ભારતના બંધારણના અનુચ્છેદ-૩૪૦ હેઠળ રચાયેલા કાલેલકર અને મંડલ આયોગે વહીવટી અડચણો, અદ્યતન આંકડાકીય અછત તેમજ સત્તા પરિવર્તન જેવી મુશ્કેલીઓ વેઠી અહેવાલ તૈયાર કર્યો; જે પૈકી મંડલ પંચની ભલામણોના ૧૯૯૦માં થયેલા અમલે ભારતીય રાજકારણની દિશા કાયમ માટે બદલી નાખી.
ભારતના બંધારણના અનુચ્છેદ-૩૪૦માં પછાત વર્ગોની સ્થિતિની તપાસ માટે એક આયોગ નિમવા અંગે જોગવાઈ છે. દેશ આઝાદ થયો ત્યારબાદ આ અનુચ્છેદ હેઠળ પ્રથમવાર ૨૯ જાન્યુઆરી, ૧૯૫૩ના રોજ ભારત સરકારે પહેલા પછાત વર્ગો માટેના આયોગ બનાવવાની જાહેરાત કરી હતી. જેના અધ્યક્ષપદે પ્રસિદ્ધ સાહિત્યકાર તથા ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકરને નીમવામાં આવ્યા હતા. આયોગ એ પોતાનો અહેવાલ ૩૦ માર્ચ, ૧૯૫૫ના રોજ સરકારને સોંપ્યો હતો. આ આયોગના અહેવાલમાં સ્પષ્ટતાનો અભાવ તથા અન્ય વિસંગતતાઓ હોવાને કારણે તેની ભલામણોનો ક્યારે અમલ થયો નહીં.
દેશમાં ૧૯૭૫ના વર્ષમાં કટોકટી લાગુ થયા બાદ જ્યારે જનતા પાર્ટીના હાથમાં દેશનું સુકાન આવ્યું ત્યારે પછાત વર્ગના કલ્યાણ માટે અનામત લાગુ કરવી તે માંગ પૂરજોશથી ઉઠવા લાગી.જેના પ્રતિભાવરૂપે વડાપ્રધાન મોરારજી દેસાઈએ ૨૦ ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ સંસદમાં ચાર સભ્યો ધરાવતા બીજા પછાત વર્ગ માટેના આયોગ રચવાની જાહેરાત કરી. બિંદેશ્વરી પ્રસાદ મંડલ, બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને તેના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા. આર. આર. ભોલે( સાંસદ), દીવાન મોહનલાલ, દિનબંધુ સાહુ, કે. સુબ્રમણ્યમની સભ્ય તરીકે પસંદ કરાઇ હતી. ૫ નવેમ્બર, ૧૯૭૯ના રોજ સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર દિનબંધુ સાહુએ આયોગમાંથી રાજીનામું આપ્યું જેમના સ્થાન ઉપર પૂર્વ સાંસદ એવા એલ.આર. નાઇકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આયોગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વ્યાખ્યા નક્કી કરવાના ધારાધોરણો- માપદંડો ઘડવાના હતા. આ ઉપરાંત આ વર્ગોના કલ્યાણ માટે સરકારને ભલામણો કરવાની હતી. તે સાથે અન્ય વિષયો પણ તેમને સોંપવામાં આપ્યા હતા. આ આયોગની રચનાની અધિસૂચનામાં આયોગે ૩૧ ડિસેમ્બર, ૧૯૭૯ના પહેલા પહેલા પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને સોંપવો તેવી સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.આયોગનું મુખ્ય મથક નવી દિલ્હી રહેશે તે નક્કી કરવામાં આવ્યું હતું. આયોગની રચના બાદ તેની કામગીરીમાં અડચણો- મુશ્કેલીઓ આવતી રહી જેથી આયોગ તેની નિશ્ચિત સમયમર્યાદામાં પોતાનો અહેવાલ રજૂ કરી ન શક્યું. છેક ૨૧ મહિના બાદ આયોગએ પોતાનો અહેવાલ ડિસેમ્બર- ૧૯૮૦માં દેશના ગૃહમંત્રી જ્ઞાની ઝૈલસિંહને સોંપ્યો હતો.
આયોગની ઔપચારીક કામગીરીની શરૂઆત તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈના ઉદઘાટન ભાષણ દ્વારા ૨૧ માર્ચ, ૧૯૭૯ના રોજ થઇ હતી.આયોગની મોટાભાગની કામગીરી ૧૯૭૯ના મધ્યભાગમાં પાટે ચડી પરંતુ તેમાં વિઘ્નો આવતા રહ્યા, જેમકે, જુલાઈ-૧૯૭૯માં જે લોકસભાએ આ આયોગની રચના કરી હતી તેનું વિસર્જન થયું. એ પછી સત્તા પર આવેલી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારે માર્ચ-૧૯૮૦માં નવ રાજ્યોની વિધાનસભા ભંગ કરી. આ રીતે કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓના આયોજનમાં સમગ્ર તંત્ર લાગી જવાથી આયોગની કામગીરીને ઘણી અસર થઈ. આ દરમિયાન આયોગને સચિવ, વહીવટી અધિકારી, એકાદ- બે સ્ટેનોગ્રાફર ઉપરાંતના જરૂરી કર્મચારીઓ જૂન- જુલાઈ ૧૯૮૦માં જ મળી શક્યા જેના પછી આયોગની કામગીરીમાં તેજી આવી.
આ ઉપરાંત જનતા પાર્ટી પછી સત્તા પર આવેલી કોંગ્રેસ સરકારે પહેલીવાર જાન્યુઆરીથી માર્ચ-૧૯૮૦ પછી એપ્રિલથી સપ્ટેમ્બર-૧૯૮૦ અને અંતમાં ૧, ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર, ૧૯૮૦- એમ ત્રણ વખત આયોગનો કાર્યકાળ વધારી(એક્સ્ટેન્ડ) આપ્યો હતો. આયોગને અહેવાલ તૈયાર કરવામાં ઘણી અડચણો પણ આવી હતી જેમકે ૧૯૩૧માં દેશની છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી ત્યારબાદ દેશમાં જાતિ આધારિત ગણતરી થઈ ન હતી આથી, જાતિ સંબંધિત અદ્યતન આંકડા આયોગ પાસે ન હોઇ આયોગને ઘણી મુશ્કેલીઓ પડી. આયોગ પોતે જે અહેવાલ રજૂ કરે તે સર્વાનુમતે થાય તેમ ઇચ્છતું હતું પરંતુ આયોગના એક સદસ્ય એલ. આર. નાઈક દ્વારા ભિન્ન મત રજૂ થયો અને તેમણે આયોગના અહેવાલમાં પોતાની અસહમતી દર્શાવી. જેનો અહેવાલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આયોગનું વહીવટી કામ આઇ.એ.એસ. અધિકારી એસ એસ ગીલએ સોંપાવામાં આવ્યું હતું. પત્રકાર નીરજા ચૌધરીએ પોતાના પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ’ પુસ્તકમાં લખ્યું છે કે મંડલ આયોગના અહેવાલનો એક- એક શબ્દ તેના સભ્ય સચિવ ગીલએ લખ્યો હતો. આયોગની રચના બાદ તેને નડેલી અડચણો વચ્ચે બે વર્ષ જેટલો સમય પછાત વર્ગના આયોગને તેનો અહેવાલ બનાવતા થયો હતો જે માત્ર હિમશિલાની ટોચ જેટલો સંઘર્ષ હતો. ખરો સંઘર્ષ તો આયોગની ભલામણોનો અમલ કરવામાં હતો.આ આયોગની અમુક ભલામણોનો અમલ વડાપ્રધાન વી.પી.સિંહે એ પોતાના કાર્યકાળના આખરી સમયમાં ઓગષ્ટ -૧૯૯૦માં કર્યો હતો જેનાથી દેશના રાજકારણની દિશા બદલાઈ ગઈ હતી.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે