૧૯૯૦ની ભયંકર આર્થિક કટોકટીમાં ગુપ્ત રીતે સોનું ગીરવે મૂકી દેશને દેવાળિયો થતો બચાવનાર પૂર્વ RBI ગવર્નર એસ. વેંકિટરામનનના સંઘર્ષમય કાર્યકાળ અને હર્ષદ મહેતા કૌભાંડની પડદા પાછળની રોમાંચક સત્યઘટનાઓ ટૂંક સમયમાં ‘ધ સાઇલેન્ટ સેવિયર ગવર્નર’ ફિલ્મ દ્વારા મોટા પડદા પર જોવા મળશે.
હાલમાં ‘ધ સાઇલેન્ટ સેવિયર ગવર્નર’ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. આપણા ગુજરાતી એવા વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં ભારતીય રિઝર્વ બેંક(આર.બી.આઈ.)ના ગવર્નર ની ભૂમિકા પ્રસિદ્ધ અભિનેતા મનોજ બાજપાઈ ભજવી રહ્યા છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે આ ફિલ્મ ૧૯૯૦ થી ૧૯૯૨ સુધી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રહેલા એસ.વેંકિટરામનન પર આધારિત છે. તેમના સમયમાં દેશ ભયંકર આર્થિક કટોકટીથી ઝઝૂમી રહ્યો હતો અને તેમાંથી સફળતાપૂર્વક બહાર પણ નીકળ્યો હતો.
એસ.વેંકિટરામનન મૂળે ભારતીય સનદી સેવા(આઇ.એ.એસ.) ના અધિકારી હતા. તેઓએ ભારતીય રિઝર્વ બેન્કના ૧૮મા ગવર્નર તરીકેની જવાબદારી સંભાળી તે પહેલા તેમણે ભારત સરકારમાં મહત્વપૂર્ણ ગણાતી ‘પોસ્ટ’ નાણા સચિવની જવાબદારી પણ સંભાળી હતી તથા કર્ણાટક સરકારના સલાહકારની ભૂમિકા પણ તેઓ ભજવી ચૂક્યા હતા. આ રીતે આર્થિક બાબતોમાં તેમને સારો એવો અનુભવ હતો. તેમની નિમણૂક કટોકટીની ક્ષણોમાં થઈ હતી.
દેશમાં તો ૧૯૯૦ના વર્ષમાં રાજકીય અસ્થિરતાનો દૌર વ્યાપેલો હતો. વિદેશમાં સદ્દામ હુસૈન એ કુવૈત ઉપર આક્રમણ કરતા ‘ઓઇલ’ની કિંમત આસમાને જવા લાગી હતી. તેવામાં આ આગમાં ઘી ઉમેરવાનું કામ એ થયું કે નવા વરાયેલા વડાપ્રધાન ચંદ્રશેખરની સરકાર સાથે મતભેદોને કારણે આર.બી.આઈ.ના તત્કાલીન ગવર્નર આર.એન. મલ્હોત્રાએ ૨૨મી ડિસેમ્બર,૧૯૯૦ના રોજ રાજીનામુ ધરી દીધુ.
ગવર્નર તરીકેનો ચાર્જ સંભાળતા તેઓ ચોંક્યા કે આર.બી.આઈ.ના તંત્ર પાસે ભારતનું કેટલું વિદેશી હૂંડિયામણ અનામત છે તેનો કોઈ ચોક્કસ ડેટા ન હતો. ૧ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ ભારત પાસે માત્ર ૧.૧ મિલિયન ડોલર જ અનામતમાં પડ્યા હતા.તે વર્ષે ફેબ્રુઆરી માસના ના મધ્યમાં તો પરિસ્થિતિ વધુ નાજુક બની. દેશ પાસે આયાતનું બિલ ચૂકવાનું બે અઠવાડીયા ચાલે તેટલું જ વિદેશી હૂંડિયામણ બચ્યુ હતું. તમામ વિકલ્પોની ચકાસણી થઈ પરંતુ નિરાશા જ સાંપડી. અંતે ચંદ્રશેખર સરકારે દેશ પાસે અનામત રાખેલું સોનુ ગીરવે મૂકી નાણા એકઠા કરવાનો કડવો નિર્ણય લેવો પડ્યો. આ નિર્ણયના અમલ કરાવવાની અત્યંત જોખમી જવાબદારી એસ.વેંકિટરામનનની હતી જે મુજબ અત્યંત ખાનગી રાહે દેશનું ૪૮ ટન જેટલું સોનું ‘બેંક ઓફ ઇંગ્લેંડમાં ગીરવે મૂકવા જહાજોમાં રવાના કરવાનું થયું. જેની દેખરેખની જવાબદારી તેમણે સફળતાપૂર્વક નિભાવી પરંતુ આ સફળતાનો સ્વાદ ત્યારે કડવો થઈ ગયો કે જ્યારે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે આ અંગેની એક સ્ટોરી પોતાના અખબારમાં છાપી. ત્યારબાદ નરસિંહ રાવ સરકાર સત્તા પર આવી અને ડૉ.મનમોહન સિંહ નવા નાણામંત્રી બન્યા. ત્યારબાદ તેમની સક્રિયતાથી હવે એસ.વેંકિટરામનનનો કાર્યબોજ કંઈક અંશે હળવો થયો, પરંતુ ત્યાં જ એક નવી મુસીબત તેમની રાહ જોઈ રહી હતી.
દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોને તેમની કુલ ડિપોઝિટમાંથી પાંચ ટકા જેટલી રકમ શેર બજારમાં રોકવાની જે છૂટ ૧૯૯૧માં આપવામાં આવી હતી અને તેને સલંગ્ન જે કોઇ સિસ્ટમ હતી તેના છિંડામાંથી હર્ષદ મહેતા કે જેઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં શેર બ્રોકર હતા તેમના દ્વારા ‘સદીનું સૌથી મોટું’ કહેવાતું પાંચ હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું. ૧૯૯૨માં આ સ્ટોરી ‘ટાઈમ્સ ઓફ ઇન્ડીયા’ના એડીટર સુચેતા દલાલ એ બહાર પાડી અને દેશમાં ખળભળાટ મચી ગયો. આર.બી.આઇ.ની ચારે બાજુથી ટીકાઓ થઈ. આ માટે આર.બી.આઇ. એ ડેપ્યુટી ગવર્નર આર. જાનકીરામનના વડપણ હેઠળ એક તપાસ સમિતિ નીમી જેના ત્રણ અહેવાલોમાં ત્યારની બેન્કિંગ સિસ્ટમ તથા સેબીના તંત્રને મજબૂત કરવાની ભલામણો હતી.
આ કૌભાંડ માટે સંયુક્ત સંસદીય સમિતિ(જે.પી.સી.)ની રચના થઈ. તેની સામે જુબાની આપતા એસ.વેંકિટરામનન એ જણાવેલું કે સ્ટોક માર્કેટની બાબતમાં તો ‘સેબી’ ની જવાબદારી થતી હોય છે તેમાં રિઝર્વ બેન્કની કોઈ ભૂમિકા હોતી નથી. વધુમાં બેન્કોને રોકાણ માટે માર્ગદર્શિકા આર.બી.આઇ.એ બહાર પાડેલી છે અને તેના રોજબરોજના વહીવટના સંચાલનની જવાબદારી જે તે બેંકની હોય છે પણ સમિતિએ તેમનો આ પક્ષ ગ્રાહ્ય રાખ્યો ન હતો.
દેશનું કિંમતી સોનું વિદેશમાં સહીસલામત પહોંચાડવું તથા દેશને દેવાળીયો બનતા અટકાવવાનું મિશન પાર પાડવામાં એસ.વેંકિટરામનનની પણ અહમ ભૂમિકા હતી. તેથી આવનાર ફિલ્મમાં દર્શકોને તે સમયગાળાની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ નાટકીય રીતે મોટા પડદા ઉપર ચોક્કસથી જોવા મળશે.તે ચોક્કસ.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે