Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

વર્ષ ૨૦૦૧ના ચોમાસામાં બે બહેનોએ ભાવનગરથી દીવ સુધી કરેલી યાદગાર મુસાફરીનું આ આલેખન છે. લેખિકાએ દીવનો ઇતિહાસ, પોર્ટુગીઝ સ્થાપત્યની ભવ્યતા અને દરિયાઈ સૃષ્ટિને પોતાની છબીકલાના શોખ અને સંવેદનશીલ દ્રષ્ટિકોણથી સુંદર રીતે કંડારી છે.

વર્ષ 2001ના જુલાઈ માસના ગોરંભ દિવસોમાં મેં અને મારી મોટી બેન જેવી સહપ્રવાસી, નલિનીએ દીવ જવાનું નક્કી કર્યું. શનિ-રવિ સાથે જોડી શકાય તેવી કોઈ જાહેર રજાનો તો મેળ નોહતો એટલે શનિવારની સવારની મારી નિશાળની ફરજો પૂર્ણ કરી સોમવારની એક રજા લઈ અમે બંને બહેનો શનિવારે બપોર પછી ગુજરાત રાજ્ય પરિવહનની બસમાં બેસીને પ્રથમ ભાવનગરથી ઉના પહોંચ્યા.




      ભાવનગરથી ઉનાના એકસો પચાસ કે એકસો પંચ્યાસી કિલોમીટરના અંતરમાં અમે તળાજા, મહુવા, રાજુલા ક્રોસ કર્યું અને રાતના આઠેક વાગે ઉના પહોંચ્યા. ૨૦૦૧માં ભાવનગરથી ઉના વચ્ચેના રૂટનો રસ્તો અત્યારે છે તેવી સારી સ્થિતિમાં નોહતો એટલે એસ.ટી બસની દોઢસો-બસ્સો કિલોમીટરની મુસાફરી અને સવારે કરેલી નોકરી પછી ઉના રાત્રિ રોકાણનો એક આળસુ વિચાર આવેલો અને એ આળસ ઉપરાંત એવો પણ વિચાર આવતો હતો કે ગમે ત્યારે વરસાદ આવે એવા વરસાદિયા દિવસોમાં રાત્રે આઠ વાગે ઉનાથી દીવનું સોળથી વીસ કિલોમીટરનું ઉબડ-ખાબડ અંતર રીક્ષામાં કાપવું કે નહિ અને ખાસ તો રીક્ષામાં કાપવું કેટલું સલામત છે.



    મારી સહપ્રવાસી હિંમતવાન બહેનપણી, નલિની ભટ્ટે તો એક જ મિનિટમાં નિર્ણય લઈ લીધો કે આપણે ઉના રાત્રિ રોકાણ નથી કરવું અને અત્યારે જ ઉનાથી દીવ જવા નીકળી જવું છે. આથી અમે બસમાંથી ઉતરી ત્રણ પગાળી રીક્ષા કરી અને રાત્રે આઠ-સવ્વા આઠે ઉનાથી દીવ જવા ઉપડ્યા. 




     અમે તો દીવનો ઐતિહાસિક દીવ કિલ્લો, પોર્ટુગીઝ વખતના પ્રાચીન દેવળો, અને ઘૂઘવતો અરબી સમુદ્ર ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશનો સ્વચ્છ માહોલ શ્વાસમાં ભરવા દીવ જતા હતાં પરંતુ મારા મનમાં દીવ એટલે દારૂની જે છાપ મન-હૃદયમાં ઘર કરી ગઈ હતી તેને લીધે ઉનાથી દીવ સુધીના એ સોળેક કિલોમીટર માંડ પસાર થયા કારણ કે સૂસવાટા મારતા પવન વચ્ચે એવા એવા પેચ આવ્યા કે જ્યાં રોડ પર લાઈટ જ ન હોય અને પીચ ડાર્ક અંધારામાં રીક્ષાની હેડ લાઈટ સિવાયનું કશું દેખાય નહિ. 



      નકામા નિરર્થક ભયથી ફફડતા જીવે મેં સોળ કિલોમીટર પસાર કર્યા પછી રાત્રે નવેક વાગે અમે દીવ પહોંચ્યા અને ફોનથી બુક કરાવેલી હોટલના રિસેપ્શનમાં સામાન મુક્યો,એન્ટ્રી ચોપડે ચડાવી અને check in કરી સુઈ ગયા. 




      બીજી સવારે એ જોવા-જાણવાનો બહુ ઉત્સાહ હતો કે ટાપુ પરનું કોઈ નગર દેખાવમાં કેવું હોય આથી ગુજરાતના કાઠિયાવાડ દ્વિપકલ્પના દક્ષિણ સાગરતટે રહેલા દીવ ટાપુને જોવા-જાણવા અમે એક લાલ રંગનું ફટફટીયું મોપેડ કલાકના ભાવે ભાડે કર્યું અને ઉપડ્યા [૨૦૦૧ના સેન્સસ મુજબ] ૪૪,૧૧૦ લોકોની વસ્તી ધરાવતાં અને ૩૮ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા કેન્દ્રશાસિત પ્રદેશ એવા દીવમાં. 



      નવમી સદીમાં ચાવડા અને પછી વાઘેલા વંશની સત્તામાં રહેલું દીવ ગુજરાતના દરિયા કાંઠાની દક્ષિણધારે, પોર્ટુગીઝે સોળમી સદીમાં માત્ર છ મહિનામાં બાંધેલા massive કિલ્લાને તેના ખોળામાં સાચવીને, અરબી સમુદ્ર વચ્ચે એક આઈલેન્ડ થઈને ઊભું હતું અને અમે એ ટાપુને, ટાપુના મનગમતા સ્થળોને explore કરવાના ઉત્સાહમાં હતા. 
     નલિનીએ લાલ રંગના એ મોપેડને તેના પ્રવાસી અંદાજમાં કિક મારી ચાલું કર્યું અને હું મારો કેમેરા લઈને મોપેડની pillion seat પર બેઠી અને મોપેડ તો ઉપડ્યું.




      જુલાઈના વરસાદિયા દિવસોમાં દીવનું વાતાવરણ તો વાદળીયું હતું અને ચારેય બાજુ અરબી સમુદ્રના જળથી સજળ દીવમાં મેં ફટફટીયા પર બેઠા બેઠા જ, દૂરથી આવતી, એક હોડી જોઈ જેમાં ત્રણ જણા હલેસા મારતા હતા અને બાકિના ત્રણ નાના છોકરાવ અમને ફટફટીયા પર જોઈને હસતાં હતા. 



      લાકડાની એ હોડી નજીક આવે એ પહેલા જ મેં એક ઊભા સંયોજનને અંજામ આપ્યો જેમાં ધુંધળા વાતાવરણ અને ખાસ્સી દૂર રહેલી હોડીને ઉતાવળે સંયોજવામાં click થયેલી તસવીર ઠીક ઠીક ઝાંખી આવી પરંતુ ફોટોગ્રાફી આરંભી ત્યારથી આકર્ષતી લાકડાની હોડીઓને હું એમ જવા દેવા માંગતી નોહતી એટલે બુસ્કોટ પહેર્યા વગરના એ માછીમાર બાળકો અને હોડીને જીલી તો ખરી જ.




    થોડું આગળ જતાં આકાશ અને સમુદ્રના ધૂંધળા canvas પર અમે છ ખાલી હોડીઓને જોઈ અને કોઈ પણ જાતના સૂર્યપ્રકાશ વગરના ફિક્કા Seascapeને ગમતો રંગ આપવા મેં લેન્સ પર સેપિયા રંગનું Graduted filter ચડાવી, સેપિયા રંગને ઉપર રાખી એક એવું composition અંકે કર્યું કે જેમાં છ એ છ traditional wooden boat એકદમ figure out થઈ મને દરિયા પાર લઈ જાય. 



    એક એક વિષય figure out થવો જોઈએ એવો basic rule મને photographyમાં જંપલાવ્યા પછીના ઘણા વર્ષો પછી ધ્યાનમાં આવેલો પણ આ નિયમની ખબર વગર ‘આંખને જે આકર્ષે તે ઉત્તમ’ની inbuilt સમજની આંગળી પકડિ મેં દીવનો દરિયો અને આ દરિયાલાલની છાતી પર તરતી હોડીઓને મારા કેમેરામાં કંડારી. 




      મારા વતન ભાવનગરથી દીવ ટાપુ આવવાનું મૂળ કારણ તો ઐતિહાસિક દીવ કિલ્લો હતું આથી આવા એકાદ-બે રોકાણ પછી અમે અમારા ફટફટીયાને દીવ આઈલેન્ડ પર આવેલા દીવ કિલ્લે દોરી ગયા અને ઑટોમન એટલે તુર્ક સામ્રાજ્યના ઘણા હુમલાઓ વચ્ચે માત્ર છ મહિનાની અવધિમાં પોર્ટુગીઝે બાંધેલા પાંચસો વર્ષ પ્રાચીન કિલ્લે પહોંચ્યા.



    કિલ્લે પહોંચ્યા પછી વિચાર આવ્યો કે સોળમી સદીના ગુજરાતના મહત્વના બંદર એવા દીવના દરિયામાં ધરબાઈને પડેલા એ ઐતિહાસિક દિવસો કેવા હશે જયારે દીવના બંદરે ઈથોપિયાથી હાથીદાંત, માખણ-મીણ, ગુલામો અને વણિયર [Civet] જેવા રુવાંટી જેવા વાળ ધરાવતા નિશાચરી સસ્તન પ્રાણીઓ આયાત થતાં અને ભારતના કાપડની નિકાસ થતી. 




     એ વિચાર મમળાવતા અમે નાનકડા પુલને ઓળંગીને કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારે પહોંચ્યા. ત્રણ બાજુએથી હિંદ મહાસાગરના ભાગ એવા અરબી સમુદ્રથી ઘેરાયેલા આ ઐતિહાસિક દીવ કિલ્લાની કોઈ પ્રવેશ ટિકિટ તો નોહતી એટલે અમે, બેરોકટોક, અંદર પ્રવેશ્યા.



કહે છે કે ગુજરાતના સુલતાન બહાદુર શાહે મુઘલ સમ્રાટ હુમાયુના આક્રમણથી બચવા પોર્ટુગીઝો સાથે એક સંધિ કરી હતી એટલે એ સંધિ નિમિત્તે સહર્ષ દીવ બોલાવેલા આ દરિયાખેડુ પોર્ટુગીઝો તો આવા રાજદ્વારી આમંત્રણ પહેલા પણ સો-સો મોટા જહાજો અને આઠ હજાર સૈનિકો સાથે એકાદ-બે વખત દીવ પર શાસન જમાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરી ચૂકેલા પરંતુ ૧૫૩૪માં તો રંગેચંગે જાણે કંકોત્રી મળી હોય તેમ આવ્યા; જૂનો કિલ્લો પાડ્યો; નવો મજબૂત કિલ્લો બાંધ્યો અને ત્રણ વર્ષની અંદર-અંદર તો દીવના બંદરે એકાદ સોદાબાજીની બોલાચાલીમાં ગુજરાતના સુલતાન બહાદુર શાહને પોર્ટુગીઝે મારી નાખ્યા અને એ વખતથી છેક ૧૯૬૧ના ડિસેમ્બર સુધી, ઓલમોસ્ટ, પાંચસો વર્ષો સુધી દીવ જેવા દૈદીપ્યમાન દરિયે આ વિશાળ-વિરાટ કિલ્લાની અંદર પોર્ટુગીઝ સૈન્યની સુરક્ષા હેઠળ તેઓ સુખેથી રહ્યા.



    અમે સદીઓ પહેલા વિશ્વના સોળ દેશોમાં ગ્લોબલ સ્કેલ પર શાસન જમાવનાર પોર્ટુગીઝના સોળ દેશોમાં રહેલા ઉત્તમ સ્થાપત્યોમાંથી સાત અજાયબીઓમાંના એક ગણાતા દીવના કિલ્લામાં પગ મુક્યો કે તરતજ સેન્ટ જ્યોર્જ લખેલો બુરજ દેખાણો અને દેખાણો પોર્ટુગીઝ ભાષામાં ઉકેલવો અઘરો એવો એક શીલાલેખ કે stone inscription પણ. 



      એક કાળમાં પોર્ટુગીઝ રઈસો-ઉમરાવોનું ઘર ગણાતો અને ભારતનો સૌથી મોટો યુરોપિયન કિલ્લો જુલાઈના સૂર્ય પ્રકાશની અવર-જવર વાળા વાદળીયા આકાશ નીચે વડવાઈ જેવા ઊંડા મૂળિયાં નાખીને સ્થિર-અવિચળ ઉભો હતો. તેની ૮૬ ફુટ જેવી ઊંચાઈ અમને ઉપર નજર કરવાનું કહેતી હતી અને તેર હજારથી વધુ એકરમાં પથરાયેલું તેનું મજબૂત અસ્તિત્વ અમને પોર્ટુગીઝની potentialityને સ્પર્શી લેવાનું કહેતું હતું. 



      આવા મૌન સંદેશાઓ જીલીને મેં day lightની againstમાં આકાશની અડધી સાક્ષીએ એક vertical અને એક horizontal સંયોજન અંકે કર્યું. કિલ્લાના open to sky વિસ્તારમાં પ્રવેશતી day લાઈટે એ સંયોજનમાં એવા પ્રાણ પૂર્યા  કે માટી વાળી આછી ગેરુવા floor તેના ખરબચડા અંદાજે ચમકિ ઊઠી અને લાકડાના તોતિંગ પ્રવેશદ્વારેથી આવતા પ્રકાશે કિલ્લાની brick worked દિવાલો, પગથિયાં, ઓટલા-ઓટલી અને ચાર-પાંચ બારીઓને જાણે પ્રકાશના ઉજળા પોતથી સભર કરી.



    વર્ષ ૨૦૦૧માં છબીકલામાં છબછબિયાં કરતી મેં ખંભાતના અખાતના મુખપ્રદેશે ઉભેલા દીવના આ લેન્ડમાર્કની અંદરની કમાનોને જીલી ત્યારે પણ ખરબચડી brick worked દિવાલોએ કિલ્લાના પ્રાચીન હોવાના mood અને માહોલને જાણે ટેકો કર્યો અને કહ્યું કે છબીકલાના વિષય, પ્રકાશ અને સંયોજનના ત્રિવેણી સંગમમાં પ્રકાશનો ખેલ તો પારાવાર અગત્યનો છે. 



      પ્રકાશના આવા ખેલને અંકે કરવા ઉત્સુક એ દિવસોની રોલ ફિલ્મની ફોટોગ્રાફીમાં View finder તો હોય પરંતુ કેવો ફોટો પડ્યો એવું જોવા-જાણવાની screen ન હોય તેવા preview-review વગરના એ દિવસોમાં અમે કિલ્લાના એ ભાગે પહોંચ્યા જ્યાં...

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.