ગુજરાતના સંસદીય ઇતિહાસમાં મનોહરસિંહજી જાડેજા (દાદા) એક અભ્યાસુ, કુશળ વહીવટકર્તા અને સિદ્ધાંતવાદી નેતા રહ્યા. ૧૯૬૨માં અપક્ષ તરીકે સફર શરૂ કરી વિપક્ષ અને નાણામંત્રી તરીકે સભાગૃહ ગજવનાર રાજકોટના આ યુવરાજ પોતાની ભાષાશુદ્ધિ અને સંસ્મરણીય સંસદીય પ્રણાલી માટે સદાય અમર રહેશે.
ગુજરાત રાજ્યના સંસદીય ઇતિહાસમાં સનત મહેતા,મકરંદ દેસાઇ,ચીમનભાઇ પટેલ,સુરેશ મહેતા જેવા શ્રેષ્ઠ પાર્લામેન્ટ્રીયનોમાં શ્રી મનોહરસિંહજી જાડેજાનું નામ પણ લેવાતું રહેશે.
સન ૧૯૬૨.
નહેરૂજીનો કરિશ્મા હજુ દેશમાં છવાયેલો હતો. લોકોને સતા પક્ષ માટે મોહભંગ થવાનો તાજો તાજો શરૂ થયો હતો.આવા સમયે રાજ્યમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું. મનોહરસિંહજીએ પણ આ જંગમાં ઝંપલાવ્યું.ઘર-કુટુંબમાંથી વડીલોના કોંગ્રેસ પક્ષમાંથી સારા સંબંધ હોઇ તે પક્ષની ઉમેદવારી કરવા જણાવવામાં આવ્યું પણ મનોહરસિંહજી એ કોઇનું ન માનતા અપક્ષ તરીકે રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવી અને તે સમયે ડો.જીવરાજ પ્રધાનમંડળના નાયબ મંત્રીશ્રી અકબરઅલી જસદણવાલાને હરાવી અને વિધાનસભામાં દાખલ થયા અને હવે તેમની મહેનત અને ખંતથી વિધાનસભામાં ઉચ્ચ સંસદીય પ્રણાલીનું વટવૃક્ષ ઉભુ થવાનું હતું.
તે સમયે કોંગ્રેસ પક્ષની લોકપ્રિયતા આગળ કોઇ પક્ષનો ગજ વાગતો નહીં.તેમ છતાં બીજી વિધાનસભા(૧૯૬૨-૧૯૬૭)માં ભાઇલાલ પટેલની આગેવાની હેઠળ સ્વતંત્ર જુથનો ઉદય થયો.જેમાં કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો સામેલ હતા.જે સરાકારને વિવિધ મુદ્દે ઘેરી અસરકારક વિરોધપક્ષની કામગીરી કરતા હતા. મનોહરસિંહજી માટે આ સંસદીય દુનિયા અલગ હતી.અહીના કલા-કસબ નોખાં હતા. નિયમાનુસાર વિધાનસભા ગૃહમાં કાર્ય થતું.તેથી પ્રથમ તો તેમને ગૃહની કામગીરીનું બરીકાઇથી અવલોકન કરવા માંડ્યું .સિનિયર ધારાસભ્યો પાસેથી બધી ‘ટીપ્સ’ મેળવી અને ઉંડો અભ્યાસ કરવા માંડ્યો. દરેક મુદ્દાને કઇ રીતે ગૃહમાં ઉઠાવવો તે તેઓ શિખ્યા. વિધાનસભામાં તેમણે પોતાનું પ્રથમ પ્રવચન ૬ મિનિટનું આપ્યું. તે સમયે વિધાનસભાના નિયમો ઘડવાની પ્રક્રીયા ચાલતી હતી.તેમાં તલસ્પર્શી અભ્યાસ કરી બને એટલાં સુધારાઓ વિરોધ પક્ષે સૂચવ્યા.સભ્ય સંખ્યા ઓછી હોવા છતાં સરકાર પક્ષે તેમની નોંધ લેવાઇ.આ રીતે મનોહરસિંહજી જાડેજાની રાજકીય-સંસદીય કારકીર્દી શરૂ થઇ.મંત્રીઓને કેવી રીતે મૂંઝવણમાં મૂકવા અને કેવી રીતે ઉશ્કેરીને જાતે જ ભૂલ કરવા પ્રેરવા વગેરે કૌશલ્યો તેઓ હસ્તગત કરવા લાગેલા.તેઓ વિધાનસભાના સત્રનો એકેએક દિવાસ હાજર રહેતા અને ચર્ચમાં ભાગ લેતા.
આ દરમિયાન પ્રજા સમાજવાદી પક્ષના સનતા મહેતા સાથે તેમની ઓળખણ થઇ અને આ જુગલ જોડીએ ઘણા વર્ષો સુધી સરકારને વિવિધ મુદ્દે વિધાનસભામાં ખડે પગે રાખી હતી.તેઓ બન્ને સાથે કોઇ મુદ્દા પર અભ્યાસ કરતા અને રાતે સાથે જ જમ્યા બાદ કોઇ ફિલ્મ જોવા રિલિફ રોડ ચાલ્યા જતા. આ દોસ્તીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સનત મહેતા કોંગેસમાં જોડાયા અને વર્ષ ૧૯૭૨માં રચાયેલી ઘનશ્યામ ઓઝા સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. ધીમે ધીમે દોસ્તીમાં ઓટ આવવા લાગી.તેમા છતાં આ બન્ને નેતાઓએ રાજ્યની સંસદીય પ્રણાલીને પ્રજ્વલિત રાખી હતી.
સન ૧૯૭૧ આવતા આવતા ‘દાદા’(મનોહરસિંહજીનું હુલામણુ નામ) એ પણ મિત્રોને અનુસરી કોંગ્રેસ પક્ષમાં જોડાવવાનું નક્કી કર્યું. સન ૧૯૭૫ની ચૂટણીમાં દાદાનો જનસંઘના કેશુભાઇ પટેલ સામે રાજકોટ બેઠક પર પરાજય થયો. ત્યારબાદ પણ તેઓ પોતાના મતવિસ્તારમાં અને પક્ષના સંગઠનમાં સક્રીય રહ્યા.૧૯૮૦માં ફરી તેઓ વિધાનસભામાં ચૂંટાયા અને માધવસિંહ સોલંકી સરકારમાં તેઓ નાગરિક પુરવઠા, આરોગ્ય અને રમત-ગમત વિભાગોના કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા. મંત્રી બન્યા બાદ હવે તેમણે પોતાની વહીવટી કુશળતાનો પરીચય કરાવ્યો.ખાદ્ય તેલના ભાવ વધારાને અંકુશમાં રાખવા તજવીજ હાથ ધરી તો આરોગ્ય વિભાગમાં ડોકટરોના પોસ્ટીંગનો મુદ્દો ઉકેલ્યો.સમય આગળ વધ્યો.પાર્ટીએ તેમને ૧૯૮૫ની વિધાનસભાની ચૂંટણી માટે ટીકીટ ન ફાળવી. એ દરમિયાન દાદાને G.I.D.Cના ચેરમેન બનાવવામાં આવ્યા.તે દરમિયાન તેમણે રાજ્યના ઉદ્યોગોના પ્રશ્નોને સમજવા માંડ્યું. ‘દાદા’ને પક્ષે જ્યા પણ તક આપી ત્યાં અભ્યાસપૂર્વક કામ તેમણે કરી બતાવ્યું.
૧૯૯૦નું વર્ષ.દેશની રાજનીતિમાં કોંગ્રેસ પક્ષ સામે નવા પડકારો ઉભા કરી રહ્યું હતું.કેન્દ્રમાં જનતા મોરચો વી.પી.સિંહના નેતૃત્વમાં સરકાર ચલાવી રહ્યો હતો.ગુજરાતમાં ચૂંટણી આવી.ચીમનભાઇ પટેલના જનતા દળે ભાજપ સાથે મળીને ચૂંટણી લડી અને કોંગ્રેસ પક્ષની સજ્જડ હાર થઇ.કોંગ્રેસના માત્ર ૩૩ સભ્યો જ વિધાનસભામાં બેસી શક્યા.આવા સમયામાં દાદા ફરી રાજકોટથી ચૂંટાઇ આવ્યા.ત્યારે વિરોધ પક્ષમાં બેસી તેઓ ધારદાર રજુઆત કરતા.તેમણે પોતાના સંસ્મરણો "ગયા વર્ષો અને રહ્યા વર્ષો" નામના પુસ્તકમાં લખ્યા છે..પોતાની રાજકીય કારકીર્દીના છેલ્લા સમયમાં તા.૨૨/૦૪/૧૯૯૪ના રોજ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાના મંત્રીમંડળમાં તેઓ નાણા અને બંદરો વિભાગના મંત્રી બન્યા હતા.
દાદા માટે અહીં સુધીનો રાજકીય સફર શાનદાર રહ્યો.વર્ષ ૧૯૯૫ બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને એ બાદ દાદા વિધાનસભ્ય તરીકે આવી ન શક્યા.આ વર્ષો દરમિયાન તેમને રાજ્યસભા કે લોકસભા એમ કોઇ પણમાંથી સાંસદ તરીકે મોકલવાની ગણતરીઓ થતી રહેલી પણ તે અમલી ન બની શક્યું.દાદા પોતે ખૂબ સારા વાચક અને તેમની ભાષા પર સારી એવી પકડ તેથી તેમણે કવિતાઓ પણ લખી અને કાવ્યસંગ્રહ પણ બહાર પાડેલો. ૨૭મી સપ્ટેમ્બર,૨૦૧૮ના રોજ ગુજરાતની સંસદીય ઇતિહાસમાં જેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલુ છે તેવા રાજકોટના યુવરાજ ભૂતપૂર્વ મંત્રી એવા મનોહરસિંહજી જાડેજાનું અવસાન થયું હતું.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે