Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

૧૯૬૦ના એક અખબારી સમાચારે રાજ ખોસલાને ડાકુ આધારિત ફિલ્મ 'મેરા ગાંવ મેરા દેશ' બનાવવાની પ્રેરણા આપી. વિનોદ ખન્નાના 'જબ્બર સિંહ' અને અનોખી વાર્તા સાથે બનેલી આ સફળ ફિલ્મે પાછળથી આઇકોનિક 'શોલે' ફિલ્મ માટે પ્રેરણારૂપ પાયો નાખ્યો હતો.

૧૯૬૦નું ઉત્તર ભારત.


 એ સમયે ડાકુઓ એ લૂંટ મચાવી. ડાકુઓ એ ગામમાં પ્રવેશી હત્યાઓ કરી- તેવા સમાચારોથી વર્તમાનપત્રો ઉભરાતા હતા. તે સમયે એક વર્તમાનપત્રમાં થોડી અલગ ખબર છપાઈ. ખબર એ હતી કે  ગામના લોકોએ એકઠા થઈને ડાકુઓનો સામનો કર્યો અને તેર  જેટલા ડાકુઓને મારી નાખ્યા. આ સમાચાર વાંચતા જ મુંબઈમાં એક લેખક- નિર્દેશકને પહેલા તો પોતાના બાળપણનો એક અનુભવ તરોતાજા થયો કે જ્યારે તેમના પંજાબમાં આવેલા વતન શ્રી ગોવિંદપુરમાં ડાકુઓએ ચોક્કસ તારીખે તેઓ ગામ પર હુમલો કરશે તેવું લખાણ ચોંટાડ્યું હતું. આ સમાચાર વાંચતા જ તે  નિર્દેશકને આ ઘટના પરથી  ફિલ્મ બનાવવાનો વિચાર સૂઝ્યો. આ દિગ્દર્શક એટલે દેશરાજ ખોસલા, જેને હિંદી ફિલ્મ જગત રાજ ખોસલા તરીકે જાણે છે.


 
 પંજાબી એવા રાજ ખોસલાએ પ્રખ્યાત નિર્માતા-અભિનેતા-નિર્દેશક ગુરુ દત્તના  સહાયક તરીકે ફિલ્મ દિગ્દર્શન શીખ્યું હતું.ફિલ્મ નિર્માણમાં ગુરુ દત્ત તેમના ‘ગુરૂ’ હતા. પરંતુ પોતાની અલગ પહેચાન બનાવવા ગુરુ દત્તથી અલગ થઇને રાજ ખોસલાએ મિલાપ(૧૯૫૫),સી.આઇ.ડી (૧૯૫૬),સોલવા સાલ (૧૯૫૮) ,કાલાપાની(૧૯૫૮), બંબઇ કા બાબુ (૧૯૬૦), ઇક મુસાફિર ઇક હસીના (૧૯૬૨), વો કૌન થી? (૧૯૬૪), મેરા સાયા (૧૯૬૬),દો બદન (૧૯૬૬),અનીતા(૧૯૬૭), દો રાસ્તે (૧૯૬૯ ) અને ચિરાગ (૧૯૬૯) જેવી નોંધપાત્ર  ફિલ્મો બનાવી હતી પણ હવે બનનાર ફિલ્મ ‘એક્શન’  ફિલ્મ હતી જે તેમની અગાઉની ફિલ્મો કરતાં અલગ પ્રકારની  હતી. 



     તે સમયે ફિલ્મ નિર્માણ કંપનીઓના પોતાના ‘સ્ટોરી ડિપાર્ટમેન્ટ’ રહેતા હતા. જેમાં નોકરી પર રહેલા લેખકો ફિલ્મ નિર્માતા- નિર્દેશકો તરફથી આપવામાં આવેલ વાર્તાના વિચાર બીજને વિકસાવતા. નાનકડા એકાદ ફકરા જેટલીના વાર્તાના વિચારને ત્રણ કલાક ચાલે તેટલી ફિલ્મમાં ફેરવતા. તેમજ તેઓ  ફિલ્મના  સંવાદો (ડાયલોગ્સ) પણ લખતા. રાજ ખોસલાની નિર્માણ કંપનીના વાર્તા વિભાગના જી. આર. કામત અને અખ્તર રોમાની  જેવા લેખકો ફિલ્મ લખતા. આ ફિલ્મ હતી ૧૯૭૧માં રિલીઝ થયેલી ‘મેરા ગાંવ મેરા દેશ’. ડાકુઓ  અને ગામના લોકોનો સંઘર્ષ દર્શાવતી  ફિલ્મ.  યાદ રાખો કે હજુ ‘શોલે’  ફિલ્મ ચાર વર્ષ બાદ રિલીઝ થવાની હતી.



૧૯૬૦માં અમિતાભ બચ્ચનના સસરા તથા  અભિનેત્રી અને હાલમાં સાંસદ એવા જયા બચ્ચનના પિતા પત્રકાર તરુણકુમાર ભાદુરીએ ચંબલના ડાકુઓ ઉપર સંશોધન કરીને મૂળ બંગાળીમાં એક પુસ્તક લખ્યું હતું. જેના  અનુવાદો ઘણી ભારતીય ભાષામાં થયા હતા. આ પુસ્તકમાં  ડાકુઓના વારસાગત બદલો લેવાની ભાવના,  હિંસા, લોહીયાળ લડાઇઓ   જેવા તત્વો સામેલ હતા. આ તત્વો જ લોકોને ફિલ્મ જોવા ખેંચી જાય  તેવી ભરપૂર શક્યતાઓ હતી તેથી ડાકુઓ પર ફિલ્મો બનવાની શરૂ  શરૂ થઈ હતી. આ વિષય ઉપર પ્રસિધ્ધ અભિનેતા –નિર્દેશક રાજ કપૂરએ  ‘જીસ દેશમેં ગંગા બહેતી હૈ’ ( ૧૯૬૦) માં બનાવી તો અભિનેતા સુનીલ દતે ‘મુજે જીને દો’(૧૯૬૩) નામની ફિલ્મનું નિર્માણ કર્યું.



     આ પ્રકારની ફિલ્મોમાં ખલનાયક અર્થાત વિલનનું પાત્ર ખૂબ જ મહત્વનું હોય છે જેમ કે આજે પણ ‘શોલે’ ફિલ્મ તેના ખલનાયક ‘ગબ્બર સિંહ’ના  પાત્ર માટે જાણીતી છે. રાજ ખોસલાએ પોતાની આ ફિલ્મના ખલનાયક ‘જબ્બર સિંહ’ના પાત્ર માટે  નવાસવા અભિનેતા એવા વિનોદ ખન્નાને પસંદ કર્યા.તે સમયે તેમને હજુ  મોટા રોલ મળતા ન હતા. વિનોદ ખન્નાએ ડાકુ તરીકેની ભૂમિકા ઝનૂનપૂર્વક ભજવી હતી. ‘શોલે’ ફિલ્મએ ‘મેરા ગાંવ મેરા દેશ’માંથી ઘણી પ્રેરણા મેળવી હતી. જેમકે ‘શોલે’ના ઠાકોર બલદેવસિંહની પ્રેરણા આ ફિલ્મના જશવંતસિંહ નામના એક્સ આર્મીમેનના પાત્ર પરથી લેવાઇ છે. જશવંતસિંહ-  ભૂતપૂર્વ ફૌજીનો એક હાથ ન હતો જ્યારે ‘શોલે’ના ઠાકોર બલદેવસિંહના બંને હાથ ગબ્બર સિંહએ કાપી નાખ્યા હતા.



     અગાઉની ફિલ્મોમાં સહલેખન કરતા હોવા છતાં રાજ ખોસલાએ ફિલ્મનો સંપૂર્ણ સ્ક્રીનપ્લે અગાઉથી લખ્યો ન હતો. ઘણા દ્રશ્યો સેટ ઉપર જ લખીને ભજવાતા. સલીમ- જાવેદના હિન્દી ફિલ્મના આગમન પહેલાના સમયમાં આ જ રીતે ફિલ્મો લખાતી. રાજ ખોસલાની ખાસિયત એ હતી કે ફિલ્મનું કોઇ  દ્રશ્ય તેમને જોઈએ તેવું ફિલ્માવાયુ ન હોય તો તેઓ ફરીથી દ્રશ્યો શૂટ કરતા. આ ફિલ્મ ઉદયપુરથી ચાર કિલોમીટર દૂર આવેલા’ ચીરવા’ ગામે શૂટ થઈ હતી. સ્થાનિકોએ ફિલ્મના શૂટ દરમિયાન પ્રોડક્શનવાળા લોકોની ઘણી જ આગતા-સ્વાગતા  કરી હતી. તેનો બદલો વાળતા ફિલ્મ  યુનિટે તે ગામમાં હાઈસ્કૂલ બનાવી આપી હતી.



હિંદી ફિલ્મજગતમાં ‘મેરા ગાંવ મેરા દેશ’એ  સંવાદો અને ગીતો માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેનું ગીત તો કદાચ તમને યાદ જ હશે, 

“ માર દિયા જાય કે છોડ દિયા જાય,
 બોલ તેરે સાથ કયા સુલૂક કિયા જાય..”

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે