૧૯૪૬માં દેશના બંધારણ ઘડતરમાં ૧૫ મહિલાઓમાં દાક્ષાયની વેલાયુધન એકમાત્ર દલિત સદસ્ય હતા. અત્યંત કઠોર સામાજિક પ્રતિબંધો, અપમાનો અને અસ્પૃશ્યતા સામે લડીને પ્રથમ દલિત B.Sc. ગ્રેજ્યુએટ બનેલાં દાક્ષાયનીએ આજીવન દલિતો, શ્રમિકો અને વંચિતોના અધિકારો માટે અવિરત ક્રાંતિકારી સંઘર્ષ કર્યો હતો.
વર્ષ ૧૯૪૬.
બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું તેને એક વર્ષ થયુ હતું. એ સમયે ભારત દેશ અંગ્રેજોના આધિપત્યમાંથી નીકળી અને આઝાદી મેળવવા તરફ આગળ વધતો હતો. મંજીલ હજી દૂર હતી. ભારત દેશે તેનું સૌથી વિકટ એવું કાર્ય કરવાનું હજુ બાકી હતું. તે હતું- પોતાનું બંધારણ ઘડવાનું.
વર્ષ ૧૯૪૬માં કેબિનેટ મિશન અંતર્ગત ભારતીય સંવિધાન સભાનું ગઠન થયું. જેમાં ૩૮૯ સભ્યો ભારતભરમાંથી ચૂંટાઈને સ્થાન પામ્યા. આઝાદ ભારતના બંધારણમાં સ્ત્રીઓને પણ પોતાના આગવા હક્કો-અધિકારો પ્રાપ્ત થવાના હતા. વર્ષોથી તેમના દબાયેલા અવાજને હવે અભિવ્યક્તિનો અવસર મળવાનો હતો. તે માટે ૧૫ મહિલા સદસ્યો પણ આ સભામાં જોડાયા. આ ૧૫ મહિલાઓ પોતપોતાના પ્રદેશોની ક્રાંતિકારી વિચારસરણી ધરાવતી સ્ત્રીઓ હતી. જેમાં સરોજિની નાયડુ, બેગમ એજાઝ રસૂલ, પૂર્ણિમા બેનર્જી, સુચેતા કૃપલાણી, રાજકુમારી અમૃત કૌર, અમુ સ્વામીનાથન, વિજયલક્ષ્મી પંડિત, હંસા મહેતા, લીલા રોય, દુર્ગાબાઈ દેશમુખ, દાક્ષાયની વેલાયુધન, કમલા ચૌધરી, રેણુકા રે, માલતી ચૌધરી અને એની મસ્કારેનેનો સમાવેશ થતો હતો. આ બધા નામોનો પોતાનું આગવો ઇતિહાસ છે.
આઝાદી પહેલાના સમયમાં તમે અનુસૂચિત જાતિ- દલિત હોવ અને તેમાં પણ સ્ત્રી તરીકે જન્મ્યા હોવ તો તમારા માટે સંઘર્ષ કદી ખતમ ન થાય તેવી પરિસ્થિતિ હતી. સંવિધાન સભાના ૧૫ મહિલા સદસ્યો પૈકીના એકમાત્ર દલિત મહિલા- દાક્ષાયની વેલાયુધનની આજે વાત કરીએ.
તેઓ કેરાલાના એર્નાકુલમ જિલ્લામાંથી આવતા હતા. તેમનો જન્મ દલિત એવા ‘પુલાયા’ સમુદાયમાં થયો હતો અને ત્યાંના સામાજિક ઢાંચામાં આ સમાજની સ્થિતિ અત્યંત દયનીય હતી. તમે આજે કદાચ વિચારી પણ નહીં શકો પરંતુ આ સમુદાયને તે સમયે પૂરતા વસ્ત્રો પહેરવાની આઝાદી ન હતી. તેઓ કમરની ઉપર કોઈ વસ્ત્ર પહેરી ન શકતા. પોતાના વાળ કપાવવાની પણ તેમને છૂટ ન હતી. આ અપમાનોના બોજમાં વધુ ઉમેરો કરતી હકીકત જોઇએ તો તેઓને જાહેર રસ્તા ઉપર ચાલવા પણ ન દેવાતા. જ્યાં પણ તેઓ જાહેર જગ્યામાં જાય તો અન્ય સમુદાયના લોકોથી તેમણે એક નિશ્ચિત અંતર જાળવીને ચાલવું પડતું. સમાજસુધારક અય્યંકાલીના પ્રયાસોથી આ પરિસ્થિતિમાં થોડો ઘણો- મર્યાદિત ફેરફાર થયો હતો. તેમાં પણ દાક્ષાયની વેલાયુધનનું પરિવાર કુરિવાજ- અન્યાયી સામાજિક પ્રતિબંધોની વિરુદ્ધમાં હતું. તેમના બંને ભાઈઓ તેના સમાજના પ્રથમ એવા દીકરાઓ હતા કે જેઓએ વાળ કપાવ્યા હતા અને શર્ટ પહેર્યા હતા. દાક્ષાયની પણ સંપૂર્ણ વસ્ત્રોમાં જ શાળામાં જતા હતા. જોકે આ સુધારા સામે જીવવું એ કાંટા પર ચાલવા જેવું હતું. તેમને સમાજ તરફથી ગાળો આપવામાં આવતી અને તેઓ ઉપર પથ્થરો પણ ફેકવામાં આવતા.
તેમના માટે ભણતર પણ ક્યા સહેલું હતું? બી.એસ.સી.ના ભણતરમાં કોલેજની પ્રયોગશાળામાં ઉચ્ચ જ્ઞાતિના શિક્ષકે તેઓ દલિત હોઇ પ્રયોગ શીખવાડવાનો ઇન્કાર કરી દીધો. દાક્ષાયનીએ દૂરથી જ પ્રયોગો જોઈ અને સમજવા પડતા. ૧૯૩૫માં આ રીતે અપમાન સહતા સહતા તેઓએ સ્નાતકની ડિગ્રી મેળવી. આ રીતે દાક્ષાયની વેલાયુધન બી.એસ.સીના સ્નાતકની પદવી હાંસિલ કરનાર દેશના પ્રથમ દલિત મહિલા બન્યા. ત્યારબાદ તેઓ ત્રિચુર જિલ્લાની પેરિંગોથીકારાની હાઈસ્કૂલમાં શિક્ષિકા બન્યા.
દલિત અધિકારોની જાગૃતતા માટેની ‘પુલાયા મહાજન સભા’ નામની સંસ્થામાં તેઓ સક્રિય રહ્યા. એક સમયે ત્યાંના રાજાએ દલિતો પોતાના હક્કો માટે એકઠા ન થઈ શકે તે માટે બેઠક કરવાની જગ્યા માટે મંજૂરી ન આપતા આ તમામ લોકોએ સમુદ્રમાં જઈ હોડીઓ ભેગી કરીને તેમાં બેઠક કરી હતી.આ હતી તેમની સમાજ માટેની કટીબધ્ધતા !.તેમની આ સક્રીયતાને ધ્યાને લઇ દલિત સમાજ તરફથી ૧૯૪૫માં દાક્ષાયની વેલાયુધનને રાજ્યની વિધાનપરિષદમાં ‘નોમીનેટ’ કરવામાં આવ્યા હતા. ત્યાંથી ડિસેમ્બર, ૧૯૪૬માં તેઓ સંવિધાન સભામાં પહોંચ્યા.
સંવિધાન સભામાં તેમણે આઝાદ ભારતમાં જાતિ- સમુદાયના આધારે કોઈ ભેદભાવ નહીં થાય અને દલિતો સુરક્ષિત રહેશે તેઓ આશાવાદ પ્રગટ કર્યો હતો. આર્થિક શોષણ ખત્મ કરવા તેમણે શ્રમિકોને પોતાની મજૂરી સમયસર મળે તે માટે રજૂઆત કરી હતી. આઝાદી બાદ પણ તેઓ શરણાર્થીઓ- તિબેટના શરણાર્થીઓ વગેરે માટે કામ કર્યું અને મહિલા જાગૃત પરિષદ સંસ્થા શરૂ કરી તેમણે અંતિમ દિવસો સુધી સમાજસેવા કરી હતી.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે