Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

ભારતીય ઉનાળાની ગરમીથી બચવા અંગ્રેજોએ ૧૯મી સદીમાં સેનાના કેન્ટોનમેન્ટ અને આરોગ્ય કેન્દ્રો તરીકે હિલ સ્ટેશનો વિકસાવ્યા. શીમલા, દાર્જીલિંગ અને ઊટી જેવા સ્થળો દુર્ગમ પરિસ્થિતિઓમાં વસાવવામાં આવ્યા હતા, જે આજે પણ પ્રવાસીઓ માટે ઉનાળામાં કુદરતી સૌંદર્ય અને ઠંડક મેળવવાનું મુખ્ય આકર્ષણ છે.

 આ ઉનાળા વેકેશનમાં તમે ક્યાં જવાના?  શીમલા, મનાલી,  મસૂરી,  દેહરાદુન,  પંચમઢી,  ઊટી  કે ક્યાંય દૂર ન જવું હોય તો આપણું માઉન્ટ આબુ તો છે જ. મેદાની પ્રદેશના લોકો ઉનાળામાં તરોતાજા થવા હિલ સ્ટેશન તરફ દોટ લગાવે છે. મેદાની પ્રદેશમાં ‘લુ ‘  વાતી હવાથી વિપરીત ઊંચા  પહાડો પર સ્થિત આ હિલ સ્ટેશન ઉપર તાપમાન  થોડું નીચું અને સહ્ય હોય છે. 



મૂળે આ હિલ સ્ટેશનનો ખ્યાલ અંગ્રેજોનો છે. ઠંડા પ્રદેશની આ પ્રજાને  ભારતીય ઉનાળો એક સજા જેવો લાગતો. ત્યારે ગરમીથી બચવા આ ગોરા સાહેબ- ગોરી મેડમો નોકર- ચાકર,  કચેરીઓ સહિત ઉનાળામાં હિલ સ્ટેશનોમાં ‘ટ્રાન્સફર’  થઈ જતા. આ પરંપરા આપણો દેશ આઝાદ થયો ત્યાં સુધી જળવાઈ રહી.  સૌ પ્રથમ તો આ હિલ સ્ટેશન્સ  હિમાલય પર્વતમાળાના નીચેના ભાગના  વિસ્તારોમાં સ્થપાયા હતા.  ૧૮૧૬માં ‘એંગ્લો- નેપાલીઝ યુદ્ધ’ માં નેપાળનો પરાજય થયો. ‘સાંગૌલી’ નામે એક સંધિ- કરાર થયો. આ સંધિથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને હિમાલયના ગઢવાલ,  કુમાઉ અને દેહરા જેવા વિસ્તારો પર કબ્જો મળ્યો. સુરક્ષાની દ્રષ્ટીએ આ વિસ્તાર સંવેદનશીલ ગણી અંગ્રેજોએ  સૌ પહેલા ત્યાં સેનાના કેન્ટોનમેન્ટ વસાવ્યા. 



     ‘બંગાળ આર્ટીલરી’ના એક ઓફિસર ચાર્લ્સ પ્રેટ કેનેડી કે જેઓ શીખ અને હિલ્સ અફ્રેર્સના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ પણ હતા તેમના દ્વારા શીમલાને વિકસાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે ૧૮૨૦માં પ્રથમ કાયમી રહેઠાણ ત્યાં બનાવ્યું હતું.જે તેમના નામથી ‘કેનેડી હાઉસ ‘ તરીકે જાણીતું થયું.  તે પહેલાની વાત કરીએ તો એ વિસ્તારોમાં ત્યાંના  સ્થાનિક આદિજાતિ લોકોના ઝુંપડા હતા. એ વિસ્તારમાં આવેલ એક દેવીના મંદિર પરથી તે વિસ્તાર ‘શ્યામલા’ ના નામે ઓળખાતો હતો તો આગળ જતાં આ શબ્દ  અપભ્રંશ થઈને ‘ શીમલા’  થયો.  ત્યારબાદના વર્ષોમાં શીમલાનો ક્રમશઃ વિકાસ થતો ગયો. લોર્ડ એમહર્સ્ટ એ પ્રથમ ગવર્નર જનરલ હતા કે જેઓ ૧૮૨૭માં શીમલા ખાતે પધાર્યા અને ‘કેનેડી હાઉસ’ માં બે મહિના જેટલું રોકાણ કર્યું.ત્યારથી માંદી છેક છેલા વાઇસરોય લોર્ડ લુઇસ માઉન્બેટન શીમલા ખાતે ઉનાળામાં રોકાણ કરતા રહ્યા હતા.  આગળ જતાં શીમલા અંગ્રેજ સરકારને એટલું માફક આવ્યું કે ૧૮૬૪માં શીમલાને ભારતની ઉનાળુ રાજધાની જ ઘોષિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મસૂરીને પણ વિકસાવવામાં આવ્યું. 



     હવે જઈએ ભારતના પૂર્વ ભાગ તરફ જ્યાં આવેલું છે હિલ સ્ટેશન –દાર્જિલિંગ. વર્ષ ૧૮૩૫ માં સિક્કિમના રાજાએ દાર્જીલિંગ અંગ્રેજોને  ‘ગિફ્ટ’  માં આપ્યું હતું ! પરંતુ એ પહેલા આ રાજા દ્વારા આ જગ્યા માટે પ્રતિ વર્ષ ૩૦૦ પાઉન્ડ જેટલું ભાડું અંગ્રેજો પાસેથી લેવાતું રહેલું. ડો. આર્કિબાલ્ડ કેમ્પબેલ દાર્જીલિંગના  પ્રથમ સુપ્રિટેન્ડન્ટ  હતા. તેમણે આ જગ્યાનો સૈન્યના થાણા તથા બીમાર બ્રિટિશ સૈનિકોની સારવારના કેન્દ્ર તરીકે ઉપયોગ કરવાનો શરૂ કરેલો. ૧૮૧૮ થી ૧૮૬૦ દરમિયાન અંગ્રેજોએ ભારતમાં કુલ-૬૫  જેટલા હિલ સ્ટેશન સ્થાપી દીધા હતા. તે પૈકીના મોટાભાગના હિલ સ્ટેશન ૧૮૩૦ થી ૧૮૪૦ દરમિયાન જ વિકસાવવામાં આવેલા. 



     અન્ય હિલ સ્ટેશનની વાત કરીએ તો મૈસૂરના રાજવી ટીપુ સુલતાનના  મૃત્યુના ૨૦ વર્ષ બાદ ૧૮૧૯ના વર્ષ  પછી કોઇમ્બટૂરના કલેકટર જહોન સુલીવનની ભલામણથી ‘ઉટકમંડ’  નામની જગ્યાને હિલ સ્ટેશન તરીકે વિકસાવવાનું શરૂ થયેલું. આ જગ્યાને આજે આપણે ‘ઊટી’  તરીકે ઓળખીએ છીએ. ‘રાજપૂતાના’   તરીકે ઓળખાતા પ્રદેશમાં સિરોહીના રાજા રાવ શેઓસિંહ હસ્તક માઉન્ટ આબુ વિસ્તાર આવેલો હતો જે ૧૮૪૫થી બ્રિટિશ પોલિટિકલ એજન્ટના નિવાસસ્થાન તરીકે વપરાતો હતો. રાજાએ આ વિસ્તારના વપરાશ માટે અંગ્રેજોને શરતી મંજૂરી આપી હતી.ત્યારબાદ ‘આબુ’ એ હિલ સ્ટેશન તરીકે પ્રચલિત થયું.  



     ભારત ઉપરાંત જે વિસ્તાર આઝાદી બાદ પાકિસ્તાનમાં ગયો તેવા ‘મૂરી’ વિસ્તારને પણ અંગ્રેજોએ  હિલ સ્ટેશન તરીકે વિકસાવેલો. ૧૮૪૯માં ‘પંજાબ’ પર વિજય મળતા આ વિસ્તાર બ્રિટિશરોની હુકુમત હેઠળ આવી ગયો.ત્યારબાદ હિમાલયની પશ્ચિમ ભાગમાં આવેલા આ વિસ્તારને  વિકસાવવાનું શરૂ થયું હતું. 



 અહીં ખાસ નોંધવું પડે કે આ હિલ સ્ટેશનોનો  વિકાસ તે સમયે થયો હતો કે જ્યારે ત્યાં પહોંચવાના રસ્તા ન હતા. વાહનોની સુવિધા ન હતી. બળદગાડામાં-પાલખીઓમાં સામાન લાવવામાં આવતો. તમામ વસ્તુઓ મેદાન પ્રદેશથી પહાડી ઉપર લાવવામાં આવતી. આ તમામ હાડમારીઓ છતાં પહાડો પરની ખુશનૂમા આબોહવા- કુદરતી સૌંદર્યને કારણે અંગ્રેજોએ હિલ સ્ટેશનોને  વિકસાવતા રહ્યા. સૌ પ્રથમ સૈન્યના થાણાં  તરીકે અને સૈનિકો બીમાર હોય તો તેમની ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’  થકી અહીં સારવાર કરવામાં આવતી. આમ, આરોગ્યને લગતી સુવિધાઓ પણ અહીં  વિકસાવવામાં આવેલી. આજે પણ ઉનાળામાં ખાસ મેદાની પ્રદેશના લોકો ટ્રાફિક જામ થઈ જાય તે હદની ભીડ લગાવી આ હિલ સ્ટેશન પર આનંદ માણવા પહોંચી જાય છે. 

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે