ જ type હતી કે સવારે તો સમય બગડ્યા વગર ફોટોગ્રાફિ કરવા નીકળી જ પડવાનું અને લંચ પહેલા સ્નાન કરી કપડા ધોઈ, જમી કારવી એક ઊંઘ ખેંચી એક સ્ટ્રોંગ ચા ચડાવી અને પછી ફરી photographyના કામે ચડવાનું અને ખરેખર જ બપોરે ત્રણેક વાગ્યા પછી વળી પાછી હું પુષ્કરના ઊંટ-ઘોડા અને ઘેંટા-બકરાના live stockના tradingના વિશ્વના સૌથી મોટા મેળાને મારી travel photographyની ધબકતી જોળીમાં ભરવા ઉપડી.
જ્યાં તેત્રીસ કરોડ દેવતા કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ પુષ્કરના પવિત્ર સરોવરમાં સ્નાન કરવા આવે છે તેવું મનાય છે તેવા એક સદીનો ઈતિહાસ ધરાવતા મેળામાં હું પણ સવારથી ખભે કોથળો અને દેહ મોકળો કરીને બપોર પછીના માહોલને જીલવા ઉપડી ત્યારે એવો પ્રશ્ન તો મનની બારીમાં ડોકાઈને મને જ પૂછી રહ્યો હતો કે આખી મહેનત શેના માટે જેનો જવાબ હતો ભારતની સંસ્કૃતિ અને પરંપરાને હૂબહુ જીલવા માટે કારણ કે હું અંગત રીતે એવું માનતી હતી કે ‘To lose our history is to lose our identity.’
એ વાતને ધ્યાનમાં રાખી પૂર્ણ આનંદથી થતી મારી travel photographyમાં થતું cultural documentation એક અરીસા માફક સચવાયેલું રાખવાની ઈચ્છા હતી જે આવતી પેઢીને કહિ શકે કે આપણે કોણ છીએ અને આપણે કેવા હતા. આપણી પાસે શું હતું અને હવે એમાંથી કેટલું અને કેવું બચ્યું છે....
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.