૧૯૬૫માં કચ્છ સરહદે પાકિસ્તાની અતિક્રમણ અને 'ઓપરેશન ડેઝર્ટ હોક' સામે ભારતીય દળોએ મક્કમતાથી લડત આપી. આ સંઘર્ષના અનુભવે સાબિત કર્યું કે સરહદો માટે વિશેષ સુરક્ષા દળ અનિવાર્ય છે, જે પરિણામે ૧ ડિસેમ્બર, ૧૯૬૫ના રોજ 'બોર્ડર સિક્યુરિટી ફોર્સ' (BSF) ની રચનાનું નિમિત્ત બન્યું.
વર્ષ ૧૯૬૪ અને ગરમી વરસાવતો મે મહિનો.
કચ્છ ખાતે ભારત તરફના વિસ્તારોમાંથી ત્રણ પાકિસ્તાની સૈનિકો ઝડપાયા. સ્થાનિક પોલીસ આગળ તેમણે વિનવણી કરી કે તેઓ આ વિસ્તારમાં ભૂલા પડ્યા છે. પોલીસે આ મામલાને આગળ રિપોર્ટ ન કરતા ત્યાં જ પૂર્ણ કરી દીધો.
ત્યારબાદ ૨૦ જાન્યુઆરી, ૧૯૬૫ના રોજ કચ્છ સરહદે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ૧૮ માઇલ જેટલો કાદવીયો રસ્તો જોવા મળ્યો. જે રસ્તો સુરાહી ખાતેની પાકિસ્તાનની પોસ્ટને દીંગ સાથે જોડતો હતો. એ સમયે ભારત- પાકિસ્તાનના સૈન્ય વચ્ચે નાના- નાના છમકલાં થતા રહ્યા, એક-બીજા સામે ફરિયાદો પણ કરવામાં આવતી રહી. તે દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ‘કંજરકોટ’ નામના વિસ્તાર પર પોતાનો દાવો રજૂ કર્યો. બળતામાં ઘી ઉમેરતા અયુબ ખાનના વિદેશ મંત્રી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ પાકિસ્તાનની ૩૫૦૦૦ ચોરસ માઇલ જેટલી જમીન ભારતના અવૈધ કબજામાં છે તેવા સ્ટેટમેન્ટ આપ્યા.
આ તમામ ગતિવિધિઓ પાણીમાં પથ્થર નાખીને જળની ઊંડાઈ માપવાની ગણી શકાય. અયુબખાને ભારતની (સુરક્ષાની) ઊંડાઈ માપીને રામનવમીના દિવસે, ૯ એપ્રિલ, ૧૯૬૫ના દિવસે વિઘાકોટ નજીકની ભારતની સરદાર પોસ્ટ ઉપર આક્રમણ કર્યું. આ પ્રથમ હુમલાને ત્યાં તૈનાત સી.આર.પી.એફ.એ ખાળી દીધો. પાકિસ્તાને પ્રથમ નિષ્ફળ આક્રમણથી શીખ મેળવતા વધુ મોટો હુમલો કર્યો. જેનો યોગ્ય પ્રતિકાર સી.આર.પી.એફ ન કરી શક્યું અને તેમણે વિઘાકોટ સુધી પરત આવવું પડ્યું. થોડા સમય બાદ સી.આર.પી.એફ એ વિઘાકોટથી વધુ સંગઠિત હુમલો કરતા ગુમાવેલી સરદાર પોસ્ટ પરત મેળવી. આ લડાઈમાં પાંચ પાકિસ્તાની સૈનિકોને ‘યુદ્ધ કેદી’ તરીકે પકડવામાં આવ્યા જેમની પૂછતાછથી કંજરકોટ વિસ્તાર પર પાકિસ્તાનની સંપૂર્ણ કબજાની યોજના ખુલ્લી પડી ગઇ.
ત્યારબાદ થોડા દિવસની શાંતિ રહી પરંતુ આ યુદ્ધ પહેલાંની શાંતિ હતી. હવે ૨૪ એપ્રિલ, ૧૯૬૫ની તારીખ આવી અને પાકિસ્તાનની ગાદીએ બેસેલા અયુબ ખાનની મહત્વકાંક્ષાએ તેમને ભારત સામે ‘ઓપરેશન ડેઝર્ટ હોક’ લોન્ચ કરવા પ્રેરણા આપી. આ ઓપરેશન માટે એક ઇન્ફન્ટ્રી ડિવિઝનને ક્વેટાથી કચ્છ- સિંધ સરહદ તરફ રવાના કરવામાં આવી. તેમને સરદાર પોસ્ટ, બીયાર બેટ, વીઘાકોટ અને પોઇન્ટ -૮૪ એમ ભારતના ચાર સ્થળો લક્ષ્યાંક તરીકે આપવામાં આવ્યા. ભારત આ ચારમાંથી ત્રણ જગ્યાઓને સુરક્ષિત રાખી શક્યું પરંતુ પોઇન્ટ -૮૪ પરનો પોતાનો કબજો તેણે ગુમાવવાનો વારો આવ્યો.
આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન હેરલ્ડ વિલ્સને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરી. બંને પક્ષ દ્વારા ૧ જુલાઈ, ૧૯૬૫ના રોજથી યુદ્ધવિરામ માટે સંમતિ આપવામાં આવી. ત્યારબાદ પણ તે જ વર્ષમાં મે- જૂન મહિનામાં કચ્છ સરહદે વચ્ચે નાના- નાના છમકલાં થતા રહ્યા. તે દરમિયાન બંને દેશો વચ્ચે થયેલ સમજૂતી મુજબ બંને દેશોએ પોતાના સૈન્યને ૧ જાન્યુઆરી, ૧૯૬૫ની સ્થિતિ એ તેઓ જ્યાં હતા તે વિસ્તારોમાં મોકલી આપવાનું નક્કી કર્યું પરંતુ દીંગ - સુરાઈ વચ્ચેનો ૧૮ માઈલના કાદવીયા રસ્તાનું પેટ્રોલિંગ કરવાનો પાકિસ્તાનને હક આપવામાં આવ્યો. આ આંતરરાષ્ટ્રીય સમજૂતીથી તત્કાલીન ભારતીય સરકાર જનતાના રોષનો ભોગ બની અને તેની ટીકા થતી રહી.
આ યુદ્ધમાં ભારત કરતાં પાકિસ્તાનને વધારે નુકસાન પહોંચ્યું હતું. સરદાર પોસ્ટ ઉપર થયેલી લડાઈમાં તેના ૩૪ સૈનિકો માર્યા ગયા હતા.વધુમાં તેના ૫ સૈનિકો ‘યુધ્ધકેદી’ તરીકે પણ પકડાયા હતા. ત્યારબાદ કચ્છ ખાતે ભારત- પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદની આંકણી માટે ત્રણ સભ્યોનું ટ્રિબ્યુનલ બનાવીને આગળની કાર્યવાહી કરવામાં આવી.
આ સમગ્ર મામલામાંથી ભારતે શું શીખ મેળવી? એ જ કે બંને દેશોની સરહદોની સુરક્ષા માટે રાજ્યની પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. તે સમયે જે તે રાજ્યની પોલીસ આ સરહદોનું પેટ્રોલિંગ કરતી હતી. નવી વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે માટે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ. જનરલ કુમારમંગલમની આગેવાની હેઠળ એક અભ્યાસ જૂથ રચવામાં આવ્યું. જેણે સોંપેલા અહેવાલ પરથી સિનિયર પોલીસ અધિકારીના નેજા હેઠળ એક નવા ‘સરહદી દળ’ ની રચના કરવી તેમ નક્કી કરવામાં આવ્યું. આ દળના પ્રથમ ડી.જી કે.એફ. રૂસ્તમજીના આગ્રહથી આ ‘બોર્ડર ફોર્સ’માં વચ્ચે ‘સિક્યુરિટી’ શબ્દ ઉમેરવામાં આવ્યો અને ૧ ડિસેમ્બર, ૧૯૬૫ના રોજ ‘બોર્ડર સિક્યુરિટી ફોર્સ’ – ‘સીમા સુરક્ષા દળ’ ની રચના થઈ.જે આજે ભારતની સરહદોની ઢાલ બની રહી છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે