૧૯૯૯ની સાલમાં મહાબલિપુરમના કોરોમંડળ તટે વિશ્વના સૌથી મોટા રૉક-કટ રિલીફની મુલાકાતનું આ એક જીવંત સ્મરણ છે. પાષાણ પર કંડારેલા ગંગા-અવતરણ, ૧૪૬ પૌરાણિક પાત્રો અને ફોટોગ્રાફીના શોખ વચ્ચે, લેખિકાએ પલ્લવ રાજવીઓના આ અદભુત સાંસ્કૃતિક વારસાને પોતાની સ્મરણ-જોળીમાં અત્યંત કલાત્મક રીતે ગૂંથ્યો છે.
૧૯૯૯ના કારતક મહિનાની સવારના તાજ્જા તડકે પંચરથ સ્મારકો કર્યા પછી ત્યાંથી અમે, મહાબલિપુરમમાં ઘૂઘવતા, બંગાળના ઉપસાગરના કોરોમંડળ સમુદ્રતટની હૂંફાળી હવાની લહેરખીઓ વચ્ચે વિશ્વના સૌથી વિશાળ, ૯૬x૪૩ ફૂટના, open-air rock cut reliefને જોવા ગયા. આ rock-cut relief કુલ બે મહાકાય ખડકો કે શીલાઓ પર રાજા ભગીરથે ગંગા અવતરણ [Descent of the Ganga] માટે કરેલું તપ કે ધનુર્ધર અર્જુને આદિદેવ શિવ પાસેથી પાશુપતાશ્ત્ર પ્રાપ્ત કરવા કરેલા તપની [Arjun’s Penance] પૌરાણિક કથા અને તેના પાત્રોનું નિરૂપણ લઈને છેલ્લા ૧૨૦૦ વર્ષોથી લાખો-કરોડો પ્રવાસીઓને અને નિષ્ણાંત અભ્યાસુઓને આકર્ષતું ઉભું હતું.

બંગાળના ઉપસાગરના કોરોમંડળ સમુદ્રતટની લહેરખીઓ વચ્ચે અમે આ પૂર્વાભિમુખ સ્મારક સુધી પહોંચ્યા ત્યારે લાગ્યું કે પલ્લવ હેરીટેજ સાઈટ ગણાતું અને મહાબલિપુરમના અવર-જવરના માર્ગે ખુલ્લામાં રહેલું આ rock-cut સ્થાપત્ય પણ UNESCOના Group of monuments in Mahabalipuramનો ભાગ હતું. સાંસ્કૃતિક ધરોહરની કલાત્મક ઓઢણી પહેરીને સાતમી સદીથી લહેરાતા આ સ્થાપત્યને સૂર્ય નારાયણના પૂર્ણ પ્રકાશમાં અવલોકતા આંખ અંજાય જાય એટલું તેવું સત્વ-તત્વ ઝગારા મારી રહ્યું હતું.

કહે છે કે ચાલુક્ય શાસક પુલકેશી બીજા પરની જીતને ઉજવવા બે વિશાળ ખડકો પર કંડારેલુ આ જાડુ-દળદાર relief work સમગ્ર વિશ્વમાં આપણા ભારતનો ડંકો વગાડતું બાર-બાર સદીઓથી અવિચળ ઉભું છે. મહાન યોધ્ધા ગણાતા પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમની આ outstanding ભેટ મહાબલિપુરમમાં ઘૂઘવતા કોરોમંડળ સમુદ્ર તટથી થોડી જ દૂરી પર હોવાથી દરિયે જતાં સૌ પ્રવાસીઓ કે તટ મંદિરે જતાં સૌ સ્થાપત્ય પ્રેમી પ્રવાસીઓને અમે અહીં આવતાં-જતાં જોયા.

મજા એ હતી કે કારતક મહિનાની સવારે અમે પંચરથ સ્મારકો કવર કરી દસેક વાગ્યા આસપાસ અહીં આવ્યા ત્યારે આ પૂર્વાભિમુખ સ્થાપત્યનો pink granite તો ચમકી જ રહ્યો હતો પરંતુ એ rough and raw દાણેદાર અને ખરબચડી સપાટી પર કંડારેલા જાડા દળદાર stone reliefનો ઉભાર એક એક life size પૌરાણિક પાત્રોને સ્પર્શવાનું મન કરાવતો હતો.
એવા ઉત્સાહિ મનને અંકુશમાં રાખી મેં જ્યારે વિશ્વના સૌથી મોટા ગણાતા rock-cut releifને મારી સ્મરણ જોળીમાં ભરવાનું શરૂ કર્યું ત્યારે બા અને સુભાષે મને ફોટોગ્રાફિ કરવાનો અવકાશ આપવા છાયાવાળી એકાદ ઓટલી કે પગથીયું શોધી લીધું હતું જ્યાં બેસીને સુભાષે તો તેની ટેવ મુજબ થેલામાંથી પુસ્તક કાઢી વાંચવાનું શરુ કર્યું અને બા પ્રવાસીઓને અવલોકતી નિરાંતે બેઠી.

કુલ ૧૪૬ જેટલા પૌરાણિક પાત્રો, પશુઓ, ગણો-ગંધર્વો, વિદ્યાધરો, અપ્સરાઓ અને દેવતાઓની પ્રતિમાઓથી પવિત્ર આ rock-cut reliefના મહાકાય ખડકાળ canvas પર મેં સૌ પ્રથમ Life size બે હાથીઓના લીસ્સા relief કે ઉભાર-ઉપસાવનો ફોટો પાડ્યો અને પછી કેટલાક અર્ધ મનુષ્ય-અર્ધ પશુપંખીના anthropomorphic એટલે ગેર-માનવીય પશુ-પક્ષીઓને આપાયેલી માનવ આકૃતિઓની ખડક પર કંડારેલી પ્રતિમાઓને પણ કચકડે મઢી.

બે વિશાળકાય ખડકો વચ્ચે રહેલી ઊભી તિરાડ-ચિરાડ કે ફાંટ આસપાસ આલેખેલી stone-reliefની પેનલ્સની પેનલ્સમાં મનુષ્ય અને પશુઓ એક જ સર્જનના અંશો છે તેવું દર્શાવતા anthropomorphic figure ઉપરાંત વીણા વગાડતા કિન્નરો, રાજા ભગીરથ સાથે ગંગા અવતરણને અવલોકતા શિવ અને શિવના ગણોના relief જોઈ જોઈને હું તો એક પછી એક સૌને મારી જોળીમાં એવી રીતે ભરવા લાગી જાણે હું ખડકો પર કંડારેલા શિલ્પોનો પ્રાચીન ખજાનો ન લૂંટતી હોવ !

આવી લૂટમાં મેં બે વિશાળકાય ખડકો પર આલેખાયેલા ૧૪૬ જેટલા શિલ્પોમાં ડાબી બાજુના ખડક પર રહેલા શિવના શિલ્પ સાથે પંચતત્વો અને પંચેન્દ્રિયો નિરૂપતા વામન કદના પાંચ dwarfને પણ કેમેરામાં જીલ્યા અને બરાબર તેની બાજુમાં એક પગે ઉભેલું એક શિલ્પ હતું જેને ભગીરથ રાજાએ ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા કરેલું તપ કે અર્જુને પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કરવા કરેલું શિવનું તપ ગણીને ચાલીએ તો આ બંને પૌરાણિક કથાઓ અહીં બખૂબી આલેખાયેલી વાંચી શકાતી હતી.
મહાભારત જેવા મહાકાવ્યની આવી પૌરાણિક કથા નિરૂપતા આ શિલ્પોને જોઈને મારો અંગ્રેજી-સંસ્કૃત સાથે સ્નાતક-અનુસ્નાતક અને B Ed કરેલો બ્રાહ્મણ જીવડો જાગી ગયો અને મને મહાકવિ ભારવિ દ્વારા રચિત ‘કિરતાર્જુનીયમ્’ નામનું વીરરસ પ્રધાન સંસ્કૃત મહાકાવ્ય યાદ આવ્યું અને વનવાસ દરમિયાન અર્જુને શિવ પાસેથી પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કરવા કરેલા તપની કથા પણ યાદ આવી.
સિધ્ધો, ગણો, ગંધર્વો વિદ્યાધરો અને યક્ષોથી સભર ડાબી બાજુના વિશાળકાય ખડક પર કોઈ પુરાણ કથા મળી જશે એવા લોભે કેમેરો ફેરવતા મને એક વિષ્ણુ મંદિર જડી આવ્યું જેની આસપાસ પ્રાણીઓ, તપસ્વીઓ અને દિવ્ય-અલૌકિક, આકાશી તત્વો તો આલેખાયેલા જોવા મળ્યા જ પરંતુ ઈંદિરા ગાંધીના શાસન વખતની દસ રૂપિયાની નોટમાં છપાયેલા બે હરણો પણ Bas-reliefના દળદાર શિલ્પોમાં કંડારાયેલા જોવા મળ્યા જે શ્રીમતી ઈંદિરા ગાંધીની મહાબલિપુરમની મુલાકાત પછી દસની નોટમાં છપાયા હતા.

વન્ય અને પાલતું પશુઓ, હાથમાં સંગીતના વાદ્યો સાથેના અર્ધમનુષ્ય-અર્ધ પંખીઓ અને પંચતંત્રની કથાની દીર્ધકર્ણા જેવી કપટી બિલાડીના rock-cut relief કે શિલ્પોને સંયોજતી હું બંને ખડક વચ્ચેની તિરાડની બંને બાજુઓ પર, દેવો-મનુષ્યોની આભા-aura દર્શાવતા, અર્ધ વર્તુળો વાળા સૂર્ય-ચંદ્રના માનવ શિલ્પને સંયોજતી હતી ત્યાં ઘણી બધી બકરીઓને તેતાલીસ ફૂટ ઊંચા ખડક પરથી પસાર થતી જોઈ અને મેં એ જ વખતે ફોટો પાડ્યો ત્યારે ફોટા પાડતી વખતે ફોટામાં રહેલા બધા વિષયો figure out થવા જોઈએ એ સમજ તો નોહતી જ પરંતુ બકરીઓ જતી રહેશે તો આ સંયોજન નહિ મળે તેવો ભય પણ હતો.
Anyways, મહાબલીપુરમના અવર-જવરના રસ્તાની ધારે રહેલા આ વિશાળ rock-cut reliefના ડાબા ખડક પરના પૌરાણિક પાત્રો, કથાઓ હરણ-હંસલા, સિંહ-વાનર, શિવ-અર્જુન અને ભગીરથ રાજાને જોઈ-જીલીને જમણા ખડક પરના આકાશમાં ઉડતા હોય તેવા celestial bodiesના અલૌકિક figuresને પણ જીલ્યા ત્યારે બે ખડક વચ્ચેની ફાંટ કે તિરાડમાં કંડારેલું [Snake princess] નાગ કન્યાનું દળદાર શિલ્પ જોયું અને ફરી એક વખત મહાભારતની કથાના પાના ખુલ્યા કે ભાઈ, આ નાગકન્યા કોણ હતાં અને કોની પત્ની હતાં.

Solid કે living rock પર આલેખાયેલું આ વિશાળ open air rock-cut relief વિશ્વનું સૌથી મોટું rock-cut relief હતું તેની ખબર તો પછી પડી પરંતુ સમુદ્રાભિમુખ આ સ્મારકે મને આજથી, almost, છવ્વીસ વર્ષ પહેલા bas-releifની સદીઓ પ્રાચીન rock artમાં ડૂબાડી અને વચ્ચે તિરાડ ધરાવતાં બે મહાકાય પાષાણો પર કંડારેલા શિલ્પોને મેં સૂર્ય પ્રકાશની ઓથે જીલીને સિંહમુખ વાળા સ્તંભોના એક સ્મારકને લીલાછમ દેશી વૃક્ષના સાનિધ્યે જીલ્યું ત્યારે વારંવાર મારા સંયોજનોમાં હાજરી પુરાવતી બકરીઓ તો હતી જ પરંતુ સુર્ય પ્રકાશનો છાયો-પડછાયો પણ મારા કેટલાક compositionsને સુંદર બનાવી રહ્યો હતો.
ગોખલા અને ગવાક્ષો વગરના આ open-air rock-cut releifના પૌરાણિક પાત્રો અને કથાઓ નિરૂપતા વિશાળ horizontol સ્મારકના શિલ્પોને focus કરી કરીને ફોટોગ્રાફિ કરવામાં મેં, મારી કુટેવ મુજબ, સમગ્ર સ્મારક અને તેના માહોલને આવરી લેતાં wide angle ફોટા ઓછા પાડ્યા તેના ચપટીક રંજ સાથે અમે સવારના સૂર્ય પ્રકાશમાં મહાબલિપુરમમાં સ્થિત કુલ ચાલીસ Ancient monumental sitesમાંથી જૂના લાઈટ હાઉસ તરીકે પણ જાણીતા ઓલાક્કનેશ્વર મંદિરે જવા નીકળ્યા ત્યારે ભારતની religious rock-cut સ્થાપત્ય શૈલી અભ્યાસનો એક વિષય છે એવું અનુભવાયું અને એવું પણ થયું કે ભારતના કુલ ૧,૫૦૦ Rock-cut structuresમાંથી જીવતે જીવ હું કેટલા Monolithic rock cut મંદિરો કે સ્મારકો એક્ષ્પ્લોર કરી શકીશ ....
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.